પક્ષપલટા વિરોધી કાયદામાં હવે ક્રાંતિકારી પરિવર્તન અનિવાર્ય

0
558
Photo Courtesy: orfonline.org

ગુજરાત અને મધ્ય પ્રદેશમાં હાલમાં પક્ષ પલટાની મોસમ જોરમાં છે. આવા સંજોગોમાં પક્ષાંતર વિરોધી કાયદો બિનઅસરકારક બની ગયો છે, તો આ કાયદાને અસરકારક બનાવવા માટે અહીં કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે.

છેલ્લા દસેક વર્ષથી પક્ષપલટા વિરોધી કાયદાને દેશના ચૂંટાયેલા સંસદસભ્યો અને ધારાસભ્યો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ (મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર, નગરપાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો) ઘોળીને પી ગયા છે. પક્ષપલટા કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરીને તેઓ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે મતદારો દ્વારા અપાયેલ નિર્ણયનો દ્રોહ કરી રહ્યા છે. હવે આવું છાસવારે બની રહ્યું છે ત્યારે હવે આ અંગે ગંભીરતાથી વિચારવાનો અને તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે એવું મને લાગે છે.

1985માં રાજીવ ગાંધીના વડાપ્રધાનપદે પક્ષપલટા વિરોધી કાયદો લાવવામાં આવ્યો હતો. તે માટે 52મા બંધારણ સુધારા અધિનિયમ લાવવામાં આવ્યો. આ સુધારામાં બંધારણના આર્ટીકલ 101, 102 તથા 190 અને 191માં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમાં પક્ષપલટો કરે તો તેને ગેરકાયદે જાહેર કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવી હતી. તેને માટે બંધારણમાં “અનુસુચિ દસ” ઉમેરવામાં આવી હતી અને તેનો અમલ માર્ચ 01, 1985થી કરવામાં આવી રહ્યો છે. તે સમયે જો રાજકીય પક્ષના એક તૃતીયાંશ સભ્યો પક્ષ પલટો કરે તો તે પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈ નીચે ગેરકાયદેસર ન કહી શકાય એવી જોગવાઈ હતી. આ જોગવાઈનો ઘણો દુરુપયોગ થતાં વડાપ્રધાન બાજપેયીજીના નેતૃત્વમાં તેમાં સુધારો કરવા માટે 91મા બંધારણ સુધારા અધિનિયમને 2003માં લાવવામાં આવ્યો. આ અંતર્ગત “એક તૃતીયાંશ”ને બદલે “બે-તૃતીયાંશ” કરી દેવામાં આવ્યું અને જેમને પક્ષપલટો કરવો હોય તેમને વિધાનસભા, લોકસભા, રાજ્યસભા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામું આપી દેવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું. તેની પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે તેના કારણે પક્ષપલટો અટકી શકે. પરંતુ 2003માં આ જોગવાઈ થયા પછી પણ પક્ષપલટુઓથી છુટકારો ન મળ્યો.

છેલ્લા દસ વર્ષથી પક્ષપલટુઓએ કરેલા કારસ્તાનો પછી આજે હું ભવિષ્યમાં પક્ષપલટો રોકવા માટે કેટલાંક સૂચનો કરી રહ્યો છું. આ સૂચનોથી પક્ષપલટા ઉપર કાયમી રોક લાગી જશે તેમ મારું સ્પષ્ટ માનવું છે.

સુચન એક

પક્ષપલટો કરનાર સદસ્ય પછી તે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો હોય,

પક્ષપલટો કર્યા પછી ઓછામાં ઓછા દસ વર્ષ માટે ચૂંટણી લડવા માટે તે સદસ્ય ગેરકાયદે જાહેર થવો જોઈએ. તદુપરાંત આ દસ વર્ષ દરમિયાન તે કોઈપણ રાજકીય પક્ષમાં કે કોઈપણ સરકારી કે અર્ધ-સરકારી સંસ્થાનોમાં કોઈપણ હોદ્દો મેળવી ન શકે એવી જોગવાઈ પણ સાથે સાથે થવી જોઈએ.

જો દસ વર્ષ સુધી આ રીતે તે ગેરકાયદે જાહેર થશે તો તેની રાજકીય કારકિર્દી લગભગ પૂરી થઇ જશે.

