વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સોશિયલ મિડિયા ધરતીકંપ, પ્રત્યાઘાતો અને શક્યતાઓ

1
361
Photo Courtesy: twitter.com/narendramodi

સોમવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી એક Tweet થી સોશિયલ મિડીયામાં જાણેકે ધરતીકંપ આવી ગયો છે. તેમની એ Tweet કરવા પાછળના કારણો, પ્રત્યાઘાતો અને શક્યતાઓ જાણીએ.

Photo Courtesy: twitter.com/narendramodi

ગઈકાલે સાંજે સોશિયલ મિડિયાનું જીવન રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. છેલ્લા બે મહિનાની જેમ કાલે પણ કોરોના વાયરસ અને દિલ્હીના દંગાઓ વિષેની ચર્ચા થઇ રહી હતી. દરરોજની જેમ અહીં કોઈ આંકડાકીય માહિતી આપી રહ્યું હતું તો કોઈ ટ્રોલ થઇ રહ્યું હતું અથવાતો કોઈને ટ્રોલ કરી રહ્યું હતું. તો અમુક લોકો પોતાનીજ દુનિયામાં વ્યસ્ત રહીને બીજાઓની દુનિયાની ફિલોસોફીના ભંડારો ખાલી કરી રહ્યા હતા.

એવામાં સાંજે એટલે આમતો રાત્રે બરોબર 8.56 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક Tweet કરી અને જાણેકે રિક્ટર સ્કેલ પર 7 ઉપરનો ધરતીકંપ આવી ગયો હોય એમ સોશિયલ મિડિયા પર હલચલ મચી ગઈ. વડાપ્રધાને પોતાની Tweetમાં કહ્યું છે કે

હું એવું વિચારી રહ્યો છું કે આ રવિવારે હું ફેસબુક, Twitter, Instagram અને YouTubeના મારા સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ છોડી દઉં. આ બાબતે હું તમને સમયાંતરે માહિતી આપતો રહીશ.

સ્વાભાવિક છે કે વડાપ્રધાન મોદીએ કહેલા ઉપરોક્ત તમામ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર તેઓ ફોલોઅર્સની દ્રષ્ટિએ ટોચના અથવાતો બીજા સ્થાન પર બિરાજે છે અને આથી જો તેઓ આ તમામ પ્લેટફોર્મ્સને છોડી દે તો તેમના ફોલોઅર્સમાં ચિંતાની લાગણી ફેલાય જ એ તો સ્વાભાવિક છે જ.

આ પ્રકારની અચાનક ઉભી થયેલી ચિંતા સામે થતા પ્રત્યાઘાતો માટે અંગ્રેજીમાં એક સુંદર વ્યાખ્યા છે અને તે છે, ‘knee jerk reaction’. એટલેકે જો તમારા ઘૂંટણ પર કોઈ અચાનક જ લાકડી મારી દે તો તમે અકળાઈને પેલાને કેવું મારી દો અથવાતો તમારા સ્વભાવ વિરુદ્ધ કદાચ એકાદ-બે અપશબ્દો પણ તમારા મુખેથી નીકળી જાય અથવાતો ગમે તેટલા કઠણ હ્રદયના હોવ પણ આમ અચાનક આઘાત આવવાથી તમે કદાચ રડવા પણ મંડો એ શક્ય છે. આ બધાંજ knee jerk reactions ની કેટેગરીમાં આવે.

ગઈકાલે નરેન્દ્ર મોદીની ઉપરોક્ત tweet બાદ ફેસબુક અને Twitter પર તો એટલીસ્ટ આ પ્રકારના knee jerk reactions જાણેકે નદીમાં પૂર આવે તેમ વહેવા લાગ્યા હતા. નરેન્દ્ર મોદીના આકંઠ ચાહકો જેમને તેમના દ્વેષીઓ ‘ભક્તો’ કહીને ચીડવતા હોય છે તે ‘ભક્તો’ તો ઓલરેડી આ તમામ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ છોડવાનું નક્કી કરી બેઠા છે. અત્યારે જ્યારે મૂળ ઘટના ઘટે બાર કલાકથી પણ વધુ સમય થયો છે અને હું જ્યારે આ લખી રહ્યો છું ત્યારે પણ #NoModiNoTwitter અને #NoSir જેવા હેશટેગ ટોપ ટેનમાં ટ્રેન્ડ થઇ રહ્યા છે.

