ભારતીય ફૂટબોલ નું ધ ગુડ, ધ બેડ એન્ડ ધ અગ્લી

0
347
Photo Courtesy: AIFF

ભારતીય ફૂટબોલ અત્યારે એક રસપ્રદ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. એક તરફ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મંચ પર ભારતની માટે વિશાળ તકો છે. એ દરેક તકનો ફાયદો ઉઠાવવા અત્યારે ભારત પાસે સારા એવા રિસોર્સ છે, અને પહેલા ક્યારેય ન હોય એવો રસ ભારતીય લોકો ભારતીય ફૂટબોલમાં લઇ રહ્યા છે. પણ ભારતના દરેક સ્પોર્ટ્સ ફેડરેશન ની જેમ ભારતના ફૂટબોલ ફેડરેશનની આળસ અને ખોંચરાવેડા ભારતીય ફૂટબોલ માટે સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે. આવો જાણીએ ભારતીય ફૂટબોલનું ધ ગુડ, ધ બેડ એન્ડ ધ અગ્લી.

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન: Courtesy: AIFF Website

ધ ગુડ

એક્સપોઝર

ફૂટબોલ વિશ્વ ઓલરેડી વિશાળ છે. આધિકારિક રીતે 200 થી ય વધુ દેશ ફૂટબોલ રમે છે. આ બધા દેશો નું એસોસિએશન હોય છે. ભારત પોતે Asian Football Confederation નું સભ્ય છે. અત્યારે ફૂટબોલને સર્વવ્યાપી અને લોકપ્રિય બનાવવા માટે FIFA અને એને સંલગ્ન બધા એસોસિએશન પ્રયાસ કરી રહ્યા છે. અને આ પ્રયાસનું એક મહત્વનું પગલું છે ફૂટબોલનો ફેલાવો. આ પગલાં અંતર્ગત મોટી ટુર્નામેન્ટમાં પહેલા કરતા વધારે ટીમોને સ્થાન ફાળવવામાં આવે છે. જેથી પહેલા કરતા વધારે (અને નવી) ટિમો મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લઇ શકે. આનાથી નવી ટિમો, અને એના ખેલાડીઓને સારા ખેલાડીઓ અને સારી ટિમો સામે રમી પોતાની રમત સુધારી શકે અને પોતાની સારી રમતનું પ્રદર્શન આખા વિશ્વ સામે કરી શકે. સામે જે નવી ટિમો આવે ત્યાં આ ટુર્નામેન્ટ ના દર્શકોની સંખ્યા પણ વધે.

AFC એ આ વર્ષની શરૂઆતમાં AFC Asian Cup (જે UEFA Euro Cup ની સમકક્ષ ગણાય છે) માં 16 ને બદલે 24 ટિમો નો સમાવેશ કર્યો. આ વાતનો સીધો ફાયદો ભારતીય ફૂટબોલ ઉપાડી શક્યું.જેના લીધે 2011 પછી આઠ વર્ષે આપણે સીધા ગ્રુપ સ્ટેજમાં રમી શક્યા. AFC ની જેમ જ FIFA વર્લ્ડકપમાં પણ વધારે ટીમોનો સમાવેશ થવાનો છે. આગામી 2022માં કતારમાં યોજાનારો વર્લ્ડકપ અત્યારના 32 ટીમના ફોર્મેટ સાથેનો છેલ્લો વર્લ્ડકપ હશે. ત્યારબાદ 2026માં અમેરિકામાં યોજાનારા વર્લ્ડકપમાં 48 ટિમો રમશે.

આંતરરાષ્ટ્રીય લેવલની જેમ ક્લબ લેવલે પણ ભારતીય ફૂટબોલને વધારે તકો મળી રહી છે. Hero ISL ના વિજેતાને અત્યારે AFC ની નીચલા લેવલની ક્લબ કોમ્પિટિશન AFC Cup માં એક એન્ટ્રી મળે છે. અને આપણી બીજી લીગ I-League ના વિજેતાને AFC ની મેઈલ ક્લબ કોમ્પિટિશન AFC Champions League માં પ્લેઓફ રાઉન્ડમાં એન્ટ્રી મળે છે. જેમાંથી એ ટિમ જીતે તો AFC Champions League-ગ્રુપ સ્ટેજ માં રમે છે, અને હારે તો AFC Cup ના ગ્રુપ સ્ટેજમાં રમે છે. આવતા વર્ષથી Hero ISL ના વિજેતાને AFC Champions League ના ગ્રુપ સ્ટેજમાં કોઈ પ્લેઓફ વગર ડાયરેક્ટ એન્ટ્રી મળશે અને AFC Cup માં પણ ભારત તરફથી બે ટિમો રમી શકશે.

