ગંગુબાઈ જ્યારે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને મળવા દિલ્હી પહોંચી…

0
585

ગંગુબાઈ કાઠીયાવાડીએ મુંબઈના રેડ લાઈટ વિસ્તાર એવા કમાઠીપુરામાં પોતાની ધાક તો જમાવી લીધી હતી પરંતુ ત્યારબાદ પણ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો હતો અને આવી જ એક મુશ્કેલીનો ઉકેલ લાવવા તેઓ પંડિત જવાહરલાલ નહેરુને મળ્યા હતા.

મધુના રુદનનો અવાજ એટલો તીવ્ર હતો કે ‘ગંગુબાઈ કાઠેવાલી’ ભૂતકાળમાંથી વર્તમાનમાં સરી પડી અને જોરથી બોલી, ‘મહેરબાની કરીને તું રડવાનું બંધ કરીશ? લોકોને લાગતું હશે કે હું તને સતાવું છું અને ત્રાસ આપું છું.’

‘પ્લીઝ, મને અહીંથી જવા દ્યો’, મધુ રડતાં રડતાં બોલી.

ગંગુબાઈએ મધુના ગાલ પર હાથ રાખીને પૂછ્યું, ‘ધાર કે હું તને અહીંથી જવા દઉં, તો તું ક્યાં જઈશ અને શું કરીશ?’

‘હું રત્નાગીરીમાં મારા ગામમાં જઈશ.’

‘કોની પાસે?’

‘આ કેવો સવાલ છે? મારા મા-બાપ પાસે, બીજા કોની પાસે?’

‘એ છોકરી…મને સીધી રીતે જવાબ આપ. સમજાયું?’

16 વર્ષની મધુએ તરત જ માફી માંગી. ગંગુબાઈએ કહ્યું, ‘તને ભાન છે કે તું ગામડેથી શ્રવણ સાથે ભાગીને આવી અને કમાઠીપુરામાં રહેલી છે એ ખબર પડતાં જ ગામવાળાઓ તને અને તારા મા-બાપને નાતબહાર કાઢી મૂકશે.’

‘જો હું મારા મા-બાપને કહું જ નહીં કે હું અહીં હતી, તો તેઓ કદાચ મને સ્વીકારી લે.’

થોડીવાર શાંત રહીને ગંગુબાઈએ ખુલાસો કર્યો, ‘તારી જેમ, હું પણ મારા ઘરેથી ભાગીને આવેલી. મારા પતિએ મને અહીં વેંચી મારેલી. હું પાછી કાઠિયાવાડ ગઈ જ નહીં કારણ કે મને ખબર હતી કે મારા મા-બાપ મને મારી નાખશે. અહીં એક વિનિતા નામની છોકરી હતી તે જ્યારે પોતાના મા-બાપ પાસે પાછી ગઈ ત્યારે તેના ગામવાળાઓએ તેણીને મારી નાખી.’

‘એનો મતલબ એ કે મારે હંમેશા અહીં જ રહેવું પડશે?’

‘હું એવું નથી કહેતી. હું એમ કહું છું કે શું તું તારા મા-બાપને મનાવી લઈશ?’

‘હું કોશિશ કરીશ. મેં જે કર્યું છે તેનું ફળ મને મળી ગયું છે. હું એક વાર તેમની માફી માંગીશ. જો તેઓ મને માફ નહીં કરે તો હું રત્નાગીરીમાં કોઈ નાની નોકરી કરી લઈશ.’

ગંગુબાઈએ મધુની આંખોમાં જોયું અને તરત જ ઓરડીનો દરવાજો ખોલી રશ્મિ મેડમને બોલાવીને કહ્યું, ‘આને જવા દ્યો. આને અહીં રાખવા જેવું નથી.’

‘પણ આપણે તેની માટે પૂરાં એક હજાર રૂપિયા ચૂકવ્યા છે,’ રશ્મિ બોલી.

‘મને ખબર છે. એ હજાર રૂપિયા આપણા ધંધાનું નુકસાન સમજજો. મધુને રત્નાગીરીની બસમાં બેસાડી દેજો. પપ્પુને મધુ સાથે બસ-સ્ટેન્ડ સુધી મોકલજો’, આટલું કહીને ગંગુબાઈ ત્યાંથી નીકળી ગઈ.

