તેલુગુ, તમિળ, જૈન, બૌદ્ધ અને બીજા ભારતીય રામાયણો

0
478
Photo Courtesy: rolibooks.com

વાચકમિત્રો, ગયા અંકમાં આપણે દેવનાગરી લિપિમાં લખાયેલ ત્રણ જુદા જુદા રામાયણ વિશે વાતો કરી. એ. કે. રામાનુજનના નિબંધ ‘ત્રણસો રામાયણ: પાંચ ઉદાહરણો અને અનુવાદ પરના ત્રણ વિચારો (1987)’ ભારતની બીજી ભાષાઓના રામાયણ વિશે પણ પરિચય આપે છે.

આંધ્રપ્રદેશ અને તેલંગણામાં બોલાતી તેલુગુ ભાષામાં ખૂબ જ પ્રચલિત એવું ‘શ્રી રંગનાથ રામાયણ’ એ વાલ્મીકિ રામાયણના આધારે જ રચાયેલું છે. આમ તો તેલુગુ ભાષામાં કુલ 40 જેટલાં સંસ્કરણો અને ભાષાંતરો થયેલા છે, જે સામૂહિક રીતે વાલ્મીકિ રામાયણના સંપૂર્ણ વિષય-વસ્તુ આવરી લે છે. પણ ચાર ભાષાંતરો લોકોએ સૌથી વધુ વધાવ્યાં છે: રંગનાથ રામાયણ, ભાસ્કર રામાયણ, મોલ્લા રામાયણ અને રામાયણ કલ્પવૃક્ષ!

રંગનાથ રામાયણ એ તેલુગુ કવિ રંગનાથ (ગોના બુદ્દા રેડ્ડી)એ લખેલું અને તેમાં 17290 પંક્તિઓ છે જે ગાઈ શકાય તેવા સ્વરૂપમાં લખાયેલી છે. રામચરિતમાનસની જેમ જ રંગનાથ રામાયણમાં પણ સાત કાંડ છેઃ બાલ કાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કિષ્કિંધા કાંડ, સુંદર કાંડ, લંકા કાંડ અને ઉત્તર કાંડ. ખિસકોલીની પીઠ પર જોવામાં આવતાં ત્રણ લીટા રામે કરેલા છે એવી એક કિવદંતી રંગનાથ રામાયણ માંથી આવે છે. જ્યારે રામસેતૂ બંધાઈ રહ્યો હતો ત્યારે એક ખિસકોલીને વાનરોને મદદ કરવાની ઈચ્છા થઈ. સેતૂ બનાવતી વખતે જે માટી અવરોધ ઊભો કરતી હતી તે માટીમાં પોતે આળોટીને દૂર કરવા લાગી. રામ આ જોઈને પ્રભાવિત થયા અને પોતાની આંગળીઓથી ખિસકોલીની પીઠ પર પોતાની ત્રણ આંગળીઓ વડે આશિર્વાદ આપ્યો. ત્યારથી જ ખિસકોલીની પીઠ પર એ ત્રણ લીટા હંમેશા માટે છપાઈ ગયા.

તેલુગુ રામાયણની આખી પ્રત આ લીંક પર ઉપલબ્ધ છેઃ https://archive.org/details/RanganathaRamayanamu

***

વાલ્મીકિ રામાયણ અને તમિળ કવિ કમ્બની રામાયણ વિશે પણ રામાનુજન વાત કરે છે. બંનેની સરખામણીમાં અહલ્યા ઉદ્ધારનો પ્રસંગ લીધો છે. વાલ્મીકિ રામાયણ અને કમ્બની રામાયણમાં શું તફાવત છે?

વાલ્મીકિ રામાયણ પ્રમાણે ઈન્દ્ર અહલ્યાને શીલભંગ કરવા લલચાવે છે અને બંને રમણ કરે છે. જ્યારે ઈન્દ્ર ત્યાંથી જવા માંડે છે ત્યારે ગૌતમ ઋષિ સામે મળે છે અને ક્રોધથી તપ્ત થઈ ઈન્દ્રને શ્રાપ આપે છે અને અહલ્યાને પણ શાપે છે. અહલ્યાને શ્રાપ આપતાં ઋષિ કહે છેઃ ‘તું સહસ્ત્ર વર્ષ ખાધાપીધા વગર અહીં રાખમાં પડી રહીશ, કોઈ તને જોશે પણ નહીં. જ્યારે દશરથ પુત્ર રામ અહીં આવશે ત્યારે તું પવિત્ર થઈશ.’ આ ઘટના વિશે વિશ્વામિત્ર મિથિલાને માર્ગે જતાં રામને કહે છે, ત્યાં અહલ્યા તેના તપથી તેજોદીપ્ત રૂપે રામ સમક્ષ પ્રગટ થાય છે.

