દીપિકા પદુકોણ ગઈકાલે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીમાં પોતાની આગામી ફિલ્મ છપાકનું પ્રમોશન થવાની લાલસાએ ગઈ હતી, પરંતુ દીપિકાનું આ પગલું કદાચ તેને ભારે પડી શકે તેમ છે.

શુક્રવારે બે હિન્દી ફિલ્મો રિલીઝ થઇ રહી છે, ‘તાનાજી’ અને ‘છપાક’. ગઈકાલે આ બંને ફિલ્મોના પ્રમોશન અલગ અલગ જગ્યાએ જોવા મળ્યા. તાનાજીના મુખ્ય કલાકારો અજય દેવગણ અને કાજોલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં’ અને છપાકની મુખ્ય અભિનેત્રી દીપિકા પદુકોણ જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીમાં. અજય અને કાજોલનું એક ટીવી સિરિયલમાં પ્રમોશન પર આવવું સમજી શકાય તેવું હતું પરંતુ દીપિકા પદુકોણનું JNU જવું આંખને અને મનને ખુંચે તેવું હતું.
JNU પહેલેથી જ રાષ્ટ્રવિરોધી તત્વો અને પ્રવૃત્તિઓ માટે બદનામ છે. એમાંય રવિવારે અહીં બનેલી હિંસક ઘટનાઓમાં વામપંથી વિદ્યાર્થીઓનો હાથ હોવાનું પહેલેથી જ સાબિત થઇ ગયું હતું. તેમ છતાં દીપિકા પદુકોણ અહીં કેમ આવી હશે તે માટે સહુને પ્રશ્ન થાય જ. અગાઉ આવી કોઈજ રાજકીય ચળવળમાં દીપિકા હાજર રહી હોય એવું યાદ નથી આવતું, તો પછી અચાનક જ JNUના તોફાની તત્વો પર દીપિકાનો પ્રેમ કેમ ઉભરાઈ આવ્યો? બીજું, સમગ્ર ઘટના દરમ્યાન દીપિકાએ જેટલો પણ સમય JNUમાં ગાળ્યો તેણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો.
આ પાછળનું કારણ સ્પષ્ટ છે જે આપણે અગાઉ વાત કરી તેમ, છપાક. ફિલ્મનું પ્રમોશન કરવું એ ફિલ્મ સાથે જોડાયેલા દરેક કલાકારોની ફરજ છે. આ માટે તેઓ અનેક પ્રમોશનલ કાર્યક્રમોમાં ભાગ લેતા હોય છે કે પછી જેમ અજય દેવગણ અને કાજોલે કર્યું એ રીતે ટીવી સિરિયલ્સ તેમજ અન્ય કાર્યક્રમોમાં દેખા દઈને. પણ દીપિકાએ અથવાતો છપાકના નિર્માતાઓએ કોઈ અકળ કારણસર ક્યાંય નહીં પરંતુ JNUમાં પોતાની ફિલ્મનું પ્રમોશન તોફાની વિદ્યાર્થીઓને સમર્થન કરીને કરવાનું નક્કી કર્યું. અને એક પણ શબ્દ ન ઉચ્ચારીને પણ વિવાદને એમને જેટલી જરૂર હતી એટલોજ વકરાવવા દીધો.
આ પાછળ ઘણા કારણો હોઈ શકે પરંતુ બે કારણો સ્પષ્ટપણે દેખાય છે. એક તો કારણ એ છે કે અજય-કાજોલની તાનાજીનું બજેટ છપાક કરતાં અનેકગણું વધુ છે, વળી તાનાજી તો 3Dમાં આવવાની છે. આથી જો ફિલ્મનું બજેટ ઓછું હોય તો ફિલ્મનું પ્રમોશન માટે પણ ઓછું બજેટ જ ઉપલબ્ધ હોય છે. પરિણામે કોઈ વિવાદ ઉભો કરીને કે કોઈ વિવાદમાં સામેલ થઈને ફિલ્મ પ્રત્યે ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવો એ વર્ષોથી એટલેકે આમિર ખાનની ‘ફના’ ના દિવસોથી એક ફેશન બની ગઈ છે, જ્યારે તે નર્મદા બચાઓ આંદોલનના માંડવામાં જઈને બેસી ગયો હતો અને ત્યારબાદ આ આંદોલન અંગે એક શબ્દ પણ તેણે ઉચ્ચાર્યો ન હતો.