આ વાત આખાયે કમાઠીપુરામાં દાવાનળ માફક ફેલાઈ ગઈ. ગંગુબાઈ ફક્ત ધંધા અને પૈસાને જ નથી માનતી, પણ સ્ત્રીઓની લાગણીઓને પણ સમજે છે, આ વાત લોકોને ગમી. મધુ જેવી જ બીજી ઘણી સ્ત્રીઓએ ગંગુબાઈનો સંપર્ક કર્યો. જો કેસ સાચો લાગે તો ગંગુબાઈ ન્યાય અપાવતી, પણ જો ખોટો હોય તો ગંગુબાઈ જે તે ગણિકાને જવા ન દેતી. શૌકત ખાન જેવા પુરુષોથી ગણિકાઓને બચાવતી અને તેમને ‘સર્વિસ’ માટે પૂર્વનિર્ધારિત રૂપિયા અપાવતી.

***

શહેરમાં વેશ્યાગૃહ હોવા જોઈએ એ વાતની ગંગુબાઈ હંમેશા હિમાયત કરતી. ‘પુત્રીજન્મ’ અને ‘મહિલા સશક્તિકરણ’ માટે ઘણાં લોકોએ ગંગુબાઈની મદદ લીધેલી. ગણિકાઓમાં સાક્ષરતા અભિયાન પણ ચલાવેલું. બોમ્બેના આઝાદ મૈદાનમાં ગંગુબાઈએ આપેલું ભાષણ ખૂબ જ પ્રચલિત થયેલું. ભાષણ પહેલાં ગંગુબાઈને ‘કમાઠીપુરાની પ્રમુખ’ તરીકે રજૂ કરવામાં આવી. આ રીતે ગંગુબાઈ પહેલી વાર જાહેરમાં ભાષણ કરવાની હતી. પોતાના ભાષણની પહેલી જ લીટીથી લોકોને દિગ્મૂઢ કરી દીધાઃ

“હું એક ઘરવાલી છું, ઘર તોડવાવાળી નથી. તમારામાંથી ઘણાં લોકો આ શબ્દને કલંક તરીકે જોતાં હશે. પણ આ કલંકને કારણે જ કેટકેટલી સ્ત્રીઓની પવિત્રતા, અખંડિતતા અને નૈતિકતા સચવાઈ રહેલી છે. હિંદુસ્તાનના બીજા શહેરો કરતાં બોમ્બેની સડકો આજે વધુ સલામત છે. કોઈ છોકરી પર રસ્તા વચ્ચે જાતીય હુમલો થયો હોય એવા કિસ્સા બોમ્બેમાં બહુ ઓછા સાંભળવા મળે છે. હું કંઈ આપણા શહેરની પોલિસ ને વહીવટીતંત્રની ક્રેડિટ લેવા નથી માંગતી, પણ કમાઠીપુરાની કુખ્યાત સ્ત્રીઓને પણ થોડી ઘણી ક્રેડિટ આપવી રહી.

અમે છાતી ઠોકીને કહીયે છીએ કે અમે બીજી ઘરવાલી છીએ, પહેલી તો જેને પુરુષ પરણી લાવ્યો હોય તે જ છે. અમે પોતાની જાતને પુરુષોને સોંપીને સમાજની તમામ મહિલાઓ માટે મોટો ઉપકાર કરી રહ્યા છીએ. પુરુષોની શારીરિક જરૂરિયાતો પૂરી કરનારી થોડીક મહિલાઓ ખરેખર તમારા બધા પર હુમલો થવાથી બચાવે છે. આ મહિલાઓ પુરૂષના ‘આક્રમણ’ને હણવા માટે મદદ કરે છે. તમને એમ લાગતું હશે કે અમે જે કરીએ છીએ તેનાથી અમને આનંદ થતો હશે. વિશ્વાસ કરો, આ બધું અમારા માટે સરળ નથી. અમારામાંની મોટાભાગની સ્ત્રીઓ આ કરવા માટે મજબૂર છે કારણ કે તેમની પાછળ એક આખું કુટુંબ છે. મને એ સાંભળીને શરમ આવે છે કે સમાજ તેના સંરક્ષકોને જ આ નજરે જોઈ રહ્યો છે.

