પોતપોતાના રામ અને પોતપોતાની રામાયણ!

0
1158
Photo Courtesy: youngisthan.in

આપણે રામાયણને જુદીજુદી રીતે જોઈએ છીએ. આપણને એ પણ ખ્યાલ છે કે દુનિયામાં અસંખ્ય રામાયણ લખાયા છે . તો આજે જાણીએ આ તમામ રામાયણ વિષે અને તેના પર બનેલી એક ઐતિહાસિક ટીવી સિરીઝ વિષે પણ!

Photo Courtesy: youngisthan.in

1980ના દાયકામાં ભારતીયોની દરેક રવિવારની સવાર ટેલિવિઝનની સામે બેસીને પસાર થતી. રામાનંદ સાગરનું ‘રામાયણ’ તે વખતે એકમેવ રાષ્ટ્રીય નેટવર્ક દૂરદર્શન પર પ્રસારિત થતું અને હિંદુસ્તાનમાં લગભગ દરેક ટેલિવિઝન સેટ પર પોતાનો કબજો મેળવી લીધેલો. કેટલાકે રામાયણ જોઈ, કેટલાકે સાંભળી અને કેટલાકે પૂજા કરી.

એ સમયે રાજા દશરથના મહેલની કલ્પનાત્મક રજૂઆત, મુગટો પહેરેલા રાજા-મહારાજાઓ, સીતાનો સ્વયંવર, અરુણ ગોવિલ-દિપીકા ચિખલીયાનું રામ-સીતા બનવું, લલિતા પવારનો મંથરાનો વિસ્ફોટક રોલ, કૈકેયીની કાનભંભેરણી, ચૌદ વર્ષનો વનવાસ, લંકેશની ભૂમિકામાં અરવિંદ ત્રિવેદી, હનુમાનનું લંકાદહન, રામસેતૂનું નિર્માણ, રામ-રાવણના યુદ્ધ વખતે બે તીર એકમેક સામે ટકરાય અને પંદર મિનિટ સુધી બસ એ જ સીન રિપીટ થાય, તે સમયની અયોધ્યાનું ચિત્રણ, સીતાનું દરેક પ્રસંગે મૌન રહેવું, હંમેશાં રામના પડછાયામાં સદાચારી બની રહેવું, ભરત અને લક્ષ્મણનો મોટાભાઈ રામ પ્રત્યેનો પ્રેમ – સંભવત: પ્રથમ વખત, ભારતીય પ્રેક્ષકો વર્ગના વિભાજનથી દૂર આ મહાન મહાકાવ્યને સ્વીકારી ચૂક્યા હતા.

78 અઠવાડિયા ચાલેલી આ કથાની શરૂઆતમાં એક ડિસ્ક્લેમર મુકવામાં આવેલું: Mainly based on Ramcharitmanas by Goswami Tulsidas and Valmiki Ramayan (મહદઅંશે, ગોસ્વામી તુલસીદાસના રામચરિતમાનસ અને વાલ્મીકિ રામાયણ પર આધારિત)

ત્યારબાદ એક પછી એક, એમ બીજા સ્ત્રોત વિશે પણ વાત કરવામાં આવી જેમાં કમ્બનનું તમિળ રામાયણ, સંત એકનાથનું મરાઠી ભાવાર્થ રામાયણ, કૃતિવાસનું બંગાળી રામાયણ, તેલુગુ રંગનાથ રામાયણ, કન્નડ રામચંદ્ર ચરિત પુરાણમ, મલયાલમ અધ્યાત્મ રામાયણ, ચકબસ્તનું ઉર્દૂ રામાયણનો સમાવેશ થયો. આમ રામાયણને ટેલિવિઝન પર પ્રકાશિત કરવા માટે આટલા બધાં રામાયણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

‘રામાયણ’ (અને ‘મહાભારત’) સિરીયલોએ તે વખતે કરેલું તેવું ફરી બનવું લગભગ અશક્ય છે.

