મહા વિકાસ આઘાડી: શું આ સંઘ કાશીએ પહોંચશે ખરો?

0
284
Photo Courtesy: maharashtratoday.co.in

આજે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની ગાદી કોંગ્રેસ અને NCPના ટેકાના સહારે સંભાળવા જઈ રહ્યા છે. શું છે આ ગઠબંધનનું ભવિષ્ય? – એક વિશ્લેષણ.

Photo Courtesy: maharashtratoday.co.in

રાજકારણ અને નીતિમત્તાને કોઈજ સંબંધ નથી. દુનિયાના કોઇપણ દેશના રાજકારણ પર નજર નાખશો તો આ હકીકત ઓછા-વત્તા અંશે જોવા મળશે. આથી રાજકારણીઓ પાસેથી નીતિમત્તાની આશા રાખનાર વ્યક્તિ જ છેવટે મુર્ખ ઠરે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી જે ચાલી રહ્યું છે તેને જોઇને માત્ર ને માત્ર એ જ વ્યક્તિને નિરાશા સાંપડી છે અથવાતો એ જ વ્યક્તિ દુઃખી થયો છે જે તમામ રાજકીય પક્ષો પાસેથી નીતિમત્તાની આશા અને એ પણ આજના સમયમાં રાખી રહ્યો હતો.

પહેલા તો શિવસેનાએ ત્રીસ વર્ષ જૂના સાથીદાર ભાજપને દગો આપીને અને પોતાને ભાગમાં મળેલા જનમતનો દૂરુપયોગ કરીને NCP અને કોંગ્રેસ સાથે ઘર માંડ્યું અને પછી ભાજપે માત્ર NCPના સંસદીય દળના નેતા હોવાની લાયકાત ધરાવતા પરંતુ ભ્રષ્ટાચારના અનેક આરોપોનો સામનો કરી રહેલા અજીત પવાર સાથે રાતોરાત સરકાર બનાવી નાખી. આ બધું કોઇપણ સામાન્ય વ્યક્તિને અજુગતું લાગે અને ખટકે એ સ્વાભાવિક છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે પ્રજા તરીકે આપણે સામાન્ય માનવીઓએ પણ જાડી ચામડીના થઇ જવું જોઈએ અને મહારાષ્ટ્રમાં જે ઘટનાઓ ઘટી તેને રાજકારણનો જ એક ભાગ ગણીને બહુ મનમાં ન લેવાનો પ્રયાસ શરુ કરી દેવો જોઈએ.

આજના સમયમાં રાજકારણમાં રહેલી કહેવાતી વિચારધારા અને નીતિમત્તાની વાતો કરવામાં સમય વેડફવા કરતા બહેતર એ રહેશે કે આપણે મહારાષ્ટ્રમાં હવે જે નાટક ભજવવાનું છે તેની મજા માણીએ. એ હકીકત સહુ કોઈ જાણે છે કે હજી બે મહિના અગાઉ સુધી શિવસેના કોંગ્રેસને તેમજ NCPને અપશબ્દો કહેતી હતી પરંતુ આજે સાંજે આ ત્રણેય ભેગા થઇ જવાના છે. વિચારધારાનો ભેદ કરતા આ ત્રણેય પક્ષોનો મૂળભૂત સ્વભાવ ખાસકરીને શિવસેના અને કોંગ્રેસનો સ્વભાવ, આ મહા વિકાસ આઘાડીને લઇ ડૂબવાનો છે એ ચોક્કસ છે.

હવે આજે સાંજે ચોપાટીના સમુદ્રમાં વહેતું થનારું જહાજ ક્યારે ડૂબશે તે માત્ર સમય જ નક્કી કરશે. પરંતુ શિવસેનાએ અત્યારસુધી NDA સરકારમાં રહીને પણ તેની ઘોર ટીકા જાહેરમાં અને પોતાના મુખપત્ર સામનામાં ટીકા કરી છે. ખરેખર ગઠબંધનના ધર્મ અનુસાર કોઇપણ વાંધો કે તકલીફ અંદરોઅંદર ઉકેલી દેવી જોઈએ પરંતુ શિવસેના સુપર વિપક્ષ તરીકે જાહેરમાં આ બધું કરતું રહી હતી. હવે મુદ્દાની વાત એ છે કે શિવસેના ખુદ કોઈ સરકારનું નેતૃત્ત્વ કરશે અને આથી જો NCP કે કોંગ્રેસનો કોઈ નેતા આ સરકારની જાહેર ટીકા કરશે તો શિવસેના તેને સાંભળી શકશે કે કેમ તે જોવાની તમામને ઉત્સુકતા છે.

