શું 300 રામાયણો હોય ખરાં?

0
634
Photo Courtesy: bookpanditji.in

આપણને મોટે ભાગે બે જ રામાયણ એટલેકે વાલ્મીકી રચિત રામાયણ અને તુલસીદાસ કૃત રામાયણ વિષે જ ખબર છે, પરંતુ શું તે સિવાય પણ રામાયણ છે ખરાં? અને શું તેની સંખ્યા 300 જેટલી છે? ચાલો જાણીએ!

વાચકમિત્રો, ગયા અંકમાં આપણે રામાયણ વિશે થોડી વાતો કરી. એ. કે. રામાનુજનના નિબંધ ‘ત્રણસો રામાયણ: પાંચ ઉદાહરણો અને અનુવાદ પરના ત્રણ વિચારો (1987)’ નો પરિચય આપ્યો. રામાનુજન પોતાના નિબંધમાં લખે છે કે રામાયણના વ્યાખ્યાન અને પ્રસ્તુતીકરણના તમામ સ્વરૂપો ગણીએ તો સંસ્કૃતમાં રામાયણની સંખ્યા 25 જેટલી છે. રામાનુજન પોતાના નિબંધની શરૂઆત આ રીતે કરે છેઃ

કેટલા રામાયણ? ત્રણસો? ત્રણ હજાર? દરેક રામાયણના અંતે એક પ્રશ્ન થાય કે કેટલા રામાયણ થઈ ગયા છે અને તેનો જવાબ મેળવવાની વાર્તાઓ પણ છે. જેમાંથી એક વાર્તા તમને કહું છું: એક વખત રામ પોતાની રાજગાદી પર બેઠા હતા અને અચાનક તેમની વીંટી આંગળીએથી સરકીને જમીન પર પડી ગઈ. જેવી જમીનને વીંટી અડકી, ધરતીમાં એક કાણું પડી ગયું અને વીંટી તેમાં અદ્રશ્ય થઈ ગઈ. તે વખતે સેવક હનુમાન રામના ચરણમાં જ બેસેલા એટલે રામે હનુમાનને કહ્યુંઃ મારી વીંટી ખોવાઈ ગઈ છે. તે શોધીને લઈ આવો.

હનુમાન તો મોટામાં મોટું રૂપ પણ લઈ શકતા અને નાનામાં નાનું રૂપ પણ લઈ શકતા. તેમણે નાનકડું રૂપ લીધું અને તે કાણામાં અંદર ઘૂસી ગયા. અંદરને અંદર જતાં ગયા અને છેવટે પાતાળલોકમાં પહોંચી ગયા. ત્યાં કેટલીક સ્ત્રીઓએ આ નાનકડા હનુમાનના રૂપને જોયા. એક સ્ત્રી બોલીઃ ‘જુઓ! એક નાનકડો બંદર પૃથ્વીલોક પરથી અહીં આવી ચઢ્યો છે.’ તેમણે હનુમાનને પકડીને એક થાળીમાં મૂક્યા. પાતાળલોકમાં રહેતા ભૂતોના રાજાને પશુઓનું ભોજન ભાવે, એટલે હનુમાનને ભોજનની અન્ય સામગ્રી સાથે એક વાનગી તરીકે મૂકી દીધા. હનુમાન થાળીમાં બેઠાં બેઠાં વિચાર કરે છેઃ હવે શું કરવું?

ભૂતોના રાજા પાસે લઈ જવામાં આવ્યા ત્યારે એ તો બેઠાં બેઠાં રામનામ લેતા હતાં. હનુમાનને થાળીમાં જોઈને ભૂતરાજાએ પૂછ્યું, ‘કોણ છે તું?’

‘હનુમાન.’

‘હનુમાન? શા માટે અહીં આવ્યા છો?’

‘રામની વીંટી દરમાં પડી ગઈ છે, તે લેવા આવ્યો છું.’

