ICC દ્વારા 2019ના શ્રેષ્ઠ ક્રિકેટરોની કરવામાં આવેલી જાહેરાતમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપરાંત ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સે મેદાન માર્યું છે, આ ઉપરાંત આ ખેલાડીઓ ICCની શ્રેષ્ઠ ટીમમાં પણ સામેલ થયા છે.

દુબઈ: ICC એ થોડા સમય પહેલા જ 2019 માટે ICC એવોર્ડ્સની ઘોષણા કરી છે. આ ઘોષણા અનુસાર ઇંગ્લેન્ડનો બેન સ્ટોક્સ તેમજ ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ સહુથી આગળ છે.
બેન સ્ટોક્સને ક્રિકેટર ઓફ ધ યર તરીકે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીથી નવાજવામાં આવશે. સ્ટોક્સને આ એવોર્ડ વર્લ્ડ કપ ફાઈનલની તેની યાદગાર ઇનિંગ તેમજ લીડ્સ ખાતે એશિઝ ટેસ્ટ મેચમાં અભૂતપૂર્વ રનચેઝ માટે આપવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે. કમિન્સે ગયા વર્ષે 23 ઇનિંગ્સમાં 59 વિકેટ્સ લીધી હતી.
તો ભારતના રોહિત શર્માને વન ડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રોહિત શર્માએ ગત વર્ષે રમાયેલા વર્લ્ડ કપમાં 5 સેન્ચુરીઓ કરી હોવા ઉપરાંત કુલ 7 સેન્ચુરીઓ કરી હતી.
ઓસ્ટ્રેલિયાના જ માર્નસ લબુશેનને ‘ઈમર્જીંગ ક્રિકેટર ઓફ ધ યર’ નો ખિતાબ આપવામાં આવશે. લબુશેન સ્ટિવ સ્મિથના ચક્કર આવવાથી નિવૃત્ત થયા બાદ તેના સબસ્ટીટ્યુટ તરીકે રમવા આવ્યો હતો અને પોતાની અભૂતપૂર્વ બેટિંગ થકી ઓસ્ટ્રેલિયન ટીમમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.
તો વિરાટ કોહલીને ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. વિરાટ કોહલીએ ગત વર્ષના વર્લ્ડ કપ દરમ્યાન ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સ્ટિવ સ્મિથની અપમાનજનક ટીકા કરતા દર્શકોને શાંત રહીને અને સ્ટિવ સ્મિથને ચીયર કરવાની અપીલ કરતો જોવા મળ્યો હતો તે માટે આ એવોર્ડ આપવામાં આવશે.
બેસ્ટ અમ્પાયર તરીકે ડેવિડ શેફર્ડ એવોર્ડ ઇંગ્લેન્ડના રિચર્ડ ઇલિંગવર્થને આપવામાં આવશે. આ વર્ષે જ બેસ્ટ અમ્પાયરના એવોર્ડને મહાન અમ્પાયર સ્વ. ડેવિડ શેફર્ડનું નામ આપવામાં આવ્યું છે.
ICC વન ડે ટીમ 2019: રોહિત શર્મા, જોની બેરસ્ટો, વિરાટ કોહલી (કેપ્ટન), જો રૂટ, જોસ બટલર, રોસ ટેલર, બેન સ્ટોક્સ, મુસ્ત્ફીઝુર રેહમાન, રશીદ ખાન, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ
ICC ટેસ્ટ ટીમ 2019: મયંક અગરવાલ, ટોમ લાથમ, માર્નસ લબુશેન, વિરાટ કોહલી (કેપ્ટન), સ્ટીવન સ્મિથ, બેન સ્ટોક્સ, બી જે વોટલીંગ, પેટ કમિન્સ, માઈકલ સ્ટાર્ક, નીલ વેગનર, નેથન લાયન.
eછાપું