સુચન બે

ઓછામાં ઓછા દસ વર્ષ સુધી ચૂંટણી લડવા ઉપર તેની ઉપર પ્રતિબંધ તો આવે જ પરંતુ સાથે સાથે જો તે પક્ષપલટો કરે તો તેને રાજ્યની તિજોરીમાં દંડ ભરવો અનિવાર્ય કરી દેવો જોઈએ.

આ દંડ ખુબ જ આકરો હોવો જોઈએ.

લોકસભા કે રાજ્યસભાના સભ્યપદેથી ગેરકાયદેસર જાહેર થાય તો 2.5 કરોડ રૂપિયા, વિધાનસભાના સભ્યપદેથી ગેરકાયદેસર જાહેર થાય તો 1 કરોડ રૂપિયા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાંથી સભ્યપદે ગેરકાયદેસર જાહેર થાય તો 50 લાખ રૂપિયાનો દંડ ફરજીયાત રીતે તેને ચૂંટણી પંચમાં ભરવો પડે એવી જોગવાઈ થવી અનિવાર્ય છે.

જો તે દંડ ભરવામાં નિષ્ફળ જાય તો તેની અને તેના કુટુંબીજનોની મિલકતોની હરાજી કરીને દંડ વસુલ કરવો જોઈએ. જો તેમ છતાં દંડ પુરેપુરો વસુલ ન થાય તો તેને ફરજીયાત જેલમાં રહેવું પડે તેવી કડક કાનૂની જોગવાઈ થવી હવે અનિવાર્ય છે.

આ નિર્ણય પક્ષપલટો થાય તેના ત્રણથી ચાર અઠવાડિયામાં જ આવી જવો જોઈએ એવી જોગવાઈ પણ થવી અનિવાર્ય છે. જો સમયમર્યાદાની જોગવાઈ નહીં થાય તો તે અર્થહીન થઇ જશે.

સુચન ત્રણ

આવી રીતે ગેરકાયદેસર ઘોષિત થનાર સદસ્યનો મતાધિકાર દસ વર્ષ માટે રદ કરી દેવામાં આવે તથા

તે કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા મળતી લાભદાયી કે કલ્યાણકારી યોજનાઓનો કોઈ જ લાભ તેને ન મળે તેવી કડક જોગવાઈ કરવી આવશ્યક છે.

સુચન ચાર

પક્ષપલટો કરનારને ગેરકાયદે જાહેર કરવાની સત્તા લોકસભા, રાજ્યસભા કે વિધાનસભામાં સ્પીકર એટલે કે અધ્યક્ષ પાસે છે તે સત્તા “ચૂંટણી પંચ”ને આપી દેવી.

ચૂંટણી પંચમાં આ અંગે એક તટસ્થ અને સ્વાયત્ત કમિટી હોય કે જે કમિટીમાં સર્વોચ્ચ અદાલતના તથા જે તે હાઈકોર્ટના બે-બે સીટીંગ જજ હોય અને આ કમિટીના અધ્યક્ષ લોકસભા અને રાજ્યસભા માટે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ હોય જયારે વિધાનસભા અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે જે તે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ હોય.

આટલો સુધારો થવાથી અધ્યક્ષ દ્વારા જે મનમાન્યું અર્થઘટન કરીને નિર્ણયો લેવામાં આવે છે તે અટકી જશે.

એક વખત આ ચાર સુધારા કરીને પાંચ વર્ષ બાદ તેનું મૂલ્યાંકન થવું જોઈએ. આ મૂલ્યાંકનમાં જે કંઈ નવી મુશ્કેલીઓ નજરે દેખાય તો તેને કાબુમાં લેવા માટે પાંચ વર્ષ પછી ફરી યોગ્ય તે સુધારાઓ થવા જોઈએ.

બોલો…“બિલાડીના ગળે ઘંટ બાંધવા” માટે
મજબુર કરવા માટે કોણ ચળવળ ચલાવશે?

ક્યાં છે લોકશાહીના પુરસ્કર્તાઓ…???
ક્યાં છે લોકશાહી ખતરામાં છે એવું કહેનારાઓ…???
ક્યાં છે લોકશાહીના મુલ્યોની રક્ષા કરનારાઓ…???

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here