આ બંને એક્સ્પાનશન ના લીધે ભારતીય ફૂટબોલ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય લેવલે અને ક્લબ લેવલે એક સરસ સ્પર્ધાનો સામનો કરશે, જે વખત જતા ભારતીય ફૂટબોલનું સ્તર ઊંચું લાવશે.

ઇન્વેસ્ટમેન્ટ

Hero ISL ભારતની પ્રીમિયર ફૂટબોલ ટુર્નામેન્ટ છે. જયારે ISL શરુ થઇ ત્યારે ત્રણ ટિમો એવી હતી જેને એક યા બીજી રીતે યુરોપની સારી એવી ક્લબ સાથે પાર્ટનરશીપ કરવા મળી હતી. ફિઓરેન્ટીના (ઇટાલિયન ફૂટબોલ ની એક જાણીતી ટિમ) ની પાર્ટનરશીપ FC Pune City સાથે, નેધરલેન્ડની જાણીતી ક્લબ ફેયેનૂર્ડ ની દિલ્હી ડાયનેમોસ સાથે પાર્ટનરશીપ હતી. જયારે એ સમયનાં સ્પેનિશ ચેમ્પિયન્સ એવા એટ્લેટીકો મેડ્રિડે અટ્લેટીકો ડી કોલકાતા માં પોતાની ભાગીદારી નોંધાવી હતી. અત્યારે પરિસ્થિતિ અલગ છે. FC Pune city અત્યારે અસ્તિત્વમાં નથી, દિલ્હી ડાયનેમોસ હવે Odisha FC છે, અને આ બંને ક્લબ્સની યુરોપિયન પાર્ટનરશીપ એ પહેલા જ પુરી થઇ ગઈ હતી. એટ્લેટીકો ડી કોલકાતા ના પોતાના માલિકીના શેર એટ્લેટીકો મેડ્રિડે 2017માં જ વેચી દીધા હતા. અને એના સામે City Football Group જે અત્યારના ઈંગ્લીશ ચેમ્પિયન્સ માન્ચેસ્ટર સીટી, ઓસ્ટ્રેલિયન ક્લબ મેલબોર્ન સીટી FC અને જાપાનીઝ ચેમ્પિયન્સ યોકોહોમાં મારીનોઝ ના માલિકો (કે સહમાલિકો) એમને હમણાંજ ISL ની Mumbai City FC ખરીદી લીધી છે.

આ ઇન્વેસ્ટમેન્ટ ભારતીય ફૂટબોલ માટે યોગ્ય સમયનું અને જરૂરી છે. યુરોપિયન જાયન્ટ્સ સાથે જયારે ભારતીય ક્લબની ભાગીદારી થાય ત્યારે એ યુરોપિયન ક્લબને ભારતીય ટેલેન્ટ મળ્યાનોતો ફાયદો થાય જ, પણ સાથે સાથે ભારતની ટેલેન્ટ પણ પ્રોફેશનલ યુરોપિયન વાતાવરણમાં વિકસે, એ લોકોના જ્ઞાનનો ફાયદો લઇ ભારતને ફૂટબોલના જગતમાં નામ અપાવે એ ભારતીય ફૂટબોલ માટે તો ફાયદાની જ વાત છે.

