પુસ્તક રીવ્યુ: રાવણ એનિમી ઓફ આર્યાવર્ત

0
483
Photo Courtesy: Amazon

રાવણ એનિમી ઓફ આર્યાવર્ત પુસ્તકનો એક અંશ.

હંમેશા યાદ રાખ કે આપણે કેમ મજબૂત છીએ, કેમ સફળ છીએ. કેમકે આપણે આપણી જાતને માનનીય કે સારા માનવાની મુર્ખામી નથી કરતા. આપણે જાણીએ છીએ કે આપણે કેવા છીએ, અને એને આપણે સ્વીકારીએ છીએ. એટલેજ આપણે બધાને માત આપી છે, અને એટલેજ આપણે બધાને માત આપતા રહીશું.

 

 

રાવણ: ધ એનિમી ઓફ આર્યાવર્ત નું કવર: Courtesy: Amazon

રાવણ એનિમી ઓફ આર્યાવર્ત

પુસ્તક: રાવણ એનિમી ઓફ આર્યાવર્ત. (રામચંદ્ર સિરીઝ નું ત્રીજું પુસ્તક)

લેખક: અમીષ ત્રિપાઠી

પબ્લીશર: વેસ્ટલેન્ડ પબ્લિકેશન

પાના: 400

ફોર્મેટ: પેપરબેક, ઇ બુક(કિન્ડલ) અને ઓંડીયોબુક(ઓડિબલ)

ભાષા: અંગ્રેજી

લિંક્સ: એમેઝોન

 

રાવણ એનિમી ઓફ આર્યાવર્ત રામચંદ્ર સિરીઝની ત્રીજી નવલકથા છે. રામ સાયન ઓફ ઇક્ષ્વાકુમાં રામ અને સીતા વોરિયર ઓફ મિથિલામાં સીતાને કેન્દ્રસ્થાને દર્શાવ્યા પછી રામચંદ્ર સિરીઝના ત્રીજા મહત્વના પાત્ર એવા રાવણને કેન્દ્રસ્થાને રાખી આ નવલકથા લખાઈ છે. રામચંદ્ર સિરીઝની અત્યાર સુધીની ત્રણેય નવલકથાઓ એકબીજાના સમાંતરે ચાલે છે. અને એ સમયના ભારતમાં ઘટેલી ઘટનાઓ માંથી ત્રણ ઘટનાઓ આ ત્રણેય નવલકથાઓમાં કેન્દ્રસ્થાને છે. આ ત્રણ ઘટનાઓ એટલે કર્ચપ્પા નું  યુદ્ધ, સીતાનો સ્વયંવર અને રાવણ દ્વારા સીતાનું અપહરણ.

રામ અને સીતા એકબીજાના સમવયસ્ક હોવાથી એની નવલકથાઓમાં આ ત્રણેય ઘટનાઓ નવલકથામાં પણ સરખા સમયાંતરે ઘટે છે. અને એ આધારે અમીષ ત્રિપાઠીએ એવો દાવો કર્યો હતો કે રામચંદ્ર સિરીઝની પહેલી ત્રણેય નવલકથાઓ એકબીજાથી અલગ અલગ અને ગમે ત્યારે વાંચી શકાશે, સીતા ધ વોરિયર ઓફ મિથિલા અને  રામ ધ સાયન ઓફ ઇક્ષ્વાકુ બંને તમે કોઈ પણ ક્રમમાં વાંચી શકો છો. પણ રાવણ ધ એનિમી ઓફ આર્યાવર્ત માટે આ વાત લાગુ પડતી નથી. રામ અને સીતાની નવલકથા માટેનું એક મહત્વનું સ્પોઈલર રાવણના પહેલા પ્રકરણમાં જ ખુલ્લું પડી જાય છે. એટલે જો રામ કે સીતા ન વાંચી હોય તો રાવણ એ બંને વાંચ્યા પછી જ વાંચજો.

કથાસાર

રાવણ મહર્ષિ વિશ્રવ નું પહેલું સંતાન છે. બાળપણથી જ શક્તિ-ભૂખ્યો એવો રાવણ નાગ છે (અમીષ ત્રિપાઠીની સૃષ્ટિમાં નાગ લોકો એટલે એવા લોકો જે કોઈ શારીરિક ખોડ સાથે જનમ્યા હોય, અને નાગ લોકો એના માતા-પિતા અને સમાજ માટે અપશુકનિયાળ ગણાય છે). રાવણ એક જીનિયસ તો છે જ સાથે સાથે થોડો ક્રૂર છે. રાવણનો અને એના પિતા બંને એક બીજાને નફરત કરે છે. એક કન્યાકુમારી, જે દેવીમાનું બાળ સ્વરૂપ હોય છે અને અમરનાથ ની યાત્રાથી પાછા ફરતા થોડા દિવસ મહર્ષિ વિશ્રવનાં આશ્રમમાં રહેવા આવે છે, અને રાવણ એનાથી પ્રભાવિત થઇ જાય છે. કન્યાકુમારી આશ્રમમાંથી વિદાય લેતા પહેલા રાવણને એક સારા માણસ બનવાની સલાહ આપે છે.

