આક્રોશ: દિલ્હીના કોંગ્રેસ નેતાનો ચિદમ્બરમને વેધક સવાલ

0
240

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં કોઈને મોઢું ન દેખાડવા લાયક પરાજય મળવા છતાં વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો આનંદનો અનુભવ કરી રહ્યા છે તેમને દિલ્હીના જ એક આગેવાને વેધક સવાલ કર્યો છે.

નવી દિલ્હી: ગઈકાલે આવેલા દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને ફરીથી શૂન્ય બેઠક સાથે સંતોષ માનવો પડ્યો છે. તેમ છતાં કેટલાક વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો ભાજપા સત્તાથી દૂર રહી એમ માનીને આનંદ વ્યક્ત કરી રહ્યા છે.

આવા જ એક વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન છે દેશના પૂર્વ ગૃહમંત્રી તેમજ નાણામંત્રી પી ચિદમ્બરમ. તેમણે ગઈકાલે આવેલા પરિણામો બાદ Tweet કરી હતી અને કહ્યું હતું કે દિલ્હીના લોકોને તેઓ સલામ કરે છે કારણકે તેમણે 2021 અને 2022ની ચૂંટણીઓ જે રાજ્યોમાં આવવાની છે તેમના નાગરીકોને દિશા દેખાડી છે.

આ Tweet પર દિલ્હી રાજ્ય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શર્મિષ્ઠા મુખરજીએ વાંધો લેતા Tweet કરી હતી અને કહ્યું હતું કે,

સર, શું કોંગ્રેસે ભાજપાને રાજ્યોમાં હરાવવા માટેનું કાર્ય સ્થાનિક પક્ષોને આઉટસોર્સ કર્યું છે? જો એમ ન હોય તો શા માટે આપણે આપ ના વિજય પર આટલા ખુશ થઇ રહ્યા છીએ અને આપણી શરમજનક હાર પર ચિંતા વ્યક્ત નથી કરી રહ્યા? જો તમારો જવાબ હા માં હોય તો અમારે પ્રદેશ કોંગ્રેસ કમિટીની ઓફિસ બંધ કરી દેવી જોઈએ.

હાલમાં દિલ્હી મહિલા કોંગ્રેસના ચીફ એવા શર્મિષ્ઠા મુખરજીએ અગાઉ પણ કોંગ્રેસની હાર અંગે કહ્યું હતું કે શું આપણે એ વાતનો સ્વીકાર ન કરી શકીએ કે આપણે જ આપણા ઘરને વ્યવસ્થિત કરવાની જરૂર છે? જ્યારે અન્ય પક્ષો દેશ જીતવા નીકળ્યા છે ત્યારે કોંગ્રેસ ખુદ કોંગ્રેસને જીતવાના પ્રયાસો કરી રહી છે. જો આપણે બચવું હશે તો આપણે પડઘા પાડતા ઓરડાઓમાંથી બહાર નીકળવું પડશે.

શર્મિષ્ઠા મુખરજી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીના પુત્રી છે.

દિલ્હી વિધાનસભાની હાલની ચૂંટણીઓમાં કોંગ્રેસ 66 બેઠકો પર લડી હતી જેમાંથી 63 બેઠકો પર તેની ડિપોઝીટ જપ્ત થઇ ગઈ હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here