શું થાઈલેન્ડનું રામાયણ આપણા રામાયણથી અલગ છે?

    0
    588

    આપણે જ્યારે ભારતની બહાર, ખાસ કરીને દક્ષિણ-પૂર્વી એશિયાઈ દેશોમાં જઈએ ત્યારે તિબેટ, થાઈલેન્ડ, બર્મા, લાઓસ, ક્મ્બોડિયા, મલેશિયા, જાવા અને ઈન્ડોનેશિયા દરેક જગ્યાએ રામની જુદી જુદી વાર્તાઓ જાણવા મળે છે. તો થાઈલેન્ડનું રામાયણ કેવું છે?

    Photo Courtesy: scroll.in

    એ. કે.રામાનુજને તેમના નિબંધ ‘ત્રણસો રામાયણ: પાંચ ઉદાહરણો અને અનુવાદ પરના ત્રણ વિચારો’માં થાઈલેન્ડના રામાયણ ‘રામકીર્તી’ની વિસ્તારપૂર્વક વાત કરી છે. તેઓ પોતાના નિબંધમાં લખે છેઃ

    સંતોષ દેસાઈ નામના એક વિદ્વાને લખેલું કે જે વાતનું મૂળ હિન્દુ હોય તેવી દરેક વાતોમાંથી ફક્ત અને ફક્ત રામકથા (કે રામાયણ)નો પ્રભાવ જ થાઈ સંસ્કૃતિ પર સૌથી વધુ રહ્યો છે. તેમના બૌદ્ધ મંદિરોની દિવાલો પરના ચિત્રો, તેમના ગામડાઓમાં ભજવાતા નાટકો, તેમના નૃત્યકારો અને વેશભૂષા – દરેકમાં રામની કથા હોય છે. થાઈલેન્ડમાં ‘રામ’ નામના ઘણાં રાજાઓએ થાઈ રામાયણના પ્રકરણો લખેલા છે. જેમ કે, રાજા રામ પહેલાએ રામાયણની વાત ૫૦ હજાર શ્લોકમાં કરી, રાજા રામ બીજાએ નૃત્યના નવા પ્રકરણો લખ્યાં, રાજા રામ છઠ્ઠાએ વાલ્મીકિ રામાયણમાંથી સંદર્ભો લઈને થોડાં પ્રકરણો લખ્યાં. થાઈલેન્ડમાં આવેલા લોપબુરી (સંસ્કૃતઃ લાવાપુરી), ખિડકિન (સંસ્કૃતઃ કિષ્કિન્ધા), અયુથિયા (સંસ્કૃતઃ અયોધ્યા) જેવા જગ્યાઓના નામ રામકથા સાથે જોડાયેલા છે.

    થાઈ ‘રામકીર્તી’માં ત્રણ ભાગમાં ત્રણ પ્રકારના ચરિત્રોની વાત છેઃ માનવ, દાનવ અને વાનર! પહેલા ભાગમાં રામજન્મની અને બાળપણ-યુવાનીની કહાની. બીજા ભાગમાં – દાનવો સાથે રામ-લક્ષ્મણનો સામનો, રામના લગ્ન, વનવાસ, સીતાહરણ, વાનરો સાથે મિલન, યુદ્ધની તૈયારી, હનુમાનનું લંકા જવુ અને લંકાદહન, રામસેતૂ નું બાંધકામ, રામ-રાવણનું યુદ્ધ, રાવણનું મોત અને રામ-સીતાનું મિલાપ આ પ્રસંગોનો સમાવેશ થાય છે. ત્રીજા ભાગમાં લંકાનો વિદ્રોહ, સીતાનું ધરતીમાં સમાવું, રામ અને સીતાના બંને પુત્રો લવ-કુશનો જન્મ, લવ-કુશનું રામ સાથેનું યુદ્ધ અને છેલ્લે રામ અને સીતાના મિલન માટે બીજા ભગવાનોનું અવતરણ આ બધાં પ્રસંગોને આવરી લેવાયા છે.

    આ દરેક પ્રસંગો વાલ્મીકિ રામાયણ સાથે સરખાવીએ તો સમાન લાગશે પણ ઘણો તફાવત છે.