રાવણ જયારે નવ-દસ વર્ષનો બાળક હોય છે ત્યારે એના નાના ભાઈનો જન્મ થાય છે. બદનસીબે એને પણ જન્મજાત ખોડખાંપણ આવે છે. મહર્ષિ વિશ્રવ ના આદેશથી આશ્રમવાસીઓ જયારે રાવણની મા કૈકેસી અને એના ભાઈ કુંભકર્ણને મારવા માંગે છે ત્યારે રાવણ અને એના મામા મારીચ એને બચાવીને ભાગી છૂટવામાં સફળ નીવડે છે. ભાગતા ભાગતા રાવણ પેલી કન્યાકુમારીને મળવા અને એના ભાઈની શારીરિક ખોડનો ઈલાજ શોધવા વૈદ્યનાથ આવી પહોંચે છે, જ્યાં રાવણને ખબર પડે છે કે જે કન્યાકુમારી એના આશ્રમમાં આવી હતી એ કિશોરાવસ્થામાં આવી છે અને એના બદલે કોઈ બીજી જ કન્યાને કન્યાકુમારી બનાવી દેવાઈ છે. આ સાંભળી રાવણ મામા મારીચ, કુમ્ભકર્ણ અને પોતાની માતા સાથે વૈદ્યનાથ છોડી દક્ષિણ ભારતમાં સ્થાયી થાય છે.

દક્ષિણ ભારતમાં કિશોર રાવણ ધીમે ધીમે દાણચોરી અને સામુદ્રિક વ્યાપાર શીખે છે. મામા મારીચ અને અકંપના નામના એક નાના વ્યાપારીની મદદથી રાવણ ધીરે ધીરે પોતાનું વ્યાપારિક સામ્રાજ્ય બનાવતો અને વધારતો જાય છે. આ દરમ્યાન પેલી કન્યાકુમારી માટેનો રાવણનો પ્રેમ પણ વધતો જાય છે, જે રાવણે દોરેલા ચિત્રો અને એના બનાવેલા ગીતો વડે પ્રગટ થાય છે.

યુવાન અને મોટો વ્યાપારી રાવણ પોતાના વ્યાપારિક સામ્રાજ્યનો વહીવટ લંકાથી સંભાળે છે.ભારતના સમુદ્રકિનારે આવેલા શહેર ચિલિકાના એક ભ્રષ્ટ સાશકનો ખજાનો લૂંટવા ગયેલા રાવણનો ભેટો ફરી વાર એ કન્યાકુમારી સાથે થાય છે. એ કન્યાકુમારી સાથે કોઈ વાત કરી શકે, કે એના વિષે કોઈ પૂછપરછ કરી શકે એ પહેલા રાવણને ભાગવું પડે છે. અને રાવણ હવે કિશોર વયના થઇ ગયેલા કુંભકર્ણને એના વિષે ભાળ મેળવવા મોકલે છે. કુંભકર્ણની માહિતી પ્રમાણે એ કન્યાકુમારીનું નામ વેદવતી છે, જેના લગ્ન એક વ્યાપારી પૃથ્વી સાથે થયા છે, અને વેદવતી પ્રેગ્નન્ટ છે.

રાવણ વેદવતીને મળવા, એને પ્રભાવિત કરવા એના ગામ પહોંચે છે. અને વેદવતી અને પૃથ્વીને એની સાથે લંકા આવવા આમંત્રણ આપે છે, પણ વેદવતી અને પૃથ્વી એ આમંત્રણ નો આદર સહ અસ્વીકાર કરે છે. વેદવતીના સ્વભાવ અને જ્ઞાનથી પ્રભાવિત થયેલો રાવણ છુટ્ટા પડતા પહેલા વેદવતીને આજુબાજુના પ્રદેશની સેવા કરવા પચાસ હજાર સોનામહોરની હૂંડી આપે છે. આ હૂંડીની લાલચમાં એ ગામના મુખીનો દીકરો આવી જાય છે અને એ અને એના સાથીદારો પ્રેગ્નન્ટ વેદવતી અને પૃથ્વીની ક્રુરતાથી હત્યા કરે છે. આનાથી ગુસ્સે ભરાયેલો રાવણ બહુ ક્રૂર રીતે આ હત્યારાઓને સજા આપે છે અને આખા ગામને જીવતા સળગાવી દે છે, અને આખા સપ્તસિંધુને બરબાદ કરવાની પ્રતિજ્ઞા લે છે.

