Good Newwz – આવનારા બાળક માટે માતાની લાગણી પિતાનો પ્રેમ બંને જરૂરી છે

0
303
Photo Courtesy: devdiscourse.com

તાજી રિલીઝ થયેલી ફિલ્મ Good Newwz તમામ માતાપિતાઓ માટે એક સુંદર સંદેશ પણ આપી જાય છે. ફિલ્મ કોમેડી હોવા છતાં તેમાં બે મહત્ત્વના અને ઊંડા સંદેશ પણ રહેલા છે, ચાલો જાણીએ આ સંદેશ શું છે!

Photo Courtesy: devdiscourse.com

ગત શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ Good Newwzના રિવ્યુમાં આપણે ફિલ્મ કેમ માણવા લાયક છે એ જાણ્યું હતું. આજે બોલિસોફીમાં આપણે કાયમની જેમ આ ફિલ્મમાં જે છૂપો સંદેશ અથવાતો ફિલોસોફી રહેલી છે. તેના વિષે જાણીશું. આમતો Good Newwzને હળવી અને મનોરંજક ફિલ્મ ગણાવી શકાય પરંતુ ફિલ્મની છેલ્લી ત્રીસ મિનીટ આપણામાંથી ઘણાની આંખો ભીની કરી દેવા માટે પણ સમર્થ છે.

આ છેલ્લી ત્રીસ મિનીટમાં કેવી રીતે એક માતા પોતે નવ મહિના બાળક આવવાની રાહ આનંદપૂર્વક જોતી તો હોય છે પરંતુ તેમ છતાં તેણે કેવી કેવી મુશ્કેલીઓમાંથી પણ પસાર થવું પડે છે તેના વિષે અત્યંત સરળતાથી જણાવવામાં આવ્યું છે. કરીના કપૂર ખાન અને અક્ષય કુમારનો એ ખાસ સીન જ્યારે અક્ષય કુમાર અન્ય કોઈના સ્પર્મથી કરીનાના ગર્ભમાં બાળક આકાર લઇ રહ્યું હોવાથી પોતે તેની સાથે લાગણીનો સંપર્ક સાધી શકતો નથી અને કરીના તેને જે જવાબ આપે છે એ હ્રદયને ઝંઝોળી નાખે છે.

વાત બિલકુલ સાચી છે. જ્યારે કોઈ સ્ત્રી માતા બનવાની હોય ત્યારે તેના પ્રણ કેટકેટલા નિયંત્રણો લાદી દેવામાં આવતા હોય છે? આમાંથી કેટલાક નિયંત્રણો સામાજીક, કૌટુંબિક હોવા ઉપરાંત ડોક્ટર્સ દ્વારા પણ મુકવામાં આવેલા હોય છે. ગર્ભાવસ્થા ધરાવતી કેટલીક સ્ત્રીઓ પર અમુક અવૈજ્ઞાનિક માન્યતાઓ માત્ર પરંપરાના આધાર પર નવ મહિના સુધી ઠોકી બેસાડવામાં આવતી હોય છે. આ માન્યતાઓમાં કેટલીક સામાજીક અથવાતો પોતાના કુટુંબમાં ‘આગે સે ચલી આતી હૈ’ કરીને ઠોકવામાં આવે છે.

તો ડોક્ટર્સ પણ દરેક સગર્ભા સ્ત્રીને તેની સગર્ભાવસ્થા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ તેના પર એક પછી એક નિયંત્રણો લાદતા જાય છે જે છેવટે તો તેના ભલા માટે જ હોય છે. તેમ છતાં એનો સ્વીકાર તો સગર્ભાએ ઉપરોક્ત નિયંત્રણો સાથે હસતાં મોઢે કરવાનો જ હોય છે. આ નિયંત્રણોમાં સહુથી મોટાં નિયંત્રણો ખાણીપીણીની આદતો પર આવી જતા હોય છે. એક તરફ સગર્ભાને જે મન થાય એ આપવું જોઈએ એવી વાત હોય તો બીજી તરફ આ ખાવાથી ગર્ભમાં રહેલા બાળક પર અમુક પ્રકારની આડઅસર થઇ શકે છે એવું મનઘડંત નિયંત્રણ પણ ડોક્ટરની સલાહ વગર મૂકી દેવામાં આવતા હોય છે.

આ ઉપરાંત સગર્ભાને અમુક મહિનાઓની ગર્ભાવસ્થા બાદ જેને mood swings કહેવામાં આવે છે તેમાંથી પણ પસાર થવું પડતું હોય છે. આ mood swings પર બેશક કોઈપણ સગર્ભાનું નિયંત્રણ નથી હોતું આથી કોઈવાર તેને ખૂબ આનંદ થવાની લાગણી થતી હોય, તો કોઈવાર ખૂબ દુઃખી થઇ જાય તો પળભરમાં ગુસ્સે પણ થઇ જતી હોય છે. આ સમયે અન્ય કુટુંબીઓ અને ખાસકરીને પતિનું લાકડા જેવું સમર્થન અત્યંત જરૂરી બની જાય છે.

