ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હીની જાહેરસભા બાદ કોઈના પણ મનમાં શંકા ન રહેવી જોઈએ કે CAA અથવાતો NRC એ મુસ્લિમ વિરોધી કાયદાઓ નથી, શું હવે પેલા તોફાનીઓ દેશની માંફી માંગશે ખરા?

ગત આખું અઠવાડિયું નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધ થયેલા હિંસાત્મક તોફાનો બાદ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં એક વિશાળ સભાને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ માત્ર CAAના હિંસક અને અપશબ્દો બોલતા વિરોધીઓને ખુલ્લા જ નહોતા પાડ્યા પરંતુ આ કાયદા વિષેની મોટાભાગની ગેરસમજણને પણ તેમણે દૂર કરી હતી.
પહેલેથી જ સામાન્ય બુદ્ધિ ધરાવતા કોઇપણ વ્યક્તિને એ ખબર હતી કે CAA એ NRC તો નથી જ. NRC આખો અલગ મુદ્દો છે અને તેને આવતા હજી અમુક વર્ષ નીકળી જવાના છે. જ્યારે CAA એ માત્ર પડોશી દેશોમાં ધાર્મિક પ્રતાડના ભોગવી રહેલી લઘુમતિઓને જ નાગરિકત્વ આપવા માટે લાવવામાં આવેલો કાયદો છે જેના વિષે મહાત્મા ગાંધીથી માંડીને મનમોહન સિંહ સુધી વકીલાત કરી ચૂક્યા છે.
પરંતુ જે લોકોને નરેન્દ્ર મોદી સરકારના ફટાફટ અને રાષ્ટ્રહિતમાં લેવામાં આવેલા નિર્ણયોથી તકલીફ પડી હતી તેમના માટે CAA અને NRCની બેસ્વાદ ભેળ બનાવીને તેને મુસ્લિમો સમક્ષ પીરસવી અત્યંત જરૂરી હતી. તેમણે પોતાનું આ કાર્ય કર્યું પણ ખરું પરંતુ તેમની આ યોજના છેવટે ઉંધી પડી રહી છે. પહેલા તો ઉત્તરપૂર્વના રાજ્યોમાં આ વિરોધીઓએ હિંસા ભડકાવી પરંતુ છેલ્લા દસથી બાર દિવસમાં ઉત્તરપૂર્વથી કોઇપણ હિંસા કે દેખાવના એકપણ સમાચાર આવ્યા નથી.
કદાચ તેને કારણેજ દેશવિરોધી તત્વોએ દેશના મુસલમાનોને ભડકાવ્યા અને હિંસાચાર કરાવ્યો અને તેમાંય અમદાવાદની માત્ર ત્રણ કલાકની હિંસા તો આ બધામાં શિરમોર બની ગઈ જેમાં પોલીસ પર કાશ્મીરની તર્જ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એક પોલીસનું મોબ લીન્ચિંગ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ ભયાનક દ્રશ્યો જોઇને દેશભરની જનતા તરતજ આ પ્રદર્શનકારોથી વિમુખ થવા લાગી અને હવે તેની અસર દેખાઈ રહી છે કે સમગ્ર દેશમાં CAA વિરુદ્ધના તોફાનો અને હિંસા ધીમેધીમે ઓછી થઇ રહી છે.
વાત અત્યારની નથી, વાત છે આવનારા એક મહિના કે બે મહિના બાદની જ્યારે આ તોફાન કરનારાઓને ખબર પડશે કે તેઓએ કેટલાક તત્વોની વાતમાં આવી જઈને દેશને અને તેની સંપત્તિને કેવડું મોટું નુકશાન કરી દીધું છે. આ વખતે શું તેમને શરમ આવશે? શું તેઓ દેશની માફી માંગશે? મુસ્લિમોએ એ નક્કી કરવાનો ફરીથી સમય આવી ગયો છે કે તેમણે હજી પણ અમુક લોકોના ઈશારે જ જીવન જીવવું છે કે પોતાની રીતે વિચારીને દેશના હિતમાં થતા નિર્ણયોનું સમર્થન કે વિરોધ કરવાનો છે?
