રાજકારણની નૈતિકતા અને નૈતિકતાનું રાજકારણ

0
312
Photo Courtesy: latestly.com

જ્યારે પણ દેશમાં કોઈ મોટી રાજકીય ઘટના બનતી હોય છે ત્યારે ‘તટસ્થ રાજકીય વિશ્લેષકો’ પોતાની હોંશિયારી બતાવવા માટે બહાર તો આવે છે પરંતુ તેમની તટસ્થતા કાયમ ખુલ્લી પડી જતી હોય છે.

ગઈકાલે વહેલી સવારે મહારાષ્ટ્ર અને દેશના રાજકારણમાં થયેલા ધડાકાએ ફરીથી ઘણાબધા લોકોના ચહેરા ખુલ્લા પાડી દીધા હતા. આ ખુલ્લા પડેલા ચહેરાઓ આમતો વારંવાર આ રીતે ખુલ્લા પડતા રહેતા હોય છે પરંતુ તેમ છતાં દર વખતે તેમની આ ખુલ્લા પડી જવાની પ્રક્રિયા જોવાની મજા પણ એટલીજ આવે છે. મજાની વાત એ છે કે એ ખુલ્લા પડેલા ચહેરાઓમાં બિનરાજકીય વ્યક્તિઓ અને રાજકીય વિશ્લેષકો પણ કાયમ ખાતે સામેલ હોય છે.

મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ છેલ્લા વીસ પચીસ દિવસથી તરલ હતી. એક સમયે જ્યારે એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં વિપક્ષમાં જ બેસશે ત્યારેજ એક ‘મોટો ખેલ પડી ગયો’ અને ગઈકાલે વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે અનુક્રમે મુખ્યમંત્રી તેમજ ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ લીધા અને પોતાને બળપૂર્વક કાયમ ‘તટસ્થ’ રાજકીય વિશ્લેષક ગણાવતા વ્યક્તિઓને આ ઘટનાની કળ વળતા વળતા લગભગ સાંજ પડી ગઈ હતી.

પરંતુ ત્યારબાદ ગઈ સાંજે આ ‘તટસ્થ વિશ્લેષકોએ’ પોતાની ભાજપ વિરોધની તટસ્થતા ફરીથી મેદાનમાં રમવા ઉતારી અને તેને કારણેજ તેઓ હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મુકાઈ ગયા. આ તમામ લોકોનો ચર્ચાનો સહુથી મોટો મુદ્દો હતો નૈતિકતા વગરનું રાજકારણ. જો કે આ લોકો એવું સ્પષ્ટપણે માનતા હતા કે આ નૈતિકતાવિહીન રાજકારણ મહારાષ્ટ્રમાં ગઈકાલે સવારે જ રમાઈ ગયું અને અત્યારસુધીના ત્રણ અઠવાડિયા સુધી અહીં બધું નૈતિકતાને આધારે જ ચાલી રહ્યું હતું.

અમુક દુઃખી આત્માઓ ભારતીય રાજકારણની પડતી માટે આંસુડાં પાડી રહ્યા હતા તો અમુકને ગઈકાલે જે કશું પણ બન્યું તેમાં ચાણક્યનીતિ નહીં પરંતુ ‘દાઉદનીતિ’ નજરે પડી, એટલા માટે કારણકે આ કર્ણાટકવાળી નહોતી થઇ. તો કેટલાકે ભાજપ તરફી વિશ્લેષકોને આડે હાથે લેતા આ સમગ્ર ઘટના અંગેના તેમના રમતિયાળ મંતવ્યો હ્રદયમાં વાગેલી ફાંસની જેમ ખૂંચવા લાગ્યા અને તે માટે તેમણે પોતાનું અનહદ દુઃખ વ્યક્ત પણ કરી દીધું.

અહીં જે મહત્ત્વનો મુદ્દો છે એ એવો છે કે ભાજપ તરફી વિશ્લેષકોએ ક્યારેય ભાજપના ઘોર વિરોધી કે પછી આ પક્ષ તરફ દ્વેષભાવ ધરાવતા ‘તટસ્થ રાજકીય વિશ્લેષકોની’ માફક પોતાનો  ભાજપ પ્રેમ છુપાવ્યો નથી. ઉલટું જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં મહેબુબા મુફ્તી સાથે મળીને જ્યારે ભાજપે સરકાર રચી ત્યારે આ જ ભાજપ તરફી વિશ્લેષકોએ તેનો પ્રખર વિરોધ કર્યો હતો.

પરંતુ ‘તટસ્થ રાજકીય વિશ્લેષકો’ પણ ભારતના વિપક્ષી પક્ષોની જેમ ભાજપથી સત્તા દૂર જતી જોતા પરમાનંદની પ્રાપ્તિ કરતા હોય છે. આ બધા જ લોકો માટે નૈતિકતાનું રાજકારણ ત્યારે રમાઈ રહ્યું હતું જ્યારે શિવસેનાએ ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં જનમત મેળવ્યો હતો તેમ છતાં તેને છેહ દઈને NCP અને કોંગ્રેસ સાથે ‘થપ્પો રમવાની’ જીદ પકડી હતી.

