નમસ્તે ટ્રમ્પ!: સોરી…અમારે ત્યાં પણ દોઢ ડાહ્યાઓની કમી નથી!

0
312
Photo Courtesy: aljazeera.com

જાગો ગરીબડાંઓ, કાલે આપણે જગતનું પાંચમા નંબરનું અર્થતંત્ર બન્યા, 100 કરોડ તો ભારત માટે ચણા-મમરા પણ નથી. પ્રિય સ્વજન, દેશને તમારી ખામોશીની તાતી આવશ્યકતા છે, મા ભોમની મદદ કરો!

Photo Courtesy: aljazeera.com

એક નાનકડી વાર્તા: એક ઘરમાં એક બાઈ ઘરકામ કરતી હતી. શેઠાણી ઠીક-ઠીક પગાર આપે, તેની સામે બાઈ વહેલી સવારે જ પોતાનાં ઘેરથી નીકળી, બસમાં બેસી શેઠાણીને ત્યાં આવી જાય. ઢળતી સાંજે ફરી સિટી બસ પકડી ને પોતાને ઘેર પહોંચે. આખો દિવસ શેઠાણીને ત્યાં વિતે. ઝાડું-પોતા, કપડાં, વાસણ અને બીજાં બધાં જ કામ કરી આપે. એક દિવસ બાઈને પાંચ કરોડની લોટરી લાગી. બાઈ રાજી-રાજી, શેઠાણી ખુશખુશાલ. શેઠાણીને થયું કે, બાઈ હવે કોઈ મોટી દુકાન લેશે કે સારો બિઝનેસ કરશે. તેમને ચિંતા એ પણ હતી કે, કોઈ નવી, સારી બાઈ શોધવી પડશે. તેમણે બાઈને પૂછ્યું:

“હવે તો તું ખુદ શેઠાણી થઈ ગઈ, આટલા બધા પૈસાનું શું કરીશ?”

બાઈએ ઉત્સાહમાં આવી ને જવાબ આપ્યો:

“શેઠાણીજી, હું તો એક મસ્ત ગાડી લઈશ અને હવેથી તમારે ત્યાં રોજ એ ગાડીમાં જ કામે આવીશ, બસની રાહ જોવાની જ નહીં!”

ગરીબ હોવું એ પાપ નથી, ગરીબી દિમાગમાં ન ધોળાઇ જાય, રક્તકણો અને શ્વેતકણો સાથે એ પણ આપણી ભીતર વહેવા ન માંડે, તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે, એ જાણ્યા પછી ચોધાર આંસુએ રડતાં વાંકદેખાઓને જોયા અને આ વાર્તા મને યાદ આવી.

ગઈકાલે જ અન્ય એક સમાચાર આવ્યા: “ભારત હવે બ્રિટનને પાછળ છોડી જગતનું પાંચમા નંબરનું અર્થતંત્ર બની ગયું છે!” પણ, કેટલાક લોકોનાં દિમાગમાંથી ગરીબી હટતી નથી. કમ ઑન, હવે તમે આર્થિક મહાસત્તા છો, 100 કરોડ શું કોઈ એવી તોતિંગ રકમ છે? ના. એટલા તો કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન સુરેશ કલમાડી બ્રેકફાસ્ટમાં ખાઈ જતા હતા અને સોનિયા ગાંધી તથા રાહુલ અને પ્રિયંકા જ્યારે વડા પ્રધાન હતા, એ દસ વર્ષ દરમિયાન રોબર્ટ વાડ્રાનો રોજ પણ એનાંથી વધુ હતો.

કેટલાક લોકોને દીવાલ સામે વાંધો છે, કોઈને વળી એવો વાંધો પડ્યો કે, અમેરિકા તો ક્રિકેટ રમતું જ નથી, તો ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન અમેરિકાના પ્રમુખને હસ્તે શા માટે! અજબગજબ દેશ છે. આ જ દેશમાં વર્ષોથી સર્વોચ્ચ સ્પોર્ટ્સ એવોર્ડ એવી વ્યક્તિના નામે અપાય છે, જેને રમતગમત સાથે નાડી-નેફાનો નાતો પણ ન હતો. રાજીવ ગાંધી ખેલ પુરસ્કાર. બીજું, પ્રિય સ્વજન, જાણી લો કે, મોટેરામાં ક્રિકેટ ઉપરાંત દસ રમતો માટે વ્યવસ્થા છે. ત્રીજું, જે વિષયમાં આપણું નૉલેજ ન હોય તેમાં મૌન રહીએ તો ઓછી ન થાય, એટ લિસ્ટ લોકોને આપણી બુદ્ધિ વિશે ભ્રમ તો રહે! ગ્લોબલ પોલિટિક્સ તો મનમોહન સિંહને પણ સમજાયું ન હતું, આપણે તો પપેટ પી.એમ. સુદ્ધાં નથી. બે મહાસત્તાઓ એકબીજા પ્રત્યેનું કમિટમેન્ટ વ્યક્ત કરી રહી છે, તેમાંથી ભારત માટે હાલ કશું જ ઉપજતું ન દેખાય તો પણ મુલાકાત અને આઇટિનરી સ્વયં એક સંધિ છે, જોઈન્ટ સ્ટેટમેન્ટ અને મજબૂત સંદેશ છે. જો આ મુદ્દાઓ સમજાતા ન હોય તો કૃપા કરી ને તેનું કવરેજ જોવાનું ટાળો અને આ બે-ચાર દિવસમાં કોઈ બે-ત્રણ મસ્ત વેબ સિરીઝ જોઈ નાંખો. દેશને તમારી ખામોશીની તાતી જરૂરિયાત છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here