ગુજરાતી કવિઓમાં અનેરું સ્થાન ધરાવતા કવિ નાન્હાલાલની કવિતા મ્હારાં નયણાંની આળસ રે.. નો રસાસ્વાદ માણીએ આ આર્ટીકલમાં.

મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું રે, ન નીરખ્યા ઝાંખી કરી.
શોક-મોહના અગ્નિ રે તપે તેમ તપ્ત થયા;
નથી દેવનાં દર્શન કીધાં રે, તેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ એક ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.
નાથ ગગનના જેવા રે, સદા મને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે, સદા મુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખડલી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ-અળગા રે, ઘડીયે ન થાય કદા.
પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ તેને ચેતનની ?
જીવે સો વર્ષ ઘુવડ રે, શી ગમ તેને દિનની!
સ્વામી સાગર સરિખા રે, નજરમાં ન માય કદી;
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ, વિરાટ’ વદી.
પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ! ક્યારે ઊઘડશે ?
એવાં ઘોર અંધારાં રે, પ્રભુ ! ક્યારે ઊતરશે ?
નાથ ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;
નેનાં ! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ.
– ન્હાનાલાલ
કવિ ન્હાનલાલની આશરે સો વર્ષ પહેલાં રચાયેલી આ સુંદર કવિતામાં હરિ એટલેકે સર્વવ્યાપક પરમશક્તિનો સાક્ષાત્કાર પામવાની માનવની ઉત્કટતાની વાત કહેવાઈ છે.
ઈશ્વર, પ્રભુ, ભગવાન કે હરિ આખરે તો એક પરમ શક્તિ છે જે સર્વત્ર વ્યાપી રહી છે. એ શક્તિ સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે. એ જ આ વિશ્વનું ચાલક બળ છે. એને શિવ કહો, હરિ કહો, રામ, અંબા, ગોડ, અલ્લા- કાંઈ પણ કહો છો. તેના કોઈ પણ સ્વરૂપની આરાધના કરવા મનુષ્ય તત્પર હોય છે. અહીં તેના એના એક દર્શનની ઝાંખી લેવા કવિ સદા ઉત્સુક છે પણ તેને લાગે છે કે દર્શન થતાં નથી. તે ઝાંખી કરી લઈ તેના અંતરમાં આત્મસાત કરવા તલસે છે પરંતુ ‘હરિ’ કે તે દિવ્યશક્તિ તેને તો પોતાનાથી દૂર ને દૂર જતી ભાસે છે.
કવિ તે માટે દોષ હરિને નથી દેતો, તે પોતાને જ દોષ દે છે.
મારાં નયણાના આળસ રે ન નિરખ્યા હરિ ને જરી
શોક-મોહ (એટલે તેમાં કામ, ક્રોધ, લોભ જેવી વૃત્તિઓ પણ આવી જાય), તેના અગ્નિમાં જાતને તપાવી, તેમાંથી જ હૂંફ મેળવતાં રચ્યા પચ્યા રહી આખરે એ પરમ શક્તિ સમીપે જવા ઈચ્છે છે ત્યારે તેને જ્ઞાન થાય છે કે એક અણુ જેટલી જગ્યા પણ, પુરા બ્રહ્માંડમાં એટલેકે સચરાચરમાં તે પરમ શક્તિના વ્યાપ વિનાની ખાલી નથી.
તે અત્ર, તત્ર, સર્વત્ર છે. જરૂર છે માત્ર ‘આંખ ઉઘાડવાની’, યોગ્ય રીતે દ્રષ્ટિ કરવાની. એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની તરકીબની જાણ ન થાય તો જેમ ઘુવડ રાત્રીના અંધારામાં સો વર્ષ જીવેતો પણ દિવસનો પ્રકાશ કેવો હોય તેની તેને ખબર જ પડતી નથી તેમ એ અજ્ઞાન જ રહે છે. પોતે પરમશક્તિની વિરાટતા પામી શકતો નથી જે પામવાની તેની તીવ્ર ઝંખના છે.
એટલે જ અત્રે અલગ અલગ પંક્તિઓમાં કવિ નાથ અથવા હરીને વિનવે છે.
નાથ ગગનના જેવા રે સદા મને છાઈ રહે,
સદા મુજ ઉરમાં વહે.
એ પરમતત્વની વિરાટતા તો તે સમજે જ છે.
સ્વામી સાગર સરીખા.. નજરમાં ન માય કદી
કે
પ્રભુ સઘળે વિરાજે રે , સૃજનમાં સભરે ભર્યા
આખરે પોતાનો દોષ સમજી આંખોને આળસ છોડવા અને પોતાની આસપાસ જોવા કહે છે. તે માટે પ્રભુને પણ અરજી કરે છે કે સહેજ પડદો ઉપાડે તો એક મટકું મારી પોતે અંતરતમમાં તેની છબી કોતરી લેશે.
આમ સઘળે વ્યાપી રહેલા ઈશ્વરને પામવા આળસ છોડી પોતાની જ ચોમેર દ્રષ્ટિ ફેરવવા કવિ સંદેશ આપે છે. જેવો નરસિંહ મહેતાએ આપેલો ‘
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે
eછાપું