***

વાચકમિત્રો, તમને ‘રામાયણ’ વિશે પૂછવામાં આવે તો સૌથી પહેલું શું યાદ આવે? મેં એક નાનકડો સર્વે કરેલો અને જવાબો મળેલાઃ સીતાનું મૌન, ઊર્મિલાનું બલિદાન, આજ્ઞાપાલન, હનુમાનદાદા, આદર્શ સ્થિતિ અને આદર્શ સ્વભાવનું વર્ણન, રામસીતાની વાત, જટાયુનું બલિદાન, વિભિષણ – રાવણના મોતનું કારણ, અગ્નિપરીક્ષા, રામાનંદ સાગરની સિરીયલ રામાયણ, મોરારિ બાપુ, રામચરિતમાનસ, દેવદત્ત પટનાયક, અરુણ ગોવિલ!

જો એક રામાયણ માટે આપણા દરેકના સંદર્ભો અને અર્થ જુદા જુદા હોય તો જ્યારે આ રામાયણ ભારત અને વિશ્વમાં પ્રચલિત થયું ત્યારે કેટલા નવા સંદર્ભો અને અર્થો નીકળા હશે?

હિંદુ શાસ્ત્રોમાં ચાર યુગની વાતો છેઃ સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળયુગ. ભગવાન રામનો જન્મ ત્રેતાયુગમાં ઈક્ષ્વાકુ કુળમાં રાજા દશરથને ઘરે થયેલો. ‘રામાયણ’ એ હિંદુ ધર્મનો એક એવો ગ્રંથ છે જેને મહર્ષિ વાલ્મીકિએ સંસ્કૃત ભાષામાં રચ્યો હતો. સદીઓથી, રામાયણની વાર્તા લગભગ બધી જ ભારતીય ભાષાઓમાં રૂપાંતરિત થઈ છે, ફરી ફરી કહેવાઈ છે.

રામાયણ અને તેના તમામ સંસ્કરણો અને પુનર્વિચારો લગભગ 2,000 વર્ષોથી પણ વધુ સમયથી હિન્દુ સંસ્કૃતિના કેન્દ્રમાં છે – જુદા જુદા રૂપે સાહિત્યમાં, પ્રદર્શનોમાં, ચિત્રકામમાં, શિલ્પકલામાં, લેખનમાં, વાંચનમાં, વાર્તામાં! ખરેખર તો રામાયણ એવા અલંકાર પૂરા પાડે છે જેના દ્વારા હિંદુઓ પોતાને સમજે છે, વિશ્વમાં કેવી રીતે રહેવું તે વાત માટેની વૈકલ્પિક ભાષા રામાયણમાંથી મળે છે.

બાબરી મસ્જિદ ધ્વંસ થયાના લગભગ એકાદ વર્ષ પછી ‘સહમત ટ્રસ્ટ’ દ્વારા ‘હમ સબ અયોધ્યા’ નામ હેઠળ એક પ્રદર્શનનું આયોજન કર્યુ. અયોધ્યાના ઐતિહાસિક, ભૌગોલિક, ધાર્મિક, સ્થાપત્ય અને સાંસ્કૃતિક ઉત્ક્રાંતિને દર્શાવતા ઘણા રામાયણોનો અહીં સમાવેશ કરવામાં આવેલો. આ પ્રદર્શનમાં એવા પેનલ્સ પણ હતા, જેમાં રામાયણની બૌદ્ધ રજૂઆતો હતી (જેમાં રામ અને સીતા ભાઇ-બહેન છે). પણ ફક્ત ત્રણ જ દિવસમાં, પેનલ્સ અને આખું પ્રદર્શન ભાંગી તોડીને નાશ કરી દેવામાં આવ્યું.

