REVIEW: ગોળકેરી – જેનું અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું!

0
559

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નવજીવન મળે હવે લગભગ એક દાયકા જેટલો સમય થઇ ગયો છે. શરૂઆતી સફળતાને એનકેશ કરવા માટે ઘણીવાર ઢંગધડા વગરની કે પછી પેલી ત્રણ મિત્રોની એકની એક સ્ટોરી ધરાવતી ફિલ્મો ગુજરાતી દર્શકોના માથે રીતસર મારવામાં આવતી હતી. પરંતુ છેલ્લા એકથી બે વર્ષમાં ટ્રેન્ડ બદલાયો છે અને જોવી, માણવી અને ગમાડી શકાય એવી ગુજરાતી ફિલ્મો બનવા લાગી છે અને તેમાં પણ હેલ્લારો જેવી ફિલ્મને તો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.

આટલી મોટી પૂર્વભૂમિકા બાંધ્યા પાછળ કારણ એક જ છે કે જો ગુજરાતી ફિલ્મો શરૂઆતની બાલીશતા દેખાડ્યા બાદ મેચ્યોર થઇ હોય તો હવે તેના રિવ્યુ કરતી વખતે રિવ્યુકારે પણ મેચ્યોરીટી દર્શાવવી જરૂરી બને છે અને તેણે જોયેલી ગુજરાતી ફિલ્મ જેવી હોય તેવો રિવ્યુ આપવો એ તેની ફરજ બને છે. ટૂંકમાં કહું તો ગુજરાતી રિવ્યુકારે ‘સારો નહીં પરંતુ સાચો રિવ્યુ’ આપવો એ તેના હવે જરૂરી બની ગયું છે.

ફિલ્મ: ગોળકેરી

કલાકારો: મલ્હાર ઠાકર, માનસી પરીખ, સચિન ખેડેકર, વંદના પાઠક અને ધર્મેશ વ્યાસ

નિર્દેશક: વિરલ શાહ

રન ટાઈમ: 127 મિનીટ્સ

કથાનક

સમાન્યત: આપણી ફિલ્મોની લવ સ્ટોરી પ્રેમ થવા પહેલાની પરિસ્થિતિથી શરુ થતી હોય છે. પરંતુ ગોળકેરીની શરૂઆત સમોસુ એટલેકે સાહિલ મોહનલાલ સુતરીયા (મલ્હાર ઠાકર) અને હર્ષિતાના (માનસી પરીખ) બ્રેકઅપ સાથે શરુ થાય છે. આ બ્રેકઅપ થવા પાછળના ઘણા કારણો હોય છે. એક કારણ તો છે સાહિલનો મસમોટો મેઈલ ઈગો અને બીજું હર્ષિતાની કેરિયર પ્રત્યેની ઘેલછા.

હર્ષિતા સ્ટેન્ડ અપ કોમેડિયન છે અને શરૂઆતમાં તેના જોક્સ પર ઓડીયન્સ બિલકુલ હસતું નથી હોતું. આવા સમયમાં સાહિલને હર્ષિતા ગમી જાય છે અને માત્ર તેને પ્રોત્સાહન પૂરું પાડવા માટે તે હર્ષિતાના દરેક કાર્યક્રમમાં પહોંચી જઈને એકલો એકલો પણ હસતો હોય છે. પછી તો હર્ષિતા અને સાહિલની ઓળખાણ થાય છે, ઓળખાણ મિત્રતામાં અને પછી જેમ બને છે એમ મિત્રતા પ્રેમમાં પરિણમે છે.

સાહિલ હર્ષિતાની ઓળખાણ પોતાના માતાપિતા જોસુ એટલેકે જ્યોત્સના સુતરીયા (વંદના પાઠક) અને મોસુ એટલેકે મોહનલાલ સુતરીયા (સચિન ખેડેકર) સાથે કરાવે છે અને બન્નેને હર્ષિતા તરતજ ગમી પણ જાય છે. ત્યારબાદ સાહિલ હર્ષિતાની સગાઈ થાય છે અને બધુંજ બરોબર જઈ રહ્યું હોય છે ત્યાંજ આપણે આગળ જોયું તેમ બંને વચ્ચે ખટરાગ ઉભો થાય છે અને પછી બ્રેકઅપ થાય છે.

