બળાત્કાર રોકવા બેટા પઢાઓ ઔર બેટી બચાઓ

0
351
Photo Courtesy: ndtv.com

હૈદરાબાદમાં થયેલા બળાત્કારની ઘટનાએ મોટેભાગે આત્યંતિક પ્રત્યાઘાતો આપણી સમક્ષ લાવ્યા છે જે કદાચ આપણી સમાજ વ્યવસ્થાને જ તોડી નાખશે, પરંતુ આ પ્રકારના વિચારો કરતા જો કશુંક હકારાત્મક અમલમાં મુકવામાં આવે તો?

Photo Courtesy: ndtv.com

અમુક વર્ષ અગાઉ થયેલો નિર્ભય કાંડ જો દરેક માનવીને હચમચાવી નાખે તેવો હતો તો તેલંગાણાના હૈદરાબાદમાં ગત અઠવાડિયે થયેલી બળાત્કારની ઘટના એટલીજ ખિન્ન કરી નાખે તેવી હતી. આ ઘટનાના સમાચાર જે રીતે ફેલાયા ત્યારબાદ સ્વાભાવિકપણે સામાન્ય જનતાની આકરી પ્રતિક્રિયાઓ આવવા લાગી. જેમાંથી કેટલીક પ્રતિક્રિયાઓ સમજી શકાય તેવી હતી જેમાં બળાત્કારીને જાહેરમાં ફાંસી આપી દેવાની કે પછી તેનું લિંગ કાપી નાખવા જેવી પ્રતિક્રિયાઓ પણ સામેલ હતી.

જો બળાત્કાર અમાનવીય છે તો ઉપરોક્ત સજાઓ પણ જરાય માનવીય નથી. આક્રોશ અને કાયદાનું પાલન બંને અલગ અલગ બાબત છે. હજી ગત રવિવારે જ અક્ષય ખન્નાની ફિલ્મ આર્ટીકલ 370 જોવાનો લાભ મળ્યો હતો અને તેમાં પણ મોટેભાગે આમ જ કહેવામાં આવ્યું છે, કે કાયદો દરેક ઘટનાને અલગ નજરથી જુએ છે અને તેમાં લાગણીનો સદંતર અભાવ હોય છે. કહેવા ખાતર એમ પણ કહી શકાય કે જો બળાત્કારીઓ અમાનુષી હોય તો એ પણ આ જ સમાજનો ભાગ છે તો એમની સાથે કેવી માનવતા.

પરંતુ આપણા બંધારણમાં આ પ્રકારના જઘન્ય કાર્યો કરવા માટે નક્કી કરેલી સજાને કારણેજ વિદેશમાં ભારતની છબી અન્ય કેટલાક લોકશાહી દેશો કે પછી રાજાશાહી દેશો કરતા અલગ છે. બીજું, ફાંસીની સજા તો હત્યા માટે પણ કરવામાં આવે છે પરંતુ તેનાથી હત્યા થતી બંધ નથી થઇ એ હકીકત છે. કોઇપણ પ્રકારના જઘન્ય અપરાધને રોકવા માટે કાયદાનું આગોતરું પાલન જરૂરી હોય છે નહીં કે આ પ્રકારની ઘટના બની ગયા પછી તેના રીએક્શન રૂપે તેનું પાલન થાય અને આપણે ત્યાં આ પરિવર્તનની ખાસ જરૂર છે.

હૈદરાબાદની ઘટના બાદ ફરીથી ભારતીય પુરુષને એક જ રંગે રંગવાની પ્રક્રિયા પણ શરુ થઇ ગઈ છે, જે આવી કોઇપણ ઘટના બાદ થવું હવે સામાન્ય બની ગયું છે. ફેમીનીસ્ટોને ભાવતા ભોજન મળી ગયા છે અને આ લાગણીમાં કેટલાક ઘેલા પુરુષો પણ જોડાઈ ગયા છે. એક સામાન્ય સવાલ પૂછું છું. શું હું કે તમે જે આ આર્ટીકલ વાંચી રહ્યા છો એ તમામ ક્યારેય બળાત્કાર કરવાનું વિચારી શકો છો? હ્રદય પર હાથ મુકીને જો જવાબ આપશો તો એ જવાબ “ક્યારેય નહીં” અથવાતો એવું હું “વિચારી પણ કેમ શકું?” એ જ  હશે. તો પછી આ બધા આપણને, પુરુષોને ધરાર બળાત્કારી બનાવી દેવા માટે કેમ ઉતાવળા બન્યા છે?

જો આ જ રીતે પુરુષોની લાગણી પર ઘાત કરવામાં આવશે તો લાંબા સમયે સ્ત્રી અને પુરુષોના સંબંધોમાં પણ ઓટ આવી શકે છે. કેટલાક તો હવેથી ગર્ભમાં છોકરો હશે તો હવે સ્ત્રીઓ ગર્ભપાત કરાવવા લાગશે એવી અંતિમવાદી વિચારસરણી લઈને મેદાનમાં આવી ગયા છે. આવા લોકોને કદાચ એ ભાન પણ નથી કે જેમ છોકરી હોવાથી ગર્ભપાત કરાવનારા એ ભૂલે છે કે આમ થવાથી છેવટે તો સંસારનો જ અંત આવી જશે એવી જ રીતે તમે પણ આ જ બાબત ભૂલી રહ્યા છો.

