કંગના રણાવતની ફિલ્મ પંગા રિલીઝ થઇ ચૂકી છે. જો કે તેને સ્ટ્રીટ ડાન્સર જેવી ભવ્ય ફિલ્મ સામે પંગો લેવાનો આવ્યો છે, પરંતુ શું આ ફિલ્મ ખુદ જોવાલાયક બની છે ખરી? જાણીએ આ રિવ્યુમાં

ભલે છેલ્લા અમુક વર્ષોમાં ભારતમાં સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સવીરો પર બનેલી ફિલ્મોની સંખ્યા વધી છે પરંતુ તેમ છતાં તે સંખ્યા સંતોષકારક નથી. અત્યારસુધી આપણે મોટેભાગે ભારતના વિવિધ સ્પોર્ટ્સવીરોની બાયોપિક જોઈ છે, જ્યારે કંગના રણાવતની તાજી ફિલ્મ પંગા એ એક કબડ્ડી ખેલાડીની કાલ્પનિક કથા છે. શું સ્પોર્ટ્સ પર્સનની બાયોપિક કરતા કાલ્પનિક કથા વધુ અસરકારક હોઈ શકે?
કલાકારો: કંગના રણાવત, જસ્સી ગીલ, નીના ગુપ્તા, યગ્ય ભસીન અને રીચા ચડ્ઢા
નિર્દેશક: અશ્વિની ઐયર તિવારી
રન ટાઈમ: 129 મિનીટ્સ
કથાનક
વાત ભારતની મહિલા કબડ્ડી ટીમની ભૂતપૂર્વ કેપ્ટન જયા નિગમની (કંગના રણાવત) છે. પોતાના પુત્ર આદી ના (યગ્ય ભસીન) પ્રિમેચ્યોર જન્મને કારણે જયાએ કબડ્ડી રમવાનું મૂકી દીધું છે. આમતો જયાને કબડ્ડીને કારણેજ ભારતીય રેલવેમાં નોકરી મળી હતી અને તે બાળકના જન્મ બાદ ફરીથી કબડ્ડી રમવાની જ હતી પરંતુ આદીના જન્મ વખતે તે ખૂબ નબળો હોવાથી તેનો ઉછેર યોગ્ય રીતે થાય તે માટે તેણે કબડ્ડીને કાયમ માટે તિલાંજલિ આપી દીધી છે.
જયાને તેના પતિ પ્રશાંતનો (જસ્સી ગીલ) ખૂબ મજબૂત ટેકો છે. પ્રશાંત પણ રેલવેમાં એન્જીનીયર છે અને એને ઘરના દરેક કામમાં અને આદીના ઉછેરમાં ખૂબ મદદ કરે છે. કબડ્ડી ન રમતી હોવાથી હવે રેલવેના સામાન્ય કર્મચારી તરીકે વધારાની રજા ન મળતા એક વખત જયા આદીના સ્પોર્ટ્સ ડે પર હાજર રહી શકતી નથી આથી આદી ગુસ્સે થાય છે અને જયા પર પોતાનો ગુસ્સો ઉતારે છે.
પ્રશાંત આદીને સમજાવે છે કે કેવી રીતે ઘર ચલાવવા માટે અને આદી જન્મ વખતે નબળો હોવાથી તેના ઉછેર માટે જયાએ તેના જીવનના સહુથી મોટા પેશન એવી કબડ્ડીને છોડી દીધી હતી. આદીના નાનકડા મનમાં આ વાત ઘર કરી જાય છે. એ પોતાની માતા અને બત્રીસ વર્ષની જયા કબડ્ડીમાં કમબેક કરે તેનું બીડું ઉઠાવે છે. પ્રશાંત પણ જયાને કહે છે કે આદીનું મન રાખવા એ થોડા દિવસ મહેનત કરવાનું નાટક કરે.
પરંતુ કદાચ ભગવાનને કશું બીજું જ મંજૂર હશે. જયા મહેનત કરવાનું નાટક કરતા કરતા ફરીથી કબડ્ડી રમવાનું નક્કી કરે છે અને તેને સિદ્ધ કરવા તેને સતત મદદ મળે છે તેની જૂની મિત્ર મીનૂની (રીચા ચડ્ઢા) અને પછી…
રિવ્યુ
આપણે ત્યાં જ્યારે પણ સ્પોર્ટ્સ પર આધારિત કોઈ ફિલ્મ બની છે ભલે પછી તે દંગલ જેવી બાયોપિક હોય કે જો જીતા વોહી સિકંદર જેવી કલ્પના પર આધારિત ફિલ્મ હોય તેની એક પેટર્ન બની ગઈ છે. શરૂઆતમાં જે-તે ખેલાડીને એ રમતમાં રસ જ ન હોય જેમાં તે છેવટે કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરવાનો કે કરવાની હોય. પછી તેની માનસિક તેમજ શારીરિક સ્ટ્રગલ દેખાડવામાં આવે અને પછી વાર્તા જ્યારે ચરમસીમાએ પહોંચે ત્યારે તમને ખબર હોય છે કે અંત શું આવવાનો છે પરંતુ તેમછતાં તમને ડિરેક્ટર પોતાની વાર્તા કહેવાની કળાથી ઉત્તેજીત કરીને અંતે હસાવીને કે રડાવીને ઘરે પરત મોકલતો હોય છે.
