ભોપાલથી ભાજપના સંસદ સભ્ય સાધ્વી પ્રજ્ઞા આજકાલ તેમના નથુરામ ગોડસે અંગેના નિવેદનોથી ચર્ચામાં છે, પરંતુ એવું નથી કે તેમણે આ પ્રકારનું નિવેદન પહેલીવાર કર્યું હોય. શું આવી બેજવાબદારી યોગ્ય છે?

સાધ્વી પ્રજ્ઞાને ગત લોકસભાની ચૂંટણી અગાઉ રજત શર્માના કાર્યક્રમ આપ કી અદાલતમાં સાંભળ્યા ત્યારે તેમના પર પોલીસ સ્ટેશનમાં થયેલા અમાનુષી અત્યાચારોની વાત સાંભળીને રીતસર આંખો ભીની થઇ ગઈ હતી. પરંતુ જ્યારે આ જ સાધ્વી પ્રજ્ઞાને ભોપાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના દિગ્વિજય સિંહ સામે ટીકીટ આપવામાં આવી ત્યારે એ જ આપ કી અદાલતને યાદ કરીને માથું કૂટ્યું હતું. એ વખતે જ મિત્રો વચ્ચેની ચર્ચામાં કહ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞા આવનારા દિવસોમાં ભાજપ માટે જવાબદારી બની જશે.
કારણ સાફ હતું, અત્યંત ભાવનાત્મક વ્યક્તિ સ્માર્ટ રાજકારણી ક્યારેય બની શકતો નથી. સાધ્વી પ્રજ્ઞાએ જે સહન કર્યું તે કોઇપણ સામાન્ય વ્યક્તિ કરી શકે તે વિચારવું પણ શક્ય નથી, પરંતુ તેના થકી તેઓ જવાબદાર રાજકારણી બની જશે તેમ વિચારવું પણ અસ્થાને જ છે. અહીં નથુરામ ગોડસે રાષ્ટ્રવાદી હતા કે નહીં અથવાતો મહાત્મા ગાંધી ગોડસે કરતાં પણ ઊંચેરા રાષ્ટ્રવાદી હતા એની ચર્ચા કરવાનો કોઈજ આશય નથી. આશય માત્ર એટલો જ છે કે જાહેર જીવનમાં જવાબદારી નિભાવતા જવાબદાર સ્થાનો પર રહેલા વ્યક્તિઓને ક્યારે આવડશે.
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન જ સાધ્વી પ્રજ્ઞાએ નથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા. નથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી એટલે તેમનો દેશપ્રેમ ઓછો અથવાતો બિલકુલ ન હોવાને કોઈજ કારણ નથી. પરંતુ જ્યારે તમારો પક્ષ ગાંધીજીને બંને હાથમાં લઈને ફરતો હોય, તેમના નામે સ્વચ્છ ભારત જેવું વિશાળ અભિયાન ચલાવતો હોય અને તમારા પક્ષની નીતિ જ એવી હોય કે ગાંધીજી વિરુદ્ધ કશું જાહેરમાં ન બોલવું ત્યારે એક ‘રાજકારણી’ તરીકે તમારે તમારી ભાવનાઓ પર કાબુ રાખવો અત્યંત જરૂરી બની જાય છે.
તે સમયે સાધ્વી પ્રજ્ઞાના એ નિવેદનથી ખાસ્સો વિવાદ થયો હતો. કોંગ્રેસે પણ કોશિશ કરી હતી કે આ મુદ્દાને ઉછાળીને તે ભોપાલ લોકસભા બેઠક જીતી લે. જો કે એવું બન્યું નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક ઇન્ટરવ્યુમાં સાધ્વી પ્રજ્ઞાને તેમના નિવેદનને કારણે તેઓ મનથી ક્યારેય માફ નહીં કરી શકે તેમ સ્પષ્ટપણે કહ્યું હતું. તમે રાજકારણી હોવ કે ન હોવ, પરંતુ આ પ્રકારનું વડાપ્રધાનનું તમારા પ્રત્યેનું કોઈ નિવેદન હોય તો તેજીને ટકોરો ગણીને આગળથી કાં તો મૂંગા રહેવું જરૂરી બની જાય છે અથવાતો સંભાળીને કે તોળી તોળીને બોલવાની આદત પાડવી પડે છે.