    થોડાં ઉદાહરણો જોઈએઃ

    દક્ષિણ ભારતીય રામાયણની જેમ જ (અને જૈન, બંગાળી અને કાશ્મીરી રામાયણની જેમ) સીતાહરણના પ્રસંગને એક અલગ જ વળાંક આપવામાં આવ્યો છે. રામ અને લક્ષ્મણ સાથેની લડાઈમાં જેનું નાક કપાઈ ગયું હતું તે શુર્પણખાની પુત્રી વર્ષો સુધી સીતાની રાહ જોઈને બેઠી હતી. તેણીને પોતાની માતા સાથે થયેલા દુર્વ્યવહારનો બદલો સીતા સાથે લેવો હતો. તેણી અયોધ્યામાં આવે છે અને સીતાની દાસી બનીને સીતાના શયનખંડમાં જાય છે. સીતાને રાવણનું એક ચિત્ર બનાવવાનું કહે છે. ચિત્રમાં રાવણને અમર ચીતરવામાં આવે છે અને રામને ખબર પડતાં જ સીતાને મારવાનો હુકમ બહાર પડે છે. લક્ષ્મણ સીતાને જંગલમાં જીવંત મૂકીને કોઈ હરણનું હ્રદય લાવીને રામને બતાવે છે.

    રામ અને સીતાના મિલનની કથા પણ અલગ છે. રામને જ્યારે ખબર પડે છે કે સીતા જીવંત છે અને જંગલમાં એકલી રહે છે ત્યારે રામ પોતાનું મૃત્યુ થયું છે એવો સંદેશ મોકલીને સીતાને અયોધ્યામાં પોતાના મહેલમાં પાછા તેડાવે છે. સીતા ઉતાવળ કરીને અયોધ્યા પહોંચે છે પણ ત્યાં પહોંચતાની સાથે જ તેણીને ખબર પડે છે કે વિશ્વાસઘાત થયો છે. આ કારણે ધરતી માતાને વિનંતી કરે છે કે તેણી પોતાની અંદર સીતાને સમાવી લે. ધરતીની અંદર ગયા પછી સામ હનુમાનને સૂક્ષ્મ રૂપ ધરી પાતાળલોકમાં જઈને સીતાને શોધવાનું કહે છે પણ સીતા પાછા આવવાની ના પાડે છે. છેલ્લે, શિવજી ના આશિર્વાદથી રામ અને સીતાનું મિલન થાય છે.

    જૈન અને દક્ષિણ ભારતીય લોકવાર્તાની જેમ સીતાના જન્મની વાર્તા પણ વાલ્મિકી રામાયણ કરતાં અલગ છે. રાજા દશરથ જ્યારે પુત્રપ્રાપ્તી માટે યજ્ઞ કરીને અને બલિદાન આપે છે ત્યારે તેને એક ભાતનો લાડવો મળે છે (વાલ્મીકિ રામાયણમાં ખીરની વાત છે). એક કાગડો આ લાડવામાંથી થોડાં ભાત ચોરીને લંકા જાય છે અને રાવણની પત્ની મંદોદરીને આપે છે. મંદોદરી આ ખાઈને દીકરી સીતાને જન્મ આપે છે પણ રાવણ માટે આ દીકરી મોતનું કારણ બનશે તેવી આકાશવાણી થાય છે અને તે તરત જ સીતાને દરિયામાં ફેંકી દે છે. દરિયામાં જળરાણી સીતાને ઉગારે છે અને જનકપુરમાં રાજા જનકને આપી આવે છે.

    ભારતમાં રામ વિષ્ણુના દસ અવતારોમાંથી એક છે જ્યારે થાઈ રામાયણમાં રામ એ શિવનો ગણ છે. રામને એક માનવ-હીરો તરીકે જોવાય છે, નહીં કે દેવતા!

    મિલાપ અને એકમેકથી અલગ થવાના પ્રસંગો વાલ્મીકિ રામાયણમાં મહત્ત્વના પડાવ છે કારણ કે ભારતીય જનતાની લાગણીઓ આ પ્રસંગો સાથે વણાયેલી છે. થાઈલેન્ડની પ્રજા રામાયણમાંથી ફક્ત સીતાહરણ અને રામ-રાવણ યુદ્ધના પ્રસંગોને ખૂબ જ ચાહે છે. ‘યુદ્ધકાંડ’ના પ્રકરણોમાં તેમને મજા પડે છે.

