ગૂગલ રીડર, ઓરકુટ અને ગૂગલ ટોક આ ત્રણેય પ્રોડક્ટ પોતપોતાના સમયની બહુ ફેમસ પ્રોડક્ટ હતી. આ પ્રોડકટ્સ સામાન્ય જનતા અને અમારી જેવા ટેક્નોલોજી પ્રેમી લોકો વચ્ચે સરખી લોકપ્રિય હતી. પણ આટલી લોકપ્રિય પ્રોડક્ટને ગૂગલે અચાનક બંધ કરી દીધી હતી. અત્યારે આ પ્રોડક્ટ મૃત અવસ્થામાં છે. ગૂગલે અચાનક બંધ કરી દીધેલી આવી ઘણી પ્રોડક્ટ છે. છેલ્લા તેર વર્ષમાં 150થી પણ વધારે સર્વિસને બંધ કરી દેવામાં આવી છે. અને આ સર્વિસનું એક લિસ્ટ ગૂગલ સેમેટરી(એટલે કે ગૂગલનું સ્મશાનઘાટ) નામની એક થર્ડ પાર્ટી સાઈટ જાળવે છે. આ ગૂગલ સ્મશાનઘાટ શું છે? એક સામાન્ય યુઝરને કઈ રીતે અસર કરે છે? અને કઈ રીતે ગૂગલની પ્રોડક્ટ્સને અચાનક બંધ કરી દેવાની ટેવ એની એક હમણાંજ રિલીઝ થયેલી એક જોરદાર સર્વિસને નડી શકે છે? આવો એની ચર્ચા કરીએ.

ટેક્નોલોજી વિશ્વ બહુ જટિલ છે. નવી ટેક્નોલોજી બનાવવી અને એને કોઈ પ્રકારના પ્રોબ્લેમ વગર લોકો સુધી પહોંચાડવી એ લગભગ અશક્ય કામ છે. અને એ કામ કરવામાં ક્યારેક કોઈને સફળતા મળે પણ મોટાભાગે લોકોને કાં તો સદંતર નિષ્ફળતા મળે છે, અને કાં તો ટેક્નોલોજી સાથે કઈ ને કઈ બાંધછોડ કરવી પડે છે. ક્યારેક માંડ માંડ સફળ થયેલી ટેક્નોલોજી સામે નવા પડકારો આવે છે જેનો સામનો કરવામાં એ ટેક્નોલોજી કે સર્વિસને સંપૂર્ણ સફળતા નથી મળતી. અને આ કઈ પણ ન હોય તો એ ટેક્નોલોજી કે સર્વિસ સાંભળતી કંપનીનાં મેનેજમેન્ટને કૈક બીજા જ વિચાર આવે છે, અને એ સર્વિસ કે ટેક્નોલોજીને બંધ કરવામાં આવે છે. અને આની અસર આ ટેક્નોલોજી ઉપર, એના વપરાશકર્તાઓ ઉપર, અને વધતે ઓછે અંશે એને બનાવનારી, વાપરનારી કે સાંભળનારી કંપનીઓ ઉપર પણ પડે છે. કોઈ સર્વિસ બંધ થવી, નિષ્ફળ જવી એ ટેક્નોલોજીના વિશ્વમાં બહુ સામાન્ય છે. ઘણી બધી કંપનીઓ સમય રહેતા એની સર્વિસો બંધ કરે છે, પણ ગૂગલ આ કંપનીઓમાં સારા અને ખરાબ બંને કારણોના લીધે બીજા બધા કરતા અલગ પડે છે.