રાજાએ આસપાસ નજર કરી, ત્યાં એક બીજી થાળી પડી હતી. તેમાં હજારો વીંટીઓ પડી હતી. બધી રામની વીંટીઓ જેવી હતી. રાજાએ એ થાળી હનુમાન આગળ મૂકી અને કહ્યું, ‘આમાંથી તારા રામની વીંટી શોધી કાઢ અને લઈ જા.’

બધી વીંટીઓ એક સરખી. માથું ખંજવાળતાં હનુમાન બોલ્યા – આમાંથી અમારા રામની કઈ વીંટી તે હું જાણી શકતો નથી. પછી ભૂતોના રાજાએ કહ્યું, ‘આ થાળીમાં જેટલી વીંટીઓ છે, તેટલા રામ થઈ ગયા છે. જ્યારે જ્યારે એક રામનું અવતાર કાર્ય પૂરું થાય છે, ત્યારે તેમની વીંટી પાતાળલોકમાં સરી પડે છે, તે હું ભેગી કરું છું અને રાખું છું. હવે તું જઈ શકે છે.’

ખાલી હાથે હનુમાન અયોધ્યા પાછા ફર્યા. ત્યારે રામ નહોતા. એમનું અવતાર કાર્ય પૂરું થયું હતું. આમ રામ અને રામાયણના અલગ અલગ સ્વરૂપો પ્રચલિત છે.

***

આજે આપણે દેવનાગરી લિપિમાં લખાયેલા રામાયણ અને તે વિશેના બીજા સંદર્ભોની વાત કરવી છે.

હિંદી ભાષાના એક અતિ પ્રચલિત કવિ મૈથિલીશરણ ગુપ્ત 1964માં મૃત્યુ પામ્યા. પદ્મ ભૂષણથી સમ્માનિત આ હિંદીભાષી કવિને મહાત્મા ગાંધીએ ‘રાષ્ટ્ર કવિ’નું બિરુદ આપેલું. આ મૈથિલીશરણ ગુપ્તનું એક મહાકાવ્ય છે – સાકેત. આ મહાકાવ્યમાં 12 સર્ગ (પ્રકરણ) છે અને દરેક પ્રકરણમાં સાત થી નવ પાના છે. આ કૃતિ રામના ભાઈ લક્ષ્મણની પત્ની ઊર્મિલાના વિરહનું ચિત્રણ કરે છે, જેમાં માર્મિક અને ઊંડી માનવીય સંવેદનાઓ અને ભાવનાઓ વિશે વાત થઈ છે.

સાકેત રામકથા પર આધારિત છે પણ તેના કેન્દ્રમાં લક્ષ્મણની પત્ની ઊર્મિલા છે. સાકેતમાં કવિએ ઊર્મિલા અને લક્ષ્મણના દામ્પત્ય જીવનના હ્રદયસ્પર્શી પ્રસંગ તથા ઊર્મિલાની વિરહ દશા અત્યંત માર્મિક રીતે વર્ણવી છે. એ સાથે જ ભરતની માતા કૈકેયીના પશ્ચાતાપને મનોવૈજ્ઞાનિક રીતે રજૂ કરીને તેનો ઉજ્જવલ પક્ષ પ્રસ્તુત કર્યો છે.

સાકેત સૌ પ્રથમ વાર સન 1931માં પ્રકાશિત થયેલું અને તેના માટે મૈથિલીશરણ ગુપ્તને 1932માં ‘મંગલાપ્રસાદ પારિતોષિક’ પ્રાપ્ત થયું હતું. સાકેતની પ્રસ્તાવનામાં મૈથિલીશરણ ગુપ્તે લખેલું છેઃ

राम, तुम मानव हो? ईश्वर नहीं हो क्या?

विश्व में रमे हुए नहीं सभी कहीं हो क्या?

तब मैं निरीश्वर हूं, ईश्वर क्षमा करे;

तुम न रमो तो मन तुम में रमा करे!

આ આખું મહાકાવ્ય વાંચવું હોય તો આ લીંક પર વાંચી શકાશેઃ http://kavitakosh.org/kk/%E0%A4%B8%E0%A4%BE%E0%A4%95%E0%A5%87%E0%A4%A4

બીજું છે રામચરિતમાનસ.