ધીમે ધીમે રાવણ પોતાની ક્રૂરતા અને ચાલાકીથી લંકાનો બધો વ્યાપાર પોતાના કાબુમાં લઇ લે છે. અને લંકાના વ્યાપારી સાશક કુબેરનો સેનાપતિ કમ સલાહકાર બની જાય છે. અને કુબેરને સપ્તસિંધુ સામે યુદ્ધ કરવા ઉશ્કેરે છે. આ યુદ્ધ જેમાં એક તરફ રાવણની સેના અયોધ્યાના રાજા દશરથની સેના ને હરાવી દે છે અને લંકા સપ્તસિન્ધુના બધા આર્થિક વહીવટ પોતાના કાબુમાં લઇ લે છે. આ દરમ્યાન રાવણના લગ્ન મંદોદરી સાથે થાય છે અને એને ત્યાં પુત્ર ઇંદ્રજીતનો જન્મ થાય છે. અને છળકપટથી રાવણ લંકાનો શાસક બની જાય છે.

પ્રૌઢાવસ્થાએ પહોંચેલા રાવણને પોતાની વગ વધારવા મિથિલા જેવા નાના રાજ્યની રાજકુંવરી અને ત્યાંની વડાપ્રધાન એવી સીતા સાથે લગ્ન કરવા છે. સીતાના સ્વયંવરમાં રાવણ પોતાની વગ વાપરી પોતાને આમંત્રણ અપાવરાવે છે. પણ સ્વયંવરમાં પોતાની પહેલા રામને તક અપાતા ગુસ્સે ભરાયેલો રાવણ રાજા જનક અને ગુરુ વિશ્વામિત્રનું અપમાન કરી નીકળી જાય છે અને એ જ રાત્રે પોતાના 10,000 સૈનિકો સાથે મિથિલા પર આક્રમણ કરે છે. આ તરફ સીતા-રામ બંને પરણી જાય છે અને રામ મિથિલાની રક્ષા કરવા લંકાની સેના પર અસુરાસ્ત્ર છોડે છે. અસુરાસ્ત્ર નો વપરાશ મહાદેવ રુદ્ર દ્વારા પ્રતિબંધિત કરાયેલો છે, તેમ છતાં એનો ઉપયોગ કરવા બદલ રામને 14 વર્ષના વનવાસનો દંડ મળે છે. અને આ અસુરાસ્ત્ર ના લીધે રાવણ અને કુંભકર્ણને મિથિલા છોડી ભાગવું પડે છે એમાં લંકાની સેનાને મોટું નુકસાન પહોંચે છે.

આ તરફ રાવણ અને કુંભકર્ણ બંનેની ખોડ આ અસુરાસ્ત્ર ના ઝેરી વાયુના લીધે વકરે છે. કુંભકર્ણને જીવતો અને સલામત રાખવા માટે એને આપવામાં આવેલી દવાના લીધે કુંભકર્ણને આખો દિવસ સુતા રહેવું પડે છે. મિથિલામાં થયેલી હાર ના લીધે લંકાને આર્થિક ફટકો પડે છે અને રાવણની વગ અને એના પાવરને પણ ખાસ્સું નુકસાન પહોંચે છે. આ વાતનો બદલો લેવા રાવણ અયોધ્યાના રાજા રામ, જે વિષ્ણુ બનવાના દાવેદાર છે એની પત્ની અને વિષ્ણુ બનવાની એક મુખ્ય દાવેદાર સીતાનું અપહરણ કરે છે.

રામચંદ્ર સિરીઝની આગલી નવલકથા(ઓ) સીતાહરણ પછીની વાર્તા એક કોમન દ્રષ્ટિકોણ થી આગળ વધારશે….