શું એવું શક્ય બને ખરું કે તમે આટલા બધા વર્ષોથી મત આપતા હોવ, PAN કાર્ડ ધરાવતા હોવ કે ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવતા હોવ અને તમને એક દિવસ અચાનક એમ કહી દેવામાં આવે કે “ચલો આ દેશ છોડીને જતા રહો કારણકે તમે આ દેશના નાગરિક નથી?” ચાલો એક-બે વ્યક્તિ તો આ જુઠ્ઠાણું માની લે પરંતુ લાખો અને કરોડોની સંખ્યામાં તમારું બ્રેઈનવોશ કરી જાય એવી તાકાત તમે એમને કેમ આપી દીધી?
ભલે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં કહ્યું કે NRC અંગે કોઇપણ પ્રકારની ગંભીર ચર્ચા તેમણે સરકારે નથી કરી, પરંતુ જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમણે તો જરા જુના સમાચારો એક વખત તપાસી જવાની હરકત કરવા જેવી હતી કે નહીં? પરંતુ એમ ન કર્યું અને કોઈની ખોટી દોરવણીથી તોફાનો કરવા લાગ્યા. ભણેલા લોકો પણ કાં તો કોઈનો હાથો બનીને કે પછી ભોળાભાવે આ દેશ કોઈના બાપનો નથી એમ કહીને અન્યોને ધમકી આપવા માંડ્યા.
છેવટે નુકશાન તો મુસલમાનોનું જ થયું છે. સમાજમાં તેમની છબી આ તોફાનોથી વધુ ખરડાઈ છે. અગાઉ પણ મુસલમાનોને ફરિયાદ હતી કે દરેક મુસલમાન આતંકવાદી ન હોવા છતાં તેને શંકાની નજરે જોવામાં આવે છે. પરંતુ CAA વિરુદ્ધનો હિંસાચાર આચરીને તેમણે તેમની અગાઉની છાપ ભૂંસવામાં પોતાની બિલકુલ મદદ નથી કરી.
રાજકારણીઓ તો હોય છે જ નકટા, પછી તે કોઇપણ પક્ષના કેમ ન હોય? એમને તો ખબર જ હતી કે આપણે CAA અને NRC વિષે ભ્રમ ફેલાવી રહ્યા છે અને જ્યારે તેમના જુઠ્ઠાણાં જનતા સમક્ષ પુરેપુરા ખુલ્લા પડી જશે ત્યારે તેઓ પોતાના નિતંબ ખંખેરીને ઉભા થઇ જશે. પરંતુ જેમને આ સમાજમાં રહેવાનું છે અને સમાજના દરેક વર્ગ સાથે દરરોજ કામ પાર પાડવાનું છે તેઓ ક્યાંયના નહીં રહે.
જો કે જેમ વડાપ્રધાને ગઈકાલે કહ્યું તેમ NRC વિષે સરકારમાં હજી સુધી કોઇપણ ગંભીર ચર્ચા નથી થઇ, પરંતુ જે રીતનું તેનું નામ છે તેના પરથી એવું લાગી રહ્યું છે જે NRC એ નાગરિકોની નોંધણી કરશે નહીં કે તે નાગરિકતા પુરવાર કરવાનું કહેશે. આથી, બહેતર એ રહેશે કે મુસ્લિમ સમાજ બને તેટલી જલ્દી કોઈના ભ્રમમાં આવી જઈને જે હિંસાચાર આચર્યો છે તેના માટે માફી માંગે. સામાન્ય ભારતીયોનું હ્રદય અત્યંત વિશાળ છે એ તેમને જરૂરથી માફ કરી દેશે, કારણકે તમે પહેલા પણ ભારતના હતા અને આગામી ભવિષ્યમાં પણ ભારતના જ રહેવાના છો.
૨૩ ડિસેમ્બર ૨૦૧૯, સોમવાર
અમદાવાદ
eછાપું