પંગા આ જ પેટર્નને ફોલો કરે છે, પરંતુ વાર્તામાં કોઈ ખાસ એવા ટ્વિસ્ટ નથી જેનાથી દર્શકને એમ થાય કે આગળ હવે શું થશે અથવાતો આપણે જે અંત વિચારી રાખ્યો છે તે અંત ખરેખર જોવા મળશે કે કેમ? પંગા એક ખળખળ નદીની જેમ સીધીસટ લાઈનમાં ચાલે જાય છે. એકાદ-બે નકારાત્મક પાત્રો કે દ્રશ્યો સિવાય ફિલ્મ વધુ પડતી પોઝીટીવ છે જે ખરેખર તો વાર્તા કહેવાની આદર્શ પદ્ધતિની વિરુદ્ધ છે.
જ્યારે ફિલ્મ અંત તરફ જઈ રહી હોય છે ત્યારે છેક છેલ્લી પાંચ મિનિટમાં ફાઈનલ બિલ્ટ અપ શરુ થાય છે પરંતુ ત્યાં સુધી આટલી બધી સરળતા અને હકારાત્મકતા જોઇને આપણને એમ નથી લાગતું કે “ઓહ! આ આમ થવાનું હતું?” ખરેખર તો કંગના છેલ્લે જે એચીવ કરે છે તેનું બિલ્ટ અપ એશિયન કબડ્ડી ચેમ્પિયનશીપની સેમીફાઈનલથી જ શરુ કરી દીધું હોત તો હજી પણ ટેમ્પો જળવાત.
તેમ છતાં, ફિલ્મ ખરાબ તો નથી જ. પંગા પોતાના વિષય સાથે છેક સુધી હોનેસ્ટ રહે છે. ક્યાંય અજુગતી વાત કે અણગમતો કે બિલકુલ જરૂર ન હોય તેવો એક પણ સીન નથી. પહેલેથી છેલ્લે સુધી વાત કબડ્ડી પર જ ટકી રહે છે. રોમાન્સ છે પરંતુ પતિ-પત્ની વચ્ચે જે સામાન્યતઃ રોમાન્સ જોવા મળે છે એજ પ્રકારનો કોઈ ઓવર ધ મૂન પ્રકારનો નહીં. સંપૂર્ણ બે કલાક અને નવ મિનીટ સુધી વિષય ક્યાંય ભટકતો નથી એ પંગાનો સહુથી મોટો પ્લસ પોઈન્ટ છે.
યગ્ય ભસીન, નાનકડો આઠ-નવ વર્ષનો આ અદાકાર જબરી અદાકારી કરે છે. આજના ઇન્ડિયાના સ્માર્ટ અને બોલકા છોકરા તરીકે યગ્ય પરાણે ગમે તેવો છે. માતા-પિતા સાથે કે પછી નાનીબા સાથે એની ચડભડ કે કેમિસ્ટ્રી મજા કરાવે એવી છે. તો નીના ગુપ્તા કંગનાના મમ્મી તરીકે ફિટ બેસે છે. હા, કંગનાની માતા હોવાને લીધે જ તેમણે વાંકડીયા વાળવાળી વ્હીગ પહેરવી પડી છે એ સ્પષ્ટ જણાઈ આવે છે.
જસ્સી ગીલ એ પંજાબનો જાણીતો ‘પોપ સ્ટાર’ અને એક્ટર છે. અહીં પ્રશાંત તરીકે એક આઈડલ હસબંડ તરીકે જસ્સીએ બખૂબી પોતાની અદાકારી નિભાવી છે. પત્નીના સુખ દુઃખમાં સતત સાથે રહેવાનું અને સ્મિત કરતા રહેવાનું કે પછી પત્નીની ઈચ્છાને પૂર્ણ કરવા ગમેતે દુઃખ કે તકલીફ સહન કરવી આ બધું જ જસ્સી ગીલે સરસ દેખાડ્યું છે. આખી ફિલ્મમાં ગૂડી ગૂડી હસબંડ બની રહ્યા બાદ એકાદ દ્રશ્યમાં એને ગુસ્સે થવાનું પણ આવ્યું છે.
આમ તો ફિલ્મની ક્રેડિટ્સમાં રીચા ચડ્ઢાને ‘special appareance’ આપ્યો હોવાનું કહેવાયું છે પરંતુ તે સમગ્ર ફિલ્મમાં જોવા મળે છે અને લગભગ કંગનાની હારોહાર! બિહારી બિન્ધાસ્ત છોકરી તરીકે રીચાની અદાકારી કાબિલે દાદ છે. કંગનાની ખાસ મિત્ર તરીકે એની સાથે મસ્તી કરવા ઉપરાંત, સમય આવે સાથ આપવો, સલાહ આપવી અને ગુસ્સો પણ કરવો આ બધા જ રંગ રીચાને મીનૂ તરીકે ઉપસાવ્યા છે.
કંગના આમ પણ આજના જમાનાની બહુ ઓછી ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંથી એક છે અને તેની પણ એક ખાસ ઈમેજ ઉભી થઇ છે. અહીં પણ એ એની ઈમેજ અનુસાર થોડી બકબક કરે છે પરંતુ મોટેભાગે તેના ભાગે ભાવવાહી દ્રશ્યો આવ્યા છે અને જે પ્રકારની ટેલેન્ટ કંગના પાસે છે તે આપણને જરાય નિરાશ કરતી નથી. પંગા એ કંગનાનું શ્રેષ્ઠ પ્રદર્શન નથી પરંતુ શ્રેષ્ઠથી ઓછું પણ નથી.
ઓલ ઇન ઓલ, એક નિર્દોષ અને ઓનેસ્ટ ફિલ્મ જોવામાં રસ ધરાવતા દર્શકો માટે પંગા એ પરફેક્ટ ફિલ્મ છે.
૨૫ જાન્યુઆરી ૨૦૧૯, શનિવાર
અમદાવાદ
eછાપું