સાહિલના માતાપિતા સાહિલને ઘણો સમજાવે છે એટલુંજ નહીં પરંતુ એવા સંજોગો પણ ઉભા કરે છે જેને લીધે સાહિલ અને હર્ષિતા ફરીથી ભેગા થાય, પરંતુ એ શક્ય બનતું નથી. છેવટે હર્ષિતા અગાઉની યોજના અનુસાર અને બ્રેકઅપના એક મોટા કારણરૂપ, પોતાની કરિયર આગળ વધારવા મુંબઈ જવા પ્રયાણ કરે છે…

રિવ્યુ

ગોળકેરીનો જો સહુથી મોટો પ્લસ પોઈન્ટ હોય તો એ એવો છે કે ફિલ્મમાં વાર્તા છે, કારણકે અમુક ગુજરાતી ફિલ્મો માત્ર એક પાતળા દોરા જેટલી કે શેકેલા પાપડની જાડાઈ ધરાવતી વાર્તા લઈને મેદાનમાં કુદી પડતી હોય છે અને પરિણામે આપણા માથે રીતસરના હથોડા ઝીંકવામાં આવે છે. વાર્તા આમ જુઓ તો માત્ર એક જ દિવસની વાર્તા છે, પરંતુ થોડા થોડા સમયે આપણને ફ્લેશબેકમાં પણ લઇ જવામાં આવે છે. આ ઉપરાંત ફિલ્મના પ્રવાહમાં જ્યારે પણ ગંભીરતાનું પ્રમાણ વધી જાય ત્યારે એક સંવાદ કે પછી કોઈ દ્રશ્ય દ્વારા વાતાવરણ ફરીથી હળવું કરી દેવામાં આવે છે.

ઘણીવાર કોઈ વાર્તાની મજબુતીજ તેની નબળાઈ બની જતી હોય છે. ગોળકેરીમાં આમ જ બન્યું છે. ફિલ્મની વાર્તા માત્ર એક દિવસની હોવાથી અને સાહિલ અને હર્ષિતા વચ્ચે બ્રેકઅપ કેમ થયું એ સમજાવવા માટે આપણને વારેવારે બે વર્ષ પહેલા, એક વર્ષ પહેલા, ત્રણ મહિના પહેલા, બે દિવસ પહેલા એમ ફ્લેશબેકમાં લઇ જવામાં આવે છે. આ પ્રમાણે વાર્તા કહેવામાં ઘણા પ્રસંગોએ નિર્દેશક થાપ ખાઈ જાય છે અને કન્ફયુઝન ઉભું થાય છે.

જેમ આગળ કહ્યું તેમ ફિલ્મમાં જ્યારે પણ ગંભીર વાતાવરણ ઉભું થાય એટલે તરતજ રમુજી દ્રશ્ય અથવાતો સંવાદ આવી જાય છે. કદાચ આમ કરવા પાછળ નિર્દેશક અથવાતો સ્ક્રિપ્ટ રાઈટરનો ઈરાદો દર્શકને ફિલ્મ સાથે જોડી રાખવાનો હોઈ શકે પરંતુ તેને કારણેજ ફિલ્મના પ્રવાહમાં ભંગ થતો હોય એવું અનુભવાય છે. જ્યારે સાહિલ હર્ષિતાને એકદમ ગંભીરતાથી અને લગભગ પગે પડી જવા જેવી પરિસ્થિતિમાં તેને મુંબઈ ન જવા માટે સમજાવતો હોય છે ત્યારેજ એના મોઢે એક એવો ડાયલોગ મુકવામાં આવ્યો છે કે જે દર્શકોને હસાવે તો છે પરંતુ તે હાસ્યાસ્પદ પણ લાગે છે.

