સલમાન ખાનની દબંગ સિક્વલનો ત્રીજો ભાગ આવી ગયો છે. અગાઉની બંને ફિલ્મોની જેમજ આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ શું એટલોજ મનોરંજક છે કે ફિલ્મ દર્શકોને મનોરંજન પૂરું પાડવામાં ઉણો ઉતરે છે?

ભારતમાં હવે ઘણી બધી ફિલ્મોની સિક્વલ બનવા લાગી છે. ગોલમાલ અને હાઉસફૂલ સિક્વલ હજી પણ એટલીજ લોકપ્રિય છે. દબંગ પછી દબંગ 2 બની અને દબંગ 3 બનતા બનતા લગભગ સાત વર્ષ પસાર થઇ ગયા. તેમ છતાં આ ફ્રેન્ચાઈઝમાં સલમાન ખાનની એક અલગ જ ફ્લેવર જોવા મળે છે જેને કારણે તેની અન્ય તમામ ફિલ્મો કરતાં આ ફ્રેન્ચાઈઝની ફિલ્મ જોવાની ઇન્તેજારી વધુ હોય છે.
દબંગ 3
મુખ્ય કલાકારો: સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, સઈ માંજરેકર, અરબાઝ ખાન, પ્રમોદ ખન્ના અને કિચ્ચા સુદીપ
નિર્માતાઓ: સલમાન ખાન, અરબાઝ ખાન અને નિખીલ દ્વિવેદી
નિર્દેશક: પ્રભુ દેવા
રન ટાઈમ: 162 મિનીટ
કથાનક: ચુલબુલ પાંડે (સલમાન ખાન) હવે ઉત્તર પ્રદેશના ટુંડલામાં પોલીસ અધિકારી છે. ચુલબુલની સાથે તેની પત્ની રજ્જો (સોનાક્ષી) ભાઈ મખ્ખી (અરબાઝ ખાન) અને પિતા પ્રજાપતિ (પ્રમોદ ખન્ના) પણ છે. અગાઉની જેમ હવે ટુંડલામાં પણ ચુલબુલ પાંડે પોતાની રોબીન હૂડગીરીથી લોકપ્રિય પોલીસ અધિકારી બની ચૂક્યો છે. એક વખત માનવ તસ્કરીનું એક મોટું રેકેટ પકડવા જતા ચુલબુલનો સામનો થાય છે બાલી સિંગ (કિચ્ચા સુદીપ) સાથે થાય છે.
એકબીજાને જોતાની સાથેજ ચુલબુલ અને બાલી બંનેને તેમનો ભૂતકાળ યાદ આવી જાય છે. વાત એવી હોય છે કે ચુલબુલ પહેલા રજ્જોને નહીં પરંતુ તેની માસીની દીકરી ખુશીને (સઈ માંજરેકર) પ્રેમ કરતો હોય છે અને તેના પ્રેમને આ જ બાલી સિંગે અધુરો છોડી દીધો હોય છે. હવે ચુલબુલ અને બાલી બંને પોતપોતાની વ્યક્તિગત દુશ્મની એકબીજા સામે કાઢવા માંગે છે.
થોડી સંતાકૂકડી બાદ છેવટે ચુલબુલ અને બાલી સિંગ આમને સામને થાય છે…
રિવ્યુ: જ્યારે કોઈ સફળ ફ્રેન્ચાઈઝ આગળ વધતી હોય છે ત્યારે દરેક નવી કડીએ એ ફ્રેન્ચાઈઝ વધુને વધુ મજબૂત બને અને લોકપ્રિય બને એ જરૂરી હોય છે. ગોલમાલ અને હાઉસફૂલમાં અત્યારસુધી એમ જોવા મળ્યું છે. પરંતુ બદનસીબે દબંગનો આ ત્રીજો ભાગ તેના પહેલા બે ભાગ જેવો નથી બની શક્યો. પહેલી બંનેની જેમ આ કડી પણ સંપૂર્ણપણે સલમાન ખાનના જ ખભે છે પરંતુ આ વખતે સલમાન ખાને પોતેજ પોતાને અન્યાય કર્યો છે એવું આ ફિલ્મ જોતાં સ્પષ્ટ લાગે છે.
