ગુજરાતમાં નારી જીવન – પહેલાં અને અત્યારે

0
509
Photo Courtesy: laughspark.info

ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા નારી વધુ મહત્ત્વનું તેમજ સન્માનપૂર્વક સ્થાન ધરાવે છે જેને કારણે તે અન્યોથી અલગ પણ પડે છે. ગુજરાતણોની ખાસ લાક્ષણીકતાઓ વિષે જાણીએ.

Photo Courtesy: laughspark.info

ગુજરાતનાં  પહેલાં અને અત્યારનાં નારીનાં જીવનનું વિહંગાવલોકન આ મુદ્દાઓ પર કરીએ.

1.સુંદરતા 2. પહેરવેશ 3. લલિત કલા  4. શિક્ષણ 5. ઉછેર 6. લાજ મર્યાદા 7. સલામતી 8. રસોઈ 9. બૌદ્ધિક તકો 10. ઘરમાં અને સમાજમાં સ્થાન.

નારીને એક સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે જોવા, માન આપવાની પરંપરા તો ગુજરાતમાં આદિ કાળથી ચાલી આવે છે. આજની ગુજરાતી નારી સો કે પચાસ વર્ષ પહેલાં હતી તે કરતાં ઘણી સ્વતંત્ર છે.  એક સદી પહેલાં દસ બાર છોકરાં જણતી, ચૌદ વર્ષે પરણી જઈ ચૂલો ફૂંકવામાં જિંદગી પુરી કરતી ગુજરાતી નારી આજે ઘરના ઉંબરાની બહાર નીકળી અનેક મુકામો સર કરી ચુકી છે.

આજે કુટુંબો વિભક્ત બન્યાં છે, સંતાનો બે કે ત્રણ અને હવે તો ક્યારેક એક જ હોય છે. ચૂલાનું સ્થાન પાઇપ ગેસે અને ગામડાઓમાં પણ LPG એ લીધું છે. પાણી ભરવા પહેલાં કરતાં ઓછી લાઈનો ઉનાળામાં પણ હોય છે, ગામડાઓમાં પણ સાર્વજનિક પાણીની ટાંકીઓ અને નળ ઘણી ખરી જગ્યાએ છે. આમ ગુજરાતમાં નારી જીવન અગાઉ કરતાં વધુ સરળ બન્યું છે.

તો એ જીવનનાં વિવિધ પાસાંઓનું અવલોકન કરીએ.

1.સુંદરતા: ગુજરાતણ પહેલાં તેમ જ આજે સુંદરતાની એક મિસાલ છે છતાં અગાઉ માત્ર પ્રસંગોચિત જ શણગાર સજતી ગુજરાતી નારી આજે દેખાવ પ્રત્યે ઘણી સભાન છે.

એકદમ સપ્રમાણ દેહ્યષ્ટિ અને કાળા ઘટ્ટ વાળ દક્ષિણી સ્ત્રીઓની લાક્ષણિકતા છે, ફૂલગુલાબી ત્વચા કાશ્મીરી કે પંજાબી સ્ત્રીની દેન છે તો પણ પીળચટ્ટી કે ગૌર, ધ્યાનાકર્ષક ત્વચા  તો ગુજરાતણની જ. રેશમી સુંવાળા વાળમાં અંબોડાની વિવિધ ફેશન જે પંદર વીસ વર્ષ પહેલાં હતી તે હવે કપાવેલા કેશની બની ગઈ છે. છતાં બ્યુટીપાર્લરનો ધંધો ગુજરાતણોને કારણે અને ગુજરાતણો દ્વારા અત્યારે ઘણો જ ફુલ્યો ફાલ્યો છે.

2. પહેરવેશ: ઈશ્વરદત્ત ઘાટીલી કાયાને યોગ્ય રીતે શણગારવા માટે સાલસ, મર્યાદા જાળવતાં પણ આકર્ષે તેવી રીતે પોતાને પેશ કરતી વેશભૂષા એ ગઈકાલ તેમ જ આજની ગુજરાતણની ખાસિયત છે. સાડી પહેરવાની હરિફાઇ ગુજરાતી મંડળોમાં જોઈ, સાંભળી છે.

અગાઉ છાતી સુધીના ઘુમટામાં ઢબુરાઈ રહેતી નારી આજે ટીશર્ટ, શોર્ટ્સમાં ઘરમાં  સાસુ-સસરા સામે ઘૂમે છે. વચ્ચે માત્ર માથે ઓઢવાનો રિવાજ સાડી કાયમી પહેરવેશ હતો ત્યારે આવી ગયો.

