ગોગોઈ માટે હોબાળો મચાવતા અગાઉ ઈતિહાસ તપાસીએ તો કેવું?

0
290
Photo Courtesy: opindia.com

ભારતના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની નિમણુંક રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં કરી છે. આ પ્રકારની ઘટના જાણેકે પહેલીવાર બની હોય એવું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે, પરંતુ સત્ય તો બિલકુલ અલગ જ છે.

Photo Courtesy: opindia.com

રાષ્ટ્રપતિએ પૂર્વ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈની રાજ્યસભાના સભ્ય તરીકે મનોનીત કર્યા છે. આ જાહેરાત કર્યા બાદ રાજકીય હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષો ગોગોઈએ રામમંદિરના પક્ષમાં આપેલા ચુકાદાની ભેટ સરકારે આપી છે એવો આક્ષેપ મૂક્યો છે. પહેલી નજરે જોઈએ તો આ આક્ષેપ પોતેજ ન્યાયતંત્રમાં વિપક્ષી પાર્ટીઓનો અવિશ્વાસ દર્શાવે છે.

પરંતુ, રાજકારણીઓ કોઇપણ ભોગે રાજકારણ રમે એ સ્વાભાવિક છે. તેમ છતાં તેમણે ઈતિહાસ પણ તપાસવો જોઈતો હતો કારણકે રંજન ગોગોઈ અગાઉ પણ એવા અસંખ્ય દાખલાઓ બન્યા છે જ્યારે જે-તે સમયની કોંગ્રેસ સરકારે વિવિધ મુખ્ય ન્યાયાધીશોની રાજકીય નિમણુંક કરી હોય અથવાતો તેમને પોતાના પક્ષના સભ્ય બનાવ્યા હોય. આથી રંજન ગોગોઈની નિમણુંક પહેલી નથી અને છેલ્લી તો બિલકુલ નથી.

ઈતિહાસ તપાસીએ એ પહેલા જરા રંજન ગોગોઈના ભૂતકાળ વિષે વાત કરી લઈએ. રંજન ગોગોઈ એ ન્યાયાધીશોમાં સામેલ હતા જેઓ ચીફ જસ્ટીસ બન્યા અગાઉ એ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા જ્યાં દેશનું ન્યાયતંત્ર ભયમાં છે એવો દાવો કરવામાં આવ્યો હતો. આ સમયે વિપક્ષોએ તેમને બંને હાથે વધાવી લીધા હતા.

ચીફ જસ્ટીસ બાદ રંજન ગોગોઈએ ન્યાય પ્રક્રિયામાં ઝડપ લાવી હતી ખાસ કરીને રામ જન્મભૂમિના કેસમાં. ગોગોઈએ રાફેલ મામલામાં કોંગ્રેસના વાંધા બે વખત કાઢી નાખ્યા હતા અને રાહુલ ગાંધીને તેમના પક્ષના ચૂંટણી પ્રચારમાં કોર્ટને ઘસેડવા બદલ માફી માંગવા માટે મજબૂર પણ કર્યા હતા. ગોગોઈએ જ રામ જન્મભૂમિ કેસની સુનાવણી એક ચોક્કસ ટાઈમ ટેબલ હેઠળ ચલાવી હતી અને એ પ્રમાણે જ તેનો ચૂકાદો પણ આપ્યો હતો. આ ચૂકાદો તેમણે પોતાની નિવૃત્તિ અગાઉ ગણતરીના દિવસો પહેલા જ આપ્યો હતો.

આ ઉપરાંત તેમણે સબરીમાલા કેસમાં ચૂકાદો આપ્યા બાદ જ્યારે ફેરવિચારણાની અરજી થઇ ત્યારે તેમણે સબરીમાલા ઉપરાંત અન્ય ધર્મસ્થાનો પર પણ મહિલાઓને પૂજા, પ્રાર્થના કરવાના અધિકાર અંગે બંધારણીય બેંચ બનાવવાનો ચૂકાદો પણ આપ્યો હતો. આમ જસ્ટીસ રંજન ગોગોઈ એક નવો ચીલો ચાતરનાર ન્યાયાધીશ તરીકે બહાર આવ્યા હતા. અહીં એક  હકીકત એ પણ નોંધવી જોઈએ કે રામ જન્મભૂમિનો ચૂકાદો આપનાર ગોગોઈ એક માત્ર ન્યાયાધીશ ન હતા, આ ચૂકાદો પાંચ જજોની બેન્ચે આપ્યો હતો. એવી જ રીતે રફેલનો ચૂકાદો પણ ત્રણ જજોની બેન્ચે આપ્યો હતો.

હવે વાત કરીએ તેમની નિમણુંક અંગે. તો ઈતિહાસ તપાસતાં એ ખ્યાલ આવે છે કે તેમની નિમણુંક રાજકીય નથી. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોને નિમણુંક કરે છે જે સમાજના વિવિધ ક્ષેત્રોમાં આગળ પડતી ભૂમિકા ભજવતા હોય. ભૂતકાળમાં આ પ્રકારે અદાકારો, લેખકો, પત્રકારો, વકીલો અને ખેલાડીઓની નિમણુંક વિવિધ રાષ્ટ્રપતિઓ કરી ચૂક્યા છે અને આથી રંજન ગોગોઈની નિમણુંક ઉપરોક્ત તમામથી અલગ નથી.