પરંતુ સાધ્વી પ્રજ્ઞાને એ યાદ ન રહ્યું અને તેમણે થોડા દિવસો અગાઉ ભરી લોકસભામાં ફરીથી ગોડસેને રાષ્ટ્રભક્ત કહ્યા. ફરીથી કહીએ તો કોઈ વ્યક્તિ રાષ્ટ્રભક્ત છે કે કેમ એની ચર્ચામાં ઉતરવું લગભગ સમય બગાડવા જેવું હોય છે, પરંતુ જ્યારે તમારી સંસ્થા અને તેના સર્વોચ્ચ આગેવાને તમારા એ પ્રકારના નિવેદનની અગાઉ પણ ટીકા કરી અથવાતો તેના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હોય તો તમારાથી ફરીથી એવી ભૂલ કેમ થઇ શકે?
સાધ્વી પ્રજ્ઞાની પહેલીવારની ભૂલ બાદ વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું તો આ વખતે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે પક્ષ વતી લોકસભામાં સ્પષ્ટતા કરવી પડી. સાધ્વી પ્રજ્ઞાને તો પોતાની બીજા વખતની ભૂલને કારણે દુઃખ થયું કે કેમ તેની હજી સુધી તો ખબર નથી પડી પરંતુ એમના પક્ષને ફરીથી નીચાજોણું જરૂર થયું છે અને એ પણ સાધ્વીની બેજવાબદારીને કારણે.
સાધ્વી પ્રજ્ઞા પ્રકારના આગેવાનો લગભગ તમામ રાજકીય પક્ષોમાં છે જ. ભોપાલમાં સાધ્વીને હાથે જ હારનાર દિગ્વિજય સિંહ પણ એ જ પ્રકારના આગેવાન છે. હિંદુ આતંકવાદ જેવા બિનજરૂરી શબ્દોની ઉત્પતિના અનેક જનકોમાં આ દિગ્ગીરાજા પણ સામેલ છે. દેશના તમામ હિંદુઓને આ બે શબ્દોથી જ આતંકવાદી ચીતરી દેનાર દિગ્વિજય સિંહ વર્ષોથી મોટાભાગના હિંદુઓમાં અળખામણા બની ગયા છે. પરંતુ તેમ છતાં દિગ્વિજય સિંહ સમયાંતરે હિંદુઓની લાગણી ઘવાય તેવા નિવેદનો આપતા જ રહે છે.
દિગ્વિજય સિંહના આ પ્રકારના નિવેદનોને કારણે દેશની બહુમતી પ્રજામાં તેમના પક્ષ કોંગ્રેસની છબી એટલી બધી ખરાબ થઇ ગઈ છે કે તેમના શિર્ષસ્થ આગેવાનો જ્યારે મંદિરોના આંટાફેરા મારવા લાગે છે ત્યારે આ જ પ્રજા તેને આરામથી હસી કાઢતી હોય છે. સાધ્વી પ્રજ્ઞા અને તેમના જેવા અનેક ભાજપી આગેવાનોએ દિગ્વિજય સિંહના દાખલામાંથી ધડો લેવાની જરૂર છે.
જેમ ગઈકાલે રાજનાથ સિંહે કહ્યું તેમ અમુક લોકોને ગમે કે ન ગમે હજી સુધી તો મહાત્મા ગાંધી અને તેમના વિચારો દેશની મોટાભાગની જનતામાં આજે પણ પ્રસ્તુત છે. જો સહુથી લોકપ્રિય પક્ષના નેતાઓ ગાંધીજી વિષે આ જ રીતે સતત અને બેમર્યાદ નિવેદનો કરતા રહેશે તો સમય જતાં આ પક્ષને પણ સહન કરવાનું આવી શકે છે તે યાદ રહે!
૨૯ નવેમ્બર ૨૦૧૯, શુક્રવાર
અમદાવાદ
eછાપું