દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં એક મહિનાથી પણ વધુ સમયથી CAA અને NRC વિરુદ્ધ કેટલાક તત્વો વિરોધ કરી રહ્યા છે, પરંતુ ધીમેધીમે આ વિરોધની કલાઈ ઉતરી રહી છે અને વિરોધ પાછળનો ભયંકર ચહેરો સામે આવી ગયો છે.

CAA એટલેકે નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં આખો દેશ ઉભો થઇને રસ્તા પર આવી ગયો છે એવું એક ચિત્ર ડાબેરી અને ‘સેક્યુલર’ જમાત દ્વારા ઉભું કરવામાં આવ્યું છે. પરંતુ દેશના સામાન્ય વ્યક્તિને આનાથી કોઈજ ફરક પડ્યો નથી. આ મહિનાની શરૂઆતમાં આવેલા એક સરવેમાં પણ આ બાબત સ્પષ્ટ થઇ હતી કે CAA અને NRC કરતા ભારતીયોને મોંઘવારી અને બેરોજગારી વિષે વધુ ચિંતા છે.
પરંતુ જેમને સળગતી સમસ્યાઓ કરતા દેશના ટુકડેટુકડા કરવાની વધુ ચિંતા હોય તેને મોંઘવારી ક્યારેય નડતી નથી. આ તત્વોને દેશ તેમજ વિદેશથી ચિક્કાર નાણાકીય સહાય મળી રહેતી હોય છે. આથી ગ્રાઉન્ડ રીયાલીટી ગમે તે હોય પણ આપણો એજન્ડા અમર રહે એ નાતે તેઓ કોઇપણ પ્રકારનો દુષ્પ્રચાર બંધ કરવાનું છોડતા નથી. છેલ્લા લગભગ 40 થી 42 દિવસથી દિલ્હીના શાહીન બાગમાં CAA વિરુદ્ધ ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે. કહેવામાં આવે છે કે કે અહીં દેશના નાગરિકો સ્વયંભુ ભેગા થયા છે અને દેશના બંધારણને આ કાયદાથી થયેલા અન્યાયના વિરોધમાં તેઓ અહીં દિલ્લી કી સર્દીની પણ પરવા કર્યા વગર બેઠા છે.
ડાબેરી જમાતની આ લાક્ષણીકતા છે. તેઓ રૂપાળા અને દેશની ચિંતા કરતા શબ્દોનો ઉપયોગ કરીને જનતાને ગેરમાર્ગે દોરે છે પરંતુ છેવટે તો આ લોકો તેમનો દેશ તોડવાનો અથવાતો દેશમાં શાંતિ સ્થપાય જ નહીં તે સુનિશ્ચિત કરવાનો એજન્ડા જ છુપી રીતે આગળ વધારતા હોય છે. બદનસીબે આ લોકોને કનૈયા કુમાર જેવા પ્યાદાંઓ પણ મળી જતા હોય છે જે રંગેચંગે આ એજન્ડાનો પ્રચાર કરે છે.
વધુ બદનસીબી એ વાતની છે કે દેશવિરોધી દલીલો અને સુત્રોને અભિવ્યક્તિની આઝાદીના નામે એમને રવિશ કુમાર અને રાજદીપ સરદેસાઈ જેવા વરિષ્ઠ પત્રકારોનો સાથ પણ મળે છે જે મિડિયાના અસરકારક માર્ગે આ એજન્ડાને ટીવી સ્ક્રિન પર પોતાની ભોલી સુરત દેખાડીને દેશવાસીઓને ખોટે દર્શન કરાવતા હોય છે. આ પરફેક્ટ એજન્ડાના નીચોડરૂપે અક્કલવગરના સામાન્ય લોકો તેમની સાથે જોડાઈ જાય છે અને દેશમાં અંધાધુંધીની પરિસ્થિતિ નજીક આવતી જાય છે એવું લાગવા લાગે છે.
