બે દિવસ પહેલાં દેશનાં, ગુજરાતીનાં બહુ જાણીતા પત્રકારનો ફોન આવ્યો. કોરોનાને કારણે બધું જ ઓલમોસ્ટ ઠપ્પ થઈ ગયું છે, બધા પાસે સમય જ સમય છે. મને કહે, “આ ખાલી સમયમાં મને વિચાર આવ્યો કે, જિંદગીમાં કોઈ જ સ્વાર્થ વગર મને જેમણે અનેક વખત મદદ કરી હોય, એ બધાંને ફોન કરું! તને પણ એટલે જ ફોન કર્યો…” પછી નિરાંતે ઘણી વાતો થઈ. આવો વિચાર આવે એ જ કેટલી સારી વાત ગણાય!
કોરોના વિશેનાં સમાચારો સાંભળી રોજ આપણું દિમાગ નેગેટિવિટીથી જાણે ઝખ્મી થઈ જાય છે. આ મહાસંકટના કારણે આપણને કેટકેટલી તકો મળી છે, એ વિશે આપણે વિચાર જ કરતા નથી. હું તમને ગણાવું:

*આપણે હંમેશા કામનાં બોજની અને બ્રેક ન મળવાની ફરિયાદ કર્યે રાખીએ છીએ. અત્યારે બ્રેક છે, કામ નથી, ચાલું પગારે રજા છે. બોસની ચંચુપાત નથી. ફુરસત કે રાત દિન… આ જ તો આપણે ઢૂંઢતા હતા ને?
*”પરિવાર સાથે રહેવા સમય નથી મળતો… છોકરાંઓને સ્કૂલે જવું હોય એટલે વહેલાં સૂઈ જવું પડે છે…” હવે પરિવાર સાથે રહેવાનો ભરપૂર સમય છે. ઇન્ડોર ગેમ્સ રમીએ, એમને ફિલ્મો દેખાડીએ… અમે પણ એ જ કરીએ છીએ: બાલા, honey I shrunk the kids, સ્ટ્રીટ ડાન્સર-3, નાર્નિયા જેવી અનેક ફિલ્મો જોઈ નાંખી.
*પરિવાર સૂઇ જાય પછી આપણાં ટેસ્ટનું જોવાનું: કે.કે. મેનનની વેબ સીરિઝ “સ્પેશિયલ ઓપ્સ” જોઈ, અર્શદ વારસીની “અસુર” જોઈ બેય મસ્ત. કાલે “ભૌકાલ” ચાલું કરી છે.
*આસપાસ ખામોશી છે. ભણતાં હતાં ત્યારે નિબંધ આવતો: “ગ્રીષ્મની બપોર!” બસ. રોજ એવું જ હોય છે. નીરવ શાંતિ. આ કળિકાળમાં પ્રકૃતિએ જાણે આપણને ટાઈમ મશીનમાં મૂકી ને સમયને પચાસેક વર્ષ રિવાઇન્ડ કરી આપ્યો છે. એન્જોય કરો.
*પ્રકૃતિને પણ બ્રેક મળ્યો છે. કાર્બન ઓમિશન નિમ્ન સ્તરે છે, હવા ચોખ્ખી થઈ છે, પ્રાકૃતિક પર્યટન સ્થળો પરનો અત્યાચાર સાવ જ બંધ છે, મંદિરોમાં ભગવાન ખુશ છે. રોજરોજ અરજીઓ અને ભલામણો સ્વીકારી એ પણ કંટાળ્યા હતાં. માંડ બ્રેક મળ્યો. ભાગદોડ, ઘોંઘાટ, હાયવોય… બધું જ બંધ. શું આવા જ સમયની આપણે ઝંખના નહોતાં કરી રહ્યાં?
*જિંદગી રોજ આપણને સંદેશ આપે છે: “તું સર્વેસર્વા નથી, ઘણીબધી બાબતો છે-જે તારા હાથમાં નથી. ઘોંઘાટમાં આપણને એ મેસેજ સંભળાતો નથી. હવે કાન દઈ ને સાંભળો. આસપાસ નિરવ શાંતિ છે. બધું સંભળાશે. પ્રકૃતિનો તાગ મનુષ્ય હજુ પૂર્ણતઃ પામી શક્યો નથી. ઘણીબધી બાબતો આપણાં હાથમાં નથી. જગતનાં કોઈ દેશનાં પ્રમુખ પણ આ બીમારીથી સલામત નથી. પ્રકૃતિ એક મહાન લેવલર છે. આ વાત સ્વીકારશો તો અહમ આપોઆપ ઓગળી જશે. ચિંતન કરો.
*પ્રકૃતિએ અવસર આપ્યો છે. મનગમતી પ્રવૃત્તિ કરો. વાંચન, લેખન, ફિલ્મ્સ, ટીવી, ઈન્ટરનેટ, ગપ્પાં, ઇન્ડોર ગેમ્સ, સોશિયલ મીડિયા, મિત્રો સાથે ફોન પર ગોષ્ઠી, પરિવાર સાથે ટાઈમપાસ… કેટલું બધું છે, કરવા જેવું! રેસ્ટોરાં નહીં, થિયેટર નહીં, ખર્ચાળ પ્રવાસ નહીં, દેખાડા નહીં. બસ, નિજાનંદ. સમયની કોઈ ઉણપ નહીં. માણી લો. કોરોના ના મિલેગા દોબારા.
*છેલ્લી પણ સૌથી અગત્યની વાત: આપણાંમાંથી કોઈ જ વ્યક્તિ દેશસેવા માટે સરહદ પર જઈ શકવાની નથી, પરિવાર માટે કોઈ જ મરી ફિટવાનાં નથી. કુદરતે અવસર આપ્યો છે: ઘેર રહી ને આપણે દેશની, સમાજની, પરિવારની સેવા કરી શકીએ છીએ. જ્યારે ઘેર આરામથી પડ્યા હોવ, ટીવી કે ફિલ્મ જોતા હોવ… ત્યારે યાદ રાખજો: એક પ્રકારે તમે દેશસેવા, સમાજસેવા કરી રહ્યાં છો, પરિવારની સેવા કરી રહ્યાં છો.
eછાપું