યંગ કોર

કોઈ પણ સફળ ફૂટબોલ ટિમ માટે જરૂરી છે એના કોર પ્લેયર્સ. ડિફેન્સ, મિડફિલ્ડ અને સ્ટ્રાઈકર તરીકે સારા ખેલાડીઓ હોય, જે પોતાની અને ટીમની રમતને સારી રીતે સમજી શકતા હોય ત્યારે એ ટીમને સફળતા મળવી અનિવાર્ય છે. અને જયારે આ કોર પ્લેયર્સ ની ઉંમર ખુબ ઓછી હોય ત્યારે આ સફળતા લાંબો સમય ટકી રહે છે. ’90 ના દસકાની આપણી ક્રિકેટ ટિમ, Class of ’92 કહેવાતા માન્ચેસ્ટર યુનાઇટેડ ના ફૂટબોલર્સ (જેણે ફૂટબોલ જગત પર ’05-’06 સુધી રાજ કર્યું), 2005-06 થી ચાલતી આવતી બાર્સેલોના ની ટિમ જે હજુય વર્લ્ડક્લાસ ગણાય છે અને મેસ્સી અને બુઝકેટ્સ જેવા સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા છે.

ભારતીય ફૂટબોલ પણ આવી કોર તૈયાર કરી રહ્યું છે. અને ISL નો લાભ આપણને મળી રહ્યો છે (બાય ધ વે, ISL ની ભારતીય ફૂટબોલ પર થઇ રહેલી અસર વિષે ઈ છાપું માં જ ગોપાલ ભાઈએ સરસ અવલોકન કર્યું છે, જે તમે અહીંયા વાંચી શકશો). છેલ્લા એક વર્ષમાં ભારતીય ટિમ તરફથી રમેલા ખેલાડીઓ માંથી કેપ્ટન સુનિલ છેત્રી (35 વર્ષ), ડિફેન્ડર આદિલ ખાન(31 વર્ષ) અને અનસ એડથોડીકા(32 વર્ષ) , ગોલકીપર્સ અરિન્દમ ભટ્ટાચાર્ય(30 વર્ષ), કરણજિતસિંઘ (33 વર્ષ) અને અને સ્ટ્રાઈકર બળવંત સિંહ(32 વર્ષ) સિવાયના બધાજ ખેલાડીઓ 20-29 વર્ષના છે. આમાંના ઘણા ખેલાડીઓ AFC Asian Cup જેવા મોટા સ્ટેજ પર રમી ચુક્યા છે. અને સંદેશ ઝીંઘાન, ગુરપ્રીતસિંઘ સંધુ, ઉદંતા સિંહ, અનિરુદ્ધ થાપા, મંદાર રાવ દેસાઈ, રાહુલ ભેકે જેવા ખેલાડીઓ પાસે ઓછા માં ઓછા 8 થી 10 વર્ષની કરિયર બચી છે. આ ખેલાડીઓ ફિલિપ ફોડેન, આંસુ ફાટી કે એમ્બાપે જેવા સુપરસ્ટાર યંગસ્ટર્સ નથી. પણ યોગ્ય કોચિંગ અને યોગ્ય તાલીમ મળે તો આ ખેલાડીઓમાં એટલી તો ટેલેન્ટ છે જ કે ભારતને વર્લ્ડકપ ફાઇનલ્સ ની નજીક લઇ જઈ શકે, કે AFC Asian Cup માં આગળ સુધી પહોંચાડી શકે.

ધ બેડ

ભૂતપૂર્વ કોચ સ્ટીફન કોન્સ્ટેન્ટાઇન (જમણે બ્લેક એન્ડ વ્હાઇટ) અને અત્યારના કોચ ઇગોર સ્ટીમાચ (જમણે કાલરાઇઝડ) Courtesy: Superpower football, a youtube channel for indian football

કોચિંગ (અથવા ઇગોર સ્ટીમાચ)

AFC Asia Cup પછી કોચ સ્ટીફન કોન્સ્ટનટાઇને રાજીનામુ આપ્યા પછી AIFFએ ક્રોએશિયન કોચ ઇગોર સ્ટીમાચ ની ભારતના કોચ તરીકે નિમણુંક કરી. સ્ટીફન કોન્સ્ટેન્ટાઇન 2002 થી 2005 અને 2015 થી 2019 એમ બે સમયગાળામાં ભારતીય ફૂટબોલ ટીમના કોચ રહ્યા છે. અને એનો 2018-19 નો ગાળો ભારતીય ફૂટબોલ માટે સહુથી સફળ સમયગાળો હતો. આ દરમ્યાન ભારત 29 મેચ રમ્યું એમાં 14 જીત, 4 હાર અને 11 ડ્રો સામેલ છે. અને આ એજ સમયગાળો છે જેમાં ભારતની ફૂટબોલ ટિમ 176માં સ્થાને થી પ્રગતિ કરી 97 સુધી પહોંચી હતી. સ્ટીફન કોન્સ્ટેન્ટાઇન ની સ્ટાઇલ વિષે લોકોને ઘણી ફરિયાદો હતી પણ પરિણામો અને રેટિંગ ની દ્રષ્ટિએ એણે ભારતીય ફૂટબોલને એક નવી ઊંચાઈ આપી હતી. અને જયારે ઇગોર સ્ટીમાચ ની નિમણુંક થઇ ત્યારે લોકોને ઘણી આશા હતી કે લ્યુકા મોડરિચ જેવા સ્ટાર પ્લેયર ને મેનેજ કરનાર સ્ટીમાચ ભારતીય ફૂટબોલ માટે એક સરસ નિમણુંક સાબિત થશે.