પરંતુ આ તમામ બદનસીબીઓ સામે છેલ્લા દસકામાં કેટલીક સદનસીબી પણ સામે આવી છે. આમાંથી એક સદનસીબી છે સોશિયલ મિડિયા. જો 2002ના ગુજરાત રમખાણો સમયે સત્ય બહાર ન આવવા પાછળનું કોઈ મુખ્ય કારણ હતું તો એ હતું સોશિયલ મિડિયાની સૂચક ગેરહાજરી. પરંતુ હવે સમય બદલાયો છે અને સોશિયલ મિડિયા ખાસકરીને દુષ્પ્રચારના મામલે મેઈન સ્ટ્રીમ મિડિયાને હરાવવામાં બળુકું સાબિત થયું છે.
સોશિયલ મીડિયાની આ જ મજબૂતીને કારણે શાહીન બાગ જેવા કોસ્મેટીક ધરણા-પ્રદર્શનની લાલી લિપસ્ટિક કડકડતી ઠંડીમાં પણ ઉતરવા માંડી છે. આ પ્રદર્શનો કેટલી હદે કોમવાદી અને દેશવિરોધી છે તેના વિષે સોશિયલ મિડીયામાં દરરોજ ઢગલાબંધ પુરાવાઓ સામે આવતા જાય છે. પછી તે નાના અને કુમળા મનના બાળકો પાસે દેશવિરોધી સુત્રોચ્ચાર કરવાનું સત્ય હોય કે પછી ધરણા પર બેસેલી મહિલાઓ તેમજ પુરુષોને પ્રતિ શિફ્ટ 500 રૂપિયા આપવાની હકીકત હોય, બાબુ યે પબ્લિક સબ જાન ગઈ હૈ!
આ જ સોશિયલ મિડિયાને કારણે દેશના વામપંથી મિડિયાને પણ શાહીન બાગ અને તેના આસપાસના વિસ્તારના લોકોને આ કોસ્મેટીક ધરણા પ્રદર્શનને કારણે રોજીંદુ જીવન જીવવામાં કેટલી તકલીફ પડે છે એ બતાવવું પડ્યું છે. શાહીન બાગની આસપાસના લોકોને દિલ્હીની બહાર ધંધા રોજગાર માટે બહાર જાવું હોય તો પાંચ કિલોમીટર ફરીને જવું પડે છે કારણકે મૂળ રસ્તો બંધ છે. જો ખરેખર દેશના હિતમાં આ કોસ્મેટીક ધરણા પ્રદર્શન હોય તો દેશના આમ આદમીને તકલીફ આપવી જરૂરી છે ખરી? કદાચ આ લોકો એવી દલીલ પણ કરી શકે છે કે દેશ માટે આટલી તકલીફ તો સામાન્ય નાગરિકે લેવી જોઈએ, પરંતુ પ્રતિદલીલ એવી જરૂર કરી શકાય કે જો દેશનો બહુમતિ આમ નાગરિક તમારા પ્રદર્શન સાથે કે તેના વિષય સાથે સહમત નથી તો પછી તેને તમારા સ્વાર્થી એજન્ડાને આગળ વધારવા તેમને શા માટે તકલીફ આપવી.
શાહીન બાગના પ્રદર્શનો કેટલી હદે એકતરફી છે એનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ત્રણ દિવસ અગાઉ ટીવી ન્યૂઝ ચેનલ ન્યૂઝ નેશનના એડિટર અને જાણીતા પત્રકાર દિપક ચૌરસિયા અહીં રીપોર્ટીંગ કરવા માટે આવ્યા. હજી તો દિપક ચૌરસિયા પોતાનું રીપોર્ટીંગ શરુ કરે કે પ્રદર્શનકારીઓએ તેમની સાથે અને તેમના કેમેરામેનની ધક્કામુક્કી શરુ કરી દીધી અને છેવટે તેમણે આ સ્થળ છોડવું પડ્યું. મજાની વાત એ છે કે આ જ સ્થળે અમુક દિવસો પહેલા રવિશ કુમાર અને રાજદીપ સરદેસાઈ બંને આવી ચૂક્યા હતા અને તેમણે શાંતિથી પોતાનું ‘કાર્ય’ કર્યું હતું.