ફિલ્મનું સહુથી નબળું પાસું છે તમામ કલાકારો વચ્ચે કેમિસ્ટ્રીનો અભાવ. બધુંજ ઉભડક લાગે છે. જ્યારે દર્શક કોઈ ફિલ્મ જોતો હોય ત્યારે સબળી વાર્તા ઉપરાંત બે પાત્રો પછી તે પ્રેમી પ્રેમિકા હોય, પતિ-પત્ની હોય, પિતા અથવા માતા અને સંતાનો હોય તેમની વચ્ચે મજબૂત કેમિસ્ટ્રી પણ જોવા ઈચ્છે છે. અહીં સાહિલ અને હર્ષિતા હોય કે પછી સાહિલ તેના માતાપિતા સાથે જે રીતે વર્તન કરે છે તેનાથી સતત એવું લાગે છે કે આ બધું માત્ર કરવા ખાતર થઇ રહ્યું છે.

બે દ્રશ્યો એવા છે જ્યાં આ કેમિસ્ટ્રીને જામવાના પૂરા ચાન્સ હતા અને બદનસીબે તે જામી શકી નથી. એક દ્રશ્ય જ્યારે સાહિલથી ગુસ્સામાં એની માતાનું અપમાન થઇ જાય છે અને જ્યોત્સના એ ઘટનાને જે રીતે વાળી લે છે, એ અત્યંત ભાવનાત્મક દ્રશ્ય છે અને બસ ‘વાહ’ નીકળતી હોય છે ત્યાંજ એ આખો ઉભરો શમી જાય છે. બીજું દ્રશ્ય જ્યારે મોહનલાલ સાહિલને એની સાચી માનસિક હાલત વિષે ઘરની લાઈબ્રેરીમાં સાવ સાચેસાચું, પરંતુ એક મિત્ર તરીકે જણાવે છે, એ દ્રશ્ય પણ તપેલીમાં દૂધનો ઉભરો બસ આવતો જ હોય અને કોઈ નીચેથી ગેસ બંધ કરી દે અને પેલો ઉભરો કેવો બેસી જાય એવી ફીલિંગ ઉભી કરે છે.

ગોળકેરી ભલે 2 કલાક અને 7 મિનીટની જ હોય અને ભલે એક જ દિવસની વાર્તા કરતી હોય પરંતુ તેમ છતાં ખૂબ ધીમી છે અને ઈન્ટરવલ પછી ખાસી ઢસડાય છે. આને કારણે કલાઇમેકસ આવતા સુધીમાં તો દર્શકને કદાચ ઘર યાદ આવવા લાગે છે. મીકા સિંગનું જે ગીત અતિશય લોકપ્રિય થયું છે તે ફિલ્મના અંતમાં બોલિવુડના નવા ટ્રેન્ડ અનુસાર ક્રેડીટ સાથે આવે છે, પરંતુ જો તે ફિલ્મનો જ એક હિસ્સો હોત તો કદાચ દર્શકો ત્રણેક મિનીટ માટે રીલેક્સ થઇ શક્યા હોત.

સચિન ખેડેકરે આ ફિલ્મ જે મરાઠી ફિલ્મ પરથી બની છે તેમાં પણ એજ ભૂમિકા ભજવી હતી જે એમણે એ ફિલ્મમાં પણ  ભજવી છે. ગોળકેરીમાં એક ડાયલોગ છે. સાહિલ એના પિતા એટલેકે સચિન ખેડેકરને કહે છે કે, “તમે કેમ આટલા સ્વીટ બનવાની કોશિશ કરી રહ્યા છો?” જવાબમાં ખેડેકર કહે છે કે, “હું તો છું જ સ્વીટ.” સચિન ખેડેકરની ભૂમિકા વિષે બસ આટલામાં બધુંજ આવી ગયું. પણ જેમ અગાઉ કહ્યું તેમ પાત્રો વચ્ચેની કેમિસ્ટ્રી ઉભી કરવામાં એ પણ નિષ્ફળ જાય છે.