પણ થયું ઉલટું. ઇગોર સ્ટીમાચ નું પહેલું વર્ષ ભારતીય ફૂટબોલ માટે નિરાશાજનક રહ્યું. મલેશિયામાં યોજાયેલ કિંગ્સ કપમાં આપણે સ્વાભાવિક રીતે સબળી ટિમો સામે રમીને ત્રીજા નંબરે આવ્યા. પણ ઘર આંગણે યોજાયેલ ઇન્ટરકોન્ટિનેન્ટલ કપમાં આપણે તાજિકિસ્તાન અને નોર્થ કોરિયા જેવી નબળી ટિમ સામે હારી ને ચોથા નંબરે ફેંકાઈ ગયા. (ગયા વર્ષે આ જ ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ માટે સુનિલ છેત્રી એ એક અપીલ કરી હતી, જેના લીધે સ્ટેડિયમ અને ટીવી પર ભારતીય ફૂટબોલ ના દર્શકો ની સંખ્યામાં જોરદાર વધારો થયો હતો). અને એ પછી વર્લ્ડકપ ક્વોલીફાયરમાં પણ આપણું નિરાશાજનક પ્રદર્શન શરુ રહ્યું. ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ માં સીરિયા અને ક્વોલીફાયરમાં કતાર જેવી સરસ ટિમો સામે ડ્રો ખેંચનાર ભારત ને બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવી નબળી ટિમો સામે પણ ન જીતી શક્યું, અને આગામી વર્લ્ડકપ માંથી ફેંકાઈ ગયું. અને આ દરમ્યાન ભારતીય ટિમ ની વ્યૂહરચના, ટિમ ની મેન્ટાલીટી અને ખાસ તો ટિમ ની ફિટનેસ આ ત્રણેયનો અભાવ ઉડીને આંખે વળગતો હતો. અને એનું કારણ છે આપણી રેઢિયાળ લીગ સિસ્ટમ.

ભારતની લીગ સિસ્ટમ

ભારતમાં અત્યારે બે ફૂટબોલ લીગ રમાય છે. Hero ISL અને Hero I-League. ISL એ ભારતની પ્રીમિયર લીગ છે અને એનું માર્કેટિંગ પણ એ પ્રમાણે થાય છે, સાથે સાથે I-League પણ પ્રીમિયર લીગ છે જેના ચેમ્પિયન્સને AFC Champions League માં રમવા મળે છે. મતલબ ભારતીય ફૂટબોલમાં બે પેરેલલ પ્રીમિયર લીગ સ્પર્ધાઓ છે. ફૂટબોલ રમતા 200 ઉપરાંતના દેશોમાં ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં બે ઓફિશિયલ પેરેલલ લીગ રમાય છે અને બંને વચ્ચે કોઈ પ્રકારનું કનેક્શન નથી. જોકે તાજેતરમાં AIFF દ્વારા એકાદ બે વર્ષમાં આ બંને લીગનું મર્જર કરી અને 2023-24 સુધીમાં એક યોગ્ય પ્રમોશન અને રેલિગેશન સિસ્ટમ બનશે (જેમાં ISL ની છેલ્લી બે ટિમો I-League માં રેલિગેટ થશે અને I-League ની વિજેતા અને રનર અપ ટિમો ISL માં રમશે). મતલબ આપણી લીગ સિસ્ટમની સહુથી મોટામાં મોટી સમસ્યા દૂર થશે ત્યાં સુધીમાં કતાર વર્લ્ડકપ અને ચીનમાં રમાનાર AFC Asian Cup પણ રમાઈ ગયો હશે. આજ મુદ્દે આ એપ્રિલ મે મહિનામાં I-League માં રમતી ક્લબ્સ અને AIFF વચ્ચે સારો એવો વિવાદ થઇ ગયો હતો, જે હજુ સુધી કોઈને નિરાંત થાય એમ શાંત નથી થયો. જો આ વિવાદ વધારે વકરશે તો એની અસર આપણા ખેલાડીઓના મોરલ પર પણ પડી શકે છે.

