REVIEW: ‘ગજરાજ’ કક્ષાનો અભિનય ધરાવતી ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’

0
170
Photo Courtesy: timesofindia.indiatimes.com

આપણા દેશમાં સમલૈંગિકતાને નફરતની નજરે જોવામાં આવે છે. જ્યારે આ પ્રકારની લાગણી ધરાવતો વ્યક્તિ એના જેવી જ લાગણી ધરાવતી બીજી વ્યક્તિ સાથે સંબંધ બાંધે ત્યારે તેની અને તેના પરિવારની શી હાલત થાય તે સમજી શકાય તેવી વાત છે. હવે એ જ વિષય પર જો બે કલાકની ફિલ્મ બનાવવામાં આવે તો તો શું થાય એની કલ્પના જ કરવી રહી.

Photo Courtesy: timesofindia.indiatimes.com

ફિલ્મ: શુભ મંગલ ઝ્યાદા સાવધાન

મુખ્ય કલાકારો: આયુષ્માન ખુરાના, જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, મનુ રિષી ચડ્ઢા, સુનિતા રાજવર, માનવી ગગરુ, પંખુડી અવસ્થી અને ગજરાજ રાવ

નિર્દેશક: હિતેશ કેવલ્ય

રન ટાઈમ: 119 મિનીટ્સ

કથાનક

વાર્તા અલ્હાબાદ એટલેકે પ્રયાગરાજની છે. અહીંનો અમન ત્રિપાઠી (જીતેન્દ્ર કુમાર) દિલ્હીમાં કોઈ ટુથપેસ્ટ બનાવતી કંપનીમાં સેલ્સ એક્ઝીક્યુટીવ છે અને પોતાની સાથે કામ કરતા અને દિલ્હીના જ કાર્તિક સિંગ (આયુષ્માન ખુરાના) સાથે પ્રગાઢ પ્રેમમાં છે. અમનનું ત્રિપાઠી પરિવાર રૂઢીચુસ્ત માન્યતા ધરાવે છે. અમનના પિતા શંકર ત્રિપાઠી (ગજરાજ રાવ) કૃષિ વૈજ્ઞાનિક છે અને એમણે કાળી ફૂલકોબી ઉગાડવાનું સંશોધન કર્યું છે.

કાકા ચમન ત્રિપાઠી (મનુ રિષી ચડ્ઢા) આમતો વકીલાત ભણ્યા છે પણ વકીલાત જોઈએ તેવી ચાલતી નથી. અમનની માતા સુનૈના ત્રિપાઠી (નીના ગુપ્તા) એ ભારતીય માતા જેવી માતા છે જેને અમનની ખૂબ ચિંતા હોય છે. તો ચંપા ત્રિપાઠી એટલેકે અમનની કાકી (સુનિતા રાજવર) સંયુક્ત પરિવારમાં હોય એવી જ કાકી જેવી છે જે મોટેભાગે સાસરામાં સંતુષ્ટ નથી હોતી પરંતુ તેમ છતાં પરિવારનો હિસ્સો બનીને રહે છે.

ચમન ત્રિપાઠીની એક પુત્રી ગોગલ (માનવી ગગરુ) પણ છે જેની ઉંમર લગ્નની તો છે પરંતુ તે પણ હવે વીતી જઈ રહી છે અને હવે માંડ માંડ એના લગ્ન એનાથી પણ બમણી ઉંમરના વ્યક્તિ સાથે નક્કી થયા છે. આ લગ્નમાં ભાગ લેવા માટે સુનૈના અમનને ભારપૂર્વક આમંત્રણ આપે છે. તો સામે પક્ષે અમન અને કાર્તિકને પણ કેટલીક મુશ્કેલીઓ છે જેને કારણે તેમણે દિલ્હી છોડીને કેટલાક દિવસો છુપાઈને રહેવું પડે તેમ છે.