આ તમામ ‘તટસ્થ રાજકીય વિશ્લેષકો’ માટે પરમદિવસની સાંજ સુવર્ણ સંધ્યા બનીને આવી હતી જ્યારે વિપક્ષમાં બેસવાનો મેન્ડેટ મેળવનાર કોંગ્રેસ શિવસેના સાથે ઘર માંડવા માટે તૈયાર થઇ ગઈ હતી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રીના શપથ લેવા માટે સૂટ સીવડાવવા માટે રવાના થઇ ગયા હતા. આ બધા જ તટસ્થ રાજકીય વિશ્લેષકોએ એ સમયે ચૂં એવં ચાં પણ નહોતી કરી જ્યારે શિવસેનાએ હિન્દુત્ત્વની તેની કટ્ટર વિચારધારાને કોરાણે મુકીને ફક્ત ઠાકરે પરિવારના સભ્યને મુખ્યમંત્રી બનાવવા માટે ‘સેક્યુલર’ NCP અને કોંગ્રેસના દ્વારા કદમબોસી કરી હતી, કારણકે શિવસેનાની આ રીત તેમને ગમતી હતી.

આ પ્રકારની પ્રજાતિ એટલી બધી સ્માર્ટ છે કે જ્યારે ભાજપ સત્તાથી દૂર જઈ રહી હોય એવું લાગે પછી તે ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામો વખતે કોંગ્રેસ માત્ર વીસ મિનીટ માટે લીડ કરતી દેખાઈ હતી ત્યારે હોય કે આ જ કોંગ્રેસે સત્તા બહાર થવાનો લોક ચુકાદો આવ્યો હોવા છતાં પાછલા બારણેથી કર્ણાટકમાં JDS સાથે સત્તા બનાવી હતી ત્યારે કે પછી મહારાષ્ટ્રની ઉપરોક્ત ઘટનાઓ જ્યારે બની રહી હતી ત્યારે ચાદર ઓઢીને શાંતિથી ઊંઘી જતી હોય છે.

પરંતુ જ્યારે ભાજપ એ જ દાવ કોંગ્રેસ કે તેના સાથી પક્ષો સાથે રમે ત્યારે આ ‘તટસ્થ રાજકીય વિશ્લેષકોની’ ઊંઘ અચાનક ઉડી જાય છે અને ભાજપ પર સીધો હુમલો કરવા ઉપરાંત “રાજકારણમાં હવે કોઈ નીતિમત્તા રહી જ નથી” (વાંચો: કારણકે ભાજપે અમારા ગમતા પક્ષનો ખેલ બગાડી નાખ્યો એટલે) એવું અરણ્યરુદન કરવા લાગે છે.

વળી, બળી ગયેલું દોરડું જેમ વળ ન છોડે એમ આ લોકો જ્યારે કોંગ્રેસનો કે અન્ય વિપક્ષોનો આ જ પ્રકારનો ભૂતકાળ યાદ દેવડાવીએ ત્યારે તેને ‘whataboutery’ જેવું રૂપાળું નામ આપી તેની હાંસી ઉડાવીને જવાબ આપવાથી છટકી જતા હોય છે.

વાત જ્યારે રાજકારણમાં નૈતિકતાની કરવામાં આવે તો વાંક એ લોકોનો જ છે જે રાજકારણમાં નૈતિકતાની શોધ કરવાનો વ્યર્થ પ્રયાસ કરીને પોતાનો કિંમતી સમય બગાડતા હોય છે. વાત સ્પષ્ટ છે, જેમ કોઈ મારા જેવો લેખક જીવન જીવવા માટે લેખ લખે, કોઈ કરીયાણાનો વ્યાપારી કરિયાણું વેંચે કે ઈલેક્ટ્રોનિક માલસામાનનો વ્યાપારી ઈલેક્ટ્રોનિક માલસામાન વેંચીને જીવનનિર્વાહ કરે એમ રાજકારણી રાજકારણ કરીને પોતાનું જીવન વ્યતીત કરે જ એમાં કોઈને પણ પ્રશ્ન ન થવો જોઈએ. અને જ્યારે કોઇપણ ઘટનામાં રાજકારણ ભળે પછી એમાં નૈતિકતાની ગેરહાજરી હોય જ છે પછી તે ઘટના પાછળ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી અન્ય કોઈ રાજકીય પક્ષ.

પરંતુ ભાજપના રાજકારણમાં નૈતિકતા શોધતા આ ‘તટસ્થ રાજકીય વિશ્લેષકો’ ખરેખર તો નૈતિકતાનું રાજકારણ રમતા હોય છે. એક હકીકત સ્પષ્ટ છે, એક વખત તમે રાજકારણમાં રસ ધરાવતા થાવ છો પછી તમારે તટસ્થ રહેવાની જીદ છોડી દેવી જોઈએ. હા, તમારી રાજકીય પક્ષ કે રાજકારણીની પસંદગી સમયાંતરે બદલતી રહે એ શક્ય છે. આથી રાજકારણમાં રસ લેનારો વ્યક્તિ કે પછી તેનું સાચું-ખોટું વિશ્લેષણ કરતા વ્યક્તિઓ ક્યારેય તટસ્થ હોઈજ ન શકે. અને જો એ છે તો એ એમ હોવાનો નાહક દંભ કરે છે.

૨૪.૧૧.૨૦૧૯, રવિવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here