નીતિન પટેલ: ગુજરાત કોંગ્રેસ હજી પણ તૂટશે; વધુ રાજીનામાં પડશે

0
281
Photo Courtesy: newsnation.in

ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ અને અસંતોષ ચરમસીમાએ છે એવા સમયમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ધડાકો કરતા કહ્યું છે કે ગુજરાત કોંગ્રેસમાં હજી પણ ગાબડાં પડશે અને વધુ રાજીનામાં પડશે.

Photo Courtesy: newsnation.in

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ધડાકો કરતા કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ હજી પણ તૂટવાની બાકી છે. ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર પાંચ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરતા મુકાબલો રસાકસી ધરાવતો બન્યો છે.

ગઈકાલે ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હોવાનું વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેર કર્યું હતું. આજે સવારે ડાંગના કોંગ્રેસી ધારાસભ્ય મંગળ ગાવિતે પણ પોતાના વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.

નીતિન પટેલે દાવો કર્યો હતો કે ગુજરાત કોંગ્રેસમાં ભારોભાર અસંતોષ પ્રવર્તી રહ્યો છે અને આજે અને આવનારા દિવસોમાં હજી બીજા રાજીનામાં પડવાના છે. નીતિન પટેલના કહેવા અનુસાર કોંગ્રેસની આંતરિક જૂથબંધી એટલી બધી છે કે કોઈ એક નેતા અન્ય નેતાને આગળ આવવા દેતો નથી.

ભરતસિંહ સોલંકીનું નામ લીધા વગર નીતિન પટેલે કહ્યું હતું કે કોંગ્રેસના એક રાષ્ટ્રીય નેતાનું નામ રાજ્યસભા માટે જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ અહીંના એક સ્થાનિક નેતાએ દબાણ ઉભું કર્યું અને છેવટે પેલા રાષ્ટ્રીય નેતાની જગ્યાએ આ સ્થાનિક નેતાને ટીકીટ આપવામાં આવી.

ગુજરાત કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામાંને કારણે તે બંને બેઠકો પર જીતે એ શક્યતા પર પૂર્ણવિરામ લાગી ગયું છે અને ભરતસિંહ સોલંકી કે પછી શક્તિસિંહ ગોહિલ આ  બંનેમાંથી એક જ ઉમેદવાર જીતી શકે તેમ છે. આથી ગુજરાત કોંગ્રેસે હાઈકમાન્ડને આ બંનેમાંથી એકની ઉમેદવારી પરત ખેંચવા માટે દિશાનિર્દેશ આપવાની વિનંતી કરી છે.

રાજ્યસભાની ચૂંટણી આવનારી 27 માર્ચે થવાની છે. ગુજરાત કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો હાલમાં જયપુરના એક રિસોર્ટમાં રોકાયા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here