મોટા વિલંબ બાદ પરત થયેલી pun કી બાતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા બાદ તરતજ ઇન્ટરવ્યુ આપવા માટે આવી ગયા છે.

મિત્રો, આપણે pun કી બાતના આ પ્લેટફોર્મ પર ઘણા સમય બાદ મળી રહ્યા છીએ… પણ મારી પાસે માફી માગવા સિવાય કશું બચ્યું નથી… આજે આપણી સમક્ષ એક ખૂબ મોટા સંગીતજ્ઞ ઉપસ્થિત થવાના હતા કે જેઓ વાંસળી, હાર્મોનિયમ, તબલાં, સિતાર, ગિટાર, ટ્રમ્પેટ જેવાં અનેક વાદ્યો વગાડવામાં ઉસ્તાદ છે… પણ પન કી બાતમાં ઉપસ્થિત રહેવાની ખાતરી આપીને છેલ્લી ઘડીએ અહીં આવવાની અક્ષમતા પ્રગટ કરીને આજે એમણે મારું બેન્ડ બજાવ્યું છે… હું ઘણા લાંબા વિરામ બાદ આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યો હતો.. પરંતુ છેલ્લી ઘડીએ આવેલી મુશ્કેલીથી pun કી બાત નહીં કરવા બદલ હું દિલગીર છું અને આપ સૌની માફી… અરે એક મિનિટ… માફી માંગતા પહેલાં એક ફોન આવ્યો છે એ એટેન્ડ કરી લઉં..
હેલો… કોણ?
પંકજ પંડ્યા બોલું છું… તમે કોણ?
હું સેક્રેટરી બોલું છું.. મારા સાહેબ તમારા પ્રોગ્રામમાં આવવા માંગે છે..
કોના સેક્રેટરી?
એ ટોપ સિક્રેટ છે..
તમે સેક્રેટરી છો કે સિક્રેટરી?
એ જે હોય તે… બોલો મારા સાહેબને તમારા પ્રોગ્રામમાં મોકલું? ઘણા લોકો એમનો ઇન્ટરવ્યુ લેવા માટે પડાપડી કરી રહ્યા છે પણ એમણે સામેથી તમારે ત્યાં આવવામાં રસ દાખવ્યો છે..
ઓકે એમને રસ હોય તો જલ્દી મોકલો… આમ પણ અહીં ફજેતો થવાનો હતો..
વ્હોટ ફજેતો?
એ જે હોય તે.. તમારા સાહેબને જલ્દી મોકલો
હા.. તો મિત્રો.. હું માફી માગી રહ્યો હતો… શાના માટે ? હા… ચાલુ પ્રોગ્રામમાં ફોન એટેન્ડ કરવા માટે… સોરી એક અગત્યનો ફોન હતો એટલે એટેન્ડ કરવો પડ્યો… તો આજના આપણા મહેમાન છે…. આપણા મહેમાન છે…. મહેમાન છે…. હું એમનું નામ નહીં કહું… તમે એમને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.. (અને હું પણ..) તો જોરદાર સ્વાવત કરીએ આપણા મોંઘેરા મહેમાનનું…
……… : કેમ છો Punકજભાઈ ?
પંકજ પંડ્યા : ઓહ માય ગોડ… ઓહ માય ગોડ.. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હિમસેલ્ફ? જસ્ટ કેન્ટ બિલિવ….
ડોનાલ્ડ ટ્રમ્પ : શું થયું?
પંકજ પંડ્યા : આપણે ક્રિકેટ… ઓહ સોરી… ટ્રમ્પ સર તમે.. સાક્ષાત ડોનાલ્ડ ટ્રમ્પ? જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ? મારા નાના અમથા કાર્યક્રમ pun કી બાતમાં મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ?હું માની જ નથી શકતો…
ડો. ટ્ર. : હવે માની લો કે હું અહીંયા પધારી ચૂક્યો છું… સ્વાગત નહિ કરોગે હમારા?
પંકજ પંડ્યા : અરે સર… વેલકમ.. વેલકમ..
ડો. ટ્ર. : ટુ માય ફેવરિટ શો..
પંકજ પંડ્યા : ઓહ… વાઉ… વેલકમ ટુ pun કી બાત.. તમે પહેલાં જણાવ્યું હોત તો શાનદાર સ્વાગત કરત…
ડો. ટ્ર. : પણ એમાં આવી મજા ના આવી હોત..
પંકજ પંડ્યા : એ પણ છે… બાય ધ વે… તમારા દિલ્હીના પ્રોગ્રામના લિસ્ટમાંથી કેજરીવાલનું નામ ગાયબ છે એવું ગઈ કાલે સાંભળ્યું… કોઈ કારણ?