આથી નછૂટકે અમન કાર્તિકને લઈને પોતાને ઘેર આવે છે. ગોગલના લગ્ન ગોમતી નગરમાં નક્કી થયા હોય છે એટલે સમગ્ર ત્રિપાઠી પરિવાર ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ‘વિવાહ એક્સપ્રેસ’ દ્વારા ગોમતી નગર જવા નીકળે છે. આ પ્રવાસ દરમ્યાન અમન અને કાર્તિક એક નબળી પળે પોતપોતાની સમલૈંગિક લાગણીઓ છુપાવી શકતા નથી અને ટ્રેનમાં જ આ  બંનેને આ લાગણીઓનો ઈઝહાર કરતા શંકર ત્રિપાઠી જોઈ જાય છે…

રિવ્યુ

જેમ આપણે આગળ વાત કરી એમ ભારતમાં સમલૈંગિકતાને લગભગ પાપ ગણવામાં આવે છે. ગયા વર્ષે પોતાના ઐતિહાસિક ચુકાદામાં કલમ 377 હેઠળ સુપ્રિમ કોર્ટે ઘણીબધી છૂટછાટ આપ્યા છતાં હજીપણ ભારતીય સમાજને આ લાગણીને સમજતા અને સ્વીકારતા વાર લાગશે. આવા સંજોગોમાં આ વિષય પર એક ફિલ્મ બનાવવી અને એ પણ મોટેભાગે સ્વચ્છ અને પારિવારીક ફિલ્મ બનાવવી એ કોઈ પડકારથી ઓછું ન જ હોઈ શકે.

બોલિવુડમાં મોટેભાગે સમલૈંગિક પુરુષોને અત્યારસુધી મજાકના પાત્ર તરીકે જ ચિત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ પાત્રો મેઈન લીડમાં હોય એવી ફિલ્મો કદાચ નગણ્ય જ છે. આથી આ ફિલ્મના ડાયરેક્ટર હિતેશ કેવલ્ય સામે આ એક મોટી ચેલેન્જ પણ હતી કે ફિલ્મના બંને મુખ્ય પાત્રોને સમલૈંગિક દર્શાવવા અને તેમ છતાં સ્વચ્છ મનોરંજનની હદ પાર પણ ન થાય અને સમલૈંગિક ભાવના દર્શાવતા પાત્રોને મજાક બનતા અટકાવવા.

સમગ્ર ફિલ્મ જોયા બાદ એવું જરૂર લાગે છે કે હિતેશ કેવલ્ય પોતાની પહેલીજ ફિલ્મમાં આ પ્રકારનું બેલેન્સ ધરાવવામાં સફળ રહ્યા છે. હા ફિલ્મમાં આયુષ્માન અને જીતેન્દ્ર કુમારના બે કિસિંગ સીન્સ છે અને એકાદ-બે જગ્યાએ દ્વિઅર્થી સંવાદોનો સહારો પણ લેવામાં આવ્યો છે પરંતુ વિશાળ ફલકમાં જો જોવામાં આવે તો આ બાબતો અવગણી શકાય તેમ છે કારણકે ક્યાંક તમને એ ફિલ્મની વાર્તાની જરૂરીયાત હોય એવું જરૂર લાગે છે.

ફિલ્મનો વિષય લાગણીપ્રધાન હોવા છતાં તેનું પોત હળવું રાખવામાં આવ્યું છે કારણકે તો જ આ ‘હટકે’ વિષયને થિયેટરમાં નિહાળતા વખતે દર્શકો બે કલાક પોતાની સીટ પણ બેઠા રહે. ફિલ્મ બે કલાકથી પણ લગભગ 25-27 સેકન્ડ નાની છે એ તેના માટે એક મોટું જમાપાસું છે કારણકે આવા નવા વિષયને બને તેટલા ઓછા સમયમાં પ્રસ્તુત કરી દેવામાં આવે એ જ ફિલ્મને બોક્સ ઓફિસ પર ચલાવવા માટે જરૂરી છે.

