FASTag: પુણેના બિલ્ડરની ચોરાયેલી SUV 5 કલાકમાં મળી ગઈ

    4
    270

    દેશભરમાં FASTag વિરુદ્ધ ચાલી રહેલી ચર્ચા દરમ્યાન પુણેથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે આ વિરોધીઓની આંખ ખોલી નાખવા માટે પુરતો છે.

    Photo Courtesy: auto.ndtv.com

    પુણે: દેશમાં આજકાલ FASTagની ચર્ચા ચાલી રહી છે. FASTag એક એવી ટેક્નોલોજી છે જેને કારણે વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર ટોલ ભરવા માટે ઉભું રહેવું પડતું નથી કારણકે ટોલની રકમ તેમના એકાઉન્ટમાંથી સીધી ડેબીટ થઇ જાય છે.

    આમ તો આ FASTagની જરૂરિયાત અંગે ઘણાબધા વિરોધી વિચાર સામે આવ્યા હતા પરંતુ એક તાજા કિસ્સામાં પુણેના એક બિલ્ડરની ચોરાયેલી SUV FASTagને કારણે પાંચ જ કલાકમાં મળી આવી હતી. પુણેના બિલ્ડર રાજેન્દ્ર જગતાપે 2019માં મહિન્દ્રા સ્કોર્પિયો SUV ખરીદી હતી.

    થોડા દિવસ અગાઉ જગતાપની આ SUV ચોરી થઇ હતી. જગતાપના મોબાઈલ ફોન પર સવારે 4.38 વાગ્યે અને 6.00 વાગ્યે 35 રૂપિયાના બે ટોલ કપાયા હોવાના મેસેજ આવ્યા હતા.

    જગતાપે તરતજ બહાર જઈને તપાસ કરતા પોતાની SUV ચોરાઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેઓ ત્યારબાદ પુણેના મલવાડી પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાંથી તેમને કર્વે નગર પોલીસ સ્ટેશન જવાની સલાહ આપવામાં આવી હતી જ્યાં તેમણે પોતાની ફરિયાદ નોંધાવી હતી.

    અહીંના હેડકોન્સ્ટેબલ ગોવિંદ પંધારેએ GPS અને FASTagની મદદથી કારને ટ્રેક કરી અને ખબર પડી કે આ કાર મુંબઈ નજીક આવેલા થાણેમાં છે. તેમણે તરતજ મુંબ્રા પોલીસ સ્ટેશનમાં પોતાના મિત્રને વાત કરતા મુંબ્રા પોલીસે આ SUVને શોધી કાઢી હતી.

    ચોરોને પણ પોલીસ પોતાને GPSની મદદથી શોધી રહી છે તેની ખબર પડી જતા તેમણે કારમાં લાગેલા GPSના તાર કાપી નાખ્યા હતા, પરંતુ તેમ છતાં તેઓ પોલીસને થાપ આપવામાં નિષ્ફળ નીવડ્યા હતા. છેવટે થાણેમાં આવેલી એક સોસાયટીની નજીક આ SUVને પાર્ક કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

    આમ GPS અને FASTag દ્વારા પોલીસને ચોરેલી SUV માત્ર પાંચ કલાકમાં શોધી કાઢવામાં સફળતા મળી હતી. કારમાં FASTag લગાવવા માટેની ડેડલાઈન હવે 15 જાન્યુઆરી 2020 સુધી લંબાવી દેવામાં આવી છે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here