    પારિવારીક મૂલ્યો અને ભક્તિભાવમાં થાઈલેન્ડના લોકોને રસ નથી. રામ કરતાં તો તેઓ હનુમાનને વધુ પ્રેમ કરે છે. આપણે ત્યાં હનુમાનને સ્ત્રીઓથી દૂર રાખવામાં આવે છે. થાઈ રામાયણમાં હનુમાન લંકામાં જઈને દરેકના શયનખંડમાં જુએ છે, સ્ત્રીઓ અને પુરુષો સાથે સૂતાં છે તેવા દ્રશ્યોના વર્ણન પણ છે.

    ત્યાંનો રાવણ પણ જુદો છે. ‘રામકીર્તી’ રાવણની સાધનસંપત્તિ અને શિક્ષણની પ્રશંસા કરે છે; સીતાના અપહરણને પ્રેમની ક્રિયા તરીકે જોવામાં આવે છે અને તેને સહાનુભૂતિથી નિહાળવામાં આવે છે. રાવણ દ્વારા કુટુંબ, રાજ્ય અને પોતાનાં જીવનનું બલિદાન થાઈ લોકોને પ્રેરણારૂપ છે. તેના મૃત્યુ પામેલા શબ્દો પાછળથી ઓગણીસમી સદીની પ્રખ્યાત પ્રેમ કવિતા Wat of Bangakokની થીમ પ્રદાન કરે છે. વાલ્મીકિનાં પાત્રોથી વિપરીત, થાઈ પાત્રો નિષ્ટ અને અનિષ્ટનું માનવ મિશ્રણ છે. અહીં રાવણનું પતન એક દુ:ખી બનાવ છે. અસ્પષ્ટ આનંદ માટેનો પ્રસંગ નથી.

    આ સાથે જ આ રામાયણની મિની-સિરીઝને અહીં વિરામ આપું છું.

    એ.કે.રામાનુજનનો નિબંધ અંગ્રેજીમાં વાંચવા માટેની લીંકઃ http://www.trans-techresearch.net/wp-content/uploads/2015/05/three-hundred-Ramayanas-A-K-Ramanujan.pdf

    વાચકમિત્રોને વધુ વાંચવા માટે કેટલાંક સંદર્ભો અહીં પ્રસ્તુત છે.

    https://schloss-post.com/how-not-to-tell-a-story/

    http://www.sunday-guardian.com/technologic/whose-story-is-it-the-history-of-multiple-ramayanas?fbclid=IwAR0nEjgUdotsXzESiNj5_dtgiMP7-9cCPMIcVZp8l0PjpqqlsN_CxhDYQw0

    https://punemirror.indiatimes.com/columns/columnists/eunice-de-souza/One-story-many-tales/articleshow/41630856.cms?fbclid=IwAR2JlF-EnF8VhmxsiQwYrXprzdbj_peYLiVkowG7DzZXuycGMrPj-2HLfao

    https://scroll.in/article/857413/babri-masjid-demolition-denying-the-plurality-of-the-ramayana-is-a-tool-for-fostering-hate

    પડઘો

    લેખક પત્રકાર કિન્નર આચાર્યની ફેસબુક પોસ્ટ પરથી:

    દોસ્તો, સમય મળ્યે યુટ્યૂબ પર કુમાર વિશ્વાસની 2 ભાગની સિરીઝ “અપને અપને રામ” અવશ્ય જોજો. રામાયણ પર છે. અસ્ખલિત વાણી, ખળખળ વક્તવ્ય કોને કહેવાય, એ સમજાઈ જશે. ગુજરાતીના તમામ વક્તાઓને ભાંગીએ તો પણ એક કુમાર ન બની શકે. વક્તવ્યોના નામે ટુચકા કહેતા અને ઠાલા સુવાક્યો ઠપકારતા પ્રવચનકારોને એક વર્ષ સુધી રોજ આ સિરીઝ બે વખત દેખાડવી જોઈએ… પ્રથમ ભાગની લિન્ક નીચે આપી છે…

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here