તો મોદી દ્વેષીઓને જાણેકે નરેન્દ્ર મોદીની ઉતરતી કક્ષાની મજાક ઉડાવવાનું એક બીજું કારણ મળી ગયું હોય એમ તેઓ પણ મંડી પડ્યા છે. અમુકને આમાં મોદી આવું કરીને પોતાના પગ પર કુહાડો મારશે એમ માનીને આનંદ માણી રહ્યા છે તો અમુક જે મૂળે તો મોદી દ્વેષી જ છે પણ મોદીના સોશિયલ મિડિયા પરથી વિદાય લીધા બાદ રાજકારણ સિવાયની ચર્ચામાં ભાગ લઇ શકાશે એવો સાવ ખોટાડો સંતોષ પણ માની રહ્યા છે . કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી તેમજ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ નરેન્દ્ર મોદીને સોશિયલ મિડિયા નહીં પરંતુ નફરત છોડો તેવી ચીલાચાલુ સલાહ પણ આપી ચૂક્યા છે. આ બધું પણ આ તમામના માનસિક સ્તરે ‘knee jerk reactions’ જ છે.

આ પ્રકારના knee jerk reactions આવ્યા બાદ જ્યારે શરૂઆતની લાગણીઓનો ઉભરો શમવા માંડ્યો અને તમામનું મગજ દોડતું થયું ત્યારે સોશિયલ મિડીયામાં અનેક પ્રકારની શક્યતાઓ વિષે પણ ચર્ચા શરુ થઇ ગઈ કે છેવટે મોદીએ આ પ્રકારનો નિર્ણય કેમ કર્યો અને આજે જ તેની જાહેરાત કેમ કરી?

જ્યારે નરેન્દ્ર મોદીએ ઉપરોક્ત tweet કરી ત્યારે તેમના અઠંગ દ્વેષીઓ જે તેમનું અપમાન કરવામાં અપશબ્દોનો છૂટથી ઉપયોગ કરવામાં જરા જેટલી પણ શરમ નથી રાખતા તેમણે આ વખતે પણ એમજ કર્યું અને નવાઈની વાત એ છે કે મોદીને ગાળો આપવાના ગુનાનું સતત પુનરાવર્તન કરતા આ લોકોના એકાઉન્ટ્સ વેરીફાઈડ એટલેકે બ્લ્યુ ટીક ધરાવતા હોય છે. આથી સોશિયલ મિડિયા સેનાનીઓ દ્વારા પહેલી અટકળ એ લગાવવામાં આવી કે આવા વેરીફાઈડ એકાઉન્ટ્સ ધરાવતા લોકો પણ અત્યંત હલકી કક્ષાનું ટ્રોલીંગ કરતા હોય અને સોશિયલ મિડિયા ચલાવનારાઓ એ ચલાવી લેતા હોય તો તેમને પાઠ ભણાવવા નરેન્દ્ર મોદીએ એક ચમકારો દેખાડ્યો છે કે સાનમાં સમજી જજો.

બીજી અટકળ એવી લગાવવામાં આવી કે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ભારતનું પોતાનું સોશિયલ મિડિયા પ્લેટફોર્મ જાહેર કરી શકે છે. જેમ નાણાકીય વ્યવહારો માટે દેશી ઇન્ટરફેસ BHIM UPI જબરદસ્ત સફળ રહ્યું છે તેમ હવે એક એવું સ્થાનિક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ભારતમાં પણ હશે જ્યાં વડાપ્રધાન ખુદ હાજર રહેશે જેથી તેમના ફોલોઅર્સ, ચાહકો અને દ્વેષીઓ તમામ ત્યાં ટ્રાન્સફર જાય અને તેને શરૂઆતમાં જ ભવ્ય સફળતા મળી જાય. આમ થવું પણ શક્ય છે કારણકે ચીન પોતે અન્ય કોઈજ સોશિયલ મિડિયા સાઈટ્સને પોતાના દેશમાં ખુલ્લેઆમ કાર્ય કરવા દેતું નથી અને તેનું પોતાનું વાઈબો નામનું સોશિયલ મિડિયા પ્લેટફોર્મ જોરદાર ચાલે છે. પરંતુ આપણે રહ્યા લોકશાહી દેશ એટલે આપણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર એમતો સીધો કે આડકતરો પ્રતિબંધ ન મૂકી શકીએ અને એથી નરેન્દ્ર મોદી આ રીતે ભારતનો મોટાભાગનો સોશિયલ મિડિયા ટ્રાફિક દેશના નવા અને દેશી સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર એક ઝાટકે ઘસડી જશે.