ગૂગલ એક એવી કંપની છે જેની સફળતામાં એના મેનેજમેન્ટ જેટલો જ ફાળો એની એન્જીનીયરીંગ ટીમનો છે. ટેક્નોલોજી હોય કે હ્યુમન રિસોર્સ, એક સમય હતો જયારે ગૂગલના ઇનોવેશનના પાઠ લોકોને ભણાવવામાં આવતા. ગૂગલનો 20% રુલ જેમાં અઠવાડિયાના પાંચ માંથી એક દિવસ ગૂગલના એન્જીનીયર એનું મનગમતું કોઈ પણ કામ કરી શકે, જેનાથી કંપનીને ફાયદો થાય.એ હજુય બીજી કંપની માટે ઇમ્પોસિબલ છે. આ 20% રુલ ના લીધે જ આપણને જી મેઈલ, ગૂગલ ન્યુઝ જેવી લોકપ્રિય પ્રોડક્ટ અને ગૂગલ એડસેન્સ જેવો ગૂગલ માટે કમાઉ પ્રોજેક્ટ મળ્યો છે. અત્યારે આ રુલ નું ગૂગલમાં શું સ્ટેટસ છે એ કોઈને ખબર નથી, પણ ગૂગલ એ સમયથી આજ સુધી એન્જીનીયર ડ્રિવન કંપની છે. અને ગૂગલનાં આ વલણના લીધે આપણને ઘણી સર્વિસ કે પ્રોડક્ટ મળી છે કે જે લોકપ્રિય અને જીનિયસ છે.
પણ હમણાંથી ગૂગલના આ વલણમાં ફેરફાર આવ્યા છે. ગૂગલનું આ 20% વાળું ક્લચર પણ ધીમે ધીમે ઓછું થવા માંડ્યું છે. ગૂગલ હજીય એન્જીયર ડ્રિવન કંપની છે, પણ ધીરે ધીરે ગૂગલ બીજી કંપનીઓની જેમ મેનેજમેન્ટ ડ્રિવન કંપની બનવા મંડી છે. યુઝર્સને સારી અને ઇનોવેટિવ પ્રોડક્ટ મળે એ સાથે સાથે એનો વપરાશ થાય, એમાંથી ડેટા મળે અને ગૂગલને ફાયદો થાય એ વલણ પણ ગૂગલ લેવા માંડ્યું છે. અને એના લીધે જો કોઈ પ્રોડક્ટ ન ચાલે, કે એ પ્રોડક્ટમાંથી યોગ્ય રીતે ડેટા ન મળે એવું લાગે એટલે તરત જ ગૂગલ એવી પ્રોડક્ટને બંધ કરી દે છે. અને આવી બંધ સર્વિસીસ કે પ્રોડક્ટ્નું એકજ સરનામું છે, ગૂગલનું સ્મશાનઘાટ. જ્યાં કોઈ સર્વિસ પહોંચે એનું નુકસાન એના યુઝર્સ ને બહુ ખરાબ રીતે ભોગવવું પડે છે.
આમાંની અમુક સર્વિસીસ, જેમકે ઇનબોક્સ, આલ્લો, ગૂગલ સ્પેસીસ જેવી સર્વિસીસ ઓલરેડી રીટાયર થઇ ચુકી છે અને ગૂગલ પ્લે મ્યુઝિક જેવી જોરદાર સર્વિસ (જેનો ઉલ્લેખ આપણે ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ વાળા આર્ટીકલમાં કર્યો હતો) જે આવતા મહિનાઓમાં ગમે ત્યારે રીટાયર થઇ જશે, એ બધી ની એક જગ્યા કે ગૂગલનું સ્મશાનઘાટ છે. એના વિષે આવો ચર્ચા કરીએ.