રામચરિતમાનસ એ દેવનાગરી લિપિમાં અને અવધી ભાષામાં લખાયેલું એક મહાકાવ્ય છે, જે 16 મી સદીના ભારતીય ભક્તિ કવિ ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચવામાં આવેલું. રામચરિતમાનસને હિન્દી સાહિત્યની મહાન રચનાઓમાંની એક માનવામાં આવે છે. પ્રસિદ્ધ રામકથાકાર મોરારિબાપુ તુલસીદાસના રામચરિતમાનસના આધારે જ રામકથા કરે છે.

તુલસીદાસે વિક્રમ સંવત 1631માં અયોધ્યામાં રામચરિતમાનસ લખવાનું શરૂ કર્યું. અને તેમાં જ લખેલું છે તે પ્રમાણે ચૈત્ર મહિનાના નવમા દિવસે (રામ નવમી) આ મહાકાવ્ય લખવાનો પ્રારંભ થયેલો. રામચરિતમાનસની રચના અયોધ્યા, વારાણસી અને ચિત્રકૂટમાં થઈ હતી.

રામચરિતમાનસ આમ તો ત્રણ અલગ અલગ વાતચીતની આસપાસ રચાયેલ છે. (1) શિવ અને પાર્વતીનો વાર્તાલાપ (2) ભારદ્વાજ ઋષિ અને યાજ્ઞવલ્ક્યનો વાર્તાલાપ અને (3) કાકભૂશુંડી અને પક્ષીરાજ ગરુડ વચ્ચેનો વાર્તાલાપ. રામચરિતમાનસમાં સાત કાંડ છેઃ બાલ કાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કિષ્કિંધા કાંડ, સુંદર કાંડ, લંકા કાંડ અને ઉત્તર કાંડ. દરેક કાંડમાં ચોપાઈઓ છે, દોહા છે, સોરઠા છે અને છંદ છે.

રામચરિતમાનસ ભલે સ્થાનિક અવધિ ભાષામાં લખાયેલું પણ કેટલાક લોકો આ કૃતિના મૂળ ભાગને વાલ્મિકી રચિત સંસ્કૃત મહાકાવ્ય રામાયણની ઘટનાઓની કાવ્યાત્મક રજૂઆત તરીકે ગણાવે છે.

रामकथा : उत्पत्ति और विकास એ હિન્દી ભાષામાં એક થિસિસ છે જેને ફાધર કામિલ બલ્કેએ માતાપ્રસાદ ગુપ્તાના નિર્દેશનમાં અલ્હાબાદ યુનિવર્સિટીમાં ડી-ફિલ(D.Phil) ની ડીગ્રી માટે રજૂ કરવામાં આવેલું. આ થિસિસને રામકથા સંબંધિત બધી જ સામગ્રીનો વિશ્વકોષ કહી શકાય. સામગ્રીની સંપૂર્ણતા ઉપરાંત, આ વિદ્વાન લેખકે અન્ય વિદ્વાનોના અભિપ્રાયની પણ તપાસ કરી છે અને રામની વાર્તાના વિકાસ અંગે પોતાનો તર્કસંગત અભિપ્રાય પણ આપ્યો છે. હકીકતમાં, આ પ્રકારનું સંશોધન દુનિયાનું સૌ પ્રથમ અને અનન્ય કાર્ય છે. ફક્ત હિંદી જ નહીં પણ કોઈ પણ યુરોપિયન અથવા ભારતીય ભાષામાં આ પ્રકારનો બીજો કોઈ અભ્યાસ ઉપલબ્ધ નથી.