આમ કહેવા પાછળનું કારણ એ છે કે સલમાન ખાને ખુદ આ ફિલ્મ લખી છે અને એ જ દબંગ 3નું સહુથી નબળું પાસું છે. અગાઉની બંને દબંગ ચુલબુલ પાંડે ની ‘વીરતા’ દર્શાવતા હતા પરંતુ આ વખતે અહીં ઈમોશનલ દ્રશ્યોની ભરમાર છે જેની કદાચ જરૂર ન હતી. રજ્જોને મળ્યા પહેલા પણ ચુલબુલ પાંડે સાથે ખુશી સંકળાયેલી હતી એ કંટાળાજનક વાત કહેતા કહેતા અડધી ફિલ્મ પૂરી થઇ જાય છે અને ઈન્ટરવલ પછીનો ભાગ તેના અગાઉના ભાગ સાથે રીતસર ઘસડાય છે.
બેશક સલમાન ખાન અદાકાર તરીકે પોતાના અંદાજમાં જરાય ઉણો ઉતરતો નથી અને તે ચુલબુલ પાંડેને ફરીથી યોગ્યરીતે રજૂ કરે છે, પરંતુ તેની નીચે એકદમ અંધારું! દબંગના પહેલા બંને ભાગમાં સોનુ સૂદ અને પ્રકાશ રાજ જોરદાર વિલન અથવાતો સલમાનને ટક્કર આપનારા જોવા મળ્યા હતા એવી ટક્કર કિચ્ચા સુદીપ નથી આપી શકતો આટલો સારો અદાકાર હોવા છતાં. ચુલબુલ અને મખ્ખી ભેગા હોય છુટ્ટા પડે અને વળી ભેગા થાય આવી વાત તો કદાચ દબંગના પહેલા ભાગમાં પણ કહેવામાં આવી ચૂકી છે એટલે એ ટ્રેક પણ આશ્ચર્ય ઉપજાવવાને બદલે predictable લાગે છે.
સોનાક્ષી સિન્હા રજ્જો તરીકે ઓકે છે એટલેકે અગાઉના બંને ભાગની જેમજ. જ્યારે સઈ માંજરેકરને ભાગે ખાસ કશું કરવાનું આવ્યું નથી. વિનોદ ખન્ના જે ચુલબુલ અને મખ્ખી પાંડેના પિતાનો રોલ કરી ચૂક્યા છે તેમનું અવસાન થઇ ગયું છે આથી એમના જ ભાઈ પ્રમોદ ખન્નાને અહીં પ્રજાપતિ પાંડે બનાવવામાં આવ્યા છે અને બે સેકન્ડ માટે તમને એ વિનોદ ખન્નાનો આભાસ ઉભો જરૂર કરાવી દે છે.
અરબાઝ ખાન સલમાન ખાનની ફિલ્મ સિવાય ક્યાંય મહત્ત્વનો રોલ લઇ શકતો નથી એટલે વારંવાર પોતાના ભાઈની ફિલ્મમાં આપણી માથે મારવામાં આવે છે. ભગવાન ન કરે અને આ ફિલ્મ ચાલી નીકળી તો દબંગના ચોથા ભાગમાં પણ એને ફરીથી જોવો પડશે.
ઓલ ઇન ઓલ, સલમાન ખાનના ફેન્સને પણ કદાચ આ ફિલ્મમાં એટલી મજા નહીં આવે એ શક્ય છે કારણકે સલમાન ખાનના ટીપીકલ ‘નખરાં’ તો અહીં જોવા મળે છે પરંતુ આગળ ચર્ચા કરી તેમ ફિલ્મની વાર્તા જબરદસ્ત રીતે ઢસડાય છે એટલે સલમાન ખાનને જોવા માણવાને બદલે આ ફેન્સ પર પણ કંટાળો સવાર થઇ જાય તો નવાઈ નહીં.
૨૦ ડિસેમ્બર ૨૦૧૯, શુક્રવાર
અમદાવાદ
eછાપું