ન્યુઝીલેન્ડ જનારી ભારતની Twenty20 ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો સમાવેશ નથી કરવામાં આવ્યો પરંતુ તે પાછળના સાચા કારણો પણ સામે નથી આવી રહ્યા તે પાછળનું રહસ્ય શું છે?

અમદાવાદ: ગઈકાલે ન્યુઝીલેન્ડ જનારી ભારતીય Twenty20 ટીમની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ આ ટીમમાં હાર્દિક પંડ્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે હાર્દિક ન્યુઝીલેન્ડ સિરીઝથી ટીમ ઇન્ડિયામાં કમબેક કરી શકે છે. પરંતુ રસપ્રદ બાબત એ છે કે હાર્દિક પંડ્યા ઈજામાંથી સાજો થયો તે પછી એક પણ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો નથી અને તેમ છતાં તેને અગાઉ ભારતના A ટીમના ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે સામેલ કરવામાં આવ્યો હતો.
પરંતુ ત્યારબાદ હાર્દિકના પર્સનલ ફિટનેસ કોચે કહ્યું હતું કે હાર્દિક અત્યારે બોલિંગ કરવાનો ભાર લઇ શકે તેમ નથી એટલે વિજય શંકરને તાત્કાલિક ન્યુઝીલેન્ડ મોકલવામાં આવ્યો હતો. ગઈકાલે જ્યારે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમ કહેવામાં આવ્યું હતું કે હાર્દિકના રીહેબ એટલે કે સાજા થવામાં ધાર્યા કરતા વધુ સમય જઈ રહ્યો છે અને આથી તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
જો આવું જ હોય તો એ હાર્દિક પંડ્યાની ફરજ બનતી હતી કે તે સામે ચાલીને સિલેક્ટરોને કહી દેત કે તે હજી અમુક મહિના સુધી સ્પર્ધાત્મક ક્રિકેટ રમવા માંગતો નથી. હવે હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ ન થાય અને એ પણ ટીમના ફીઝીયોથેરાપીસ્ટ દ્વારા તે અંગેનું સર્ટીફીકેટ ન આપવામાં આવે ત્યાં સુધી તેને કોઇપણ આંતરરાષ્ટ્રીય સિરીઝમાં સિલેક્ટ કરવો જોઈએ નહીં.
જો આ પ્રકારની શિસ્ત ટીમમાં નહીં લાવવામાં આવે તો આગળ જતા ટીમને જ નુકશાન થઇ શકે છે જેમાં કોઈ ખેલાડી પોતાની ઇન્જરી વધુ મેચ રમવા માટે છુપાવી પણ શકે છે. આથી BCCI એ પણ ફિટનેસના નિયમોની કડક અમલવારી કરવી જોઈએ.
eછાપું