રસપ્રદ કથાઓઃ પાઉં-ભાજી અને આઈસ્ક્રીમ એકસાથે વેચવા ‘નેચરલ’ ગણાય?

0
316
Photo Courtesy: firstpost.com

1986ની વાત. ભારતીય ટીમના સુનીલ ગાવસ્કર અને વેસ્ટ ઈન્ડીઝ ટીમના વિવિયન રિચર્ડસ – ક્રિકેટ જગતના આ બે મહાન ક્રિકેટપટૂઓનો ટી.વી. પર વાર્તાલાપ. સુનીલે વિવિયનને તેમની ભારતયાત્રાની ઉત્તમ યાદો જણાવવા કહ્યું. વિવિયને ઉત્તર આપ્યોઃ બોમ્બેના ‘નેચરલ આઈસક્રીમ પાર્લર’માં મેં ચીકૂ અને સીતાફળનો આઈસક્રીમ ખાધેલો તે હું ક્યારેય નહીં ભૂલી શકું.

***

‘मुंबई के आंतरराष्ट्रीय हवाई अड्डे पे आपका स्वागत है । बाहर का तापमान 34 डीग्री सेल्सियस है । आप जब मुंबईमें कुछ दिन गुजारें तब गेट-वे-ऑफ-ईंडिया, मरीन ड्राईव औए सिद्धीविनायक मंदिर के अलावा नेचरल आईसक्रीम पार्लर की भी मजे लें। મુંબઈમાં ઊતરતી ઈન્ડીગો એરલાઈનની ફ્લાઈટમાં આ રીતે જાહેરાત થતી.

Photo Courtesy: firstpost.com

આવી દરેક જાહેરાત કે પબ્લિસિટી સ્વયંભૂ છે, એટલે કે નેચરલ આઈસ્ક્રીમના માલિક આ જાહેરાતો કરવા માટે કોઈ ચૂકવણી કરતાં નથી. આવો આજે વાત કરીએ આ નેચરલ આઈસ્કીમ વિશે, તેના માલિક વિશે અને તેની પ્રેરણાદાયક ગાથા વિશે.

કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાનું પુટ્ટુર નામનું શહેર. ત્યાં રહેતા એક મલિયાલી ફળ વિક્રેતા કામથ પરિવારમાં પતિ-પત્ની અને આઠ સંતાનો રહેતા. સૌથી નાના સંતાનનું નામ રઘુનંદન કામથ. રઘુનંદન ભણવામાં ઢબૂનો ઢ. અભ્યાસમાં કોઈ રસ નહીં. જેટલી સ્કૂલમાં જવાની આળસ, તેટલી જ પિતાજીના ફળોની દુકાને જવાનો રસ. દુકાન પર જઈને રઘુનંદન ફળોની જાણકારી મેળવે, સ્વાદ અને ખુશ્બૂ પારખે. રઘુનંદન જ્યારે 14 વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતા મુંબઈના કોલીવાડા વિસ્તારમાં 12×12ની ‘ખોલી’માં રહેવા આવ્યા. મોટા દીકરાએ એક ઉડીપી રેસ્ટોરાં સાંતાક્રૂઝ વિસ્તારમાં શરૂ કર્યો. જેમ તેમ મુંબઈની એક કન્નડ માધ્યમની સ્કૂલમાંથી રઘુનંદને 19 વર્ષે દસમું ધોરણ પાસ કર્યું. પોતાના પુત્રને ભણવામાં રસ નથી એ જાણતાં જ પિતાએ રઘુનંદનને મોટા ભાઈના રેસ્ટોરાંમાં કામે વળગાળી દીધો.

ઘરમાં સૌથી નાના હોઈએ એટલે આપણું લગભગ કોઈ માને નહીં. એવું જ રઘુનંદન સાથે થયું. રેસ્ટોરાંમાં કોઈ પણ ગ્રાહક જ્યારે આઈસક્રીમ ઓર્ડર કરે ત્યારે રઘુનંદનને થતું કે આઈસ્ક્રીમ સાથે ગ્રાહકોને ફળો મિક્સ કરીને આપવા જોઈએ. પણ નાનાભાઈની વાત કોણ માને.

