Good Newwz Review: કોમેડીની દાળમાં ઈમોશન્સનો વઘાર!

    0
    282

    આજે અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દલજીત દોસંજ અને કિયારા અડવાણીની ફિલ્મ Good Newwz રિલીઝ થઇ છે. ચાલો જાણીએ આ કોમેડી ફિલ્મ ખરેખર કોમેડી કરે છે કે પછી…

    Photo Courtesy: news18.com

    અક્ષય કુમાર વીણીવીણીને ફિલ્મોની સ્ક્રિપ્ટ પસંદ કરે છે. તે પોતાની ઉંમરની સાથે મેચ થાય એવા રોલ્સ કરવાનું પણ પુરતું ધ્યાન રાખે છે. આટલુંજ નહીં પરંતુ અક્ષય કુમાર પોતે 40-45 દિવસમાં પોતાના હિસ્સાનું શુટિંગ પણ પૂરું કરી દેતો હોય છે. આવામાં તેની દરેક ફિલ્મો પાસે ઉંચી ગુણવત્તાની આશા રાખીએ તે સ્વાભાવિક છે.

    મુવી રિવ્યુ: Good Newwz

    મુખ્ય કલાકારો: અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દીલજીત દોસંજ, કિયારા અડવાણી, આદીલ હસન અને ટિસ્કા ચોપરા

    નિર્માતાઓ: હીરુ યશ જોહર, અરુણા ભાટીયા, કરન જોહર, અપૂર્વ મહેતા અને શશાંક ખૈતાન

    નિર્દેશક: રાજ મહેતા

    રન ટાઈમ: 134 મિનીટ્સ

    કથાનક

    મુંબઈમાં એક જાણીતી કાર કંપનીમાં વરુણ બત્રા (અક્ષય કુમાર) માર્કેટિંગ મેનેજર છે. તેની પત્ની દીપ્તિ બત્રા (કરીના કપૂર ખાન) જાણીતી સેલિબ્રિટી જર્નાલીસ્ટ છે. આ બંને લગ્નના સાત વર્ષ બાદ પણ સંતાનસુખ પ્રાપ્ત કરી શક્યા નથી. આમ તો ‘બધું’ નોર્મલ છે પરંતુ મુંબઈની ફાસ્ટ જિંદગીની તાણ ઉપરાંત સંતાન માટે બંનેની ઉંમર થોડીક વધુ છે એ જરા તકલીફ જેવું છે ખરું.

    સંતાનપ્રાપ્તિ અંગે દીપ્તિ પૂરી વૈજ્ઞાનિક પદ્ધતિનું જ્ઞાન ધરાવે છે અને તે એ પ્રમાણે આગળ વધવા તે વરુણ ઉપર પણ સતત દબાણ કરતી હોય છે. દીપ્તિની આ જીદને કારણે તેના અને વરુણ વચ્ચે વારંવાર ઝઘડાઓ પણ થાય છે એટલુંજ નહીં પરંતુ તેમને અમુક વખત જાહેરમાં ક્ષોભજનક પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે છે.

    આવામાં વરુણની બહેન અને બનેવી તેમને મુંબઈના મશહુર IVF ગાયનેકોલોજિસ્ટ ડૉ. આનંદ જોશીની (આદીલ હસન) સલાહ લેવાનું કહે છે. બત્રા દંપત્તિ અહીં પહોંચે છે અને ડૉ. જોશીની સલાહ અનુસાર IVF દ્વારા સંતાનપ્રાપ્તિ માટે તૈયાર થાય છે. આ જ સમયે એક બીજું બત્રા દંપત્તિ હની બત્રા (દીલજીત દોસંજ) અને મોનિકા બત્રા (કિયારા અડવાણી) પણ છેક ચંડીગઢથી IVF માટે ડૉ. જોશીના ક્લિનિક પર આવે છે.

    ચારેયના ટેસ્ટ યોગ્યરીતે થાય છે અને IVF માટેની શરૂઆતની પ્રક્રિયા પણ બરોબર થાય છે, પરંતુ લગભગ 12 દિવસ બાદ ડૉ. જોશી અને તેમના પત્નીને (ટિસ્કા ચોપરા) ખબર પડે છે કે બંને પુરુષ બત્રાઓના વીર્ય એકબીજાની પત્નીઓના અંડકોષ સાથે અદલબદલ થઇ જાય છે…

    રિવ્યુ

    ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આપણે હવે સેંકડો IVF સેન્ટર્સ જોઈએ છીએ. આ સેન્ટર્સમાં માતાપિતા બનવાની અપેક્ષા ધરાવતા લાખો લોકો પોતાના જીવનની મહામૂલી ઈચ્છા પૂર્ણ કરવા આવે છે. પરંતુ જો તેમનામાંથી એકની સાથે પણ આ બંને બત્રા દંપત્તિઓ સાથે થયું એવું થાય તો? વિચારી શકાય છે કે જો એવું થાય તો એમના માથે આભ ફાટી પડે, પરંતુ આ બોલિવુડની ફિલ્મ છે જેથી તેને હળવાશથી રજૂ કરવામાં આવી છે.

    સંપૂર્ણ ફિલ્મનો સ્વભાવ જો કે હળવો નથી. જ્યારે ફિલ્મમાં હળવાશનો દૌર ચાલતો હોય ત્યારે પણ આ વિષયને કારણે કોઈ હલકા શબ્દનો પ્રયોગ ન થાય કે એવું કોઈ દ્રશ્ય ન આવે જેથી ફિલ્મ ચીપ લાગે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે ફિલ્મના વાર્તાકારો તેમજ નિર્દેશકનો ખાસ આભાર માનવો પડે.

