સમાન નાગરીકતા ધારો નજીકને નજીક આવી રહ્યો છે

1
342
Photo Courtesy: scroll.in

એક પછી એક અતિશય મહત્ત્વના બીલો જે રીતે મોદી-શાહની જોડી પસાર કરી રહી છે તેનાથી કદાચ બહુ ઓછા લોકોને એ ખબર પડી ગઈ છે કે હવે સમાન નાગરીકતા ધારો બહુ દૂર નથી.

ઘણા ઓછા લોકોને ખબર હશે કે ગઈકાલે રાજ્યસભામાં પસાર થયેલું નાગરિકતા સુધારા બીલ ટ્રિપલ તલાકની જેમ જ રાજ્યસભામાં એક વખત પસાર થઇ શક્યું ન હતું. ટ્રિપલ તલાક બીલ ત્રીજા અથવાતો ચોથા પ્રયાસે રાજ્યસભામાંથી પસાર થયું હતું જ્યારે નાગરિકતા સુધારા બીલ બીજા પ્રયાસે અને તે પણ ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ પસાર થયું છે. જે લોકો આ બધા જ બીલો પાછળ મોદી-શાહનો સ્પષ્ટ એજન્ડા ન જોઈ શકતા હોય તેના પર દયા ખાવાનું મન જરૂર થાય છે.

ઘણા વિશ્લેષકો ગઈકાલથી માત્ર એક જ બાબત પર ભાર મૂકી રહ્યા છે કે નરેન્દ્ર મોદી સરકાર અને અમિત શાહ ભાજપે વર્ષો અગાઉથી આપેલા ચૂંટણી વચનોને પૂરાં કરી રહ્યા છે. પરંતુ આ તમામ બીલો પસાર જે રીતે કરવામાં આવી રહ્યા છે તેની પાછળની એક ખાસ પદ્ધતિ, વિચાર, રણનીતિ અને પ્રયાસો પર મોટાભાગના કોઈની પણ નજર હજી સુધી પડી નથી. આ તમામ બીલો પસાર કરાવવા પાછળનો મુખ્ય હેતુ દેશમાં સમાન નાગરિકતા ધારો એટલેકે કોમન સિવિલ કોડ (CCC) લાવવાનો જ છે.

જો કે હજી આ કાયદો લાવવામાં બીજા બે વર્ષ નીકળી જાય તો નવાઈ નહીં પરંતુ તેમ છતાં 2024ની લોકસભાની ચૂંટણીઓ અગાઉ તો આ કાયદો પસાર થશે જ એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. CCC આવતા કેમ બીજા બે વર્ષ લાગી શકે છે તેની પાછળ કારણ એ છે કે ઉપર આપણે જે રણનીતિની વાત કરી તે મુજબ હજી NRCનું છેલ્લું વિઘ્ન આ મોદી-શાહની જોડીએ પસાર કરવાનું બાકી છે. એક વખત NRC દેશમાં લાગુ થઇ જશે પછી CCCને સંસદમાં લાવવામાં બહુ વાર નહીં લાગે.

હજી થોડા મહિનાઓ અગાઉજ રાજ્યસભામાં બહુમતિ ન હોવાને કારણે ટ્રિપલ તલાક જેવું બીલ પસાર થઇ શકતું ન હતું. મોદી સરકારના ટીકાકારો તેને ચૂંટણીઓમાં આપેલા વચનમાંથી ફરી જવા જેવું કહીને તેની મશ્કરી કરતા હતા. પરંતુ ધીમેધીમે, એક પછી એક રાજ્યો ભાજપ જીતતું ગયું અને રાજ્યસભામાં પોતાનું  સંખ્યાબળ વધારતું ગયું અને જેવો બહુમતિનો આંક નજીક આવ્યો કે BJD કે પછી YRS કોંગ્રેસ જેવા પક્ષોને પોતાના સમર્થનમાં લેતું ગયું અને છેવટે ટ્રિપલ તલાક બીલ બંને ગૃહોમાંથી નવી સરકારના પહેલા જ સત્રમાં પસાર કરાવી દીધું.