જેમ આપણા દેશના જવાનો છે, જે યુદ્ધના મેદાનમાં અવિરત લડતા રહે છે જેથી તમને કોઈ નુકસાન ન પહોંચે તેમ અમે વેશ્યાઓ, દરરોજ અમારી લડત લડી રહ્યા છીએ. તો પછી બંનેમાં ફરક કેમ? એક જવાનને પુરસ્કાર આપવામાં આવે છે, રાષ્ટ્રીય સન્માન આપવામાં આવે છે, જ્યારે વેશ્યાઓનું અપમાન કરવામાં આવે છે. આવું કેમ? મને જવાબ આપો. તમારી કોઈની પાસે જવાબ નહીં હોય કારણ કે તમે બધાએ જ આ પ્રશ્નો ઊભા કર્યા છે. આ સમસ્યાનું એકમાત્ર સમાધાન છે કે આ સેક્સવર્કર્સને એકસમાન ગણવી. જે દિવસથી તમે આમને અપનાવશો, હું માનું છું કે સમાજે “મહિલા સશક્તિકરણ” પ્રાપ્ત કરી લીધું હશે.

જો હૈદરાબાદ જેવા રૂઢિવાદી શહેર તેના રેડ-લાઈટ વિસ્તારને ‘મહેબૂબ કી મહેંદી’ આવું નામ આપી શકે તો બોમ્બે જેવા મોટા શહેરમાં કમાઠીપુરા નામ પર ચીડ શું કામ? છેલ્લે હું એક જ વાત કહીશ. આપણે બધા આપણા ઘરોમાં ઓછામાં ઓછું એક શૌચાલય રાખીએ છીએ જેથી કરીને અન્ય રૂમમાં શૌચ અથવા પેશાબ ન થાય. આ એ જ કારણ છે કે દરેક શહેરમાં વેશ્યાવૃત્તિના આવા વિસ્તારોની આવશ્યકતા છે. હું સરકારને નમ્ર વિનંતી કરવા માંગુ છું કે સમાજમાં આવા રેડ-લાઈટ વિસ્તારો પણ રાખવામાં આવે.”

બીજે દિવસે ગંગુબાઈનું ભાષણ દરેક અખબારોમાં છવાઈ રહ્યું. કેટકેટલાય મંત્રીઓ, નેતાઓ અને પત્રકારો ગંગુબાઈને મળવા આવ્યાં.

***

તે દિવસોમાં (1950 અને 60ના દશકમાં) કમાઠીપુરાના પશ્ચિમી વિસ્તારમાં ગણિકાઓ રહેતી, જેમાં શુક્લાજી સ્ટ્રીટ, માનાજી રાવજી સ્ટ્રીટ અને ફોરસ રોડનો સમાવેશ થતો. કમાઠીપુરા 7મી ગલ્લીમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલમાં જવા માટે બાળાકોને આ વિસ્તારમાંથી પસાર થવું પડતું. ઉપરાંત, 1920માં સ્થાપિત સેંટ એન્થની કન્યાશાળાનો પ્રવેશદ્વાર બેલારિસ રોડ પર હતો. આ સ્કૂલની પાછળની તરફ કમાઠીપુરા 14મી ગલ્લી દેખાતી.

સ્કૂલના ટ્રસ્ટીઓ, વહીવટકારો અને આસપાસના રહીશોએ આ મુદ્દો ઉપાડ્યો કે સ્કૂલની આજુબાજુમાં વેશ્યાગૃહ હોવા એ યુવાનો અને બાળકોના મન પર ખરાબ છાપ છોડી શકે. આ બાબતે કમાઠીપુરા વિસ્તારમાંથી વેશ્યાગૃહ બંધ કરાવવાની એક ચળવળ શરૂ થઈ. અંતે ગણિકાઓએ ગંગુબાઈની મદદ લીધી.