ગૂગલ ઇનબોક્સ

જીમેઈલ ની ટીમ દ્વારા બનાવાયેલી ઇનબોક્સ સર્વિસ એક નવીન ઇમેઇલ સર્વિસ હતી. સામાન્ય ઇમેઇલ સર્વિસ માં આપણને ઇમેઇલ આવે, આપણે ઇમેઇલ મોકલી શકીએ એટલું ઘણું. જીમેઈલ જેવી થોડી એડવાન્સ સર્વિસમાં તમને ઇમેઇલ કોણ મોકલે છે એના ઉપરથી એ ઇમેઇલ ને પ્રાયમરી, સોશિયલ, અપડેટ, પ્રમોશન કે ફોરમ જેવી કેટેગરીમાં એ ઇમેઇલ મૂકી દે. એ સિવાય આપણે ઇમેઇલ આપણી જાતે લેબલ બનાવવા પડે. ઉદાહરણ તરીકે મારી વિમાની ઓનલાઇન રસીદો, કે કોઈ અમુક કંપનીના આવેલા ન્યુઝલેટર ને એક સાથે રાખવા માટે મારે એને જાતે સર્ચ કરવા પડે અને જાતે લેબલ મારવા પડે. બેન્ક ના સ્ટેટમેન્ટ કે ઓનલાઇન ટિકિટો શોધવા જવી પડે.
પણ ઇનબોક્સ આ બધું જાતે કરતુ. ધારોકે ફ્લિપકાર્ટ, એમેઝોન ના ઇમેઇલ એની જાતે પરચેઝવાળી કેટેગરીમાં ગોઠવાઈ જાય, GSRTC ની જવાની અને રિટર્ન ટિકિટ જાતે ટ્રાવેલ વાળી કેટેગરીમાં આવે. અમુક લોકોએ મોકલેલા કે અમુક શબ્દો ધરાવતા ઈમેલ જાતે બંડલમાં ગોઠવાઈ જાય, અને એ બંડલ ના નવા મેઈલ ના નોટિફિકેશન તરત મળે. આ ઉપરાંત કોઈ ઇમેઇલ આવી ગયો હોય પણ એ તરત જ ન જોવો હોય તો આપણે એ ઇમેઇલ ક્યાં અને ક્યારે જોવો એ નક્કી કરી શકીએ અને એ જગ્યા કે સમય પહેલા આ ઇમેઇલ છુપાયેલો રહે. અમુક ઇમેઇલ પિન કરી શકાય, અને એ સિવાય ના જે-તે કેટેગરીના બધા ઇમેઇલ આપણે એક સાથે ડીલીટ કરી શકીએ. આ ઉપરાંત મેનેજમેન્ટમાં પ્રચલિત એવો ઇનબોક્સ ઝીરો નો વિચાર જેમાં તમારા ઈનબોક્સમાં નકામાં કોઈ ઇમેઇલ પડી રહેવા ન જોઈએ, એ વિચારનો યોગ્ય અમલ ગૂગલ ઇનબૉક્સે કરેલો. અને આવા નવીન અને પરફેક્ટ વિચારો માટે ઇનબોક્સ જેટલો સમય રહી એટલો સમય એના વપરાશકર્તાઓમાં ફેવરિટ બની રહી. ઇનબોક્સને માર્ચ 2019માં રીટાયર કરી દેવામાં આવી. અને ગૂગલનું સ્મશાનઘાટ એ ગૂગલ ઇનબોક્સની નવી જગ્યા બની રહ્યું.
ગૂગલ આલ્લો

ગૂગલ ધ્યાન નું છેલ્લા બે વર્ષથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર છે. પોતાની બધી પ્રોડક્ટ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ નો ઉપયોગ કરવો અને એના ફાયદા સામાન્ય લોકો સુધી પહોંચાડવું એ ગૂગલનું મુખ્ય ફોકસ બની રહ્યું છે. અને એના માટે ગૂગલની મુખ્ય સર્વિસ છે ગૂગલ આસિસ્ટન્ટ, આ ગૂગલ આસિસ્ટન્ટની શરૂઆત ગૂગલ આલ્લોથી થઇ હતી. ગૂગલ આલ્લો એના સમય કરતા આગળ હતી. ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્પ એ સમયે હજુ વિકસી રહી હતી, અને ધીરે ધીરે યુઝર ભેગા કરી રહી હતી. પણ એના જેવા જ ફીચર ધરાવતી એપ્પ જો ગૂગલ બનાવે તો એને તરત જ ટેલિગ્રામ અને સિગ્નલ કરતાંય વધારે યુઝર બની જાય. એમાં ય ગૂગલ સર્ચ અને એની એડવાન્સ્ડ સુવિધાઓ આપણને ચેટ કરતા કરતા કરતા જ મળી જાય તો એ સર્વિસને કોઈ રોકી ન શકે.