દલીલ કરવા ખાતર એવી દલીલ જરૂર કરી શકાય કે છેવટે તો રાષ્ટ્રપતિ કેબિનેટની ભલામણ હેઠળ જ કાર્ય કરતા હોય છે. પરંતુ નિમણુંક પામેલો રાજ્યસભાનો સભ્ય કોઇપણ પક્ષના વ્હીપ હેઠળ આવતો નથી. આથી જ્યારે મતદાન કરવાનો સમય આવે છે ત્યારે તે પોતાના અંતરાત્માના અવાજ પર મતદાન કરતો હોય છે અને ગોગોઈના કિસ્સામાં ભવિષ્યમાં જો તેઓ હાલની સરકાર વિરુદ્ધ મતદાન કરશે તો સરકાર એમનું કશું બગાડી શકશે નહીં.

બંધારણની વાત કરીએ તો કલમ 220 અનુસાર કોઇપણ નિવૃત્ત જજ એ જ કોર્ટમાં વકીલાત નથી કરી શકતો જ્યાં તે જજ રહ્યો હોય. પરંતુ બંધારણમાં ક્યાંય એવી શરત નથી કે જે-તે જજ કોઈ જગ્યાએ નોકરી ન કરી શકે કે પછી કોઇપણ સ્થળે સરકાર તેની નિમણુંક ન કરી શકે. હા, સરકારી કર્મચારીઓ માટે એક બંધન છે કે નિવૃત્તિ બાદ બે વર્ષ સુધી તેઓ ક્યાંય નોકરી ન કરી શકે, પરંતુ ન્યાયાધીશો માટે આવી કોઈ સમયમર્યાદા પણ નથી એ ખાસ નોંધવું રહ્યું.

હવે વાત કરીએ પેલા ઇતિહાસની જ્યારે એવું બન્યું હતું કે પૂર્વ ન્યાયાધીશોની રાજકીય નિમણુંક થઇ હોય અથવાતો રાજકીય નિમણુંક થયા પછી ન્યાયાધીશની ખુરશી તેમને મળી હોય. આપણે આ તમામ કિસ્સાઓને ટૂંકમાં પરંતુ મુદ્દાસર જોઇએ.

  • ભારતના 9 માં મુખ્ય ન્યાયાધીશ કોકા સુબ્બા રાવે પોતાની નિયત નિવૃત્તિ કરતા ત્રણ મહિના અગાઉ રાજીનામું આપી દીધું હતું અને 1967માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર તરીકે ભાગ લીધો હતો અને તેમને 44% મત પણ મળ્યા હતા.
  • બે વખત ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ રહેલા તેમજ 1979 થી 1984 સુધી દેશના ઉપરાષ્ટ્રપતિ રહેલા મોહમ્મદ હિદાયતુલ્લાહ ભારતના 11માં ચીફ જસ્ટીસ રહ્યા હતા.
  • જસ્ટીસ કાવાદૂર સદાનંદા મદ્રાસ હાઈકોર્ટમાં જોડાયા અગાઉ રાજ્યસભાના સભ્ય હતા અને 1967માં તેઓ સુપ્રિમ કોર્ટના જજ બન્યા હતા.
  • કટોકટી દરમ્યાન જસ્ટીસ કે એસ હેગડેને સુપરસીડ કરીને ઇન્દિરા ગાંધીએ એ એન રે ને મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા જેના વિરોધમાં કે એસ હેગડે એ રાજીનામું આપ્યું અને 1977માં ઉત્તર બેંગ્લોર લોકસભા સીટ પરથી જનતા પાર્ટીની ટીકીટ પર તેમણે ચૂંટણી લડી અને જીત્યા પણ ખરા.
  • જસ્ટીસ રંગનાથ મિશ્રા જેઓ ભારતના 21માં મુખ્ય ન્યાયાધીશ હતા તેમણે કોંગ્રેસ પક્ષને 1984ના શીખ વિરોધી રમખાણોમાં ક્લીન ચીટ આપી હતી તેમને કોંગ્રેસ પાર્ટીએ પોતાની ટીકીટ પર રાજ્યસભામાં સભ્ય બનાવ્યા હતા. મિશ્ર 1998 થી 2004 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા.
  • જસ્ટીસ બહરુલ ઇસ્લામ 1962 થી 1972 સુધી કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય હતા. તેમણે રાજીનામું આપ્યું અને તેમને ગુવાહાટી હાઈકોર્ટમાં જસ્ટીસ બનાવવામાં આવ્યા. હાઈકોર્ટમાં નિવૃત્તિ બાદ તેમને 1980માં ઇન્દિરા ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં જજ બનાવ્યા અને 1983માં ઈસ્લામે સુપ્રિમ કોર્ટમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસે ફરીથી તેમને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા.
  • જસ્ટીસ અભય થીપ્સે જેમણે સોહરાબુદ્દીન કેસની સુનાવણી કરી હતી તેઓ 2017માં નિવૃત્ત થયા હતા તેઓ 2018માં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. જસ્ટીસ થીપ્સેએ માલેગાંવ બ્લાસ્ટની પણ સુનાવણી કરી હતી અને કહ્યું હતું કે “હિંદુઓએ માલેગાંવ બ્લાસ્ટ કરાવ્યા હતા.”
  • 2014માં પલાનીસામી સાંથાસીવામ જે દેશના 40માં મુખ્ય ન્યાયાધીશ હતા તેમને NDA સરકારે કેરળના ગવર્નર બનાવ્યા હતા. આ સમયે પણ કોંગ્રેસ અને વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો, પરંતુ કોંગ્રેસના જ મનીષ તિવારીએ સ્વીકાર્યું હતું કે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગવર્નર ન બની શકે તેવી બંધારણમાં કોઈજ જોગવાઈ નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here