રીવ્યુ

રામચંદ્ર સિરીઝમાં ત્રણ ઘટનાઓ ત્રણ અલગ અલગ પાત્રોના દ્રષ્ટિકોણ થી કહેવામાં આવી હોવાને લીધે ઘણાને રિપીટિટીવ લાગે છે. પણ આ ઘટના સિવાય પણ ત્રણેય મુખ્ય પાત્રોના જીવનની ઘણી ઘટનાઓ કવર કરવામાં આવી હોવાથી રામચંદ્ર સિરીઝ થોડી રસપ્રદ બની છે. એમાંય રાવણ, જે આ સીરીઝનો મુખ્ય વિલન છે, એના જીવનની ઘટનાઓ ઘણી રસપ્રદ બની છે. રાવણના જીવનનો શરૂઆતનો કાળ, જેમાં એની ક્રૂરતા અને ચાલાકી દર્શાવવામાં આવી છે એ કદાચ આ નવલકથાનું સહુથી મજબૂત પાસું છે. પોતાની બુદ્ધિમતા વાપરી એક બગડી રહેલા જહાજને રીપેર કરાવી એના વડે પોતાનું સામ્રાજ્ય શરુ કરવું, ચાલાકી અને નાલાયકીની મદદથી લંકામાં પોતાનું સ્થાન જમાવવું અને પછી એ જ લંકાને પોતાના કાબુમાં કરવું, આ બધા ભાગ જોરદાર મજા કરાવે છે.

આ ઉપરાંત આ નવલકથાનું (અને અમીષ ત્રિપાઠીનું) એક ઓર સબળું પાસું છે પાત્રાલેખન. દરેક પાત્રો ધીમે ધીમે ઘડાતાં અને વિકસતા જાય છે. રાવણ, કુંભકર્ણ અને વેદવતી જેવા મુખ્ય પાત્રો, મહર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ વશિષ્ઠ જેવા સિરીઝના રેગ્યુલર પાત્રો, કે કૈકસી, સમીચી જેવા નાના પાત્રો બધા પોતાની છાપ છોડવામાં સફળ રહે છે. રાવણને બહુ સારી રીતે એક બુદ્ધિમાન, વિદ્વાન અને કલારસિક તરીકે સ્થાપિત કર્યો છે, પણ એ થોડું ઓછું પડે છે. જો આ ભાગ પર થોડું વધારે ધ્યાન આપી શકાયું હોત તો થોડી વધારે મજા આવત.

દરેક લેખક અને એની રચના એ સમાજ ને અરીસાની ગરજ સારે છે. અને એટલે લેખક પોતાની સામાજિક કે રાજકીય માન્યતાને પોતાના લખાણ વડે પ્રદર્શિત કરે છે અને એ મુદ્દાઓ વિષે ચર્ચા કરે છે. અને અમીષ ત્રિપાઠી પણ એમાંથી બાકાત નથી, રામમાં ગેંગરેપ એક મુદ્દો હતો, સીતામાં સમાનતા એક મુદ્દો હતો, જયારે રાવણમાં ન્યાય અને ભક્તિ એક મુદ્દો છે. સાથે સાથે અમીષ સબરીમાલા મુદ્દે પણ આમાં પોતાનો મત રાખે છે. આપણે ડાબેરી સર્જકોને દલિત સાહિત્ય અને દલિત કૃતિઓ રચતા ખુબ જોયા છે, જેમાં એની વાર્તાઓમાં મુદ્દા વધારે અને વાર્તા ઓછી હોય છે. અહીંયા અમીશે આ મુદ્દાઓ અને વાર્તા વચ્ચે સરસ બેલેન્સ જાળવી રાખ્યું છે.

પણ અહીંયા ઓથ ઓફ વાયુપુત્રની જેમ ફિલોસોફી ની ચર્ચાઓ નું પ્રમાણ થોડું વધી જાય છે. પુસ્તકના વચ્ચેના ભાગ જ્યાં રાવણ અને કુંભકર્ણ વચ્ચે ફિલોસોફીની ચર્ચાઓ થાય છે એ ભાગ મેં લિટરલી ટપાડ્યો છે. કારણકે એક તો એનું પ્રમાણ બહુ વધારે છે, અને બીજું આમાંની ઘણી ફિલોસોફી રિપીટ થતી હોય એવું લાગ્યું. આના બદલે ઉપર કહ્યું એમ રાવણના બીજા પાસાઓ વિષે ચર્ચા થઇ હોત, કે સિરીઝના આગળના ભાગ વિષે થોડી હિન્ટ અપાઈ હોત તો વધુ મજા આવત.

ઓવરઓલ આ નવલકથા થોડી લાંબી છે. આ પુસ્તકનું સ્પોઈલર પણ બહુ આગળથી પરખાઈ જાય છે. એટલે થોડો કંટાળો આવવો સ્વાભાવિક છે, પણ તોય આ પુસ્તક મજા કરાવે એવું સરસ છે. એક વાર ડેફિનેટલી વાંચવા જેવું.

 

મારા રેટિંગ: 4/5

 

તમે આ પુસ્તક વાંચ્યું હોય તો તમને પણ કેવું લાગ્યું એ અહીંયા કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આગલી પોસ્ટમાં મળીએ ત્યાં સુધી,

 

મે ધ શક્તિ બી વિથ યુ…

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here