કલમ 370ની નાબૂદી બાદ પાકિસ્તાને જોશમાં આવી જઈને ભારત સાથેના તમામ સંબંધો બંધ કરવાની જાહેરાત તો કરી દીધી હતી પરંતુ હવે UNના એક નિયમને કારણે તેને ભારતની મદદની જરૂર પડી છે.
ઇસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યારે તેના ન્યુનતમ સ્તર પર છે. પહેલા પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર વ્યાપારિક પ્રતિબંધો મૂક્યા હતા. ત્યારબાદ કલમ 370ની નાબૂદી બાદ પાકિસ્તાને બંને દેશો વચ્ચે વધ્યા-ઘટ્યા સંબંધો પર પણ પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
પરંતુ હવે પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે પાકિસ્તાનને અનિચ્છાએ પણ ભારતની મદદ લેવાની જરૂર પડી છે. પાકિસ્તાનમાં પણ ભારતની જેમ પોલીયો નાબુદી ઝુંબેશ ચાલી રહી છે. અહીંની જેમ ત્યાં પણ બાળકને પોલીયોની રસી પીવડાવ્યા બાદ બાળકની આંગળી પર એક ખાસ માર્કર પેન દ્વારા માર્કિંગ કરવામાં આવે છે.
પાકિસ્તાન ભારત સાથેના સંબંધો પૂર્ણ કર્યા બાદ આ માર્કર પેન ચીનથી આયાત કરતું હતું, પરંતુ પાકિસ્તાનના પોલીયો નાબૂદી અભિયાનના પ્રમુખ રાણા સફદરના કહેવા અનુસાર ચીનથી આયાત કરવામાં આવતી આ માર્કર પેનની શાહીની ગુણવત્તા અત્યંત ઉતરતી કક્ષાની છે.
રાણા સફદરે કહ્યું હતું કે આ માર્કર પેનની ઇન્કથી બાળકની આંગળી પર નિશાન કર્યા બાદ જો બાળક ભૂલથી પણ આંગળી મોઢામાં નાખી દે તો તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આ ઉપરાંત ચીનથી આયાત કરવામાં આવતી આ માર્કર પેન અત્યંત મોંઘી પણ હોય છે.
પાકિસ્તાને આ અંગેની ફરિયાદ ચીનને કરતા તેણે ગુણવત્તા સુધારવાની ખાતરી આપી હતી તેમ છતાં ઇમરાન ખાન સરકારને ભારતની ઓછી કિંમતની તેમજ ઉંચી ગુણવત્તા ધરાવતી માર્કર પેન ખરીદવાની ફરજ પડી છે. આ પાછળનું કારણ એવું છે કે સમગ્ર વિશ્વમાં UN દ્વારા ચલાવવામાં આવતા પોલીયો નાબૂદી અભિયાન માટે કોઇપણ દેશ માર્કર પેન ભારત અથવા ચીન પાસેથી જ ખરીદી શકે છે.

હવે જ્યારે પાકિસ્તાને ખુદે નક્કી કર્યું છે કે ચીનની માર્કર પેન હલકી ગુણવત્તા ધરાવે છે અને મોંઘી પણ છે એટલે તેણે પોતાના દવા ઉત્પાદકોને માત્ર એક વખત ભારત પાસેથી માર્કર પેન ખરીદવાની (આયાત કરવાની) મંજૂરી આપી છે કારણકે ભારતની માર્કર પેનની શાહી નોન ટોક્સિક હોય છે જેથી બાળક માટે એકદમ સુરક્ષિત હોય છે.
eછાપું