रामकथा : उत्पत्ति और विकास ને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ ભાગમાં ‘પ્રાચીન રામકથા સાહિત્ય’ વિશે ચર્ચા કરવામાં આવી છે. તે અંતર્ગત, વૈશ્વિક સાહિત્ય, રામકથા, વાલ્મિકીકૃત રામાયણ, મહાભારતની રામકથા, બૌદ્ધ રામકથા અને જૈન રામકથાને લગતી સામગ્રીની સંપૂર્ણ તપાસ પાંચ અધ્યાયમાં કરવામાં આવી છે. બીજો ભાગ રામકથાની ઉત્પત્તિ અને તેના ચાર અધ્યાયોમાં દશરથ જાતકની સમસ્યા, રામકથાના મૂળ સ્ત્રોત, પ્રવર્તમાન વાલ્મિકી રામાયણના મુખ્ય માર્ગ અને રામકથાના પ્રારંભિક વિકાસ અંગેના વિદ્વાન મંતવ્યોને ધ્યાનમાં લે છે. પુસ્તકનો ત્રીજો ભાગ એ પુરાતન રામકથા સાહિત્યની ઝાંખી છે. તેમાં ચાર પ્રકરણો છેઃ પ્રથમ અને બીજા અધ્યાયોમાં, સંસ્કૃતના ધાર્મિક અને લલિત સાહિત્યમાં મળી રહેલી રામકથાને લગતી સામગ્રીની પરીક્ષા છે. ત્રીજો અધ્યાય આધુનિક ભારતીય ભાષાઓના રામકથા સાહિત્યનો છે. હિન્દી સિવાય તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી, કાશ્મીરી, સિંહાલી વગેરેમાં પણ તમામ ભાષાઓના સાહિત્યની ચકાસણી કરવામાં આવી છે. ચોથા અધ્યાયમાં વિદેશી દેશોમાં જોવા મળતા રામકથાના સ્વરૂપનો સારાંશ આપવામાં આવ્યો છે અને આ સંબંધમાં તિબેટ, હિંદેશિયા, હિંદચીન, બ્રહ્મદેશ વગેરેમાં ઉપલબ્ધ સામગ્રીની સંપૂર્ણ રજૂઆત મળી આવે છે. છેલ્લા અને ચોથા ભાગમાં, તેનો અલગ વિકાસ રામકથાને લગતી દરેક ઘટનાના સંદર્ભમાં દર્શાવવામાં આવ્યો છે. ઉપસંહારમાં રામકથાની સામાન્યતા, વિવિધ રામકથાઓની મૂળભૂત એકતા, આગાહી કરેલી સામગ્રીની સામાન્ય લાક્ષણિકતાઓ, વૈવિધ્યસભર અસરો અને વિકાસની ઝાંખી છે.

બીજી ભાષાઓના રામાયણોની વાત આવતા અંકે…

પડઘો

સૌથી નાનામાં નાનું રામાયણ કેટલું લાંબુ હશે? સૌથી નાનું રામાયણ એક શ્લોકનું જ છે જેને ‘એકશ્લોકી રામાયણ’ કહેવાય છેઃ

आदौ रामतपोवनादिगमनं हत्वा मृगं कांचनं

वैदेहीहरणं जटायुमरणं सुग्रीवसंभाषणम् ।

वालीनिर्दलनं समुद्रतरणं लंकापुरीदाहनं

पश्चाद्रावणकुंभकर्णहननमेतद्धि रामायणम् ॥

॥ एकश्लोकि रामायणं सम्पूर्णम् ॥

અર્થાતઃ

એક વાર શ્રી રામ વનવાસમાં ગયા. ત્યાં તેમણે એક સ્વર્ણમૃગનો પીછો કર્યો અને તેનો વધ કર્યો. આ દરમિયાન તેમની પત્ની વૈદેહી એટલે કે સીતાનું રાવણ દ્વારા હરણ થઈ ગયું. તેની રક્ષા કરતી વખતે પક્ષીરાજ જટાયુએ પોતાના પ્રાણ ગુમાવ્યા. શ્રી રામ ની મિત્રતા સુગ્રીવ સાથે થઈ. રામે સુગ્રીવના દુષ્ટ ભાઈ બાલિનો વધ કર્યો. સમુદ્ર પર પૂલ બનાવીને પાર કર્યો, લંકાપુરીનું દહન થયું. પછી રાવણ અને કુંભકર્ણનો વધ થયો. આ જ રામાયણની સંક્ષિપ્ત વાર્તા છે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here