શુભ મંગલ ઝ્યાદા સાવધાનમાં કુલ સાત ગીતો છે એમાંથી બે રિમિક્સ છે અને આ બે રિમિક્સમાંથી એક ફિલ્મના અંતમાં ક્રેડિટ્સ સાથે જોવા-સાંભળવા મળે છે. બાકી રહેલા પાંચ ગીતોમાંથી આયુષ્માન ખુરાનાએ જાતે ગાયેલું (જે તેની લગભગ બધીજ ફિલ્મોમાં સામાન્ય ઘટના બની ગઈ છે) “મેરે લીયે તુમ કાફી હો” વધુ સારું અને મધુરું બન્યું છે જેને સાંભળવાની મજા આવે છે અને બાકીના ગીતો મોટેભાગે ખાનાપૂર્તિ કરે છે.

અમનની વાગદત્તા બનતી કુસુમ એટલેકે ટીવી સિરિયલ કલાકાર પંખુડી અવસ્થી મોટાભાગના જાણીતા ચહેરાઓ વચ્ચે આપણને રીફ્રેશ કરે છે અને તે પણ માત્ર તેના સુંદર લૂક્સ દ્વારા જ નહીં પરંતુ અદાકારી દ્વારા પણ. એનું વારેવારે શરમાવું અને લગ્ન બાદ અલ્હાબાદ પરત આવતા બસમાં તેનું જીતેન્દ્ર કુમાર સાથેનું ડિસ્કશન, આ બધા દ્રશ્યોમાં પંખુડીએ આપણને મજા કરાવતો સબળ અભિનય કર્યો છે.

માનવી ગગરુ પણ ફિલ્મનો મહત્ત્વનો ભાગ છે અને તેણે પણ બિન્ધાસ્ત છોકરી તરીકે પોતાની છાપ છોડી છે. છેલ્લે ઉજડા ચમનમાં દિલ્હીની ચુલબુલી છોકરી તરીકે જોવા મળેલી માનવીએ અહીં નાના શહેરની બોલ્ડ છોકરીની ભૂમિકા ભજવી છે. લગ્ન થવાની ઉંમર વીતી રહી હોવાની અસહાયતા અને લગ્ન ન થવા પાછળનો ગુસ્સો ઉપરાંત વિશાળ પરિવારની એકમાત્ર છોકરી હોવા છતાં એનું ઘરમાં ઓછું સન્માન આ બધીજ લાગણી માનવીએ અહીં ઉપસાવી છે.

જેમ આગળ વાત કરી તેમ એક ટીપીકલ કાકી તરીકે સુનિતા રાજવર પણ પોતાની છાપ છોડે છે. હા, તેમનો રોલ ઘણો નાનો છે, પરંતુ અત્યંત મહત્ત્વનો છે, ખાસકરીને “ફર્સ્ટ ફ્લોર” વાળો સંવાદ બોલ્યા બાદ ગજરાજ રાવના એક્સપ્રેશન સાથે પોતાના એક્સપ્રેશન જે રીતે એમણે મેચ કરવાનો સફળ પ્રયાસ કર્યો છે તે જોવા અને માણવા જેવો છે.

મનુ રિષી ચડ્ઢા જે એક નિષ્ફળ વકીલની ભૂમિકા ભજવે છે તેમણે પણ પોતાની નિષ્ફળ કારકિર્દી અને જ્યારેને ત્યારે બધીજ મુસીબતોનું કારણ પોતાની ડીગ્રી પર જ કેમ આવે છે એવી હતાશા દેખાડવામાં સફળતા મેળવી છે. દીકરીના લગ્નમાં આવેલી તકલીફને મોટાભાઈ સામે વર્ણન કરતા, આયુષ્માનને રેલવે સ્ટેશને મુકવા જતી વખતે તેની સાથે છકડામાં વાત કરતા અને ફિલ્મની અંતિમ ક્ષણોમાં પોલીસ ઇન્સ્પેક્ટર સાથે કાયદાની ચર્ચા કરતી વખતે મનુ રિષી ચડ્ઢાની અદાકારી જોવા જેવી છે.