એ જ દાયકામાં, ચિત્રકાર એમ. એફ. હુસેનના એક પેઇન્ટિંગ માટે હોબાળો થયેલો. હુસેને તે ચિત્રમાં નગ્ન હનુમાન પોતાની પૂંછડી પર સીતાને લઈ જતાં એવું દર્શાવેલું. હુસેને 1980 ના દાયકામાં આ ચિત્ર બનાવ્યું હતું, અને તેના જેવા જ બીજા ચિત્રો તેણે 1970 ના દાયકામાં સમાજવાદી જૂથો દ્વારા ચલાવવામાં આવતા રામલીલા કાર્યક્રમો દરમિયાન પ્રદર્શન માટે બનાવ્યા હતા. સન 2000 ની શરૂઆતમાં જ્યારે હુસેનના ચિત્રોનું એક પ્રદર્શન દિલ્હીમાં દર્શાવવામાં આવ્યું, ત્યારે લોકોને તે અપમાનજનક અને અપવિત્ર લાગ્યું. હિંદુ જનજાગૃતિ સમિતિએ આ વિરુદ્ધ ફરિયાદ પછી છેવટે હુસેન 2006 માં ભારતમાંથી ભાગી ગયા.

2004 માં, USAની એક મહિલાએ પોતાના એક નિબંધ (જે તેનું માનવું હતું કે તેના પોતાના નિષ્ફળ સંબંધને રજૂ કરે છે)ને એનિમેટ કરવાનું કામ કર્યું હતું. Sita Sings the Blues નામના ત્રણ ચિત્રો રામાયણના આધારે બનાવેલા. ત્રણેયમાં અલગ અલગ સીતા કોઈ ઇન્ડોનેશિયન શેડો પપેટ્સ (કઠપૂતળી) દ્વારા એક કથન સાથે જોડાયેલી હતી. 2009 માં, કેટલાક જમણેરી જૂથોએ આ ચિત્રોને રામાયણના અપમાનરૂપક ચિત્રણ છે એવું કહી એક અભિયાન શરૂ કર્યું, અને એવો દાવો કર્યો હતો કે હિન્દુઓને નફરત કરનારી એક ખ્રિસ્તી મહિલાએ આ બનાવ્યું હતું.

2009 થી ઘણાં ભારતીય જૂથોનો જોરદાર વિરોધનો વિષય હતો: એ. કે.રામાનુજનનો નિબંધ ‘ત્રણસો રામાયણ: પાંચ ઉદાહરણો અને અનુવાદ પરના ત્રણ વિચારો (1987)’ [Three Hundred Ramayanas: Five Examples and Three Thoughts on Translations]. 2011 સુધીમાં, આ નિબંધના વિરોધે વેગ પકડ્યો. આ નિબંધમાં જુદા જુદા પ્રાંત અને લોકો દ્વારા કહેવાયેલી રામાયણ વિશે માહિતી આપવામાં આવેલી છે. આ નિબંધ દિલ્હી યુનિવર્સિટીના બી.એ.ના અભ્યાસક્રમમાં સામેલ હતો પણ ઓક્ટોબર 2011 માં, જમણેરી સંગઠનોના દબાણને પગલે; શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કાર્યકરો દ્વારા વ્યાપક અભિયાન ચલાવવા બદ્દલ દિલ્હી યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલે નિબંધને અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યો.

આ પછી મુંબઈના કોલાબાના 34 વર્ષીય ઈમરાન અલી ખાને ‘કિસકી કહાની’ નામે એક પ્રોજેક્ટ શરૂ કર્યો.

રામાયણની વાર્તા દરેક પ્રાંત અને ધર્મમાં જુદી છે. રામાનુજન પોતાના નિબંધમાં લખે છે કે રામાયણના વ્યાખ્યાન અને પ્રસ્તુતીકરણના તમામ સ્વરૂપો ગણીએ તો સંસ્કૃતમાં રામાયણની સંખ્યા 25 જેટલી છે. ભારતના સૌથી પ્રસિદ્ધ ખ્રિસ્તી હિન્દી પંડિત તરીકે ઓળખાતા બેલ્જિયમના પાદરી કામિલ બુલ્કેએ વર્ષો સુધી વિવિધ રામાયણોનો અભ્યાસ કરી એક ગ્રંથ લખેલોઃ रामकथा की उत्पत्ति और विकास. જેમાં તેમણે ત્રણસો રામાયણ સુધીની વાત કરી છે.

