સુપ્રિમ કોર્ટના આદેશ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં અભૂતપૂર્વ Twist આવ્યા હતા અને પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને બાદમાં મુખ્યમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે થોડા સમય અગાઉ પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.
તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રની જનતાએ યુતિને સંપૂર્ણ જનાદેશ આપ્યો હતો. અમે શિવસેનાની સાથે લડ્યા હતા જેમાંથી અમે લડેલી બેઠકોમાંથી 70% બેઠકો પર વિજય મેળવ્યો હતો પરંતુ શિવસેનાએ 40% બેઠકો પર વિજય મેળવ્યો હતો. અમે જનતાની લોકપ્રિય સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
ફડણવીસે કહ્યું કે અમારા પ્રમુખ અમિત શાહે દરેક સભામાં અને દરેક ઇન્ટરવ્યુમાં નવી સરકારમાં ભાજપનો જ નેતા મુખ્યમંત્રી બનશે તેમ જણાવ્યું હતું. આથી અમે જે નક્કી કરેલું હતું તેના પર બીજી કોઈજ ચર્ચા કરવાની જરૂર ન હતી.
દેવેન્દ્ર ફડણવીસના જણાવ્યા અનુસાર શિવસેનાએ ત્યારબાદ નાહકની જીદ કરી હતી અને ખોટી શરતો ઉભી કરીને તે અમારાથી અલગ થઇ ગઈ હતી અને રાજ્યપાલે અમને સહુથી પહેલા સરકાર આમંત્રણ આપ્યું અને ત્યારબાદ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને પણ આમંત્રણ આપ્યું હતું.
ત્યારબાદ ત્રણ એવા પક્ષો ભેગા થયા હતા જેમની વચ્ચે કોઇપણ પ્રકારની વિચારાત્મક એકતા ન હતી. ત્યારબાદ રાજ્યમાં જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે અજીત પવારે અમારી પાસે સરકાર રચવાની વાત કરી.
પરંતુ અજીત પવારે આજે મને કહ્યું કે મારી પાસે સંખ્યા નથી તેથી હું રાજીનામું આપું છું. અમે પહેલેથી જ રાજ્યપાલને ના પાડી હતી કે અમારી પાસે પૂરતા ધારાસભ્યો ન હોવાથી અમે સરકાર નહીં રચીએ અને આથી હવે હું પણ રાજ્યપાલ પાસે જઈને રાજીનામું આપી દઈશ.
છેલ્લે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની આવનારી સરકારને શુભેચ્છાઓ આપી હતી.
eછાપું