નીના ગુપ્તા વિષે તો શું કહેવું? પુત્ર ગે છે એની ખબર પડે એ પહેલા અને એ પછી પણ માતાનો પ્રેમ કદીય પુત્ર માટે સરખો જ રહે એ લાગણી નીના ગુપ્તાની અદાકારી દ્વારા દેખાઈ આવે છે. આ ઉપરાંત પતિને પુત્રના સમલૈંગિક હોવાથી જો બળપૂર્વક એના લગ્ન કુસુમ સાથે કરવામાં આવશે તો બંનેના જીવન બરબાદ થઇ જશે એવી સમજાવટ કરતા કે પછી જરૂર પડે ત્યારે એજ પતિને બરોબરનો વઢી નાખવો, આ બધુંજ કામ નીના ગુપ્તાએ એમની સબળ એક્ટિંગ દ્વારા કરી બતાવ્યું છે.

જીતેન્દ્ર કુમાર જે વિવિધ વેબસિરીઝનો જાણીતો અને લોકપ્રિય ચહેરો છે તેને પહેલીવાર કોઈ બોલિવુડ ફિલ્મમાં આવડો મોટો અને મહત્ત્વનો રોલ મળ્યો છે. સમગ્ર ફિલ્મમાં જીતેન્દ્ર આયુષ્માન કરતા low key રહ્યો છે તેમ છતાં જ્યાં તેને મોકો મળ્યો છે ત્યાં તેણે પોતાનો ચમકારો જરૂર દેખાડ્યો છે. જ્યારે માતાપિતાને એ સમજાવે છે કે પ્રેમ એ પ્રેમ છે પછી તે બે ભિન્ન લિંગ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે હોય કે સમાન લિંગ ધરાવતા વ્યક્તિઓ વચ્ચે ત્યારે એ દ્રશ્યમાં જીતેન્દ્ર કુમાર છવાઈ જાય છે. તેમ છતાં મોટેભાગે શાંત રહેવાનું હોવાથી જીતેન્દ્ર આયુષ્માન કરતા આગળ નથી વધી શકતો.

આયુષ્માન ખુરાના આજકાલ ‘ફોર્મમાં’ છે. એક પછી એક સાત હીટ ફિલ્મો અને એમાંથી મોટાભાગની ઓછા અથવાતો મધ્યમ બજેટની અને ઓછા લોકપ્રિય કલાકારો સાથેની ફિલ્મો તેણે આપી છે. આ ફિલ્મનું પેકેજીંગ જોતા અને ઓવરઓલ ફિલ્મનું મનોરંજનનું પાસું જોતાં આ ફિલ્મ આયુષ્માનની સતત આઠમી હીટ ફિલ્મ નહીં થાય તો જ નવાઈ. પરંતુ, જો પ્રામાણિકપણે કહું તો ગત વર્ષની ડ્રીમગર્લ પછી આ બીજી ફિલ્મ એવી છે જેમાં વ્યક્તિગતપણે મને આયુષ્માનની ઓવરએક્ટિંગ લાગી છે.

આ ફિલ્મમાં એવા ઘણા દ્રશ્યો છે જેમાં આયુષ્માન ખુરાનાએ જરૂર ન હોય તો પણ ઓવર ધ ટોપ જઈને અદાકારી કરી છે. એક બીજી હકીકત પણ આયુષ્માને ધ્યાનમાં લેવા જેવી છે અને એ છે તેની સતત આવતી ફિલ્મો. ભલે તે અદભુત કલાકાર છે, ભલે તે એક પછી એક હીટ ફિલ્મ આપી રહ્યો હોય પરંતુ એક સમય એવો જરૂર આવશે જ્યારે પ્રેક્ષકો તેને વારંવાર જોઇને થાકી જશે. આ એવો સમય હશે જ્યારે તેની અદાકારી કે ફિલ્મમાં કશું પણ કહેવાપણું નહીં હોય પરંતુ ફિલ્મમાં તેની હાજરીમાત્રથી દર્શકો ફિલ્મ જોવાની ટાળી શકે તેમ છે. આશા કરીએ કે આયુષ્માન આવનારા વર્ષમાં થોડી ઓછી ફિલ્મો કરે અથવાતો દર્શકો તેની ફિલ્મો જોવાથી થોડા મોડા થાકે, તેમ છતાં આયુષ્માને આ ફિલ્મ બાદ પોતાની અદાકારી તેમજ ફિલ્મોની ઝડપ વિષે હવે ‘ઝ્યાદા સાવધાન’ થવાની જરૂર તો છે જ.