સંસ્કૃતમાં વાલ્મીકિ રામાયણ તો છે જ. એ સિવાય વ્યાસે લખેલા બ્રહ્માનંદ પુરાણમાં આધ્યાત્મ રામાયણ, વસિષ્ઠ રામાયણ (યોગ વસિષ્ઠ), આનંદ રામાયણ, અગત્સ્ય રામાયણ અને અદભૂત રામાયણ પણ છે. મહાભારતમાં વનપર્વના રામાખ્યાન પર્વમાં રામની કથા છે. ભાગવત પુરાણમાં નવમા સ્કંધમાં રામની વાર્તા છે. વિષ્ણુ પુરાણમાં અને અગ્નિ પુરાણમાં પણ રામાયણના સંદર્ભો છે. છઠ્ઠી શતાબ્દીમાં ‘દાસ ગરીબ રાક્ષસ ચરિતમ વધ’ નામના ગ્રંથમાં પાંચ કાંડમાં ફેલાયેલી રામની વાર્તા છે.

લગભગ દરેક ભારતીય રાજ્યને પોતાની અલગ રામાયણ છે. આંધ્રપ્રદેશમાં ગોના બુદ્દા રેડ્ડી નામના લેખકે શ્રી રંગનાથ રામાયણ લખેલી. જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત શ્રી વિશ્વનાથ સત્યનારાયણે ‘શ્રીમદ રામાયણ કલ્પવૃક્ષામુ’ નામક તેલુગુમાં એક ગ્રંથ લખેલો. 15મી સદીમાં કૃતીદાસ ઓઝાએ બંગાળી ભાષામાં કૃતિવાસ રામાયણ લખેલી. 14 મી સદીમાં માધવ કંદાલી નામના આસામી લેખકે ‘કોથા રામાયન’ લખ્યું. ગોવાના કૃષ્ણદાસ શામાએ કોંકણી ભાષામાં રામાયણુ લખેલું. ગુજરાતીમાં પ્રેમાનંદ સ્વામીએ 17મી સદીમાં તુલસીદાસના રામચરિતમાનસનો અનુવાદ કરેલો. 19મી સદીમાં કશ્મીરી ભાષામાં રામાવ્રત ચરિત લખાયેલું.

કન્નડ ભાષામાં ત્રણ રામાયણ છે – 13મી સદીમાં બે રામાયણ (કુમુદેંદુ રામાયણ અને રામચંદ્ર ચરિત પુરાણ) અને 16મી સદીમાં કુમારા-વાલ્મીકિ તોરાવે રામાયણ. કેરળમાં ચાર રામાયણ છેઃ યુદ્ધ કાંડની વાર્તા રામચરિતમ, કન્નસ રામાયણમ, અધ્યાત્મ રામાયણમ કિલિપટ્ટુ અને મુસ્લિમો માટે મપ્પિલ રામાયણમ.

મહારાષ્ટ્રમાં સંત એકનાથની ભાવાર્થ રામાયણ લગભગ 16મી સદીમાં લખાઈ. ઓડિયા ભાષામાં વિલંક રામાયણ છે. અવધી ભાષામાં તો ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસ પ્રસિદ્ધ છે જ. તમિળમાં પ્રસિદ્ધ કવિ કમ્બન દ્વારા રચિત કમ્બ રામાયણ પણ છે.