કમ્બ રામાયણમાં ઈન્દ્ર અહલ્યાના રૂપથી આકર્ષાઈ ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરીને મુનિની કુટિરમાં આવે છે. અહલ્યાને ખબર પડી જાય છે કે એ ઈન્દ્ર છે, પણ કુતૂહલથી ઈન્દ્ર સાથે રમણ કરી સંતુષ્ટિ અનુભવે છે અને પછી ઈન્દ્રને તરત જ ત્યાંથી ચાલ્યા જવાનું કહે છે. જતી વખતે ઈન્દ્ર એક બિલાડીનું સ્વરૂપ લે છે (આવી એક વાર્તા ગુણાઢ્ય કથિત ‘કથાસરિતસાગર’માં પણ છે). હજાર યોનીઓ ઈન્દ્રને શ્રાપ આપે છે અને અહલ્યાને એક શિલા બનવાનો શ્રાપ મળે છે. કમ્બ રામાયણમાં મિથિલાને માર્ગે વિશ્વામિત્ર સાથે જતા રામ એક ખુલ્લા ક્ષેત્રમાં એક કાળી શિલા જુએ છે, તે અહલ્યા છે. એ શિલાને રામના પગની ધૂળનો સ્પર્શ થાય છે અને શલ્યામાંથી અહલ્યા થાય છે, અને પોતાના મૂળ રૂપને પામે છે.

કમ્બની આખી રામાયણમાં રામ એક ઉદાર-દાતાર તમિળ હીરો છે અને દુશ્મનોનો નિર્દયી વિનાશક છે. વાલ્મીકિ રામાયણમાં રામ મર્યાદા પુરુષોત્તમ છે, જે એક અવતાર છે પણ મૂળ રૂપે મનુષ્ય છે. મનુષ્યની હદમાં રહીને રામે ચમત્કારો કરવાના છે.

***

રામાયણનું મહાકાવ્ય જૈન ધર્મમાં પણ ખૂબ પ્રખ્યાત છે જેમાં બધાં જ પાત્રો જૈન છે.

રામાનુજન એના લેખમાં લખે છેઃ જૈન રામાયણની વાર્તા હિન્દુ મૂલ્યોની વાતો નથી કરતું. જૈન રામાયણની શરૂઆત જ આવા પ્રશ્નોથી થાય છેઃ રાવણ જેવા શક્તિશાળી લડવૈયાની સામે વાનરો કેવી રીતે જીતી શકે? રાવણ એક ઉમદા માણસ અને જૈન હતો, તો તે માંસ કેવી રીતે ખાઇ શકે અને લોહી કેવી રીતે પી શકે છે? કાનમાં ઉકળતા તેલ રેડવામાં આવ્યા હોય, હાથીઓ તેની પર લોટાડવામાં આવ્યા અને યુદ્ધના રણશિંગા અને શંખ તેની આસપાસ વગાડવામાં આવ્યા હોય તેવા કુંભકર્ણ વર્ષના છ મહિના કઈ રીતે સૂઈ શકે? તેઓ એમ પણ કહે છે કે રાવણે ઇન્દ્રને પકડ્યો અને તેને ખેંચીને લંકામાં લઈ ગયો. ઈન્દ્રને તે કોણ આ રીતે ખેંચી શકે? આ બધું થોડું વિચિત્ર અને અતીશયોક્તિભર્યું લાગે છે.

આ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને, રાજા શ્રેણિક ગૌતમ ઋષિની પાસે જાય છે અને આજીજી કરે છે કે તેને સાચી વાર્તા કહેવામાં આવે અને તેની શંકાઓને દૂર કરવામાં આવે. ગૌતમ પછી તે વાર્તાનું પોતાનું વર્ઝન કહેવાનું શરૂ કરે છે. તે કહે છે, ‘સમજદાર અને જાણકાર જૈન માણસો જે કહે છે તે વાર્તા હું તને કહીશ. રાવણ રાક્ષસ નથી, તે માંસાહાર કરતો નથી. ખોટી વિચારસરણી વાળા કવિઓ અને મૂર્ખો આ રીતે જૂઠ્ઠું બોલે છે. વિમલસુરીના જૈન રામાયણને ‘પૌમચરિયમ’ કહેવાય છે.’

વિમલસુરી રામાયણની શરૂઆત રામની વંશાવળી અને મહાનતા સાથે નહીં, પણ રાવણની કથા સાથે કરે છે. રાવણ એ જૈન પરંપરાના 63 સલકપુરુષોમાંના એક છે. તે ઉમદા છે, તપ દ્વારા પોતાની બધી જાદુઈ શક્તિઓ અને શસ્ત્રો કમાય છે, અને તે જૈન સ્વામીનો ભક્ત છે.

