Home કોલમ કોર્નર જમણી તરફ અમિત શાહ – મળો ભારતના આગામી વડાપ્રધાનને!

અમિત શાહ – મળો ભારતના આગામી વડાપ્રધાનને!

0
80
Photo Courtesy: dailythanthi.com

છેલ્લા છ મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે રીતે નિર્ણયો લીધા છે અને તેની અમલવારી દર્શાવી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને તેનો આગામી વડાપ્રધાન અત્યારથીજ મળી ગયો છે.

Photo Courtesy: dailythanthi.com

હજી આ વર્ષના માર્ચ-એપ્રિલ મહિના સુધી અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માત્ર હતા. પરંતુ આ વર્ષે આયોજીત લોકસભાની ચૂંટણીમાં તેમને ગાંધીનગરથી લડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને અમિત શાહની નજર સમક્ષ આખું ચિત્ર ફરી ગયું! લોકસભાની આ વખતની ચૂંટણીઓમાં સહુથી વધુ લીડથી જીતેલી બેઠકોમાં ગાંધીનગર પણ સામેલ હતું અને ત્યારબાદ કેટલીય અટકળો બાદ અમિત શાહ દેશના ગૃહમંત્રી બન્યા.

એક સમયે ગુજરાતના ગૃહમંત્રી હોવા છતાં રાષ્ટ્રીયકક્ષાએ હજી સુધી પણ અમિત શાહની શાસનના અનુભવની સ્લેટ કોરી જ હતી અને તેમણે તે આ સ્લેટ પર પોતાનો એકડો ટ્રિપલ તલાક બીલને રાજ્યસભામાંથી પણ પાસ કરાવીને ઘૂંટ્યો. બસ પછી તો જાણેકે અમિત શાહને રોકવા “મુશ્કિલ હી નહીં નામુમકીન હૈ” જેવું થઇ ગયું. જે રીતે અમિત શાહે છેલ્લી ઘડીએ અને મિડીયામાં તે અંગે જરા સરખી પણ માહિતી લીક ન થાય એનું ધ્યાન રાખીને રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર રાજ્યને અલગ દરજ્જો આપતી કલમ 370ને હટાવવાનું બીલ રજુ કર્યું એટલુંજ નહીં પરંતુ તેને એ જ દિવસે પસાર પણ કરાવી દીધું તેણે ભલભલાના મોઢામાં આંગળીઓ નખાવી દીધી હતી.

બીજા દિવસે તેમણે આ જ બીલ લોકસભામાં NDAની સ્વાભાવિકપણે જબરી બહુમતિ હોવાને કારણે પસાર કરાવ્યું.  પરંતુ રાજ્યસભાની કઠીન પરીક્ષા પસાર કરાવતી વખતે કરેલાં બંને સંબોધન તેમજ લોકસભામાં POK માટે “જાન દે દેંગે!” વાળી એમની આક્રમકતા આ બંને ઘટનાઓએ લોકોના દિલ જીતી લીધા હતા, એટલુંજ નહીં વિરોધીઓ પણ હવે તેમને ભવિષ્યમાં ઓછા આંકવાથી ડરવા લાગ્યા હતા. તેમ છતાં અમિત શાહે જે રીતે આ અઠવાડિયામાં સંસદના બંને ગૃહોમાંથી નાગરિક સુધારણા બીલ પસાર કરાવતી વખતે દલીલો અને પ્રતિદલીલો કરી તેનાથી તેઓ સમગ્ર મિડિયા અને દેશમાં જાણેકે છવાઈ ગયા છે.

ટ્રિપલ તલાક હોય, કલમ 370ની નાબૂદી હોય કે પછી CAB હોય, આ તમામમાં અમિત શાહે બંને ગૃહોમાં જે સંબોધન કર્યા તેની અસરકારકતા પાછળ એમનું દિવસોનું હોમવર્ક સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. એટલુંજ નહીં તેમણે આ તમામ બીલો પસાર કરાવતા અગાઉ આપેલા પોતાના અલગ અલગ જવાબોમાં પણ દરેક વિરોધી નેતાઓની એક એક વાતને સાંભળીને જે રીતે તર્કબદ્ધતા દર્શાવી હતી તે કાબિલે દાદ રહી હતી!