ડો. ટ્ર. : મેં અહીંયા આવતા પહેલાં મારા ગુજરાતી સલાહકાર પાસેથી માહિતી મેળવેલ… તેણે જણાવેલું કે વાલથી દૂર રહેજો… નહીંતર ઝાડા થઈ જશે…
પંકજ પંડ્યા : એટલે ?
ડો. ટ્ર. : એટલે નક્કી કર્યું કે કોઈ પણ પ્રકારે વાલથી દૂર રહેવાનું.. પછી ભલે તે કેજરીવાલ હોય કે પછી દિવાલ..
પંકજ પંડ્યા : દિવાલ?
ડો. ટ્ર. : હા… મેં અહીં આવતાં પહેલાં દિવાલ પાછળ કેટલું રંધાઈ ગયું એ વિશે જાણ્યું…
પંકજ પંડ્યા : એ વાત પણ સાચી છે… દિવાલ પાછળ શું રંધાઈ રહ્યું છે એ કદાચ જોઈ ના શકાય પણ ઉપર ઊઠતા ધુમાડાથી કે પછી સુગંધ (કે ગંધ) થકી અણસાર તો આવી જ જાય…
ડો. ટ્ર. : દિવાલ બનવાથી ઘણાંના પેટમાં દિવેલ એટલે કે એરંડિયું રેડાયું… disgusting…
પંકજ પંડ્યા : એ..રંડિયું… હાહાહાહાહા… બહુ જાણો છો તમે….
ડો. ટ્ર. : મારા ભારત આવવાથી તમારા પેટમાં તો તેલ નથી રેડાયું ને ?
પંકજ પંડ્યા : અરે ના સર…. ( આમને હા કહીએ તો હમણાં જ ઓઇલ એક્સપ્લોરેશન માટેની મશીનરી અહિયાં ખડકી દે )
ડો. ટ્ર. : ખબર રાખવી પડે…
પંકજ પંડ્યા : તમને મ્યુઝિકનો શોખ ખરો ?
ડો. ટ્ર. : ખાસ નહીં…
પંકજ પંડ્યા : કોઈ વાદ્ય વગાડતાં આવડે…
ડો. ટ્ર. : (કોઈનું) બેન્ડ વગાડતાં સરસ આવડે….
પંકજ પંડ્યા : હાહાહાહાહા….. અને ટ્રમ્પેટ ?
ડો. ટ્ર. મુરલી મનોહર જોશીને મોરલી વગાડતાં આવડે છે ?
પંકજ પંડ્યા : ના…
ડો. ટ્ર. : તો પછી મને ટ્રમ્પેટ વગાડતાં આવડવું જરૂરી નથી…
પંકજ પંડ્યા : હાહાહાહાહા…. તમને નાચવાનો શોખ ખરો ?
ડો. ટ્ર. : સાચું કહું તો નાચવાનો શોખ હતો… પણ આવડ્યું નહીં ક્યારેય.
પંકજ પંડ્યા : કેમ ? શોખ ના હોય અને ના આવડતું હોય તો શીખી પણ શકાય…
ડો. ટ્ર. : એમાં જ પ્રોબ્લેમ હતો… મારે શીખવું હતું.. પણ..
પંકજ પંડ્યા : તો તમારે ક્યાં પ્રોબ્લેમ છે ? કોરિયોગ્રાફર રોકી શક્યા હોત…
ડો. ટ્ર. : ત્યાં જ વાંધો હતો…..
પંકજ પંડ્યા : બજેટ નડતું હતું ?
ડો. ટ્ર. : બજેટ ? નોટ એટ ઓલ.. હું ધારું તો કોરિયોગ્રાફરની ફોજ ઊભી કરી દઉં…
પંકજ પંડ્યા : તો પછી વાત ક્યાં અટકી ગઈ ?
ડો. ટ્ર. : જો સાઉથ કોરિયોગ્રાફર હોય તો કોઈ વાંધો ના આવે…. પણ જો નોર્થ કોરિયોગ્રાફર આવી જાય તો….
પંકજ પંડ્યા : હાહાહાહાહા…. હાહાહાહાહા…. હાહાહાહાહા…. હાહાહાહાહા….
ડો. ટ્ર. : ખૂબ જ મજા આવી… મારો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત છે.. માંડ માંડ સમય કાઢીને આવ્યો છું… ચાલો હવે હું વિદાય લઈશ….
પંકજ પંડ્યા : જતાં જતાં કોઈ સંદેશ તો આપતા જાવ…
ડો. ટ્ર. : ચોક્કસ…. If you want to play Trumpet of victory, Modify yourself to positivity….
પંકજ પંડ્યા : ખૂબ જ સરસ… આપનો ખુબ ખુબ આભાર… આવજો સર…
ડો. ટ્ર. : આવજો…….
eછાપું