શિવસેનાની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારના મહત્ત્વના ઘટક એવા NCPના અધ્યક્ષ શરદ પવારને સરકારના જ બે વિભાગોનો વિરોધ હોવા છતાં ઉદ્ધવ ઠાકરેએ એક મોકાની જમીન સસ્તા દરે ફાળવી દીધી છે.

મુંબઈ: મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના સાથી પક્ષ નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના (NCP) અધ્યક્ષ શરદ પવારને રૂ. 10 કરોડના મૂલ્યની 51 હેક્ટર જમીન સસ્તા ભાવે આપી દીધી હોવાના સમાચાર અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયા છે.
શરદ પવારના વસંતદાદા સુગર ઇન્સ્ટીટયુટને (VSI) મહારાષ્ટ્ર સરકારના રેવન્યુ તેમજ નાણા ખાતાના વિરોધ છતાં ઉદ્ધવ સરકારે પાણીના મૂલે મહારાષ્ટ્રના જાલના ખાતે આવેલી આ જમીન સોંપી દેવાનો નિર્ણય કર્યો છે. આ જમીનનો મૂળ હેતુ રાજ્ય સરકારના સીડ ફાર્મ માટે જમીન ફાળવવાનો હતો પરંતુ VSIએ આ જમીનની માંગણી તેના શૈક્ષણિક અને સંશોધનની પ્રવૃત્તિના વિસ્તરણ માટે કરી હતી.
મહારાષ્ટ્રના રેવન્યુ વિભાગે 1997ના સુપ્રિમ કોર્ટના આદેશનો હવાલો આપીને શરદ પવારની સંસ્થાને ઓછા દરે આ જમીન આપવાનો વિરોધ કર્યો હતો જેને રાજ્ય સરકારના નાણા ખાતાએ પણ સમર્થન આપ્યું હતું. એટલુંજ નહીં પરંતુ નાણા ખાતાએ VSIને જો આ જમીન આપવાની જ હોય તો તેને બજાર ભાવે આપવાની સલાહ પણ આપી હતી.
પરંતુ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાનીજ સરકારના આ બંને વિભાગોના વિરોધને નજરઅંદાજ કરીને રેવન્યુ વિભાગને સૂચના આપી હતી, જેના કબજામાં આ જમીન છે, કે તે કાયદા વિભાગની સલાહ લઈને અને આ જમીન શરદ પવારની સંસ્થા VSIને ફાળવી દે અને તે માટે જે કોઇપણ શરતો ઉમેરવી પડે તે કરાર પત્રમાં ઉમેરી દે.
eછાપું