જનતા કર્ફ્યું: દેશ કદાચ જીતી ગયો પરંતુ દેશભક્તો ચોક્કસ હારી ગયા

0
293
Photo Courtesy: indianexpress.com

ગઈકાલના જનતા કર્ફ્યું દરમ્યાન ગુજરાતવાસીઓએ સાંજે પાંચ વાગ્યા સુધી જબરદસ્ત એકતા દેખાડી હતી પરંતુ પાંચ વાગ્યા પછી ખબર નહીં શું બન્યું કે બધું જ બગડી ગયું જેણે અમુક તત્વોને પોતાનો એજન્ડા ફેલાવવાની તક આપી દીધી.

Photo Courtesy: indianexpress.com

ગઈકાલે પાંચ વાગ્યા સુધી બધું બરોબર ચાલી રહ્યું હતું. પાંચ વાગ્યે ફક્ત ઘરની ગેલેરી, બારી કે બહુ બહુ તો ફળિયામાં પરિવારના સભ્યો સાથે તાળી, થાળી કે ઘંટનાદ કરીને કોરોનાના સેનાનીઓને સન્માન આપવાનું હતું. પરંતુ અત્યારસુધી ધીરજનો બંધ સાચવીને બેસેલા ગુજરાતના મોટાભાગના શહેરોના અમુક નાગરિકોનો આ બંધ સાંજે પાંચ વાગ્યે અચાનકજ તૂટી ગયો અને થાળીઓ વગાડતા વગાડતા સમુહમાં શેરીઓમાં નીકળી પડ્યા જેણે ‘social distancing’ ને ‘social disgusting’ માં પરિવર્તિત કરી નાખ્યું.

આમ થવાથી ભારત બીજું ઇટાલી તો બનતા બનશે પરંતુ કમને પોતાના પ્રાણનો ડર રાખીને ઘરમાં બેસી પડેલા સ્યુડો દેશભક્તોને મજા પડી ગઈ. તરતજ એમના સ્ટેટ્સ વહેતા થઇ ગયા અને જ્ઞાન આપવા માંડ્યા કે અમે તો જુઓ મોદીને પ્રેમ નથી કરતા પણ તોય આખો દિવસ સંયમ પણ રાખ્યો અને સાંજે પણ ઘરમાં જ બેઠા રહ્યા પણ આ ‘ભક્તો’ જુઓ… આમ કહીને તેમણે પોતાનો છૂપો એજન્ડા મુદ્દાસર લખીને ફેલાવવાનો શરુ કરી દીધો કે એમ રાષ્ટ્રવાદના ઉન્માદથી કશું નહીં થાય, માટે અમે કાયમ કહીએ એ જ બરોબર છે.

આ એક બહુ મહત્ત્વની તક હતી આપણી પાસે જે જીતતા જીતતા આપણે હારી ગયા અને છદ્મ દેશભક્તો હારતા હારતા, જાણેકે મેચના છેલ્લા બોલે સિક્સર મારીને જીતી ગયા.

ગઈકાલના જનતા કર્ફ્યુંની મૂળ ભાવના દૂર રહીને વાયરસની ચેઈન તોડવાની હતી, પાંચ વાગ્યે પાંચ મિનીટ કોરોનાના સેનાનીઓને સન્માન કરવાની હતી નહીં કે કોઈ રાજકીય પક્ષ કે તેના નેતાની ભક્તિ કરવા માટે. આ બધું આપણા માટે હતું પણ…

જે લોકો રોગચાળા પર રાજકારણ ન રમવાનું નાટક કરી રહ્યા હતા અને તેને કારણે મારા જેવા અત્યારસુધી એ રાજકારણ કરવાથી દૂર રહેવા ભરમાઈ ગયા એમને પણ પેલા ‘ગરબા મંડળે’ સણસણતો તમાચો માર્યો છે.

લોકપ્રિય અને પ્રબુદ્ધ લેખકો ગઈકાલ સાંજની ઘટનાને અંધભક્તિ કહીને એ તમામની મજાક ઉડાવી રહ્યા છે જ્યારે મારા જેવા કહેવાતા મહીને ૧૫૦૦ રૂપિયા મેળવતા અંધભક્તો તો માત્ર ગઈકાલે જ નહીં પરંતુ આવનારા પંદર દિવસ સુધી ઘરમાં રહીને દેશસેવા કરવાનો નિર્ધાર કરી ચૂક્યા છે એમને પણ આ પ્રબુદ્ધોની એક લાકડીએ હંકાવું પડ્યું.

હજી પણ સમય છે. ગુજરાતના પાંચેય મહાનગરોમાં લોક ડાઉનનો આદેશ છે. હજી પણ ગઈકાલની ભૂલ સુધારી શકાય છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના નાગરિકો આવનારા દિવસોમાં ઘરમાં પડ્યા રહો, તો જ જીવશો. હવે જો મક્કમતા દર્શાવશો તો જ આપણી સાચી દેશભક્તિ પેલા છદ્મવેશે ફરતા દેશભક્તોની યોજનાને ઉંધી પાડશે. એમની એ યોજના અતિશય ખતરનાક છે જે આપણો જીવ લઈને માત્ર એક વ્યક્તિને ખોટો સાબિત કરવા માંગે છે, જ્યારે આપણે આપણા દેશને સાચો સાબિત કરવાનો છે.

ફરીથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે એપ્રિલના પ્રથમ વિકેન્ડ સુધી જરૂર ન હોય તો ઘરમાં જ રહો. જીવન જરૂરિયાતની ચીજ લેવા ઘરના પુખ્તવયના લોકોને અમુક દિવસના અંતરે વારાફરતી બહાર મોકલો. સરકાર અને સરકારી તંત્રને સાથ આપો, તો જ જીવશો, નહીં તો ઇન્ડિયા જ ઇટાલી થઇ જશે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here