આ મામલે ગંગુબાઈને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને તેમના દિલ્હીના ઘરે મળવાની પરવાનગી મળી. ઈતિહાસમાં પહેલી વાર કોઈ લોકલ વેશ્યાગૃહની ‘ઘરવાલી’ને આવી કોઈ પરવાનગી મળી હશે. તે દિવસે એક ખાનગી મુલાકાતમાં ગંગુબાઈએ નહેરુને રેડ-લાઈટ એરિયાની અગત્યતા સમજાવી. ગંગુબાઈએ પોતાનો મુદ્દો મૂક્યો અને એક જ વાક્ય કહ્યું, ‘કમાઠીપુરાની સ્કૂલ તો 1920માં બની. પણ વેશ્યાગૃહ તો તે પહેલાના છે. સ્કૂલ બાંધવાવાળા શું આંધળા હતા કે તેમને આ દેખાયું નહીં?’

નહેરુને ગંગુબાઈની વાત સમજાઈ. છતાં નહેરુએ ગંગુબાઈને કહ્યું, ‘આ ધંધામાં તું આવી જ શું કામ? એક સારો ઉદ્યોગ અને પતિ મળી જાય તો લગ્ન કરી લે.’

જવાબમાં ગંગુબાઈ બોલી, ‘જો તમે મને તમારી રખેલ બનાવી રાખશો તો હું આ ધંધો છોડી દઈશ.’

ગંગુબાઈની વાત સાંભળીને નહેરુ હેબતાઈ ગયા, પણ ગંગુબાઈએ શાંતિપૂર્વક કહ્યું, ‘પ્રધાનમંત્રીજી, ગુસ્સે ન થાઓ. મારે ફક્ત એટલું જ સાબિત કરવું હતું કે ઉપદેશ આપવો સહેલો છે પણ પાળવો મુશ્કેલ છે.’

છેવટે, નહેરુએ આ વાતનો નિવેડો લાવ્યો અને સ્કૂલ અધિકારીઓની ચળવળ પર પૂર્ણવિરામ મૂકી દીધું.

***

ગંગુબાઈમા છેલ્લા દિવસો વિશે વધુ જાણકારી નથી. મોટા ભાગના લોકોને સોનેરી બોર્ડર વાળી સફેદ સાડી અને સોનેરી બટનવાળા બ્લાઉઝમાં સજ્જ ગંગુબાઈ યાદ છે. તેણીને સોનાનો ખૂબ જ શોખ હતો એટલે તે પોતાના સોનાના ઘરેણાં હંમેશા લોકોને દેખાડતી. તેણીના ચશ્માની ફ્રેમ પણ સોનાની હતી અને એક દાંત પર પણ સોનાનું કવચ ચઢાવેલું હતું. તે સમયે ગંગુબાઈ એક જ એવી ‘ઘરવાલી’ હતી જેની પાસે કાળા રંગની બેન્ટલી કાર હતી. ગંગુબાઈએ કદી લગ્ન કર્યા નહોતા પણ તેના કમાઠીપુરાના ઘરમાં કેટલાક અનાથ બાળકોને દત્તક લીધેલા. ગંગુબાઈ રોજ પત્તા રમવા ક્લબમાં જતા, બીડી પીતા, રાણીછાપ તમાકુ ખાતા અને પાન પણ ખાતા. લગભગ 1975થી 1978ની વચ્ચે ગંગુબાઈનું અવસાન થયું અને થોડાં દિવસો પછી ગંગુબાઈનું પૂતળું કમાઠીપુરામાં મૂકવામાં આવ્યું. (અસ્તુ)

સંદર્ભઃ હુસૈન ઝૈદીનું પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’

આ પુસ્તકના ચાર યુટ્યુબ વિડીયોની લીંક નીચે આપેલી છેઃ

Part-1: https://www.youtube.com/watch?v=LSYFazqFVBg

Part-2: https://www.youtube.com/watch?v=M7FfJ30VXaU

Part-3: https://www.youtube.com/watch?v=MynY579ZQHI

Part-4: https://www.youtube.com/watch?v=PBN15RqI9dI

ગંગુબાઈ કાઠીયાવાડી સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here