અને આલ્લો લોન્ચ થયું ત્યારે આવું જ થયું હતું. આલ્લો ને ડગલે ને પગલે યુઝર્સ મળી રહ્યા હતા. લોકો સ્માર્ટ આસિસ્ટન્ટ સાથેની ચેટ કરવા ઉત્સુક હતા. એ ચેટ પણ થઇ રહી હતી. પણ સાથે સાથે વ્હોટ્સએપ્પ, ફેસબુક મેસેન્જર અને એનાથીય વધુ iMessage સામે આલ્લો ની સ્પર્ધા હતી, અને શરૂઆતમાં મળેલી પોપ્યુલારિટીનો ફાયદો ઉઠાવવાની નિષ્ફળતા આલ્લો ને ખુબ નડી. અને આ વર્ષના શરૂઆતમાં આલ્લો ને ઓફિશિયલી બંધ કરવામાં આવ્યું. એક સમયે એડવાન્સ્ડ ચેટ સર્વિસ ગણાતી આલ્લોની જગ્યા અત્યારે ગૂગલનું સ્મશાનઘાટ છે.
ગૂગલ સ્પેસીસ

ગૂગલ સ્પેસીસ વિષે એક જ વાક્યમાં કહું તો એ એક શ્રેષ્ઠ સર્વિસ હતી જે બહુ ખોટા સમયે રિલીઝ થઇ હતી. ગૂગલ સ્પેસીસ માં યુઝર કોઈ ટોપિક ઉપર કોઈ સ્પેસ બનાવીને એના મિત્રો કે સહકર્મચારીઓ સાથે એ સ્પેસ શેર કરી શકતો હતો. એ સ્પેસ જે ટોપિક ને લગતી હોય એ ટોપિક પર જ ત્યાં વાતો થતી. એ સર્વિસમાં કોઈ વેબપેજ, કોઈ યુટ્યુબ વિડીયો કે કોઈ ફોટો એ એપ્પ છોડ્યા વગર જ શેર કરી શકાતા હતા. અને એ જે તે પેજ, વિડીયો કે ફોટો વિશેની ચર્ચા એની આસપાસ જ ગોઠવાયેલી રહેતી. કોઈ પણ ચેટ અને ચર્ચાઓ જે રીતે ગૂગલ સ્પેસમાં સુ-વ્યવસ્થિત રહેતી અને એ ચેટ ગમે એટલી જૂની હોય કે નવી, એના સહભાગીઓને એ બધી જ ચેટ વાંચવા મળતી.
ગૂગલ સ્પેસીસ સ્લેક(Slack) અને સ્કાઇપ જેવી પ્રોફેશનલ ચેટ સર્વિસ, જે મુખ્યત્વે ઓફિસીસ અને પ્રોફેશનલ વાતાવરણમાં વપરાય છે એની સામે હરિફાઇ આપવા શરુ થઇ હતી. ગૂગલ સ્પેસીસ ની વ્યવસ્થા અને એના બીજા ફીચર્સ આજ સુધી એવી કોઈ પણ સર્વિસીસમાં આવ્યા નથી. ઘણી સર્વિસમાં કોઈ વ્યવસ્થા ન હતી, અને ઘણી સર્વિસીસમાં જુના મેસેજ વાંચવા નથી મળતા. જયારે ગૂગલ સ્પેસીસ આ બંને વસ્તુઓ બહુ આસાનીથી કરી લેતી હતી. ગૂગલ સ્પેસીસ 2016ના મે મહિનામાં શરુ થઇ, અને 2017ના ફેબ્રુઆરી આવતા સુધીમાં ગૂગલ સ્પેસીસ ને ગૂગલનું સ્મશાનઘાટ લઇ ગયું.
