નાગરીકતા સુધારા કાયદો અમલમાં આવતાની સાથેજ કેટલાક નિશ્ચિત બુદ્ધિજીવીઓ તેમજ પત્રકારોએ એવી તો અફવા ફેલાવી દીધી કે દેશના કેટલાક હિસ્સાઓમાં હિંસા ફાટી નીકળી. આ બુદ્ધિજીવીઓ શા માટે આવું કરી રહ્યા છે?

કોઇપણ દુષ્પ્રચાર કે કુપ્રચાર બહુ લાંબા સમય સુધી જીવી શકતો નથી. નાગરીકતા સંશોધન કાયદા (CAA) પર ફેલાવવામાં આવેલી અફવાઓને કારણે આસામ અને ઉત્તરપૂર્વના અમુક રાજ્યોમાં થયેલી હિંસા હવે શાંત થઇ રહી છે. આવી જ રીતે રવિવારે દિલ્હીમાં તેમજ દેશના અન્ય કેટલાક હિસ્સાઓમાં થયેલી હિંસા પણ અમુક કલાકનું જ જીવન ધરાવતી હતી તે હવે સાબિત થઇ ગયું છે.
પરંતુ આ હિંસાએ દેશના બુદ્ધિજીવીઓને ફરીથી ખુલ્લા પાડી દીધા છે. આ બુદ્ધિજીવીઓને વારંવાર થૂંક ચાટતા ભલે શરમ ન આવતી હોય પરંતુ તેમને ખુલ્લા પાડનારાઓને હવે કદાચ શરમ આવી રહી છે કારણકે આ પ્રકારના બુદ્ધિજીવીઓને કમને પણ પોતાના ‘દેશવાસીઓ’ ગણવા પડે છે. CAAની સ્પષ્ટ સમજૂતી છે કે હાલમાં ભારતમાં રહેતા ભારતીય નાગરીકોની નાગરીકતાને કોઈજ અસર આ કાયદો નહીં કરે.
ગૃહમંત્રી અમિત શાહના જ શબ્દોને ટાંકીએ તો આ કાયદો કોઈની નાગરીકતા પરત ખેંચવા માટે નથી પરંતુ નાગરીકતા આપવા માટે છે. પરંતુ આ સમગ્ર કાયદાને કોમવાદી રંગ આપીને દેશના ‘સેક્યુલર’ અને ‘તટસ્થ’ મીડીયાએ એવી તો અફવાઓ ફેલાવી કે દેશના કેટલાક હિસ્સાઓમાં હિંસા ફાટી નીકળી. એક અન્ય નોંધપાત્ર વાત અહીં એ છે કે હિંસક બનેલા લોકોમાં સામાન્ય લોકો કરતા વિવિધ યુનિવર્સીટીઓના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી.
આ હકીકત એ પણ સાબિત કરે છે કે જ્યાં જ્યાં વિપક્ષી દળોના ખાસકરીને વામપંથી દળોના વિદ્યાર્થી યુનિયનો હજી પણ અસ્તિત્વ ધરાવે છે તેમના માટે આ પ્રકારનો વિરોધ અને હિંસા ઉભા કરવા સરળ હોય છે અને એમ કરીને તેને સમગ્ર દેશ CAAની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યો છે એવું ચિત્ર ઉભું કરવામાં આ તત્વોને થોડો સમય સફળતા મળી હતી. પરંતુ જેમ અગાઉ ચર્ચા કરી તેમ અસત્યનું જીવન ખૂબ ટૂંકું હોય છે. સામાન્ય જનતાનું સમર્થન ન મળતાં બહુ ઓછા સમયમાં આ હિંસા બંધ થઇ ગઈ. જો કે સરકારે હજી પણ ગફલતમાં રહેવાની જરૂર નથી.
