સલમાન ખાને અમેરિકા ખાતે પાકિસ્તાની આયોજક દ્વારા આયોજીત એક લાઈવ શો માં ભાગ ન લેવાનું નક્કી કરીને પોતાનો આગામી અમેરિકા પ્રવાસ રદ્દ કર્યો હોવાના સમચાર પ્રાપ્ત થયા છે.

મુંબઈ: અભિનેતા સલમાન ખાને અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં પોતાનો એક લાઈવ શો કેન્સલ કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. એક સમાચાર વેબસાઈટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ શોનો આયોજક પાકિસ્તાની છે અને તે ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓના ફંડીગ માટે જાણીતો છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે સલમાન ખાને ઉપરોક્ત હકીકતને ધ્યાનમાં લઈને તેમજ પોતાના દ્વારા શો માં ભાગ લેવાના કારણસર ભારતમાં વિરોધ ઉભો ન થાય તે માટે પોતાનું હ્યુસ્ટન જવું કેન્સલ કર્યું છે. રેહાન સિદ્દીકી નામનો આ વ્યક્તિ ઘણા સમયથી ભારતીય કલાકારોના શો અમેરિકામાં આયોજીત કરે છે.
પરંતુ એવું કહેવામાં આવે છે કે રેહાન આ જ કાર્યક્રમો દ્વારા એકઠા કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિના ફંડીગ માટે કરતો રહ્યો છે. રેહાને અત્યારસુધી અમેરિકામાં 400થી પણ વધુ લાઈવ શો આયોજીત કર્યા છે જેમાં મીકા સિંગ, સૈફ અલી ખાન, પંકજ ઉધાસ અને રેપર બાદશાહના લાઈવ શો પણ સામેલ છે.
ઉપર જણાવવામાં આવેલી વેબસાઈટમાં એવો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો કે રેહાન સિદ્દીકી નજીકના ભવિષ્યમાં અમેરિકામાં CAA વિરુદ્ધ દેખાવ આયોજીત કરવાની યોજના પણ બનાવી રહ્યો છે.
eછાપું