સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે શરુ કરવામાં આવેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના દેશવાસીઓમાં અને ખાસકરીને મહિલાઓમાં લોકપ્રિય બની રહી હોવાનું સરકારના રાજ્યસભામાં આપવામાં આવેલા લેખિત જવાબ પરથી ફલિત થાય છે.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ કુલ 15 કરોડથી પણ વધુની સંખ્યામાં લોન આપવામાં આવી છે જેનું કુલ મૂલ્ય રૂ. 4.78 લાખ કરોડ જેટલું થવા જાય છે. બુધવારે રાજ્યસભાને આપવામાં આવેલા એક લેખિત જવાબમાં નાણા અને કોર્પોરેટ મામલાઓના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે ઉપરોક્ત માહિતી આપી હતી.
ઠાકુરે પોતાના જવાબમાં માહિતી આપી હતી કે,
PMMY યોજનાની શરૂઆતથી 31.01.2020 ના દિવસ સુધી 15 કરોડથી પણ વધુ સંખ્યામાં લોન માત્ર મહિલાઓમાં વહેંચવામાં આવી છે, જેનું કુલ મૂલ્ય રૂ. 4.78 લાખ થવા જાય છે.
આ અંગે વધુ માહિતી આપતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે PMMY હેઠળ ઉત્પાદન, પ્રોસેસિંગ, ટ્રેડીંગ, સેવાઓ તેમજ કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ માટે લોન આપવામાં આવે છે જેથી આવક આધારિત પ્રવૃત્તિઓ શરુ થાય અને જેને કારણે રોજગારીમાં વધારો થાય. જો કે કાર્યના પ્રકાર અંગે કેન્દ્ર સરકાર કોઈજ વિગતો ધરાવતી નથી.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મહિલાઓ દ્વારા લેવામાં આવેલી લોનની યાદીમાં તમિલનાડુ રૂ. 58,227.47 કરોડ સાથે ટોચ પર છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ રૂ. 55,232.19 કરોડ અને કર્ણાટક રૂ. 47,714.04 કરોડ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવે છે.
અનુરાગ ઠાકુરના લેખિત જવાબમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દેશના કેન્દ્રશાસિત પ્રદેશો મુદ્રા યોજના હેઠળ લોન લેવામાં સહુથી ઓછા ઉત્સાહિત છે. દમણ અને દીવમાં રૂ. 10.28 કરોડની લોન લેવામાં આવી છે જ્યારે અંદામાન નિકોબારમાં રૂ. 94.80 કરોડ તેમજ લક્ષદ્વીપમાં રૂ. 5.07 કરોડની લોન આપવામાં આવી હતી.
eછાપું