કરીના અને અક્ષયના એ સીનમાં બસ આ જ વાત કરવામાં આવી છે. એવું બિલકુલ નથી કે પત્નીને સગર્ભા ‘બનાવ્યા’ પછી પુરુષની કોઈજ ફરજ નથી હોતી. જેમ આગળ આપણે ચર્ચા કરી તેમ તેણે સતત પત્નીનું સાથે અને તેની લાગણીઓ જે અમુક મહિનાઓ બાદ કદાચ મીનીટે મીનીટે બદલાતી હોય છે તેનું ધ્યાન રાખવાનું હોય છે. આજની લાઈફમાં કદાચ કામમાંથી રજા ન મળે એવું બને પણ જો પત્નીની કોઈવાર ઈચ્છા થાય કે સગર્ભાવસ્થા દરમ્યાન પોતાનો પતિ એની સાથે એક આખો દિવસ રહે તો એ પણ કરવું પડે છે અને તેના વિવિધ mood swingsને સમજીને તેનું નિરાકરણ પણ લાવવું પડે છે.

Good Newwzના જે દ્રશ્યની વાત આપણે કરી રહ્યા છીએ એની એક બીજી મહત્ત્વની વાત એ પણ છે કે પત્ની તો પોતાના ગર્ભમાં બાળકને નવ મહિના ઉછેરે છે એટલે તે તેની સાથે ભાવનાત્મક સંબંધ આપોઆપ કેળવી જ લે છે પરંતુ પતિ જેનો એ બાળક સાથે કોઈજ સીધો સંપર્ક નથી તેણે એ સંબંધ કેળવવો અત્યંત જરૂરી બની જાય  છે. આમ કરવા માટે કોઈજ રોકેટ સાયન્સ ઉપયોગમાં લેવાનું નથી. જેમ આગળ જણાવ્યું તેમ માત્ર તેણે પોતાની સગર્ભા પત્ની સાથે જ સંપર્ક કેળવી રાખવાનો છે અને તે પણ સંપૂર્ણ લાગણીભર્યો. જો તે પત્ની સાથે આ સમયે લાગણીથી જોડાઈ જશે તો તેના ગર્ભમાં રહેલા પોતાના બાળક સાથે આપોઆપ લાગણીથી જોડાવાનો જ છે.

આ જ દ્રશ્ય બાદ તુરંત જ જ્યારે મોનિકા બત્રા એટલેકે કિયારા અડવાણીનું બાળક જે પોતાના સ્પર્મથી જન્મ્યું છે અને સમય કરતાં બે મહિના વહેલા જન્મી ચૂક્યું છે તેની સાથે વરુણ અથવાતો  અક્ષય આપોઆપ જોડાય છે એ પણ અત્યંત હ્રદયસ્પર્શી છે અને આપણે અત્યારસુધી જે ચર્ચા કરી તેનો જ બીજો ભાગ છે. કારણકે મોનિકાનું બાળક પોતાના સ્પર્મથી આકાર લઇ રહ્યું છે એટલે તેની સાથે વરુણ બત્રા આપોઆપ લાગણીથી જોડાઈ જાય તે સ્વાભાવિક છે.

પરંતુ આ ઉપરાંત આ બાળક બે મહિના વહેલું જન્મ્યું છે અને આથી તે જરા નબળી તબિયત લઈને આવ્યું છે અને તેના જીવન પર પણ ખતરો છે એવી વાત જ્યારે વરુણને ખબર પડે છે ત્યારે તેની હાલત બિલકુલ સમજી શકાય છે. અક્ષય કુમારની આ ઘટનાક્રમ દરમ્યાનની અદાકારી ખૂબ ઉમદા તો છે જ પરંતુ મારા જેવો વ્યક્તિ તેની સાથે તુરંત કનેક્ટ પણ થઇ જાય છે કારણકે અંગત જીવનમાં હું પણ આમાંથી પસાર થઇ ચૂક્યો છું.

ચૌદ વર્ષ અગાઉ મારો પુત્ર પણ આ જ રીતે સાતમે મહીને અવતર્યો હતો અને તેને પણ પંદર દિવસ ઇન્કયુબેટરમાં રાખવામાં આવ્યો હતો અને આ જ રીતે એ તમામ પંદર દિવસ મેં કાચની બારીમાંથી એને દૂરથી નિહાળ્યો હતો. આ એવો સમય હોય છે જ્યારે તમે અઢળક ખર્ચો કરવા છતાં પણ કશું જ કરી શકતા નથી. ડોકટર જે કહે તે જ ફાઈનલ હોય છે અને તેમાં કોઈક દિવસ સારા સમાચાર અને કોઈક દિવસ ખરાબ સમાચાર વચ્ચે તમારે લાગણીના હીંચકામાં બેસીને ઝૂલવું પડતું હોય છે. વળી આ ખરાબ સમાચારો પત્ની જેણે હાલમાં જ બાળકને જન્મ આપ્યો હોય તેને કહેવાના નથી હોતા આથી પિતાએ જાતેજ તેની સાથે લડવાનું હોય છે.

આમ, Good Newwz આપણને હસાવતાં હસાવતાં ઉપર કહેલા બે મહત્ત્વના સંદેશ આપી જાય છે, જે તમામ માતાપિતાએ સમજવાના છે, એમણે પણ જે માતાપિતા બની ચૂક્યા છે, એમને પણ જે બહુ નજીકના ભવિષ્યમાં માતાપિતા બનવાના છે અને એ લોકોએ પણ જે એક દિવસ જરૂર માતાપિતા બનવાના છે!

૧ જાન્યુઆરી ૨૦૨૦, બુધવાર (નવું વર્ષ)

અમદાવાદ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here