તો સામે પક્ષે કોંગ્રેસનો સરમુખત્યારશાહી જેવો સ્વભાવ આ સરકારને કેટલા વર્ષ સુધી ચલાવશે એ પણ એક સવાલ છે. કર્ણાટકનું હાલનું ઉદાહરણ આપણી સામે છે. કર્ણાટકના એ સમયના મુખ્યમંત્રી નહીં નહીં તો પણ ચાર થી પાંચ વખત જાહેરમાં કોંગ્રેસના ત્રાસને લીધે રડતા જોવા મળ્યા છે. કોંગ્રેસ હંમેશા પોતાની શરતે સરકારમાં દાખલ થાય છે અને પોતાની શરતે જ કાં તો તેમાંથી બહાર નીકળી જાય છે કાં તો તે સરકારને પાડી નાખે છે, આથી શિવસેનાનો અભિમાની સ્વભાવ કોંગ્રેસની આ દાદાગીરી ચલાવશે કે કેમ એ જોવા જેવું રહેશે.

આ ઉપરાંત પરાણે ઉભા થયેલા આ ગઠબંધનમાં આ જ્યારે લખાઈ રહ્યું છે ત્યારેજ તડાં દેખાઈ રહ્યા છે.  અમરાવતીમાં અજીત પવારને મુખ્યમંત્રી બનાવવાની માંગ NCP કાર્યકર્તાઓ કરી રહ્યા છે. તો અજીત ‘દાદાએ’ અઢી વર્ષ બાદ પોતે રાજ્યના મુખ્યમંત્રી બને તેવી માંગ કરી દીધી હોવાનું પણ ગઈકાલથી સાંભળવા મળી રહ્યું છે. શરદ પવારે પણ ભાજપ-અજીત પવારની ત્રણ દિવસની સરકારના ત્રીજા દિવસે એ બાબત સ્વીકારી હતી કે અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રીના મામલે એક સમયે શિવસેના સાથે વાત અટકી પડી હતી.

તો કોંગ્રેસે છેલ્લી ઘડીએ બીજા નાયબ મુખ્યમંત્રીનું પદ સ્વીકારવાને બદલે સ્પિકરનું પદ માંગી લીધું છે. કોંગ્રેસની આ માંગણી પણ આજે શપથ લેનારી સરકારના ભવિષ્ય પર મોટો ઈશારો કરી જાય છે. કર્ણાટકની જેમ જો આ સરકારમાં પણ અમુક સમય બાદ તકલીફો વધી જાય તો પોતાના તેમજ NCPના વિધાનસભ્યોને પક્ષાંતર કરતા રોકવા ખુદનો સ્પિકર હોવું કોંગ્રેસને વધુ જરૂરી લાગ્યું છે. વળી, કોંગ્રેસનો સ્પિકર હોવાથી શિવસેનાના વિધાનસભ્યોને પણ વંડી ઠેકવા સમયે કાબુમાં રાખવાનું સરળ બનશે.

ઉદ્ધવ ઠાકરે સમક્ષ સહુથી મોટી સમસ્યા બિનઅનુભવ અને સંજય રાઉત જેવા ઉતાવળિયા અને અપરિપક્વ સલાહકારની છે. બાળાસાહેબ ઠાકરે બધાનું સાંભળતા પણ કરતા એ જ જે પોતે નક્કી કરતા, જ્યારે ઉદ્ધવ ઠાકરે તેમના પિતાના આ સ્વભાવથી એકમ ઉલટ સ્વભાવ ધરાવે છે જે તેમના સહુથી જુના સાથી ભાજપને છોડવાના નિર્ણયથી સાબિત થાય છે. આ ઉપરાંત શિવસેનાના નારાજ વિધાનસભ્યો જેમને મંત્રીપદ કે વિવિધ કોર્પોરેશનોમાં સ્થાન નહીં મળે એ ભાજપ તરફ જશે કે નહીં જાય એની ચિંતા પણ તેમને સતત રહેશે.

શિવસેના માટે આજના પાવન દિવસે મહા વિકાસ આઘાડીના ભવિષ્ય વિષે અત્યારે તો એટલું જ કહી શકાય કે આગે આગે દેખીએ હોતા હૈ કયા!

૨૮ નવેમ્બર ૨૦૧૯, ગુરુવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here