તો આ બધાનો ઉપાય શો? અંગત મતે આ તમામ તકલીફોનો એટલેકે બળાત્કાર પર દેશમાં ભલે રોક ન આવે પરંતુ તેની સંખ્યા ઓછી કરવા માટે એક ઉપાય છે. આ ઉપાય છે ‘બેટા પઢાઓ, બેટી બચાઓ!’ આજથી અમુક વર્ષ અગાઉ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ જ કહ્યું હતું કે જેમ છોકરીઓના રાત્રે મોડેથી ઘરે પરત આવ્યા પછી માતાપિતા સવાલ કરે છે એમ છોકરાઓ સાથે પણ એમ થવું જોઈએ.

હું તેનાથી એક કદમ આગળ વધીને કહીશ કે તમારો છોકરો જ્યારે 15 વર્ષનો થાય ત્યારે તેની સાથે કાયમી રીતે સમય ગાળીને છોકરી, સ્ત્રી શું છે તેની લાગણીઓ કેવી હોય છે, તેની હા અને ના વચ્ચે શો ફરક છે તેની સમજ આપો. સ્ત્રી સશક્તિકરણ નહીં પરંતુ સ્ત્રી સન્માનની ભાવના જો તમારા ટીનેજ પુત્રને સમજાવશો તો સ્ત્રી સશક્તિકરણ આપોઆપ થઇ જશે. સ્ત્રી કે છોકરી એ પ્રેમ અથવાતો સન્માન કરવા માટે આપણા જીવનમાં આવે છે. પુત્રને ઢગલાબંધ પુરુષ મિત્રો સાથે એક-બે સ્ત્રી મિત્ર બનાવવાની પણ સલાહ આપો.

આ સ્ત્રી મિત્રનો વિશ્વાસ એટલી હદે તેને જીતવાનું કહો કે તે પોતાની અત્યંત અંગત વાત પણ તેની સાથે શેર કરતા શરમાય કે ઓસંખાય નહીં. જે દિવસે પુરુષ સ્ત્રીનો પછી તે તેની ગર્લફ્રેન્ડ કે પત્ની નથી પરંતુ માત્ર મિત્ર છે તેનો સંપૂર્ણ વિશ્વાસ જીતશે તે દિવસે બળાત્કાર જેવી ઘટનાઓ પર આપોઆપ કાબુ આવી જશે. આ માટે કોઈ સેમીનાર કદાચ કામે ન આવી શકે કારણકે તેમાં પ્રોફેશનલ વક્તાઓ હોય છે અને તેમના વચનોમાં લાગણીનો તેમાં અભાવ હોય છે. બહેતર એ જ રહેશે કે એક પિતા પુત્ર સાથે આ અંગે સંવાદ સાધે અને તેની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર દાખવીને સતત તેની સ્ત્રી મિત્ર વિષે પૂછતા પણ રહે.

આ ઉપરાંત જાતીય ઉત્તેજનાને કાબુ રાખવા માટે પણ એક પિતા-પુત્ર સાથે બેસીને ચર્ચા કરી શકે છે. જાતીય આવેગો કોઇપણ પુરુષને એક ઉંમર બાદ ગમે ત્યારે આવી શકે છે અને તેને શાંત કરવા તેણે શું કરવું જોઈએ એ સમજ આપવા માટે એક અનુભવી પિતા સિવાય અન્ય કોઈ યોગ્ય વ્યક્તિ હોઈજ ન શકે. આજના સમયમાં જાતીય રોગો પણ કાબુ બહાર જઈ રહ્યા છે એવામાં હસ્તમૈથુનની જરૂરિયાત અને તેનાથી થતા વૈજ્ઞાનિક અને લાગણીશીલ ફાયદા પિતા જ પુત્રને યોગ્ય રીતે સમજાવી શકશે.

કડક સજા, પુરુષ જાતની નાબુદીની નહીં સંતોષ પામનારી માંગણીઓ કરતા પુત્રને જ યોગ્ય શિક્ષણ આપવાથી રાતોરાત દેશમાં પરિવર્તન નથી આવી જવાનું પરંતુ લાંબેગાળે તેનો ફાયદો જરૂર થવાનો છે. આ ઉપરાંત અન્યોના કારનામાઓને કારણે સતત બદનામ થતા નિર્દોષ પુરુષની સ્પ્રિંગ ઉછળે એ કરતા આ પ્રકારે મુક્ત ચર્ચા વધુ યોગ્ય હશે.

૨ ડિસેમ્બર ૨૦૧૯, સોમવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here