ગુજરાતી  આગળ પાલવ વાળી સાડી તો ટીવી, ફિલ્મોની ફેવરિટ છે. ભલે સાડી લુપ્ત થઇ રહી છે, જીન્સ ટીશર્ટ આવી ગયાં છે; ગુજરાતણો પોતાને દર્પણમાં જોતા પહેલાં મનોમન સમાજનાં દર્પણમાં જુએ છે. કુદ્રષ્ટિને અવકાશ જ ન રહે તેવી પરિધાન છટા ગમે તે ઉંમરની ગુજરાતી નારીને કોઠાસૂઝમાં મળી હોય છે.

3. લલિતકલા: રંગોળીની આપોઆપ સ્ફુરતી ડિઝાઈનો, સુંદર અર્થસભર શબ્દોવાળા ગરબા તથા લગ્નગીતો અને એ માટે જરૂરી ચપળતાભરી ચપટી, પગના ઠેકા, હલકવાળો, દૂરથી પણ હ્ર્દય ચીરીને સોંસરવો ઉતરી જતો મધુર કંઠ- ગુજરાતણને મળેલી દૈવિક ભેટ છે. ગુજરાતની નારીઓ ગરબાઓના ઠેકાથી સ્ટેજ ગજાવે છે અને ફાલ્ગુની પાઠક જેવી નારીઓ તેમના અવાજ અને આગવી છટાથી પુરા દેશને મંત્રમુગ્ધ કરી દે છે. ફોટોગ્રાફીમાં કાઠું કાઢનાર હોમાઈ વ્યારાવાલા ગુજરાતી નારી.

હવે  અત્યાધુનિક ગુજરાતી નારી રંગોળી ટપકાં પાડી ગેરૂ ઉપર કરવાને બદલે ભલે ફ્લેટના એક ખૂણે બીબાંથી કરે પણ દિવાળીમાં કરે, બતાવે જરૂર છે. શેરી ગરબાને ઠેકાણે વિશાળ મેદાનોમાં મોટાં વર્તુળ કે ગ્રુપમાં ઘૂમતી આધુનિક ગુજરાતી નારી દેવને પણ નીચે આવી નીરખી રહેવાનું મન થાય એવા શણગાર સજી, દેહનું એકદમ આકર્ષક રીતે પ્રદર્શન કરી સ્ફૂર્તિ અને ત્વરાથી નાચી ગુજરાતનો ગરબો પણ જીવંત રાખે છે.

આમ, લલિત કલાઓનું સ્વરૂપ પહેલાં કરતાં બદલાયું છે પણ વારસો તો  એ નારીઓએ પહેલાં કરતાં પણ જીવંત રાખ્યો છે.

4. શિક્ષણ: 1800 ના પ્રથમ દસકામાં મહિલાઓની અલગ શાળા અમદાવાદમાં તો હતી. અંતરિયાળ ગુજરાતમાં પણ ભલે તે વખતના રિવાજ મુજબ 14 થી 16 વર્ષે પરણી જતી, નારીઓ ઉચ્ચ વર્ણોમાં અક્ષરજ્ઞાન તો પ્રાપ્ત કરી જ લેતી. ઘણી બાળાઓ 7 ધો., પછી મેટ્રિક અને પછી બે પેઢી અગાઉ ગ્રેજ્યુએટ પણ થતી થઈ ગયેલી. હવે તો બીજાં રાજ્યો કરતાં વધુ સલામતી, સ્વાતંત્ર્ય અને સમાનતા મળતી હોઈ ગુજરાતી નારી ભણાય એટલું ભણે છે, કમાવાય એટલું કમાય છે અને ગૃહ મોરચે પણ પાછળ પડતી નથી. આભાર ભારતમાં ની કામવાળી અને રસોયણ પ્રથાનો.

વિનોદિની નીલકંઠ જેવી લેખિકા કે અભણ સ્ત્રીઓની રાહબર ઈલા ભટ્, હાઇકોર્ટ ન્યાયાધીશ સોનિયા ગોકાણી કે સુજ્ઞા ભટ્ટ જેવી નારીઓથી માંડી આજની નવયૌવનાઓ જેવી કે રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયન લજ્જા ગોસ્વામી સુધી પુરુષો સાથે રેસ લગાવી તેઓ ઉચ્ચ અભ્યાસ તો પૂરો કરે જ છે, માતા પિતાએ રાખેલ સમાનતાનો ગુણ  તેમને ઉચ્ચ કારકિર્દીની રાહ પર પણ લઇ જાય છે. એ સમાનતાને કારણે જ મૂળભૂત રીતે બીજાં રાજ્યો કરતાં લગ્નો વધુ મોડાં જરૂર થાય છે પણ ગુજરાતી દંપત્તિ પોતાની કારકિર્દી જ્યાં પણ ઘડે છે તેમાં મા-બાપ બાદ સાસુ સસરાનો સહકાર સારો એવો મળે છે.