આ ઉપરાંત આપણી લીગ સિસ્ટમની મોટી સમસ્યા છે એનું ટાઈમિંગ. ફૂટબોલ એક ક્લબ ગેમ છે અને એનો મુખ્ય ઝુકાવ ક્લબ ટુર્નામેન્ટ પર જ રહ્યો છે. મોટાભાગની ઇન્ટરનેશનલ ટિમ જેણે ભૂતકાળમાં કઈ પણ નાની-મોટી સફળતા મેળવી હોય એ બધાની ક્લબ અને લીગ સિસ્ટમ સરસ રીતે ગોઠવાયેલી હોય છે. અમુક કારણો બાદ કરતા બધા રાષ્ટ્રોની લીગ લગભગ આખું વર્ષ ચાલે છે, નિયમિત ચાલે છે, અને આ બધી ક્લબનું મેનેજમેન્ટ એવા લોકો કરે છે જેને બિઝનેસ અને ફૂટબોલ બંનેમાં રસ હોય.

આપણે અહીંયા એવું નથી, સહુથી પહેલા વાત કરીએ મેનેજમેન્ટ ની, ISLમાં અડધાથી ઉપર ની ક્લબ્સ એવી છે જેના માલિક અને મુખ્ય ઇન્વેસ્ટર્સ કાં તો બૉલીવુડ સ્ટાર્સ હોય, કાં તો મોટા બિઝનેસ હાઉસ અને કાં તો ક્રિકેટર્સ. અને આ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી ને હાથ ખંખેરી નાખે છે. એ બીજા માલિકો જેવા સિરિયસ નથી. અને એટલે ISL જેવી મોટી લીગ શરુ થયાના પાંચમા વર્ષની અંદર જ એક ક્લબ (પુણે સીટી) બંધ થઇ ગઈ અને બીજી ક્લબના માલિકો એક જગ્યાએથી શિફ્ટ થઇ બીજી જગ્યાએ જતા રહ્યા. આ ઉપરાંત I-League માં પણ ઘણી ક્લબ્સ એવી છે જેનું અસ્તિત્વ કાં તો પૂરું થઇ ગયું છે અથવાતો અસ્તિત્વ ટકાવી રાખવા બહુ મોટા બદલાવ લાવવાની ફરજ પડી હોય. કોઈ એવું રાષ્ટ્ર જેને ફૂટબોલમાં વિકાસ કરવો હોય, એના માટે કોઈ ક્લબ છ-સાત વર્ષ પણ ન ટકી શકે એ એ રાષ્ટ્રના ફૂટબોલ ફેડરેશન માટે શરમજનક કહેવાય.

અને આપણી લીગ સિસ્ટમ, જે ભારતીય ફૂટબોલ માટે શત્રુમિત્ર બની રહી છે. એક તરફ એનો વિકાસ ભારતીય ફૂટબોલનો પણ વિકાસ કરી રહી છે. અને બીજી તરફ લીગ નો ઓછો સમય ભારતીય ફૂટબોલને નડી રહ્યો છે. આપણી બંને લીગ વધુમાં વધુ છ મહિના ચાલે છે, જે બે વર્ષ પહેલા સુધી માત્ર ચાર મહિના ચાલતી હતી. આ ઓછો સમયગાળો ખેલાડીઓની મેચ ફિટનેસ પર નેગેટિવ અસર કરે છે. એક તરફ બીજા રાષ્ટ્રોની લીગ જે આઠ થી દસ મહિના ચાલે છે અને વધારે ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી રમે છે, એ લોકો મેચ રમવા હંમેશા ફિટ રહે છે અને એના ઉપર કોઈ આળસ નથી ચડી બેસતી. સામે આપણી વધીને સાત મહિના ચાલતી લીગ સિસ્ટમ અને એમાં ય વર્ષે એવરેજ 6 થી 8 આંતરરાષ્ટ્રીય મેચ ના લીધે આપણા ખેલાડીઓ પર આળસ ઘણી દેખાય છે (એક કમ્પૅરિઝન પ્રમાણે ભારતીય ફૂટબોલ ખેલાડી વર્ષે વધુમાં વધુ 15 મેચ રમે છે, એટલી મેચ એક ટોપ 60 દેશનો ખેલાડી છ મહિનામાં રમી શકે છે). આ વાત ની બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામેની આપણી ક્વોલિફિકેશન મેચોમાં દેખાઈ આવી જ્યાં આપણી 90% ટિમ 70-80 મિનિટ આવતા સુધીમાં થાકીને ટેં થઇ ગઈ હતી.