યુનિવર્સીટીઓમાં તોફાને ચડેલા ‘વિદ્યાર્થીઓ’ને કાબૂમાં લેવા માટે દિલ્હી પોલીસે તેમનાં કેમ્પસોમાં પ્રવેશ કર્યો તેના નિયમો અંગે આ જ બુદ્ધિજીવીઓ અને તટસ્થ પત્રકારો સોશિયલ મિડીયામાં અફવા ફેલાવી રહ્યા છે. આવી જ એક અફવા જાણીતા ફિલ્મ લેખક, ગીતકાર અને શાયર જાવેદ અખ્તરે પણ ફેલાવી પરંતુ તેમને એક IPS અધિકારીએ જ જડબાતોડ જવાબ આપ્યો છે અને આ અધિકારીની ચોમેર પ્રશંસા થઇ રહી છે.
Dear Legal Expert
Please elaborate the law of land, the section number and name of the Act etc so that we are also enlightened.
Regards— Sandeep Mittal, IPS (@smittal_ips) December 16, 2019
યુનિવર્સીટીઓ છેવટે તો ભારતનો જ હિસ્સો છે અને ત્યાં જો હિંસાચાર થતો હોય તો તેને રોકવાની ફરજ પોલીસની જ છે. બીજું, જો કેમ્પસમાં હિંસા થતી હતી તો આપણી પાસે રસ્તા પર આવીને દિલ્હીની બસો બાળતા લોકોના દ્રશ્યો કેમ છે? તો આપણે એમ ન માની લેવું જોઈએ કે તોફાની તત્વો રસ્તા પર હિંસા ફેલાવીને યુનિવર્સીટી કેમ્પસમાં ભાગી જઈને શરણ લેતા હશે તેમને પોલીસે અંદર ઘૂસીને પકડી લીધા હોય?
આવો જ એક અફવાથી ભરપૂર વિડીયો સહુથી વધુ તટસ્થ અને સેક્યુલર પત્રકાર રવિશ કુમારનો પણ વાયરલ થયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે NRC આવશે તો આપણને બધાને આપણા બાપદાદા ભારતના જ હતા તે સાબિત કરતા ડોક્યુમેન્ટ્સ લેવા માટે દોડવું પડશે અને પછી લાઈનમાં ઉભું રહેવું પડશે. હજી NRCની રૂપરેખા તૈયાર નથી થઇ અને જો તૈયાર થઇ છે તો જાહેર નથી થઇ, પરંતુ તેમ છતાં રવિશ કુમાર જેવા તત્વો પોતાની રીતે મારી મચડીને અફવા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે જેથી કરીને દેશમાં તણાવ ઉભો થાય.
જે ધર્મને CAAના અમલીકરણથી ‘કહેવાતો’ અન્યાય થાય છે તે કાયદાને બરોબર સમજીને એ જ ધર્મના બુદ્ધિજીવીઓને સાચી વાત સમજાવતા કે તેનો પ્રચાર કરતા પેટમાં શું દુઃખે છે એ સમજાતું નથી. જાવેદ અખ્તર માટે બહેતર એ હોત કે તેઓ CAAની જે સાચી ભાવના છે તેને સમજીને મુસ્લિમોમાં સાચો સંદેશ ફેલાવત તો જાવેદ અખ્તર પર લોકોનું માન અનેકગણું વધી જાત.
માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ ગુજરાતના પણ અમુક બુદ્ધિજીવીઓ, લેખકો, કવિઓ અને કોલમિસ્ટો પણ મન ફાવે તેમ આ મુદ્દે લખી રહ્યા છે, તો કેટલાક કવિહ્રદયના લોકો તો ધમકીઓ પણ આપી રહ્યા છે જે લોકો તેમની ટીકા કરી રહ્યા છે. આ પ્રકારના અંધ વિરોધનું કારણ CAA તો નથી જ એ સ્પષ્ટ છે, તો પછી આ હિંસાત્મક વિરોધ પાછળનું ખરું કારણ શું હોઈ શકે તે આપણે આવનારા દિવસોમાં ચર્ચીશું.
૧૭ ડિસેમ્બર ૨૦૧૯, મંગળવાર
અમદાવાદ
eછાપું