શેરબજારમાં ટૂંકાગાળામાં મોટો ફાયદો મળે છે તેમ માનતા લોકો આડેધડ રોકાણ કરવા લાગે છે અને તે પણ કોઈ જ્ઞાન વગર તેને કારણે તેઓને કયા પ્રકારનું નુકશાન થાય છે તે સમજીએ.
એક જુનો અને જાણીતો ટુચકો છે આ વિશે ….
“જો તમે શેરબજારમાં થોડાં પૈસા ગુમાવ્યા હોય અને એનો તમને અફસોસ હોય તો ચિંતા ન કરો. તમે એવી વ્યક્તિને પૂછો જેણે પોતે પણ શેરબજારમાં ઘણાં પૈસા ગુમાવ્યા હોય. તેથી તમને રાહત થશે કે તમે એના કરતાં ઓછા પૈસા ગુમાવ્યા.”
આ જુનો અને જાણીતો ટુચકો આજે પણ ચલણમાં છે. કારણકે આજે પણ 90% લોકો શેરબજારમાં પૈસા ગુમાવે છે, એમાં શેરબજારના અઠંગ ખેલાડીઓ પણ આવી જાય છે.
શું આ આઘાતજનક નથી? પરંતુ વાસ્તવિકતા છે. શેરબજારમાં લોકો પૈસા ગુમાવે છે એના ઘણાં કારણો છે. પરંતુ થોડાંક મહત્વનાં કારણો જોઈએ.
અફવાઓ અને ટીપ્સનાં આધારે શેરમાં રોકાણ
ઘણાં ખાસ તો નવાં રોકાણકારો મિત્રો, સગાં, કલીગ્સ જેવાઓ પાસેથી ટીપ્સ લઈને રોકાણ કરે છે. પરંતુ તેઓ એ નથી જાણતા કે જેઓ ટીપ આપે છે તેઓ જાતે બીજા પાસેથી ટીપ્સ મેળવે છે. એમાં પાછુ ડીજીટલ દુનિયાએ મોકાણ કરી છે. સોશિયલ મીડિયા, બિઝનેસ ન્યુઝ ચેનલ્સ, વોટ્સએપ વગેરેએ બળતામાં ઘી ઉમેર્યું છે.
જયારે તમે બિઝનેસ ચેનલ્સ ઓન કરો ત્યારે ત્યાં તમે જોશો કે બની બેઠેલા શેરબજારનાં નિષ્ણાંતો પૈસા કમાવા તમને મિલિસેકન્ડમાં લે-વેચ કરવાની સલાહ આપે છે અને આ નિર્દોષ રોકાણકારોને જાળમાં ફસાવે છે. આપણે આ મળતી ટીપ્સને સાચી માનીને રોકાણ કરીએ છીએ, પરંતુ હકીકત સાવ જુદી જ હોય છે.
એક દાખલો જોઈએ. infibeam એવેન્યુનો
28 સપ્ટેંબર 2018માં infibeam એવેન્યુના શેરનો ભાવ આશરે 71% પડ્યો જે રૂ.197 પરથી સીધો રૂ. 50 પર પટકાયો. જેનું કારણ હતું ટ્રેડરોના વોટ્સએપ ગ્રુપ પરનો મેસેજ જેનો રોકાણકારોમાં ગભરાટ ફેલાયો અને લોકો પોતાના શેર વેચવા તૂટી પડ્યા. નુકશાન એટલું ગંભીર હતું કે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરે સંદેશો મુક્યો કે “થોડાંક વોટ્સએપ ગ્રુપે અમારી કંપની વિશે અફવા ફેલાવી છે જેને લઈને બજારમાં ગેરસમજણ અને ગભરાટ ફેલાયો. અમે આવી અફવાને નકારીએ છીએ જે ખોટી છે અને બદઈરાદાપૂર્વક બદનામ કરવાની કોશિશ કરી રહી છે.”
એમ કહેવાય છે કે “ખરાબ સમાચાર કોઈ બીજા માટે સારા સમાચાર હોય છે” આ ઇક્વિટી રોકાણની બાબતમાં સો ટકા સાચું છે. ઘણી વખત બનાવટી રીપોર્ટ મીડિયામાં જાણી જોઇને ફેલાવવામાં આવે છે જેથી બદઈરાદાવાળા પોતાનો સ્વાર્થ સાધી શકે. કારણકે તેઓ ઈચ્છતા હોય છે કે દરેક એને માની લઈ હરીફને પછાડે.
ગ્રેફાઇટ ઇન્ડિયાનો દાખલો લો. 2018માં એનો ભાવ રૂ.1000 થી વધીને રૂ. 1400 થશે એવી વાતો મીડિયા અને બીઝનેસ ન્યૂઝ ચેનલો પર ફેલાયેલી હતી. પરંતુ ચાર મહિના પછી આ જ ન્યુઝ ચેનલો અને વેબસાઈટસ એને વેચવાની સલાહ આપી રહ્યા હતા અને કહેતા હતા કે એનો ભાવ ઘટીને રૂ. 530 થશે. હાલ એનો ભાવ રૂ. 290ની આસપાસ ચાલે છે.
જો તમે આવા ન્યુઝ ચેનલની ભલામણથી રૂ 1000ની ખરીદી કરી હોત તો તમે વિચારો કે એથી કેટલું નુકસાન થાત. યાદ રહે કે દરેક માહિતી જરૂરી નથી એ બિનજરૂરી પણ હોઈ શકે.
પેની સ્ટોકમાં રોકાણ
પેની એટલે સાવ સસ્તામાં મળતો સ્ટોક જે મુખ્યત્વે રૂ. 10થી ઓછો હોય, અરે પૈસામાં હોય. આ નીચો ભાવ ઘણાને આકર્ષક લાગે છે. પરંતુ કંપનીનો બજારભાવ અને કંપનીની રીયલ વેલ્યુ બંને જુદા છે.