આ અને આવા ઘણા પ્રોબ્લેમ્સ ભારતીય ફૂટબોલ માટે સમસ્યા બની રહ્યા છે. અને આને સોલ્વ કરવાનું દાયિત્વ જેના પર આવે છે એ AIFF જે ભારતીય ફૂટબોલનું એક બદસુરત પાસું બની રહ્યું છે.

ધ અગ્લી (અથવા AIFF)

AIFF vs I-League clubs Courtesy: Goal.com

ઉપર કહ્યું એમ, ફૂટબોલ રમતા 200 ઉપરાંતના દેશો માંથી ભારત એક જ એવું છે જેમાં બે પેરેલલ ટોપ લેવલની લીગ હોય. આ વાત અત્યારસુધી ખુબ કન્ફ્યુઝિંગ અને ખુબજ વિવાદાસ્પદ હતી, અને એટલે જ FIFA અને AFC એ AIFF ને આ કન્ફ્યુઝન દૂર કરવા નિર્દેશ આપ્યા હતા. આ નિર્દેશ આપ્યાને છ મહિના ઉપર નો સમય થઇ ગયો અને એ મુજબના પ્લાન્સ હજુ હમણાં થોડા દિવસો પહેલા જાહેર કરવામાં આવ્યા. અને એ પહેલા બંને લીગનું શું થશે? કઈ લીગ પ્રીમિયર કહેવાશે અને કઈ લીગ સેકન્ડરી કહેવાશે એ વાત પર ઘણી ચર્ચાઓ થઇ. અંતે એવું જાહેર કરવામાં આવ્યું કે ISL પ્રીમિયર લીગ હશે, I-League સેકન્ડરી લીગ હશે. આવતા વર્ષથી ISL માં I-League ની બે ટિમો નો સમાવેશ થશે અને ISL માંથી 2023-24 ની સીઝન પહેલા કોઈ રેલિગેશન નહિ થાય.

I-League ક્લબ્સને સ્વાભાવિક રીતે આ વાત ગમી નહિ. અત્યાર સુધી કાયદેસર રીતે ભારતની પ્રીમિયર લીગ ને માત્ર એક જ રુલ ના લીધે (અને કોઈ પણ સ્પર્ધાનો ચાન્સ આપ્યા વગર) સેકન્ડરી લીગ બનાવવામાં આવે, પ્રમોશન અને રેલિગેશન ને બીજા 3-4 વર્ષ સુધી રોકી રાખી I-League ના ક્લબ્સનો વિકાસ રૂંધવામાં આવે, અને એ બધું I-League ની ક્લબ્સ પર થોપી દેવામાં આવે એ I-League ની ક્લબ્સને સ્વાભાવિક રીતે ન ગમ્યું. અને એટલે I-League ની મોટાભાગની ક્લબ્સએ AIFF સાથે ચર્ચા કરવાની માંગ કરી. અને AIFF (વાંચો પ્રફુલ્લ પટેલ)એ જનરલ ઈલેક્શન સહીત ના બહાના બતાવી આ ચર્ચાઓ ટાળે રાખી. કંટાળેલી I-League ક્લબ્સએ Hero Supercup નો બહિષ્કાર કર્યો. અને આ બહિષ્કારથી ગિન્નાયેલી AIFF એ I-League ક્લબ્સ પર મોટો દંડ ઠોકી દીધો. આઠ-દસ મહિના જૂની આ વાત અત્યાર પૂરતી તો શાંત છે, પણ જો I-League ના પ્રશ્નોને સાંભળવામાં નહિ આવે તો આ વાત કોર્ટ સુધી પણ જઈ શકે છે. અને AIFF ની આડોડાઈ જોતા આ વિવાદ શમવાને બદલે વધુ વકરવાનો છે એ નક્કી છે.