ગૂગલ પ્લે મ્યુઝિક
આ બધી સર્વિસીસમાં ગૂગલ પ્લે મ્યુઝિક અલગ પડે છે. ગૂગલ પ્લે મ્યુઝિક આ બધી સર્વિસીસ થી પહેલા 2011માં શરુ થયું હતું. અને આ લખાય છે ત્યાં સુધી એ ક્યારે બંધ થશે એના કોઈ આધિકારિક સમાચાર નથી આવ્યા. આ સર્વિસ કદાચ બધી મ્યુઝિક સર્વિસ કરતા મોંઘી છે પણ એના ફીચર પણ એવા છે જે બીજે ક્યાંય નથી. ગૂગલ પ્લે મ્યુઝિકની સજેશન કરવાની સિસ્ટમ જોરદાર હતી. દા.ત. તમે જીમમાં હો કે મોર્નિંગ વોક કે રન લેવા જતા હો ત્યારે તમને ઉત્સાહજનક ગીતો સજેસ્ટ કરે, ડ્રાઈવ કરતા હો ત્યારે એવા ગીતો સજેસ્ટ કરે જે મગજ ને ફોકસ્ડ રાખે, ઘરે રિલેક્સ થતા હો ત્યારે તમને શાંત ગીતો સજેસ્ટ કરે. ઉપરાંત જેમ જેમ તમે કોઈ ગીતને કે કોઈ આર્ટિસ્ટને લાઈક કે ડીસ્લાઇક કરતા જાઓ એમ એમ તમને તમારી પસંદના કે તમને ગમી શકે એવા ગીતો વધારે સજેસ્ટ કરે. આ સજેશનમાં એવા ઘણા ગીતો હોય જે તમે ન સાંભળ્યા હોય પણ તમને એ ગીત ગમે એના ચાન્સ વધારે હોય. ઉપરાંત ગૂગલ પ્લે મ્યુઝિકમાં તમે તમારા પોતાના 50000 જેટલા ગીતો અપલોડ કરીને સાચવી શકો છો. અને આ અપલોડ કરેલા ગીતો પણ અહીંયા કહ્યું એ રીતે સજેશન ની સિસ્ટમમાં પણ આવી શકે છે.
ગૂગલનું સ્મશાનઘાટ ગૂગલ પ્લે મ્યુઝિક માટે પોતાની જગ્યાફાળવી રહ્યું છે.
આ ગૂગલ ઇનબોક્સ, ગૂગલ આલ્લો, અને ગૂગલ સ્પેસીસ બધી બંધ થઇ રહી છે. ગૂગલ ઇનબોક્સ ના બધા જ ફીચર્સ ધીમે ધીમે જીમેઈલમાં ભળી રહ્યા છે. ગૂગલના કહેવા પ્રમાણે જીમેઈલ અને ઇનબોક્સ એમ બે હરીફ પ્રોડ્કટમાં એક જ ટીમના રિસોર્સ વપરાતા હોય એ બંને પ્રોડક્ટ માટે ખોટું હતું. અને એટલે એ ટીમનું ધ્યાન એક જ પ્રોડ્કટમાં રહે એટલા માટે ગૂગલ ઇનબોક્સ ને બંધ કરી જીમેઈલ પર ધ્યાન રાખવામાં આવ્યું. ગૂગલ આલ્લો વ્હોટ્સએપ્પ અને iMessage ના વાવાઝોડા સામે ટકી ન શક્યું અને એટલે એને બંધ કરી દેવામાં આવ્યું અને આલ્લોની ટીમને ગૂગલ મેસેજ સાથે ભેળવી દેવામાં આવી. ગૂગલ મેસેજમાં આલ્લો ને લગતા ફીચર્સ ગયા અઠવાડિયાથી રિલીઝ કરવાના શરુ કર્યા છે, જેને બધા સુધી પહોંચવામાં એકાદ બે મહિના લાગી શકે છે. ગૂગલ સ્પેસીસ ના થોડા ઘણા ફીચર્સ જી સ્યુટ હેન્ગઆઉટ ચેટ માં ભેળવી દીધા છે. અને ગૂગલ પ્લે મ્યુઝિક ના બદલે યુટ્યુબ મ્યુઝિકને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