જેમ અગાઉ કહ્યું તેમ હજી સાત-આઠ મહિના અગાઉ જ અમિત શાહ વિશ્વના સહુથી વિશાળ પક્ષના જ પ્રમુખ હતા પરંતુ તેમાંથી દેશના ગૃહમંત્રી તરીકે તેમણે પોતાની જાતનું જે પરિવર્તન લાવ્યું છે તે કોઈને પણ આશ્ચર્ય પમાડવા માટે પુરતું છે. અમિત શાહ સમક્ષ કલમ 370 નાબૂદ કર્યા પહેલા અને પછી જમ્મુ અને કાશ્મીર જ્યાં છેક 1980ના દાયકાથી હિંસા બંધ થવાનું નામ જ ન લેતી હતી ત્યાં શાંતિની સ્થાપના કરવાનો પડકાર હતો.

‘કાશ્મીર મેં કુછ બડા હોનેવાલા હૈ!’ થી વધુ કોઈજ કશુંજ જાણતું ન હતું. સમયસર અથવાતો યોગ્ય સમયે અહીં ભારતીય દળોની પૂરતી સંખ્યામાં ફાળવણી કરી અને બધું ‘ચાકચૌબંદ’ કરીને જ કલમ 370 વિષેનો પ્રસ્તાવ સંસદમાં લાવવો અને પસાર કર્યા બાદ આતંકવાદીઓ તરફથી હિંસાત્મક પ્રતિક્રિયા ન થવા દેવી અને આજે લગભગ ચારથી પાંચ મહિના બાદ સરકારી આંકડા અનુસાર જો જમ્મુ કાશ્મીર પોલીસે એક ગોળી પણ ઘાટીમાં છોડી ન હોય તો તે અમિત શાહની ખુદની રણનીતિની અને તેમના આત્મવિશ્વાસ તેમજ મેનેજમેન્ટ સ્કિલની જ સફળતા છે.

આ બધું એ દર્શાવે છે કે અમિત શાહમાં ગૃહમંત્રીથી એક સ્થાન ઉપર એટલેકે ભારતના વડાપ્રધાન થવાની તમામ કાબેલિયત છે. તેઓ કઠોર નિર્ણય લેવાની ક્ષમતા તો રાખે જ છે પરંતુ તેનો અમલ પણ કરાવી જાણે છે બિલકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ જ! અમિત શાહે જે રીતે સંસદના બંને ગૃહોમાં અત્યારસુધી વિપક્ષી નેતાઓ અને એમાંય ખેરખાંઓને જેમાં સુપ્રિમ કોર્ટના નામચીન વકીલો પણ સામેલ છે તેમની દલીલોનો જે રીતે તર્કબદ્ધ જવાબ આપ્યો છે તે કદાચ અત્યારે આ આગેવાનોને એમ વિચારવા માટે મજબૂર કરી દીધા હશે કે આમના કરતાં તો મોદી સરળ સ્વભાવના છે!

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ, જે લોકસભાની ચૂંટણીઓ પહેલા થઇ હતી તેના પરિણામો આવ્યા બાદ યોગી આદિત્યનાથને પ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને જે રીતે તેમણે આકરા નિર્ણયો લેવા માંડ્યા તેનાથી એવું લાગતું હતું કે મોદી પછી કદાચ યોગી જ દેશના આગામી વડાપ્રધાન બનવાની યોગ્ય લાયકાત ધરાવે છે. પરંતુ વિરેન્દર સહેવાગની જેમ વિરોધીઓને તમ્મર ચડી જાય એવી ધબાધબી અમિત શાહે જે રીતે છેલ્લા છ મહિનામાં બોલાવી છે તેનાથી તો સ્પષ્ટ થાય છે કે તેઓજ નરેન્દ્ર મોદીના સાચા વારસદાર છે.

હાલના સંજોગોમાં એવું લાગી રહ્યું છે કે જો ભાજપની સરકાર આ જ રીતે કાર્ય કરતી રહેશે તો 2024માં પણ તેને બહુમતિ જરૂર મળશે અને તે વખતે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ સંભાળે એ પણ સ્પષ્ટ છે. પરંતુ ત્યારબાદ એટલેકે 2029ની ચૂંટણીઓમાં પણ જો ભાજપને બહુમતિ મળશે તો અમિત શાહ એ સ્થાન પર જોવા મળી શકે છે. બેશક ભાજપને આવનારી બંને લોકસભાની ચૂંટણીઓમાં બહુમતિ મળશે જ અને એ પણ એકલેહાથે એવું કોઇપણ છાતી ઠોકીને ન કહી શકે, પરંતુ જો એમ થયું તો અમિત શાહ એક દાયકા બાદ ભારતના ત્રીજા ગુજરાતી વડાપ્રધાન તરીકે જોવા જરૂર મળશે.

૧૩ ડિસેમ્બર ૨૦૧૯, શુક્રવાર

અમદાવાદ

eછાપું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!