પેની સ્ટોકનું માર્કેટ કેપિટલાઈઝેશન ઓછુ હોય અને એના વિષે બજારમાં માહિતી બહુ ઓછી હોય છે. તેમાં મીસ્મેનેજમેન્ટની શક્યતા વધુ હોય છે. પેની સ્ટોકમાં રોકાણ એટલે તમારા પૈસા પાણીમાં નાખવા. ઘણાને ખુબ મોટું નુકસાન કર્યા પછી અક્કલ આવે છે. પ્રકાશ સ્ટીલએજ, લાન્કો ઇન્ફ્રાટેક, જેમિની કમ્યુનીકેશન, અને બિરલા પાવર સોલ્યુશન આના થોડાક ઉદાહરણ છે. રોકાણકારોએ આ કંપનીઓમાં 75%થી 90% મૂડી ગુમાવી છે.
ઇન્ટ્રાડે અને શોર્ટટર્મ ટ્રેડીંગમાં રચ્યાપચ્યા રહેવું
ઘણાં રોજ કમ્પ્યુટર સામે બેસીને ઇન્ટ્રાડે અને શોર્ટટર્મ ટ્રેડિંગમાં રચ્યાપચ્યા રહે છે. કારણકે એ એમને થ્રિલ અપાવે છે, એમને એમાં સાહસ લાગે છે અને અહી રોજેરોજ ક્વિક મની રળી જલ્દી પૈસાદાર બની શકાશે એવી માન્યતા ધરાવે છે. પરંતુ વિશ્વાસ કરો જો તમને એક્સાઈટમેન્ટ જોઈતી હોય તો વેગાસ જાઓ ત્યાં કેસીનોમાં જુગાર રમો. કારણકે વેલ્થ ક્રિએશન એ કંટાળજનક લાંબી પ્રક્રિયા છે.
સામાન્યપણે ઇન્ટ્રાડે અને શોર્ટટર્મમાં શરુઆતમાં નફો મળે એટલે તેઓ વધુનેવધુ ટ્રેડ વધુ માર્જીન રાખી ટ્રેડ કરે આમાં તેઓ ભૂલી જાય છે કે એકાદ ટ્રેડમાં નુકશાન તમારી પૂરી મૂડીનું ધોવાણ કરી શકે છે
આનાથી પણ ખરાબ એટલે રિવેન્જ ટ્રેડીંગ જેઓ ઇન્ટ્રાડેમાં નુકશાન કરે તેઓ અને લોસ રીકવર કરવા બદલાની ભાવનાથી ઇન્ટ્રાડેમાં બજાર દુશ્મન હોય એવી માનસિકતાથી રમે છે અને આમ લાગણીઓ પ્રેક્ટીકલ નિર્ણય પર હાવી થઇ જાય છે પરિણામે વધુ નુકશાન કરે છે આ રિવેન્જ ટ્રેડીંગ સમ્પૂર્ણ મૂડી ધોવાણનું એક મુખ્ય કારણ હોય છે.
ફન્ડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીમાં રોકાણનો અભાવ
ફન્ડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોકમાં પારદર્શકતા અને તંદુરસ્ત બીઝનેસ મોડેલ હોય છે. આવી કંપનીઓ પ્રોફેશનલી વેલ્મેનેજ હોય છે. આવી કંપનીઓ કોઈપણ આર્થિક મંદીમાં ટક્કર ઝીલી શકે છે અને મંદી પછી પણ તેજીની શરૂઆત થાય ત્યારે તેઓ જ પ્રથમ ઉપર વધવા માંડે છે.
2008માં સૌથી ખરાબ કરેકશન આવ્યું હતું. ઘણાએ ગભરાટમાં સારી સારી કંપનીઓના શેર બજારમાં નુકશાનીમાં વેચી દીધા હતાં. જાણે કે સારા દિવસો આવવાના જ ના હોય પરંતુ ચોવીસ મહિનામાં બજાર સુધર્યું અને જેમણે રોકાણ જાળવી રાખ્યું હતું એમણે વધુ નફો રળ્યો.
થોડાંક દાખલાઓ જુઓ…
કંપની | 2008માં રોકાણ | 2019માં ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ |
આયશર મોટર્સ | 1 લાખ | 88.80 લાખ |
બજાજ ફાયનાન્સ | 1 લાખ | 55 લાખ |
મારુતિ સુઝુકી | 1 લાખ | 12.27 લાખ |
TCS | 1 લાખ | 10.76 લાખ |
MRF | 1 લાખ | 16.01 લાખ |
HDFC બેંક | 1 લાખ | 11.90 લાખ |
HUL | 1 લાખ | 10.25 લાખ |
વિપ્રો | 1 લાખ | 5 લાખ |
તમે જોઈ શકો છો કે 90% રોકાણકારો નુકશાન કરે છે એની પાછળ ઘણાં કારણો છે. નફો ભૂલી જાઓ, ઘણાં તો પોતાની મૂડીનું ધોવાણ કરે છે અને એનો દોષ બજારને અથવા પોતાના નસીબને આપે છે.
ઇક્વિટીમાં સફળતાપૂર્વકનું રોકાણ એ કઈ રોકેટ સાયન્સ નથી એ માત્ર સાચું રોકાણ. ધીરજ અને મોંઘી ભૂલોથી દુર રહેવાથી સફળ થવાય છે.
ઇક્વિટીમાં લાંબાગાળાના રોકાણ માટે અને સ્ક્સેસન પ્લાનિંગ માટે અહીં ક્લિક કરો.
આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.
eછાપું