દસેક વર્ષ મોટા ભાઈઓ સાથે કામ કર્યું પરંતુ 1983માં અંદરનો જુવાળ જાગ્યો. પોતે પોતાનો સ્વતંત્ર વેપાર કરવાનો નિર્ણય લઈને વડીલો સાથેના વેપારમાંથી મળેલા અને બીજા મિત્રો પાસેથી ઉધાર-ઉછીના કરીને કુલ ત્રણેક લાખ ભેગા કર્યા. મુંબઈના પૉશ વિસ્તાર (જ્યાં લગભગ બોલીવુડના સેલિબ્રીટીઓ રહેતા) જૂહુમાં એક દુકાન ખરીદી. ત્રણ લાખની મૂડી, ત્રણ કર્મચારી અને 300 સ્ક્વેરફૂટના આઈસ્ક્રીમ પાર્લરમાં ‘નેચરલ આઈસ્ક્રીમ’નો જન્મ થયો.

આ આઈસ્ક્રીમ પરંપરાગત રીતે બનાવાઈ અને તેમાં ‘અસ્સલ’ ફળો મિશ્ર કરવામાં આવ્યા. ગ્રાહકો ખાય ત્યારે તેમને કૃત્રિમ રસાયણો કરતાં અસલી ફળોનો સ્વાદ મળે એવી રઘુનંદનની ભાવના! દૂધ, સાકર, ફળ અને સૂકામેવા – સિવાય કોઈ કૃત્રિમ રસાયણ કે પ્રિઝર્વેટિવ નાખવા નહીં.

આ વાત લગભગ ચારેક દશક પહેલાની છે. તે સમયે ઘરની બહાર આવા કોઈ આઉટલેટમાં જઈને આઈસ્ક્રીમ ખાવાનો આઈડીયા લોકોને અજીબ લાગતો. સુખી અને સમૃદ્ધ લોકો તે સમયે ‘ડેઝર્ટ’ ખાવા બહાર નીકળતા પણ સામાન્ય માણસો માટે મુંબઈની પ્રસિદ્ધ ‘મટકા-કુલ્ફી’ જ ‘ડેઝર્ટ’ હતું. આ જ કારણે રઘુનંદને પોતાના આઉટલેટમાં પાઉં-ભાજી વેંચવાનું પણ શરૂ કર્યું. લોકો પાઉં-ભાજી ખાવા આવે અને તે બહાને આઈસ્ક્રીમ ખાશે, તેવી આશાએ આ પ્રયોગ અપનાવવાની આઈડીયા રઘુનંદનના પત્ની અન્નપૂર્ણાએ આપી હતી.

300 સ્ક્વેરફૂટના આઉટલેટમાં આઈસ્ક્રીમ અને પાઉં-ભાજી બંને બનાવવાની જગ્યા નહોતી માટે ઘરે પાઉં-ભાજીની તૈયારી થતી. જગ્યાનો અભાવ હતો અને માણસોનો પણ. રઘુનંદન પોતે ફળોની ખરીદી કરવા બજારમાં જતાં. એકાદ વર્ષ આ રીતે વ્યવહાર ચાલ્યો અને થોડા દિવસ પછી ગ્રાહકો વધતાં પાઉં-ભાજીનો આઈડીયા માંડી વાળ્યો. હવે ફક્ત અને ફક્ત નેચરલ આઈસ્ક્રીમ જ વેંચાવાનું શરૂ થયું. જૂહુના એ આઉટલેટમાં પહેલાં વર્ષે એક લાખ રૂપિયાનો વકરો કર્યો.

આ તો ફક્ત શરૂઆત હતી. જેમ દિવસો પસાર થતાં ગયાં તેમ તકલીફો પણ વધતી ગઈ. એક વાર તેમના જૂહુના આઉટલેટ પર આવકવેરા વિભાગનો દરોડો પડ્યો અને ધંધો ઠપ્પ થવાની અણી પર આવ્યો. પોતાની બ્રાન્ડ અને રેસિપી લઈને રઘુનંદન ફિનિક્સ પક્ષીની જેમ ફરી બેઠા થયા. હવે તેમને કાયદાકીય બાબતો પણ સમજાવા લાગી. પોતાની બ્રાન્ડનેમ ‘નેચરલ’ને જ પકડીને અલગ અલગ ફળો વાપરીને નવા ફ્લેવરો માર્કેટમાં મૂકતાં ગયાં. તેમના હરીફો થાકી જાય તેવા નવા નામો અને સ્વાદ લોકોની દાઢે વળગ્યા.

