લોટરી: GST ભરેલું બીલ દેખાડો અને 1 કરોડ જીતો!

0
248
Photo Courtesy: amazonaws.com

સામાન્ય પ્રજામાં GST ભરીને જ ખરીદી કરવા પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક અનોખી યોજના તૈયાર કરી છે જે અંગે આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવે તેવી સંભાવનાઓ છે.

Photo Courtesy: amazonaws.com

નવી દિલ્હી: સામાન્ય જનતામાં GST ભરવા અંગે જાગૃતિ લાવવા અને GST ભરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકાર એક લોટરી યોજના લાવવા અંગે વિચારી રહી છે. આમ કરવાથી ગ્રાહકો કોઇપણ વસ્તુ ખરીદતી વખતે GST ભરેલું બીલ લેવાનો જ આગ્રહ કરશે તેવી આશા સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડીરેક્ટ ટેક્સીઝ એન્ડ કસ્ટમ્સના (CBIC) સભ્ય જ્હોન જોસેફે એક સમારંભમાં જણાવ્યું હતું કે માલ અને સેવા કર (GST) હેઠળના દરેક બીલધારક ગ્રાહકને યોગ્યરીતે કર ભરવાના પ્રોત્સાહન બદલ લોટરી જીતવાની તક સરકાર આપશે. આ લોટરીની કિંમત રૂ. 10 લાખથી માંડીને રૂ. 1 કરોડ સુધીની હોઈ શકે છે.

જોસેફનું કહેવું હતું કે આમ કરવાથી ગ્રાહક જે GSTનો સહુથી ઉંચો દર 28% ભરવાથી બચવાની કોશિશ કરે છે તેને આ રકમ બચાવવાને બદલે તે કરની રકમથી તેને કેટલાય ગણી મોટી રકમ જીતવાની તક મળશે અને આથી તે GST ભરવા માટે પ્રેરાશે. જોસેફે કહ્યું હતું કે આ પ્રકારની લોટરી એ દેશના ગ્રાહકોની કર ભરવાની વર્તણુંકમાં ફેરફાર લાવશે.

આ લોટરી યોજના અનુસાર GST દરના કોઇપણ સ્તર હેઠળ લેવામાં આવેલા બીલને GST પોર્ટલ પર ગ્રાહકે અપલોડ કરવું પડશે અને ત્યારબાદ આ પોર્ટલ પર એક ચોક્કસ દિવસે આપોઆપ ડ્રો થશે અને વિજેતાને તે અંગે જાણકારી આપવામાં આવશે.

સરકાર લોટરી માટે યોગ્ય એવી GST ભરેલા બીલની ઓછામાં ઓછી રકમ પણ નિર્ધારિત કરશે. લોટરી માટેના નાણા કન્ઝ્યુમર વેલ્ફેર ફંડમાંથી આપવામાં આવશે જેમાં ખોટી રીતે નફો રળનાર કંપનીઓનો દંડ જમા કરવામાં આવતો હોય છે.

આ ઉપરાંત GST કલેક્શનના છીંડા પૂર્વ માટે સરકાર લોટરી ઉપરાંત QR Code આધારિત વ્યવહારો શરુ કરવા પર પણ ધ્યાન આપી રહી છે. આ તમામ પગલાંઓ અંગેનો નિર્ણય આવનારી GST કાઉન્સિલની બેઠકોમાં લેવામાં આવશે તેવી સંભાવનાઓ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here