પણ આ બધા જ રિપ્લેસમેન્ટ એવા નથી કે જે-તે સર્વિસીસના બધા જ ફીચર નવી સર્વિસીસમાં હોય. ગૂગલ ઇનબૉક્સનું સ્માર્ટ બંડલનું ફીચર જીમેઈલમાં સદંતર ગાયબ છે, અને આ મુદ્દે ગૂગલ મોઢામાં મગ ભર્યા હોય એમ ચૂપ છે. ગૂગલ આલ્લોના લગભગ બધા કામના ફીચર ગૂગલ મેસેજમાં આવશે. પણ ગૂગલ સ્પેસિસ અને એના જેવા ફીચર્સ આજ સુધી કોઈ એપ્પમાં આવ્યા નથી, ન તો ગૂગલ તરફથી અને ન કોઈ બીજા તરફથી. ગૂગલ પ્લે મ્યુઝિકમાંથી યુટ્યુબ મ્યુઝિકમાં ફીચર્સ કોપી કરવાના શરુ થઇ ગયા છે, અને ગૂગલ પ્લે મ્યુઝિક ત્યાં સુધી બંધ નહિ થાય જ્યાં સુધી એના બધાજ ફીચર્સ યુટ્યુબ મ્યુઝિકમાં ન આવી જાય, આવા મતલબની બાંહેધરી ગૂગલ આધિકારિક રીતે આપી ચૂક્યું છે. પણ યુટ્યુબ મ્યુઝિકમાં જે ઢીલાશથી કામ થઇ રહ્યું છે અને ગૂગલ ની જે ટેવ છે એ પ્રમાણે યુટ્યુબ મ્યુઝિકમાં પણ અમુક ફીચર્સ કદી નહિ આવે એવો ડર પણ લોકોને છે.
ગૂગલ સ્ટેડિયા
ગૂગલનું સ્મશાનઘાટ અને આવી નેગેટિવ વાતો અત્યારે કરવાનો એક ખાસ અર્થ છે તાજેતરમાંજ લોન્ચ થયેલી એક એવી સર્વિસ જે અહીં ચર્ચાયેલી બધી સર્વિસીસની જેમ જ નવીન છે. અને લોકોને ડર છે કે મોડું નહિ તો વહેલું આ સર્વિસનું સ્થાન પણ ગૂગલનું સ્મશાનઘાટ જ હશે. આ સર્વિસ એટલે 19 સપ્ટેમ્બરે લોન્ચ થયેલી ગૂગલ સ્ટેડિયા (Google Stadia).
સામાન્ય ગેમ તમારે તમારા ફોન, કોન્સોલ(પ્લે સ્ટેશન ને એક્સ-બોક્સ) કે તમારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવી પડે છે, જે ડાઉનલોડ 50-60 એમબી થી લઈને 8-10 જીબી જેટલું મોટું હોય છે. આ ડાઉનલોડ કર્યા પછી તમારે જે તે ફોન, કોન્સોલ કે કમ્પ્યુટરમાં જ રમવી પડે. મોબાઈલમાં રમાતી ગેમ જો કમ્પ્યુટર માટે પણ ઉપલબ્ધ હોય (જે એક દુર્લભ ઘટના છે)એ બંને માટે અલગથી એ ગેમ લેવાની અને ડાઉનલોડ કરવાની. મોબાઈલ માં રમાતી ગેમ ની પ્રગતિ તમારે એ ગેમ ના સર્વર માં અપલોડ કરવાની અને બીજી જગ્યાએ ડાઉનલોડ કરવાની. આ બધી જફા વળી વાતો છે. અને સ્ટેડિયા આ બધી જફા માંથી મુક્તિ આપે છે.