જૈન રામાયણમાં રામનો જન્મ કોઈ ચમત્કારથી નથી થતો પણ સાધારણ સ્ત્રીને ત્યાં બાળક જન્મે તે જ પ્રકારે રામ અને તેના ભાઈઓના જન્મ થાય છે. રાવણ દશાનન છે એ વાર્તાનું પણ એક તર્કબદ્ધ વિસ્તરણ આપેલું છે. જ્યારે રાવણનો જન્મ થયો ત્યારે તેની માતાને નવરત્નો જડેલો એક હાર ભેંટમાં મળેલો જે તેણીએ પોતાના ગળામાં પહેરેલો. રાવણના મુખનું એ નવરત્નોમાં પ્રતિબિંબ દેખાયું જેનાથી રાવણની માતાએ તેને દસમુખ નામ આપેલું.

જૈન ધર્મ હેઠળ રામાયણના સૌથી પ્રભાવશાળી સંસ્કરણ ‘પૌમચરિયમ’ ભારપૂર્વક જણાવે છે કે બધાં પાત્રો ફક્ત મરણાધીન છે અને તેમનામાં કોઈ અલૌકિક શક્તિ નથી. પાત્રો જંગલમાં તેમના રોકાણ દરમિયાન જૈન તીર્થસ્થાનોની મુલાકાત લે છે. સંસ્કરણ એ પણ બતાવે છે કે રામ અહિંસક હતા અને તેથી લક્ષ્મણ રાવણને મારી નાખે છે. છેવટે, રાવણ અને લક્ષ્મણ, બંને નરકમાં જાય છે જ્યારે રામ જૈન સાધુ બને છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે.

***

રામાયણનું બૌદ્ધ સંસ્કરણ ‘દશરથ જાતક’ તરીકે ઓળખાય છે. વાર્તા લગભગ વાલ્મીકિ રામાયણ જેવી જ છે. સંસ્કૃત રામાયણ અને બૌદ્ધ સંસ્કરણ વચ્ચેનો મોટો તફાવત એ છે કે રામ, સીતા અને લક્ષ્મણને તેમની મહત્વાકાંક્ષી ત્રીજી પત્ની કૈકેયીથી બચાવવા દશરથ પોતે જ તેમને જંગલમાં રહેવા મોકલી આપે છે. રામાયણના આ સંસ્કરણમાં સીતાના અપહરણ અંગે કોઈ ઉલ્લેખ નથી.

દશરથ જાતક રામાયણના સંસ્કરણમાં બીજા પણ ઘણાં ઉદાહરણો છે. જેમ કે, રામ અને સીતા ભાઈ-બહેન છે, પતિ-પત્ની નહીં; દશરથ તેમને દેશનિકાલ કરતા નથી; લંકા અથવા રાવણનો કોઈ સંદર્ભ નથી; રામ અને સીતા વનવાસ બાદ અયોધ્યા નહીં પણ બનારસ પરત ફર્યા, અને કંઈક અગવડતા પછી તેઓ લગ્ન કરી લીધેલાં.

***

ભારતના બીજા પ્રદેશોમાં પણ રામાયણના જુદા જુદા અર્થો અને સંસ્કરણો પ્રસ્તુત છે. કર્ણાટકના હમ્પી ગામમાં રામ અને સીતાનું ઘર ‘સીતામ્માસરી’ છે. છત્તીસગઢમાં અનુસૂચિત જાતિના રામભક્તોએ ઓગણીસમી સદીમાં રામનામી સમાજની સ્થાપના કરી હતી જેઓ વ્યાખ્યાનો કરીને રામચરિતમાનસ રજૂ કરતાં. બંગાળમાં રામાયણની વાર્તા સ્ત્રીઓ દ્વારા કહેવાઈ છે અને સીતાની આંખે રામનું મૂલ્યાંકન થયું છે. નાસિકમાં એક ગુફા છે જેમાં રામે સીતાને સંતાડી રાખેલા. ઓરિસ્સામાં રામ અને સીતા કૃષિનું પ્રતીક હતાં અને રાવણ લાલચી જમીનદાર. આંધ્રપ્રદેશના ‘થોલુબોમાલતા’માં સીતાની અગ્નિપરીક્ષા જ થતી નથી. ગુજરાતના ડાંગના આદિવાસીઓ શબરી કુંભ મેળો તોજે છે કારણ કે એમની રામાયણમાં શબરી ડાંગમાં રહેતી હતી અને રામે શબરીનાં એઠાં બોર ખાધાં હતાં.

ભારત બહારના દેશોમાં કઈ રીતે રામાયણ ફેલાયેલું છે તેની વાત આવતાં અંકે…

પડઘો

રામાનુજન એના લેખમાં લખે છે

ચૌદમી સદીના કન્નડ કવિએ એટલા માટે મહાભારત લખ્યું હતું કારણ કે એણે સાંભળ્યું હતું કે ધરણીધર નાગ અનેકાનેક રામાયણોના ભારથી કરાહી રહ્યો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here