5. ઉછેર:  અન્ય રાજ્યો કરતાં અહીં આજે નારીનો ઉછેર નરને સમાન થાય છે. અગાઉ પણ ઘરેલુ ફરજો માત્ર નારી ઉપર હતી છતાં જક્ષણી કે ખેમી જેવી વાર્તા દ્વારા જણાય છે કે નારીનો ઉછેર તે એક જવાબદાર વ્યક્તિ બને તે રીતે થતો. આજે પણ ભ્રુણપરીક્ષાને કારણે વધુ ડોક્ટરો ગુજરાતમાં પકડાય છે. દીકરી કરતાં સામાજિક દરજ્જો દીકરાનો ગ્રામ્ય વિસ્તારોમાં વધુ છે પણ એ સ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે.

6. લાજ મર્યાદા: અગાઉ છાતી સુધી ઘૂમટો કાઢતી ગુજરાતી નારી સમાજની લોલુપ નજરોથી બચવા તેવું કરતી. જે આજે એક ફ્લેટમાં સામસામે પડતાં ડ્રોઈંગ રૂમ, બેડરૂમનાં બારણાઓમાં શક્ય નથી. છતાં પહેલાં જે મોટો પુરુષ આવીને ખોંખારો ખાય એટલે માથે ઓઢી અંદર ચાલ્યા જવાનું તે જગ્યાએ સસરાની બાજુમાં જ થોડું અંતર રાખી સોફા પર બેસતી આધુનિક શહેરી નારીનું ચિત્ર સામાન્ય છે. હા, વડીલોની મર્યાદા આજે પણ એવી જ જળવાય છે. પિતાને બાવડું પકડી લાડથી કઈંક કહેતી આજની નારી સસરા સાથે ધીમેથી અને જરૂર પૂરતું જ બોલે છે. આમ ભૌતિક લાજ મર્યાદાનું સ્થાન વર્તણુક દ્વારા મર્યાદાએ લઈ લીધું છે.

7. સલામતી: જયપુર જેવાં શહેરોમાં પણ રાત્રે 8 પછી બહાર નીકળતી કે જાતે સ્કૂટર, કાર ચલાવતી કન્યાઓ આજે પણ ઓછી દેખાય. કેરળના એર્નાકુલમ માં એકલો પુરુષ એકલી ઉભેલી નારીને રસ્તો પણ પૂછી શકે નહીં. ગુજરાતની આજની નારી પાડોશણ ઉપરાંત પાડોશી પુરુષો સાથે છૂટથી વાત કરે છે. રસ્તે પણ કોઈ કામસર તમારી સાથે તે ગમે તે ઉંમરની હોય, નિઃસંકોચ વાત કરે છે. ગુજરાતનાં કોઈ પણ શહેરમાં રાત્રે બે વાગ્યે પણ બાઇક ચલાવતી નારી જોઈ શકાય છે. અગાઉ કરણધેલો જેવી નવલોમાં કન્યાઓને ઉપાડી જતા શાસકોની વાત વાંચતા. બિહાર જેવામાં આજે પણ ઘણી અસલામતી સ્ત્રીઓ માટે છે પણ :યત્ર નાર્યસ્તુ પૂજયંતે..’ માં માનતા ગુજરાતમાં આજની નારી ઘણી સલામત જિંદગી જીવે છે. અગાઉ તે ઘરની અંદર તો સલામત હતી પણ બહાર એકલી ઓછી નીકળી શકતી.

8. રસોઈ: રસોઈમાં વૈવિધ્ય તો ગુજરાતી નારી જ કરી જાણે. થેપલાં, ઢોકળાં, સક્કરપારા કે હાંડવા જેવી વાનગીઓ જ નહીં, કરકસરમાં માહેર  ગુજરાતી નારી ફજેતો કે રોટલીના લાડુ દ્વારા વધેલી રસોઈનો પણ ઉપયોગ કરી જાણે. રસોઈમાં પૂરતું પ્રમાણભાન- કેટલા લોકોને જમાડવા કેટલું જોઈશે તેનો સાત થી માંડી સીતેર સુધીના લોકોનો એસ્ટીમેટ મોંએ કહી દે તેવી ગુજરાતણો  એક બે પેઢી પહેલાં જોઈ છે. રસોઈમાં જમાના મુજબ વિવિધતા તથા નવીન પ્રયોગોમાં તો ગુજરાતણો કાબિલે તારીફ હોય છે. તરલા દલાલ એક ગુજરાતણ છે પણ ઘણા ઘરના ખૂણે આવી એક તરલા છુપાયેલી હોય છે. આજે પણ વ્યવસાયથી આવી થાકેલી નારી પણ આવડે તેટલું હોંશે હોંશે સંક્રાંતની ચીકી કે દિવાળીની મીઠાઈ બનાવવામાં આનંદ અનુભવે છે, નેટ પરથી વિગતો લે છે અને નેટ પર શેર કરે છે ત્યાં સુધી ગુજરાતી રસોડું અમર જ રહેશે.