સ્ટેડિયા એ ગૂગલની કલાઉડ બેઝડ ગેમિંગ સર્વિસ છે. આમ જે તે ગેમ અને એ ગેમમાં તમારી પ્રગતિ એ ગૂગલના ઓનલાઇન સર્વરમાં જ સેવ રહે છે. તમારે એ ગેમ અલગ અલગ મોબાઈલ, કમ્પ્યુટર કે કોન્સોલમાં ખરીદવા કરતા એકજ જગ્યાએ આ ગેમનું રજીસ્ટ્રેશન કરવાનું રહે અને એ ગેમ તમે ગમે તે ડિવાઇસમાં રમી શકો. આ ગેમ ઓનલાઇન જ રમાતી હોવાને લીધે તમારી એ ગેમમાં પ્રગતિ પણ આપોઆપ સર્વરમાં સ્ટોર થઇ જાય છે એટલે એક ડિવાઇસમાં તમે ગેમ જ્યાં અટકાવી હોય એ જ જગ્યાએ થી તમે બીજા કોઈ પણ ડિવાઇસમાં એ જ ગેમ રમી શકશો, અને એ પણ એ ગેમને ફરીથી ડાઉનલોડ કે રજીસ્ટ્રેશન કરાવ્યા વગર. આવી બધી સુવિધાઓના લીધે જ ગૂગલ સ્ટેડિયા ને ગેમિંગનું નેટફ્લિક્સ કહેવામાં આવે છે.
ગૂગલ ઘણા સમયથી પારખી ગયું હતું કે હવે ગેમિંગ નું ભવિષ્ય સ્ટ્રીમીંગમાં છે. અને એટલેજ પોતાના Top of the class કલાઉડ સર્વર્સ નો ઉપયોગ કરીને ગૂગલ સ્ટેડિયા લઇ આવ્યું છે. આ પહેલા પણ એક ઓનલાઈવ કરીને અમેરિકન સર્વિસ હતી, અને અત્યારે માઈક્રોસોફ્ટ, સોની, ગેમિંગ જાયન્ટ ઇલેક્ટ્રોનિક આર્ટ્સ (EA Games) પણ પોતપોતાની કલાઉડ બેઝડ ગેમિંગ સર્વિસ બનાવી રહ્યું છે. પણ સ્ટેડિયા આ બધામાં સહુથી પહેલું હશે.
પણ સહુથી લાબું હશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે. ગૂગલના કોઈ પણ સર્વિસને બંધ કરી દેવાના વલણ પર ખુદ સ્ટેડિયા સાથે જોડાયેલા ગેમ ડેવેલપર્સ સવાલ ઉઠાવી રહ્યા છે. ગૂગલની કોઈ નવી પ્રોડક્ટ એવરેજ 3-4 વર્ષ સુધી ચાલે છે એવું ગૂગલ સીમેટરી નુંકહેવું છે. અને એ હિસાબ થી જોવા જાઓ તો ગૂગલ સ્ટેડિયા 2023 થી આગળ કઈ રીતે અને કેટલું ચાલે એ એક મોટો સવાલ છે. એક ઓનલાઇન ફોરમમાં ગૂગલ સ્ટેડિયા સાથે જોડાયેલી ગેમ કંપનીના એક ડેવલપર ના કહેવા પ્રમાણે
ગેમિંગ નું ભવિષ્ય સ્ટ્રીમિંગ માં જ છે. અને ગૂગલ ની સ્માર્ટ નેસ એ છે કે એણે આ ટેક સામાન્ય લોકો નાં હાથમાં મૂકી.
