નાગરિકતા સંશોધન બીલથી કોંગ્રેસને ખુલ્લું નુકશાન ભાજપને છૂપો ફાયદો

1
144
Photo Courtesy: LSTV

નાગરિકતા સંશોધન બીલ જે ગઈકાલે અથવાતો આજે વહેલી સવારે લોકસભાએ પસાર કર્યું છે તેનાથી કોંગ્રેસ તો ઉઘાડી પડી ગઈ છે પરંતુ ભાજપને પણ એક દેખીતો ફાયદો થવાનો છે.

Photo Courtesy: LSTV

એક પછી એક મહત્ત્વના અને દેશના ભવિષ્યની સિકલ બદલી નાખનારા બીલો પસાર કરાવવાના મોદી સરકારના પ્રયાસોને ગઈકાલે ફરીથી બળ મળ્યું હતું. જો કે મધ્યરાત્રી બાદ નાગરિકતા સંશોધન બીલ (CAB) પસાર થયું હતું એટલે ગઈકાલને બદલે આજ લખવું વધારે યોગ્ય રહેશે. જે રીતે આ બીલ અંગે ભ્રાંતિઓ ફેલાવવામાં આવી અને તેને સંસદ સુધી લઇ આવવાને લીધે કોંગ્રેસને ખુલ્લું નુકશાન થશે અને ભાજપને એક છૂપો પરંતુ મોટો ફાયદો પણ થશે જેના વિષે આપણે છેલ્લે ચર્ચા કરીશું.

CABની શરતોને સીધીસાદી ભાષામાં સમજવી હોય તો એમ કહી શકાય કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતિઓ જેમાં હિંદુઓ ઉપરાંત શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન અને પારસીઓ સામેલ છે તેમના પર ધાર્મિક પ્રતાડના થાય છે તેઓ જો ભારતમાં આવીને શરણ માંગે તો તેને સરકાર માત્ર શરણ જ નહીં આપે પરંતુ તેમને ભારતનું નાગરિકત્વ પણ આપશે.

આ નાગરિકતા આપવા માટે પણ અમુક શરતો મુકવામાં આવી છે જે સામાન્ય નાગરિકતાની પ્રાર્થના અથવાતો અરજી આવી હોય તેનાથી વધારે સરળ છે. અહીં મોદી સરકારે માત્ર ઉપરોક્ત ત્રણ દેશોના જ બિનમુસ્લિમ નાગરિકોને જ કેમ મહત્ત્વ આપ્યું છે તેની પાછળ સરળ તર્ક એવો છે કે આ ત્રણેય રાષ્ટ્રોમાં ઇસ્લામિક શાસન છે અને અહીંની લઘુમતિઓ બિનમુસ્લિમ છે અને તેમના પર જો જુલમ થાય તો તેમનું કુદરતી શરણસ્થાન ભારત જ છે.

આ તર્ક સામે બીજો તર્ક એવો પણ થઇ શકે કે મ્યાનમાર જેની સરહદ પણ ભારત સાથે જોડાયેલી છે ત્યાંની લઘુમતિ એટલેકે રોહિન્ગ્યા મુસ્લિમો પર પણ બૌદ્ધ બહુમતિ દ્વારા પ્રતાડના થતી હોવાના આરોપો લાગ્યા જ છે તો તેમને શા માટે ભારતમાં નાગરિકતા ન આપવામાં આવે? તો તેનો જવાબ એ તર્ક સાથે આપી શકાય કે રોહિન્ગ્યા મુસલમાનો મ્યાનમારથી બાંગ્લાદેશ થઈને ભારતના પૂર્વ તેમજ ઉત્તરપૂર્વ સુધી પહોંચી જાય છે આથી તેઓને સાચવવાની જવાબદારી ભારત સરકારની બિલકુલ નથી.

ગઈકાલની તમામ ચર્ચા દરમ્યાન કોંગ્રેસે એ જ ભ્રાંતિઓને ફેલાવવાની કોશિશ કરી કે CABને કારણે ભારતના ‘સેક્યુલર’ બંધારણનો ભંગ થાય છે. ભારતનું સેક્યુલર બંધારણ ભારતીયોને લાગુ પડે છે નહીં કે બહારના નાગરિકોને. પરંતુ આ સવાલ ત્યારે આવે જ્યારે સરકાર જે દેશોમાં મૂળ ધર્મના નાગરિકો પર પ્રતાડના થતી હોય અને તેને ભારતમાં સ્વીકારવાની ના પાડે.

કોંગ્રેસે એક વાત એવી પણ કરી કે CABને કારણે ભારતના મુસલમાનોને અન્યાય થશે. જ્યારે આ કાયદો જ ભારતની બહારથી આવતા લોકો માટે સુધારવામાં આવ્યો છે ત્યારે ભારતના મુસલમાનો જે ભારતના નાગરિકો છે તેમને કેવી રીતે અન્યાય થાય? આમ આદમી પાર્ટી પણ અગાઉ NRC લાગુ થાય તો દિલ્હીની બહારથી આવેલા બિહારીઓએ અને ઉત્તર પ્રદેશના લોકોએ દિલ્હી છોડવું પડશે તેવી અફવા ફેલાવી હતી.

ગૃહમંત્રી અમિત શાહનું ગઈકાલનું વક્તવ્ય જેમણે પણ સાંભળ્યું હશે તેમને હવે CAB વિષે કોઈજ શંકા રહી નહીં હોય. પરંતુ આ વક્તવ્ય બાદ કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે. કોંગ્રેસ હજી પણ લઘુમતિઓ ખાસકરીને મુસ્લિમોની આળપંપાળ કરીને માત્ર મત મેળવવા માંગે છે તે ગઈકાલે ફરીથી સાબિત થઇ ગયું હતું. કોંગ્રેસને કાં તો ખબર નથી કે શરણાર્થી અને ઘુસણખોરમાં શું ફરક છે નહીં તો એ જાણીજોઈને ભ્રમ ફેલાવે છે.

કોંગ્રેસ અને અન્ય ‘સેક્યુલર’ પાર્ટીઓને એમ હશે કે જે રોહિન્ગ્યા મુસ્લિમોને તેમણે ગેરકાયદેસર દેશભરમાં વસાવ્યા છે તેમના મત તેમને મળતા રહેશે પરંતુ હવે જ્યારે CAB અમલમાં આવશે તેમના આવવા પર બ્રેક લાગી જશે અને કદાચ તેને કારણેજ એમને મરચાં લાગી રહ્યા છે. તો બીજી તરફ ભાજપને થનારો ફાયદો એ છે કે લગભગ 4 લાખ બિનમુસ્લિમ શરણાર્થીઓ સુધારેલો કાયદો અમલમાં આવતા ભારતના નાગરિકો બનશે અને એ સ્પષ્ટ છે કે તે ભાજપને આવનારી ચૂંટણીઓમાં ફાયદો કરાવી આપશે તેમાં શંકાને સ્થાન નથી.

૧૦ ડિસેમ્બર ૨૦૧૯, મંગળવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here