9. બૌદ્ધિક તકો: ગુજરાતણનું મગજ જન્મથીજ પુરુષો જેટલું કે વધુ તેજ હોય છે. અને અન્ય રાજ્યો કરતાં ગુજરાતી નારીને વધુ સ્વતંત્રતા મળે છે. મીનળદેવી ગુજરાતની નારી તો મીરાંબાઈએ ગુજરાતને પોતીકું બનાવ્યું. તે જમાનથી આજ સુધી ગુજરાતણો દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતી જોઈ છે. ઉપર કહ્યું તેમ જજ, એક્ટ્રેસ, પોલીસ વડા, સર્જન, લેખક.. ગણ્યા ગણાય નહીં તેવા ક્ષેત્રોમાં આજની ગુજરાતી મહિલા છે. હું તાજેતરમાં કલકત્તાથી અમદાવાદ આવ્યો ત્યારે ફ્લાઈટની કેપ્ટન નિરાલી પટેલ, ગુજરાતી પાયલોટ હતી. મધ્યપ્રદેશ ગવર્નર, ‘વેલણ વગાડયે વિકાસ ન થાય’ એમ નારીઓને જ બિન્ધાસ્ત કહેનારી ‘પટેલ ભાયડી’  આનંદી બેન પટેલ કે તેમની એક પેઢી પુરોગામી ઊર્મિલાબેન ચીમનભાઈ પટેલ બૌદ્ધિક તકો નું ઉત્તમ ઉદાહરણ છે.

10. સામાજિક સ્થાન: અમુક બાબતોમાં ગઈકાલે કે આજે, ગુજરાતી નારીની કોઠાસૂઝ ઘણી સામાજિક સમસ્યાઓ સારી રીતે ઉકેલી શકે છે. આવી કોઠાસૂઝને કારણે જ ગુજરાતણો ઘરમાં સલાહ સૂચનો આપે છે કે ગમે તેવા કપરા સંજોગોમાં ઘર ચલાવી જાણે છે. તેથી જ ગુજરાતી પુરુષો ઘરેલુ બાબતોમાં સ્ત્રીઓને આગળ કરે છે. સમાજ સાથેનો વ્યવહાર સ્ત્રીઓ જ ચલાવતી સરસ્વતીચંદ્ર કે માનવીની ભવાઈ કે સાત પગલાં આકાશમાં જેવી નવલકથાઓમાં પ્રતિબિંબિત થાય છે.

હેલ્લારો જેવી ફિલ્મમાં ભલે ગ્રામ્ય નારીને કુંઠિત, પીડિત બતાવી હોય, ગામડાઓમાં પણ સરપંચ કે સલાહકાર અમુક ‘બા’ ઓ અગ્ર ભૂમિકા ભજવે છે. પુરુષો અગાઉ કરતાં ઓછું તોછડું સંબોધન કરે છે અને નારી સાંસારિક વ્યવહારમાં પુરુષને બદલે પોતે જ યોગ્ય નિર્ણય લેતી જોવામાં આવે છે. ઘર કે કુટુંબના સભ્યો તે નિર્ણયને માન પણ આપે છે.

તેમ છતાં ગુજરાતી નારી પીઠ પાછળ રહી ગુજરાતી પુરુષને આગળ કરે છે. તે કસ્તુરબા હોય કે ‘મારા કરતાં દેશ પ્રત્યે ભલે ધ્યાન આપે’ કહેતી જશોદાબેન મોદી હોય.

ઉપયોગીતા તેમજ દેખાવ  બંનેમાં ગુજરાતી નારી શ્રેષ્ઠ છે. અશોક દવેએ કહેલું “ગુજરાતણ ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, કિચન, બાલ્કની  બધે જ શોભે”, પણ આપણાં હ્ર્દય આસને સહુથી વધુ શોભે.

એ માતા હોય, બહેન કે પત્ની,  “મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાતણ, ગુજરાતણ મોરી મોરી રે …” એમ ગાવાનું મન થઇ આવે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here