અમદાવાદની મુલાકાતને લગભગ એક અઠવાડિયું થયું હોવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મનમાંથી આ મુલાકાતની છાપ હજી પણ જતી નથી તેનું એક ઉદાહરણ હાલમાં જાણવા મળ્યું હતું.

સાઉથ કેરોલીના: પોતાની અમદાવાદ મુલાકાતના લગભગ એક અઠવાડિયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ સ્વીકાર કર્યું છે કે તેમને હવે ગંજાવર સભાઓ સંબોધવાનું જ ગમે છે અને તેમને હવેની બધીજ સભાઓ ખૂબ નાની દેખાય છે.
શનિવારે સાઉથ કેરોલીનામાં પોતાની ચૂંટણી સભાને સંબોધિત કરતા ટ્રમ્પે અમદાવાદના ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેર ખાતે આવેલા વિશ્વના સહુથી મોટા ક્રિકેટ સ્ટેડીયમમાં ભાગ લીધો હતો.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું,
આ સભા પણ મોટી સભા છે. મને મારી સભાઓ વિષે વાત કરવી ગમે છે કારણકે મારી સભામાં અન્યોની સભા કરતા વધુ લોકો આવે છે, હવે મારી સભામાં 40, 50 કે 60 હજાર જેટલા લોકો આવવા લાગ્યા છે. પરંતુ મને હવે ભારતથી પરત આવ્યા બાદ મોટી સભાઓથી જ ઉત્સાહ મળે છે. તમે વિચારો ત્યાં દોઢ લાખ લોકો હતા. જ્યારે અહીં સાડાત્રણસો લોકો છે. આપણી સંખ્યા સાવ ખરાબ નથી. પણ મને આ સભા પણ ગમે છે અને મને પેલી સભા પણ ગમી હતી. મારો ભારત પ્રવાસ ખૂબ ફળદાયી રહ્યો હતો.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડીયમમાં સભા સંબોધી ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમ પણ ગયા હતા અને બીજે દિવસે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી અને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. ત્યારબાદ સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવેલા ડિનરમાં ભાગ લઈને તેઓ અમેરિકા પરત ફર્યા હતા.
eછાપું