પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને ટમેટાની નિકાસ સદંતર બંધ કરી દીધા બાદ મધ્ય પ્રદેશના ખેડૂતો તેને ફરીથી શરુ કરવા માટે તૈયાર તો થયા છે પરંતુ તેમણે તે માટે એક અનોખી શરત પણ મૂકી છે.

ભોપાલ: ગત ફેબ્રુઆરીમાં પુલવામામાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સાથે વ્યાપારી સંબંધો પૂર્ણપણે સમાપ્ત કરી દીધા હતા. ત્યારબાદ પાકિસ્તાનમાં ટમેટા જેવી વસ્તુ પણ દોહ્યલી થઇ ગઈ હતી.
આમ થવા પાછળનું એક મોટું કારણ એ પણ હતું કે પુલવામા હુમલા બાદ મધ્ય પ્રદેશના ટમેટા ઉત્પાદકોએ સામેચાલીને પાકિસ્તાનને ટમેટા નિર્યાત કરવાની ના પાડી દીધી હતી. હવે આ જ ટમેટા ઉત્પાદકોએ એક નવી શરત પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સમક્ષ મૂકી છે જે ખરેખર અનોખી છે.
મધ્ય પ્રદેશના ટમેટા ઉત્પાદકોએ શરત મૂકી છે કે પાકિસ્તાન ભારતને જો તેના કબ્જા હેઠળનું કાશ્મીર (POK) ભારતને પરત આપે અને તેના આગળ કરેલા તમામ પાપની માફી માંગે તો તે ફરીથી ટમેટા તેને નિર્યાત કરવાનું શરુ કરી દેશે.
પાકિસ્તાનની પ્રજા ગત ફેબ્રુઆરીથી જ ખાવાપીવાની વસ્તુઓની ભારે તંગી અનુભવી રહી છે એવામાં ભારત સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કરી દીધા બાદ પાકિસ્તાને બાકી રહેલા વ્યાપારી અને રાજનૈતિક સંબંધો પણ તોડી નાખતા તેમની હાલત વધારે ખરાબ થઇ છે.
મધ્ય પ્રદેશમાં ઉત્પાદિત થતા ટમેટામાંથી મોટો હિસ્સો પાકિસ્તાન નિર્યાત થતો હતો. આ નિર્યાત અટકાવવાના સ્વયંભુ નિર્ણય લીધા બાદ અહીના ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકશાન પણ ગયું છે તેમ છતાં તેઓએ પાકિસ્તાનને ઉપરોક્ત ઓફર કરી છે જે માનવી પાકિસ્તાન માટે અશક્ય છે એ સ્પષ્ટ છે.
આ ખેડૂતોએ પોતાની ઓફર એક Tweet દ્વારા કરી હતી અને આ Tweetમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનની ભારતમાં રહેલી એમ્બેસીને તેમણે ટેગ કરી હતી.
eછાપું