જૂહુમાંથી હવે મુંબઈના બોરીવલી, મલાડ, અંધેરી-લોખંડવાલા, બાંદ્રા, વિલેપાર્લે જેવા ગીચ અને સમૃદ્ધ વિસ્તારોમાં તેમણે પોતાના આઉટલેટ શરૂ કર્યા. મુંબઈનો વ્યાપ પત્યો પછી પૂણે, અમદાવાદ, હૈદ્રાબાદ અને બેંગ્લોરમાં પણ તેઓએ નેટવર્ક વધાર્યું.

જેમ જેમ આઉટલેટ વધતા ગયા તેમ એક નવી મુશ્કેલી ઊભી થઈ – ફળોના બીને ઝડપથી અલગ કરવાનું. અત્યાર સુધી તેના કારીગરો હાથેથી બી અલગ કરતાં પણ હવે તેમણે એક ઓટોમેટીક મશીનની જરૂર લાગી. રઘુનંદને પોતે ‘ડી-સીડિંગ’ મશીન ડિઝાઈન કરાવ્યા. પોતાની બરફ બનાવવાની કંપની સ્થાપી. પેકેજીંગ માટે સિસ્ટમ તૈયાર કરી. દરેક પાર્લરમાં આઈસ્ક્રીમ સહજ રીતે પહોંચે તે માટે લોજિસ્ટીક નેટવર્ક તૈયાર કર્યું – એક અભણ માણસની ધગશ તેને આઈસ્ક્રીમના બેતાજ બાદશાહ બનાવવામાં સફળ રહી.

આજે કાંદિવલીના ચારકોપમાં તેમની 25000 સ્કવેર ફૂટ મોટી ફેક્ટરી છે. ત્યાં હાથેથી વલોવવા માટેના મશીનો વસાવેલા છે. તેમના નવા આઈસ્ક્રીમ ફ્લેવરમાં કાકડી, કોળું, ફુદીના, તુલસી જેવા ફ્લેવર પણ જોવા મળે છે. તહેવારોમાં પણ તેમના વિશેષ ફ્લેવર હોય છે. જેમ કે ઈદમાં ‘મલાઈ કોરમા’ ફ્લેવર, નવરાત્રીમાં ‘ગાજર કા હલવા’ ફ્લેવર અને ગણેશોત્સવમાં ‘પ્રસાદ’ ફ્લેવર. નેચરલના દરેક ફ્લેવરનો ભાવ સરખો એટલે કોઈ મોંઘા ફ્લેવર (જેમ કે સીતાફળ, કરમદાં, બ્લ્યુબેરી)માં ઓછો માર્જીન (ગાળો) હોય તો બીજા સસ્તા ફ્લેવર (જેમ કે નારીયેળ, શકરટેટી)માં સાટું વાળી લે.

વિવિયન સિવાય અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર જેવા બોલીવુડ દિગ્ગજો પણ નેચરલ આઈસ્ક્રીમના દિવાના રહ્યા છે અને તેઓ પોતે જ કોઈ પણ પ્રકારની ફી લીધા વગર જાહેરાત કરતાં.

આજે નેચરલ આઈસ્ક્રીમના 150 જેટલાં પાર્લર છે અને તેના બે પુત્રો શ્રીનિવાસ અને સિદ્ધાર્થ કામથ આ ધંધો આગળ ધપાવી રહ્યા છે. તેમના પહેલા જૂહુવાળા પાર્લરમાંથી આજે પણ વર્ષે 5 કરોડનો આઈસ્ક્રીમ વેંચાય છે.

સંદર્ભઃ

https://www.thehindubusinessline.com/companies/Melting-hearts-the-Natural-way/article20676910.ece#

https://economictimes.indiatimes.com/news/company/corporate-trends/how-raghunandan-kamath-made-natural-ice-cream-a-50-crore-business/articleshow/11401955.cms

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here