વિપક્ષોને હજી તો કળ વળે એ પહેલા જ કાશ્મીરમાંથી 370મી કલમ નાબુદ કરી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી નાખવાનું બીલ પણ રજુ થઇ ગયું અને પસાર પણ થઇ ગયું. અહીં નોંધપાત્ર ઘટના એ બની કે આ દેશના ઈતિહાસને બદલી નાખતું બીલ હતું જેથી મોદી-શાહની જોડીએ લોકસભા કરતા રાજ્યસભામાં પહેલાં પાણી માપવાનું નક્કી કર્યું, કારણકે કોઇપણ કારણસર અહીં એ બીલ પસાર ન થઇ શકે તો બહુ શરમાવાનું ન આવે. પરંતુ ભાજપના અદભુત ફ્લોર મેનેજમેન્ટને કારણે માત્ર JDU કે YRS જ નહીં પરંતુ સમાજવાદી પાર્ટી કે પછી બહુજન સમાજ પાર્ટીએ પણ સરકારને સમર્થન આપ્યું અને ધાર્યા કરતા પણ વધુ ભવ્ય વિજય સરકારને મળ્યો.

ત્યારબાદ આવ્યું CAB જેના વિષે આપણે ઘણી ચર્ચા કરી છે અને સાંભળી પણ છે એટલે એનું પુનરાવર્તન નહીં કરીએ. પરંતુ જે રીતે એક પછી એક બીલો મોદી સરકાર તેની બીજી મુદ્દતમાં પસાર કરાવી રહી છે તેનાથી એવું ચોક્કસ લાગે છે કે સમાન નાગરિકતા ધારા માટે ભારતવાસીઓએ બહુ રાહ જોવી નહીં પડે.

તમેજ નક્કી કરો કે ટ્રિપલ તલાક દૂર કરીને મુસ્લિમ મહિલાઓને પણ લગ્ન સંબંધી અન્ય ધર્મની મહિલાઓ સાથે સમાન હક્ક આપ્યો. ત્યારબાદ કલમ 370 દૂર કરીને જમ્મુ, કાશ્મીર અને લદાખને બાકીના દેશ કરતા આપવામાં આવેલા ખાસ દરજ્જાને નાબૂદ કરીને તેને પણ દેશના અન્યભાગ સાથે જોડી દેતાં અહીં પણ સમાનતા આવી. હવે આવ્યું CAB જેનાથી ત્રણ પડોશી દેશોની પ્રતાડિત લઘુમતિઓને દેશના નાગરિક બનાવવામાં આવશે.

ત્યારબાદ આવશે NRC જે અંગે ખુદ અમિત શાહ સંસદમાં છેલ્લા બે દિવસમાં કહી ચૂક્યા છે કે તેને લાગુ કરવા માટે સરકાર કૃતનિશ્ચયી છે. NRC લાગુ થયા બાદ દેશના મૂળ નાગરીકો અને ઘુસણખોરો વચ્ચેનો પડદો હટી જશે. આમ છેવટે દેશના તમામ નાગરીકોની ઓળખ પૂર્ણ થયા બાદ આ તમામ નાગરિકોને એક સમાન ગણવાનો અને તેમને સામાજીક અને કાયદાકીય હક્કો એક સરખા મળે એ પણ CCC લાગુ કરીને સુનિશ્ચિત કરવામાં આવશે.

આમ, જે રીતે બીલોને રજૂ કરવામાં એ પસાર કરાવવામાં જે ક્રમને અનુસરવામાં આવ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે ભલે ધીમેધીમે પરંતુ સમાન નાગરિકતા ધારો એક દિવસ ભારતમાં જરૂર લાગુ થશે અને તે મોદી-શાહની જોડીને જ આભારી રહેશે.

૧૨ ડિસેમ્બર ૨૦૧૯, ગુરુવાર

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here