તો દિપક ચૌરસિયા સાથેજ આમ કેમ થયું? એટલા માટે કારણકે આ ઘટનાના બે જ દિવસ પહેલા ચૌરસિયાએ પોતાના કાર્યક્રમમાં એક મુસ્લિમ ધાર્મિક આગેવાનની પોલ ખુલ્લી પાડી હતી કે તેમને CAA વિષે કોઈજ જ્ઞાન નથી અથવાતો અર્ધજ્ઞાન જ છે. આવી જ એક ઘટના ઝી ન્યૂઝ સ્ટુડિયોમાં પણ બની હતી જ્યારે એક બીજા મુસ્લિમ ધાર્મિક આગેવાને પોતાની પાસે NRCનું ગેઝેટ છે એમ કહીને એક કોરો કાગળ વાંચવા માંડ્યા હતા. જ્યારે એન્કરે આ કાગળ પોતાને દેખાડવાનું કહ્યું ત્યારે તમે મારા પર હુમલો કરી રહ્યા છો એવું કહીને આ મુસ્લિમ ધાર્મિક આગેવાન છટકી ગયા હતા.
આજે એક બીજો વિડીયો સામે આવ્યો છે જેમાં શાહીન બાગના કોસ્મેટીક ધરણા પ્રદર્શનના કહેવાતા આયોજક શારજીલ ઈમામ કહી રહ્યા છે કે તેઓ આસામના મુસ્લિમો સાથે મળીને આસામને બાકીના ભારતથી અલગ કરી દેશે. તો CAA વિરોધના ‘રાષ્ટ્રીય શાયર’ બની ચુકેલા મુનવ્વર રાણાએ એક લાઈવ ટોક શોમાં મહિલા એન્કરે જ્યારે તેમને તીખો સવાલ કર્યો ત્યારે આ કવિ જીવડો તેમનું અપમાન કરી બેઠો હતો.
We will cut the Chicken neck of India so that Indian Army couldn’t reach the Assam. We will use @kanhaiyakumar to instigate people living in Chicken neck area, says mastermind of #ShaheenBagh protest, Sharjeel Imam. pic.twitter.com/FstJkkRYgh
— Indian Military Updates (@MilitaryUpdate_) January 24, 2020
આ છે તમામ વામપંથીઓ, સેક્યુલરો તેમજ તટસ્થ ભારતીયોનો મૂળ એજન્ડા અને બહુ ડર સાથે કહેવું પડે છે કે આ તો કદાચ પાશેરામાં પહેલીજ પૂણી છે અને જેમ જેમ વધુને વધુ ભારતીયોને CAA અને NRC વિષે સાચી માહિતી મળતી જશે તેમ તેમ તેઓ આ પ્રકારના કોસ્મેટીક વિરોધથી દૂર થતા જશે અને તેમ તેમ આ હતાશ થયેલા વામપંથીઓ, સેક્યુલરો વધુને વધુ હિંસક થતા જશે.
પરંતુ સાચા ભારતીયોએ આ ભારત મંથનમાંથી પસાર થવું જ રહ્યું. ગમે તે થાય પરંતુ સત્યને આપણે જ સામે લાવવું રહ્યું કે CAA હોય કે પછી NRC એક પણ ભારતીયને તેનાથી કોઈજ અવળી અસર થવાની નથી. કદાચ શાહીન બાગ પ્રદર્શનો દિલ્હી વિધાનસભાની ચૂંટણી સુધી જ હોય પરંતુ ગમે તે પરિસ્થિતિમાં આપણે બધાએ સત્ય સાથે રહીને અસત્યને સતત ઉઘાડા પાડતું રહેવું પડશે અને તો જ શાહીન બાગ જેવી દુર્ઘટનાઓ પર કાબુ મેળવી શકાશે અને દેશમાં હિંસાચાર ફેલાતો અટકાવી શકાશે.
૨૫ જાન્યુઆરી ૨૦૧૯, શનિવાર
અમદાવાદ
eછાપું