એક વાત એવી પણ ફેલાઈ છે કે રવિવારનો દિવસ હોવાથી કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એક જ દિવસ માટે ‘સોશિયલ મિડિયા ઉપવાસ’ ની જાહેરાત કરીને અદભુત ઉદાહરણ પૂરું પાડી શકે છે. સોશિયલ મિડિયા ઉપવાસ અથવાતો સોશિયલ મિડિયા વિપશ્યના આ શબ્દ છેલ્લા એકાદ વર્ષથી ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. જેનો સીધોસાદો મતલબ એ જ છે કે એક દિવસ માટે યુઝરે તેના મોબાઈલમાં કે તેના કમ્પ્યુટર/લેપટોપ પર ઉપલબ્ધ એક પણ સોશિયલ મિડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરવાનો અને પોતાની સાથે અથવાતો પરિવારની સાથે ક્વોલીટી ટાઈમ પસાર કરવાનો. વડાપ્રધાન મોદી પોતે આ પ્રકારની જાહેરાત કરી અને ખુદ તેનો અમલ કરે તો દેશના કરોડો યુવાનોને તેનાથી પ્રેરણા મળે અને તેમને એક સારી ટેવ પડે. મને ખુદ આ બાબત સાચી હોવાની શક્યતા વધુ લાગે છે.

પરંતુ નરેન્દ્ર મોદી દ્વારા આવનારા રવિવારે પોતે કેમ સોશિયલ મિડિયાથી દૂર થવાનું વિચારી રહ્યા છે તેની સહુથી અસરકારક, તર્કબદ્ધ અને સાવ ગળે ઉતરી જાય તેવી દલીલ ગઈકાલે Twitter પર ખૂબ જાણીતા એવા આશિષ ચંદોરકરે મારા સવાલના જવાબમાં આપી હતી. આશિષભાઈનું કહેવું છે કે આ રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે આથી એવું બની શકે કે આખો દિવસ વડાપ્રધાનના તમામ સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ ભારતની વિવિધ જાણીતી, અજાણી પરંતુ પોતપોતાના ક્ષેત્ર અને કાર્યમાં સફળ એવી વિવિધ મહિલાઓ એક પછી એક હેન્ડલ કરે અને પોતાની વાત કરે. આશિષ ચંદોરકરની આ વાતમાં ખરેખર દમ લાગે છે. કારણકે નરેન્દ્ર મોદી કાયમ કશુંક અનોખું કરવા માટે જાણીતા છે જેને અંગ્રેજીમાં ‘out of the box thinking’ કહે છે અને જો આશિષભાઈની વાત સાચી પડશે તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારતની મહિલાઓને તેનાથી શ્રેષ્ઠ અંજલિ બીજી કઈ હોઈ શકે?

પરંતુ, અત્યારે તો તમામના ગળામાં એક કાંટો જરૂર ફસાઈ ગયો છે, પછી તે મોદી ‘ભક્ત’ હોય કે મોદી ‘દ્વેષી’. આ તમામને રવિવારની રાહ છે. જેમ વડાપ્રધાને કહ્યું છે કે તેઓ આપણને રવિવાર સુધીમાં સમયાંતરે જણાવતા રહેશે કે એમનો નિર્ણય શું છે, તો એ માટે આપણે એમની Tweets કે પછી ફેસબુક સ્ટેટ્સ સતત જોવા પડશે, ચેક કરવા પડશે, કે ક્યાંક તેઓ કોઈ એવી હિન્ટ આપી દે જેનાથી આપણને તેમની ઈચ્છાનો ખ્યાલ આવે જે કદાચ આશિષ ચંદોરકરની દલીલ સાથે પણ મેળ ખાતી હોઈ શકે.

તો, રવિવાર સુધી રાહ જોઈએ અને એ દિવસે જે થાય તેની ચર્ચા માટે આપણે ફરીથી આ જ પ્લેટફોર્મ પર મળીએ. ત્યાં સુધી આવજો!

૩ માર્ચ ૨૦૨૦, મંગળવાર

અમદાવાદ

eછાપું

1 COMMENT

  1. ખુબ સરસ અને દરેક દિશામાંથી લેવાયેલ વિચાર. સાવ આંધળુકિયા નહીં પણ વ્યવસ્થિત મુદ્દાસર લખાયેલ લેખ

    ધન્યવાદ શ્રી સિદ્ધાર્થભાઇ !!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here