    Good Newwz છેલ્લા અડધા કલાકમાં સંપૂર્ણપણે ભાવનાત્મક એટલેકે ઈમોશનલ ફિલ્મ થઇ જાય છે. તેમ છતાં આ પરિવર્તન એટલું સરળતાથી અને એ પણ એક ખાસ દ્રશ્યની મદદથી એવી રીતે આપણી સમક્ષ લાવવામાં આવ્યું છે કે આપણને એ જોતા આઘાત નથી લાગતો કે હજી પાંચ મિનીટ પહેલાંતો આપણે હસતાં હતા અને અચાનક આ શું થયું?

    અહીં કોમેડી દ્રશ્યો જેટલા આપણને હસાવે છે એટલાજ ઈમોશનલ દ્રશ્યો આપણી આંખ ભીની કરી જાય છે. ખાસકરીને અક્ષય કુમારના બે દ્રશ્યો, એક હોસ્પિટલમાં અને બીજું જ્યારે તે કરીના પાસે આવીને સાવ ભાંગી પડે છે એ દ્રશ્ય.

    ફિલ્મના કોમેડી દ્રશ્યો ઉપરાંત તેના સંવાદો પણ ખૂબ હસાવે છે. જેમકે અક્ષય કુમારના બે સંવાદો

    मैं पूरा सुख चूका हूँ अंदर से हवा निकल रही है|

    और ले लो उबर, डोक्टर पाल रखे हैं उन्हों ने गाड़ी चलाने के लिये|

    કરીના કપૂર ખાન આ ફિલ્મ દ્વારા પુનરાગમન કરી રહી છે. જો કે તેના પણ કેટલાક કોમેડી દ્રશ્યો અહીં છે પરંતુ તેણે મોટેભાગે સીરીયસ ભૂમિકા ભજવવાની આવી છે. કરીનાએ ભાવનાત્મક દ્રશ્યો અત્યંત મેચ્યોરીટીથી નિભાવ્યા છે અને તેને કારણે તે અક્ષય કુમારથી સાવ અલગ તરી આવે છે, કથામાં જરૂરી એવું બેલેન્સ લાવે છે અને પોતાની અલગ છાપ છોડી શકે છે.

    દીલજીત દોસંજ અને કિયારા અડવાણીએ ચંડીગઢના ભોળા કપલની ભૂમિકા બખૂબી નિભાવી છે. જેમ કરીનાએ અક્ષય કરતા અલગ સ્વભાવ દેખાડીને પોતાને અલગ દેખાડી છે એવી જ રીતે અક્ષય-કરીના જે મુંબઈના પોશ કપલ તરીકે અહીં રજુ કરવામાં આવ્યા છે તેની સાવ વિરુદ્ધ દીલજીત દોસંજ અને કિયારા અડવાણી નાના શહેરના ભોળા લોકો તરીકે અલગ દેખાડવામાં આવ્યા છે જેને કારણે તેઓ વધુ lovable બન્યા છે.

    આ બંનેને પણ પ્રમાણસર કોમેડી દ્રશ્યો મળ્યા છે જેમાં ખાસ કરીને અંગ્રેજી શબ્દોના અલગ પંજાબી ઉચ્ચાર જેમકે સ્પર્મની જગ્યાએ સ્પેમ, ફ્લશની જગ્યાએ ફ્લેશ કે પછી ઓનર્સની જગ્યાએ હોરર્સ વગેરે તેઓ બંને ઉચ્ચારે છે ત્યારે હસવું રોકી શકાતું નથી. છેલ્લે આવતા ઈમોશનલ દ્રશ્યોમાં આ બંને એ પણ કમાલ કરી છે.

    અક્ષય કુમાર એટલે અક્ષય કુમાર! જેમ શરૂઆતમાં ચર્ચા કરી તેમ Good Newwzમાં તેના બે રૂપ જોવા મળ્યા છે. એક એવો અક્ષય કુમાર છે જે આપણને હાઉસફુલની ફ્રેન્ચાઈઝમાં ગાંડપણ કરીને હસાવતો જોવા  મળે છે અને એક સાવ અલગ અક્ષય કુમાર છે જે ઈમોશનલ છે અને આપણી આંખ ભીની કરી જાય છે તેની એક્ટિંગ દ્વારા. ભલે આ ફિલ્મ ચાર મુખ્ય કલાકારોની હોય પરંતુ અક્ષય કુમાર સમગ્ર ફિલ્મમાં હાવી થઇ ગયો છે, પોતાના સ્ટારડમના જોરે નહીં પરંતુ પોતાની અદાકારીના બે અલગ અલગ રંગ દેખાડીને!

    બસ આનાથી વધુ તો કશું નહીં કહેવાય પરંતુ Good Newwz જોઇને તમેજ નક્કી કરજો કે તમને ફિલ્મ ગમી કે નહીં? અક્ષય કુમાર કેવો લાગ્યો અને હા આ ફિલ્મ પણ જેમાં કોમેડીની દાળમાં ઈમોશન્સનો જબરો વઘાર છે કે નહીં!

    ૨૭ ડિસેમ્બર ૨૦૧૯, શુક્રવાર

    અમદાવાદ

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here