સામાન્યરીતે આપણે ફિલ્મના મુખ્ય કલાકારોની એટલેકે હીરો-હીરોઈનની ચર્ચા છેલ્લે કરતા હોઈએ છીએ, અહીં આપણે ટેક્નિકલી સહાયક કલાકાર એવા ગજરાજ રાવ વિષે છેલ્લે ચર્ચા કરી રહ્યા છીએ. કારણ એટલું જ છે કે ગજરાજ રાવ પહેલા સીનથી છેલ્લા સીન સુધી આ ફિલ્મમાં છવાઈ ગયા છે, માત્ર પોતાની હાજરીથી જ નહીં પરંતુ તેમની અદાકારી દ્વારા પણ. સાચું કહું તો મને ગજરાજ રાવનો પ્રથમ પરિચય ‘બધાઈ હો’ થી થયો હતો અને ત્યારથી જ એમની અદાકારીનો ફેન થઇ ગયો હતો.

પરંતુ અહીં તો ગજરાજ સરે પોતાની અદાકારીના ઝંડા જ ગાડી દીધા છે! જ્યારે એમને ટ્રેનમાં ખબર પડે છે કે તેમનો પુત્ર ગે છે ત્યારે તેમનું રીએક્શન અને એ રીએક્શનના પરિણામરૂપે એ અમન પર પાઈપ દ્વારા જોરથી પાણી ફેંકે છે એમાં તેમની લાજવાબ અદાકારી તેમનો અણગમો સ્પષ્ટરૂપે દેખાડે છે. ત્યારબાદ પણ વખતોવખત એ પોતાના સમલૈંગિક પુત્ર વિષે શું વિચારે છે એ અંગે જે રીતે સતત કન્ફયુઝ રહે છે, ગુસ્સે રહે છે એ બધીજ લાગણી તેમણે જબરદસ્ત રીતે દર્શાવી છે. તો મનુ રિષી ચડ્ઢા સાથે તેમની નોકઝોંખ પણ માણવા જેવી છે.

ફિલ્મ જોયા બાદ જ્યારે તેના વિષે વિચારીએ ત્યારે એવું સ્પષ્ટ લાગે છે કે આયુષ્માન ખુરાનાને ભલે આ ફિલ્મનો હીરો અથવાતો મેઈન લીડ તરીકે દર્શાવવામાં આવ્યો હોય પરંતુ શુભ મંગલ ઝ્યાદા સાવધાન એ માત્રને માત્ર ગજરાજ રાવની જ ફિલ્મ છે અને આયુષ્માન ખુરાના સહીત બાકીના પાત્રો એમની આસપાસ ફરતા રહે છે. એક કલાકાર તરીકે કદાચ ગજરાજ સરનો આ સહુથી મોટો એવોર્ડ કહી શકાય કે તેમણે આયુષ્માન ખુરાના જેવા આજના અત્યંત લોકપ્રિય કલાકાર પાસેથી અજાણતાજ લાઇમલાઇટ છીનવી લીધી છે.

‘બધાઈ હો’ ની જેમજ આ ફિલ્મમાં એક એક અદાકાર કોઈને કોઈ રીતે મુખ્ય ભૂમિકામાં છે અને દરેકે પોતાની ફરજ સુપેરે નિભાવી છે. બની શકે કે ફિલ્મનો વિષય તમને આકર્ષિત ન કરે, પરંતુ મનોરંજનની દ્રષ્ટિએ આ ફિલ્મ ગમે એવી છે. માત્ર બે કલાકની આ ફિલ્મ ક્યારે પતી જાય છે તેની ખબર પડતી નથી જે ફિલ્મના ડિરેક્ટર અને ચુસ્ત સ્ક્રિપ્ટનો કમાલ છે. બીજું તો કશું નહીં પરંતુ ગજરાજ રાવને એક ગે છોકરાના પિતા તરીકે જોવાનો લ્હાવો માણવામાં કોઈજ વાંધો ન હોઈ શકે.

eછાપું

૨૨ ફેબ્રુઆરી ૨૦૨૦, શનિવાર

અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here