I-League ની ક્લબ્સના પ્રતિનિધિઓના મતે આ આડોડાઈ AIFF કરતાં FSDL ની વધારે છે, જેને AIFFએ બંને લીગ હેન્ડલ કરવાના સંપૂર્ણ હક્કો આપી દીધા છે. I-League ની ઘણી કલબોએ AIFF ને FSDL ની સામે કાયદેસર ફરિયાદ કરેલી છે પણ AIFFએ જાણે પોતાની આત્મા FSDL ને વેચી દીધી હોય એમ આ ફરિયાદો બહેરા કાને અથડાઈ છે અને ઉલટું દિવસે દિવસે બધો વહીવટ FSDL ને આપી દીધો છે. અને AIFF અને FSDL બંને ભારતીય ફૂટબોલ ના વિકાસ કરવા કરતા એને નડતર રૂપ બની રહ્યા હોવાની ફરિયાદો ISL અને I-League બંને ક્લબ્સ તરફથી થઇ રહી છે.

એક તરફ AIFF બહુ સારું કામ કરી રહી છે, બે વર્લ્ડકપ (2017 નો U-17 નો પુરુષો માટે નો વર્લ્ડકપ અને અત્યારે ચાલી રહેલો U-17 મહિલાઓનો વર્લ્ડકપ) ના સફળ આયોજન માટે AIFF ના બહુ વખાણ થઇ રહ્યા છે. પણ સામે AIFF નો આવો ગેરવહીવટ, કોચિંગ, એકેડમી અને ગ્રાસરુટ ફૂટબોલનો ધીમો વિકાસ અને ખાનગી આયોજકને ભારતીય ફૂટબોલ નું આખું વર્તમાન અને ભવિષ્ય કોઈ પ્રકારના બંધન અને જવાબદારી વગર બેરોકટોક સોંપી દેવા માટે AIFF ની ઘણી ટીકાઓ થઇ છે.

ભારતમાં ક્રિકેટ સહીત બધા સ્પોર્ટ્સ ફેડરેશન રાજકારણીઓના હાથમાં જ છે. અને રાજકારણીઓ આ સ્પોર્ટ્સ ફેડરેશન સાથે પોતાને ગમતી રમતો રમે છે. અને અંતે જે-તે સ્પોર્ટ્સ ફેડરેશન એ સ્પોર્ટ કરતા જે-તે રાજકારણી નો જ વિકાસ કરે છે. અને એ રમત અને એના વિકાસ ને સંપૂર્ણ રીતે ઉપેક્ષિત કરવામાં આવે છે. AIFF પણ આમાંથી બાકાત નથી. જોકે ક્રિકેટ સહીત ઘણા ભારતીય સ્પોર્ટ્સ અને એની ટિમ ધીમે ધીમે વિકાસ પામી રહી છે. ગ્લોબલ એક્સપોઝર, લખલૂટ પૈસા, આપણી વસ્તી અને આપનો દરેક પ્રકારની રમત માં વધી રહેલો રસ એ ખરેખર એક પોઝિટિવ નિશાની છે. પણ સ્પોર્ટ ફેડેરેશનનો વ્યાપક ભ્રષ્ટાચાર અને ત્યાં જામી બેઠેલા રાજકારણીઓના ખોંચરાવેડાં આ બધા વિકાસ ની સામે વિનાશ બની શકે છે.

આશા કરીએ કે ભારતીય ફૂટબોલ અને અન્ય રમતો જે છેલ્લા બે-ત્રણ વર્ષથી જે સરસ પરફોર્મન્સ આપી રહી છે એ જ લેવલ જાળવી રાખે અને ઉત્તરોત્તર આગળ વધતી રહે. અને આવા કોઈ નેગેટિવ પરિબળો એને ન નડે.

આ સાથે ભારતના રમતવિશ્વ ને શુભેચ્છા સહ,

મે ધ શક્તિ બી વિથ યુ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here