જો ફિલ્મમાં કોઈને મેન ઓફ ધ મેચ આપવો હોય તો તે વંદના પાઠકને આપી શકાય. તેમણે ગામડાની ભોળી સ્ત્રી જેણે પોતાની આખી જિંદગી પહેલા પતિ અને પછી પુત્ર માટે અર્પી દીધી છે, અંગ્રેજી જાણતી નથી પરંતુ ઘર કેમ ચલાવવું કે પછી સંસાર કેમ ચલાવવો તેનું ગુઢજ્ઞાન જરૂર ધરાવે છે, એવી સ્ત્રીનું સંપૂર્ણ નિરૂપણ કર્યું છે. પહેલા તો બ્રેકઅપ અને ડિવોર્સ વચ્ચેનો અર્થ ખબર ન હોવાથી તેમના દ્વારા કહેવાતો ડાયલોગ અને પછી સાહિલને જ્યારે એ બે શબ્દો વચ્ચે કોમન વાત શું છે એ ડાયલોગ કે પછી આગળ વાત કરી તેમ પુત્ર દ્વારા તેમનું અપમાન થયું હોવા છતાં તે તેને માફ કરી દે છે, આ દ્રશ્યોમાં વંદના પાઠક મેદાન મારી જાય છે.

માનસી પારેખને આપણે ઘણી ટીવી સિરીઝમાં અને જાહેરાતોમાં જોઈ છે. અહીં તે ગંભીર ભૂમિકામાં છે પરંતુ જરા વધુ પડતી ગંભીર લાગે છે. રોલ ભલે સ્ટેન્ડ અપ કોમેડિયનનો હોય પણ તેણે આખી ફિલ્મમાં ભાગ્યેજ દર્શકોને હસાવવાની કોશિશ કરી છે. સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે પણ તેના જોક્સમાંથી એક પણ જોક ફિલ્મ જોતા દર્શકોને પણ નથી હસાવી શકતા. પરંતુ હા, સાહિલ સાથે તેનો છેલ્લો ઝઘડો જ્યારે થાય છે તે સમયે માનસીએ સાહિલના વર્તનને કારણે તેને અનુભવાઈ રહેલો ડર બરોબર દેખાડ્યો છે.

મલ્હાર ઠાકર તેની ઈમેજ અનુસાર રોલ કરી ગયો છે. પરંતુ હવે તકલીફ એ થાય છે કે મલ્હાર તેની દરેક ફિલ્મમાં માત્ર મલ્હાર જ દેખાય છે. ઉદાહરણ તરીકે અહીં તે સાહિલ નહીં પરંતુ મલ્હાર ઠાકર જ છે, કારણકે તે એક ઘરેડમાં ફસાઈ ગયો છે. બહુ જલ્દીથી મલ્હાર ઠાકરે સ્ક્રિપ્ટ પસંદ કરવાની પોતાની રણનીતિ બદલવાની જરૂર છે. એના નસીબમાં ‘સાહેબ’ આવી હતી પરંતુ એ ફિલ્મની સ્ક્રિપ્ટ અને નિર્દેશન જ એટલું બધું નબળું હતું કે ફિલ્મ પીટાઈ ગઈ અને તેના અલગ પ્રકારના પરફોર્મન્સની બિલકુલ નોંધ ન લેવાઈ.

ગોળકેરી એ મરાઠી ફિલ્મ મુરંબાની રીમેક છે, મુરંબા જોવાની તક મળી નથી પરંતુ ગુગલ મહારાજની કૃપાથી એટલી ખબર પડી છે કે આ ફિલ્મ હીટ થઇ હતી. હવે તેની ગુજરાતી રીમેક બોક્સ ઓફિસ પર શું કમાલ કરશે એતો આવનારા દિવસોમાં ખબર પડી જ જશે. આપણે ઈચ્છીએ કે આ ફિલ્મ હીટ જાય પરંતુ બદનસીબે ગોળકેરીને ગુજરાતીઓ પસંદ ન કરે મહેરબાની કરીને કોઈ ગુજરાતી દર્શકોની ફિલ્મો સમજવાની શક્તિ પર તેનું ઠીકરું ન ફોડતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here