પણ સામે ગૂગલ સ્ટેડીયા નું નંબર વન દુશ્મન ગૂગલ પોતે જ છે. છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં પોતાની પ્રોડક્ટ બાબતે ગૂગલ નું કન્ફ્યુઝન અને ગૂગલ ની કોઈ પણ પ્રોડક્ટ ને કિલ કરી નાખવાની ટેવ સ્ટેડીયા નાં રસ્તામાં આવવાની છે એ નક્કી છે.
ગૂગલ સ્ટેડિયા કોઈ પરફેક્ટ પ્રોડક્ટ નથી. અમુક ટેક્નિકલ પ્રોબ્લેમ્સ એને પણ નડે છે. સ્ટેડિયામાં અત્યારે માત્ર 20 જ ગેમ્સ છે, એનું ઓનલાઇન અને રિયલ ટાઈમ ગેમિંગ એટલું સ્મૂથ નથી. પણ ગૂગલ નાં ધ્યાનમાં એ બધી સમસ્યાઓ છે અને ગૂગલ એના પર કામ કરી રહ્યું છે. ગૂગલના હિસાબે એ કોઈ સામાન્ય સર્વિસ નથી અને ગૂગલ સ્ટેડિયા બાબતે ગંભીર છે. અને આ વાતના બે મોટા પુરાવા એટલે ગૂગલ સ્ટેડિયા નું સ્પેશિયલ કંટ્રોલર, જેના બનાવવા માટે ગૂગલ ના હાર્ડવેર ડિવિઝને ખુબ મહેનત કરી છે. અને નજીકના ભવિષ્યમાં શરુ થનાર સ્ટેડિયા ગેમ સ્ટુડિયો જે સ્ટેડિયા માટે ગેમ બનાવનાર સ્પેશિયલ કંપની હશે. આ બે વાત થી સાબિત થાય છે કે ગૂગલનું સ્મશાનઘાટ એ સ્ટેડિયા નું ભવિષ્ય તો નથીજ. સ્ટેડિયા કદાચ 3-4 વર્ષ થી વધારે પણ ચાલે.
અને જો એવું થયું તો ગૂગલ સ્ટેડિયા એ ભવિષ્યનું યુટ્યુબ થઇ રહેવાનું છે. યુટ્યુબ જયારે શરુ થયું ત્યારે એની પાસે બહુ ટેક્નિકલ સમસ્યાઓ હતી. પણ ધીરે ધીરે, ગૂગલની આગેવાનીમાં યુટ્યુબ એટલું આગળ વધ્યું છે અને એટલું સર્વવ્યાપક બન્યું છે કે આજે યુટ્યુબ વગરના મનોરંજનની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આજે ગૂગલ (કે બીજી કોઈ પણ કંપની) ધારે તોપણ યુટ્યુબ ની જગ્યા લઇ શકે એવી સર્વિસ બનાવી શકે એમ નથી. અને આશા છે કે ગૂગલ સ્ટેડિયા પણ સર્વવ્યાપી બની રહે.
નોંધ: ગૂગલ સ્ટેડિયા આ લખાય છે ત્યારે (1 ડિસેમ્બર 2019), માત્ર અમેરિકા ,કેનેડા અને યુરોપના અમુક દેશોમાં જ ઉપલબ્ધ છે. ભવિષ્યમાં નવા દેશોમાં એનો ફેલાવો થશે. સ્ટેડિયા અત્યારે ક્યાં છે અને ત્યાં સ્ટેડિયામાં ગેમ રમવા માટે શેની જરૂર પડશે એ માહિતી તમે અહીંથી લઇ શકશો.
આવતા વખતે એક નવા જ મુદ્દા સાથે મળીએ ત્યાં સુધી.
મે ધ શક્તિ બી વિથ યુ….
eછાપું