ધર્મની વાત કરીએ તો ફક્ત હિંદુ ધર્મમાં જ નહીં પણ જૈન રામાયણ શેત્રુંજી મહાત્મ્યમાં, બૌદ્ધ રામાયણ દશરથ જાતક તરીકે અને શીખ ધર્મમાં ગુરુ ગ્રંથ સાહિબમાં રામ આત્મા છે, સીતા બુદ્ધિ, લક્ષ્મણ મન અને રાવણ અહંકાર છે. ભારત સિવાય ચીન, તિબેટ, જાપાન, કમ્બોડિયા, ઈન્ડોનેશિયા (બાલી, જાવા, સુમાત્રા), મલેશિયા, મ્યાનમાર, ફિલીપીન્સ, થાઈલેન્ડ, નેપાલ, શ્રીલંકા અને ઈરાન આ દરેક દેશમાં એક અલગ રામાયણ છે.

દરેક રામાયણ ક્યાંક ને ક્યાંક સમાન પણ છે અને ક્યાંક અલગ પણ છે. જેમ કે બૌદ્ધ રામાયણમાં સીતા રાવણની પુત્રી છે અને બીજી એક બૌદ્ધ પરંપરામાં રામની બહેન છે. બંગાળી રામાયણમાં રામસીતાના લગ્નનો પ્રસંગ બંગાળી પરંપરાગત રીતે વર્ણવવામાં આવ્યો છે અને શક્તિપૂજાનો પ્રસંગ પણ છે. બાળકોની ‘રામાયણ’ કોમિક બુકમાં રામ એક બળવાન અને મેચો (macho) મૅન બતાવવામાં આવે છે. વિકાસ ગોયલ નામના કલાકારે રામાયણ નહીં પણ રાવણાયણ એટલે કે રાવણની દ્રષ્ટિથી બતાવ્યું. લગભગ અઠ્યાવીસ વર્ષ પહેલાં બાબરી મસ્જિદનો ગુંબજ ક્ષીણ થયો ત્યારબાદ રામનો એક સ્નાયુબદ્ધ (muscular), સશસ્ત્ર (હાથમાં ધનુષ્ય લીધેલો) ફોટો ઘણી રથયાત્રાઓમાં જોવા મળેલો.

આવા અનેક રામાયણ અને રામાનુજનના નિબંધ ‘300 રામાયણ’ વિશેની વાત, આવતા અંકે.

પડઘો

વર્ષ: 1985

સ્થળ: માહિતી પ્રસારણ મંત્રાલયની એક મહત્ત્વપૂર્ણ બેઠક

બેઠકમાં કરાયેલો આદેશઃ આપણા પ્રાચીન મૂલ્યો, તત્ત્વજ્ઞાન, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોની વાતો લોકો સમક્ષ મૂકો

આદેશ આપનારઃ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી

બેઠકના મહત્ત્વના સભ્યોઃ કેન્દ્રીય મંત્રી વી.એન.ગાડગીલ અને સેક્રેટરી એસ. એસ. ગીલ

સન 1985માં બિનસાંપ્રદાયિકતાને પ્રાધાન્ય આપતું માધ્યમ ‘દૂરદર્શન’ અને સામ્યવાદી વિચારસરણી ધરાવતા ગીલ અને ગાડગીલ. ગીલની રામ-કૃષ્ણમાં શ્રધ્ધા લગભગ નહિંવત્ અને એ સમયે કોઈ એક ધર્મગ્રંથનું પ્રક્ષેપણ કરતાં કાર્યક્રમો પ્રસારિત થાય એ એક અજીબ વાત લેખાતી. પરંતુ બૉસ રાજીવ ગાંધીના આદેશનું અર્થઘટન થયું અને તે વખતના બે મોટા બૅનરના માલિક – બી.આર.ચોપડા અને રામાનંદ સાગરનો સંપર્ક કરવામાં આવ્યો. બંને બેનરે આ ઑફર સ્વીકારી એન્ડ રેસ્ટ ઈઝ હીસ્ટ્રી!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here