રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અક્ષય કુમાર સાથે અજય દેવગણ અને રણવીર સિંગ પણ છે અને આ અંગે અજય દેવગણે એક ઇન્ટરવ્યુમાં કેટલીક રસપ્રદ વાતો કરી હતી.

મુંબઈ: બે દિવસ અગાઉ અક્ષય કુમારની આગામી ફિલ્મ સૂર્યવંશીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ જાણીતા નિર્દેશક રોહિત શેટ્ટીની પોલીસ ટ્રાયોલોજીનો એક હિસ્સો છે.
રોહિત શેટ્ટીની પોલીસ ટ્રાયોલોજીમાં સિંઘમ (અજય દેવગણ), સિમ્બા (રણવીર સિંગ) અને હવે સૂર્યવંશી (અક્ષય કુમાર) સામેલ કરવામાં આવ્યા છે. સૂર્યવંશી આ ટ્રાયોલોજીનો હિસ્સો બનશે તેવી જાહેરાત ગયા વર્ષે આ જ સમયે રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની સુપરહીટ ફિલ્મ સિમ્બાના ક્રેડીટ ટાઈટલ્સ દરમ્યાન જોવા મળી હતી.
સૂર્યવંશીમાં ટાઈટલ રોલ ભલે અક્ષય કુમારનો હોય પરંતુ તેમાં અજય દેવગણ અને રણવીર સિંગની પણ નાનીમોટી ભૂમિકાઓ હશે તેમ તેનું ટીઝર જોઇને ખ્યાલ આવે છે. અજય દેવગણે હાલમાં એક ઇન્ટરવ્યુમાં સિમ્બા અને સૂર્યવંશી વિષે વાત કરી હતી.
અક્ષય કુમાર સાથે ફરીથી કામ કરવા અંગે અજય દેવગણે જણાવ્યું હતું કે તે અને અક્ષય ઘણી ફિલ્મોમાં અગાઉ પણ સાથે આવ્યા હતા એટલે તે બંનેએ ફરીથી એ જ જગ્યાએથી કામ કરવાનું શરુ કર્યું હતું જ્યાં તેમણે એ કામ મુક્યું હતું. આમ અક્ષય સાથે ફરીથી જોડાવા બદલ અજય દેવગણને કોઈ ખાસ ફરક પડ્યો ન હતો.
સિમ્બામાં રણવીર સિંગ સાથેના પહેલા અનુભવને અજય દેવગણ અદભુત માને છે. તેના કહેવા અનુસાર આ ફિલ્મમાં આ બંનેની કેમિસ્ટ્રી બરોબર મેચ થઇ ગઈ હતી!
આજના યુગમાં જ્યારે બે બીઝી અને મોટા સુપર સ્ટાર્સને ભેગા કરવામાં અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે રોહિત શેટ્ટીએ ત્રણ ત્રણ સુપર સ્ટાર્સને એક જ ફિલ્મમાં ભેગા કર્યા છે તે ખરેખર અસ્વાભાવિક ઘટના બની રહેશે.
સૂર્યવંશી આવતા વર્ષે 27મી માર્ચે રિલીઝ થશે.
eછાપું