ખરેખર આ પ્રકારના વિવાદ ઉભો કરવાવાળા અથવા તેની સાથે સામેલ થનારાઓને એ વિવાદવસ્તુ સાથે ન તો નહાવાનો કે ન તો નિચોવાનો કોઈજ સંબંધ હોય છે, પરંતુ ફિલ્મને ખર્ચો પૂરો કરી આપે એટલા દર્શકો મળી જાય તેના પ્રયાસ સ્વરૂપે તેઓ આવું કરતા હોય છે. બેઝીકલી લોકપ્રિય વિષય પર બનેલી તાનાજીનું પ્રમોશન જોરશોરથી અને અત્યંત ખર્ચાળ પદ્ધતિથી છેલ્લા એક મહિનાથી થઇ રહ્યું હતું. આથી તેની સાથેજ રિલીઝ થનારી અને સાવ અલગ વિષય પર બનેલી છપાક પોતાના ઓછા પ્રમોશન બજેટને કારણે રેસ શરુ થાય કે તરતજ હારી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ હતી. આથી JNUના વિવાદમાં વગર કોઈ કારણે કે વગર કોઈ અક્કલ વાપરે દીપિકા એન્ડ કંપની મૂંગામંતર થઈને જોડાઈ ગઈ જેથી ત્યાં હાજર ટીવી ન્યૂઝ ચેનલોના ‘મફત’ પ્રમોશનથી દર્શકો મેળવી શકાય.
આ તો દીપિકા અને છપાકના મેકર્સની વિચારધારા હોઈ શકે, પરંતુ આ બધું એક મોટી અને વિશાળ તેમજ વ્યાપક વિચારધારાનો પણ હિસ્સો છે. આ વિચારધારાને આજકાલ લેફ્ટ ઈકોસિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્મી કલાકારો અને સ્પોર્ટ્સ પર્સન્સ ખાસકરીને ક્રિકેટરો ભારતમાં ભગવાન પછીનું સ્થાન ધરાવે છે. આથી ભલે એમનામાં જનરલ નોલેજનો સંપૂર્ણ અભાવ હોય પરંતુ તેમનામાં લાઇમલાઇટમાં આવવાની ભયંકર ચળ હોય છે આથી જો એ લોકોને આ ઈકોસિસ્ટમમાં એક અઠવાડિયા માટે પણ ઢસડી લવાય તો એમની ઈકોસિસ્ટમ વધુ વ્યાપક અને મજબૂત બને છે એ હકીકત છે. આથી દીપિકા કે છપાકના નિર્માતાઓએ ભલે એક-બે અઠવાડિયાના દર્શકો મેળવવા માટે ગઈકાલની ‘કસરત’ કરી હોય પરંતુ એમના માટે પેલી લેફ્ટ ઈકોસિસ્ટમ જેને દેશ તોડવામાં વધુ રસ છે તેને મહિનાઓનું માઈલેજ મળી ગયું છે.
પરંતુ આ બધામાં દીપિકાએ જે સહુથી મોટો અન્યાય કર્યો છે તે છપાકના વિષયને અને લક્ષ્મી અગરવાલને જેના જીવન પર આ ફિલ્મ બની છે. છપાક એસીડ એટેક્સથી ઘાયલ યુવતિઓ કે સ્ત્રીઓ કેવી પીડામાંથી પસાર થાય છે અને લક્ષ્મી અગરવાલે આ પીડા કેવી રીતે સહન કરી હશે અને તેમાંથી તે હિંમત દેખાડીને તે કેટલી આગળ વધી છે તેવા સુંદર વિષયને દર્શાવતી ફિલ્મ છે. આ પ્રકારની ફિલ્મો વધુને વધુ બને તો જ મનોરંજન દ્વારા આપણા સમાજને અસરકારક સંદેશ આપી શકાય છે.
હવે જ્યારે દીપિકાએ દેશની બહુમતિ જનતાની લાગણી વિરુદ્ધ JNUમાં જઈને દેશવિરોધી તત્વોની બાજુમાં જઈને ફોટોગ્રાફ્સ પડાવી જ લીધા છે ત્યારે સોશિયલ મિડીયામાં ઓલરેડી છપાકનો બોયકોટ કરવાના ટ્રેન્ડ લોકપ્રિય થઇ રહ્યા છે. સોશિયલ મિડિયા બેશક નિર્ણાયક નથી પરંતુ તે આજકાલ પ્રજાની નીતિ નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે એ ભૂલાય નહીં.
બની શકે કે ભૂતકાળની અમુક ફિલ્મોની જેમ, જેનો બહિષ્કાર કરવાની અપીલ સોશિયલ મિડીયામાં થઇ હતી તેને કારણે તે એટલી સારી ન હોવા છતાં હીટ ગઈ હતી, છપાક સાથે પણ એવું જ બને. પરંતુ આ રીતે ટૂંકાગાળાના લાભ લેવા માટે છપાકની ટીમે જે કૃત્ય કર્યું છે તેને લીધે લોકો સ્વચ્છ હ્રદય સાથે આ ફિલ્મ નહીં જોઈ શકે તે પણ એટલુંજ સત્ય છે. અને જો છપાક નિષ્ફળ ગઈ તો ફરીથી ‘અંધભક્તો’ અને ‘અસહિષ્ણુ રાષ્ટ્રવાદીઓ’ પર જ માછલાં ધોવાના છે કારણકે તાનાજી સંપૂર્ણપણે રાષ્ટ્રવાદી ફિલ્મ છે જેમાં મોગલોને ખુલ્લા પાડવામાં આવ્યા છે.
૮ જાન્યુઆરી ૨૦૨૦, બુધવાર
અમદાવાદ
eછાપું